ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયશેખર સૂરિ

Revision as of 06:52, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. ઈ.૧૩૬૪માં આચાર્યપદ. ઈ.૧૪૦૬ સુધીની એમની કૃતિઓ મળે છે. ખંભાતની રાજસભામાં ‘કવિચક્રવર્તી’નું બિરુદ મેળવનાર અને પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવનાર, સંસ્કૃત-પ્રાકૃતના સમર્થ વિદ્વાન આ કવિ અનેક વિદ્વાન શિષ્યો ધરાવતા હતા. પોતાની જ મૂળ સંસ્કૃત રચના ‘પ્રબોધચિંતામણિ’ (ર.ઈ.૧૪૦૬) પર આધારિત ૪૧૫/૪૪૮ કડીનો ‘ત્રિભુવનદીપક-પ્રબંધ’ /અંતરંગ-પ્રબંધ/પરમહંસ-પ્રબંધ/પ્રબોધચિંતામણિ-ચોપાઈ’ (મુ.) એમની યશોદાયી કૃતિ છે. મુખ્યત્વે દુહાચોપાઈ પણ તે ઉપરાંત અક્ષરમેળ-માત્રામેળ છંદો, ગીતો ને ‘બોલી’ નામક ગદ્ય પ્રયોજતી આ કૃતિ ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકાવ્ય છે. માયાના ફંદામાં ફસાયેલા પરમહંસરાજા એટલે કે જીવાત્મા વિવેક આવતાં એમાંથી કેવી રીતે મુક્ત થાય છે તેની કથા કહેતા આ પ્રબંધની વસ્તુરચના, વર્ણનછટા, અલંકારયોજના ને દૃષ્ટાંતપરંપરા તથા લોકવાણીની મદદથી વક્તવ્યને સચોટતા અર્પતી શૈલીમાં ઉચ્ચ પ્રકારની કવિપ્રતિભા વ્યક્ત થાય છે. આ કવિના ૨ ‘નેમિનાથ-ફાગુ’(મુ.)માંથી આંતરયમકવાળા ૧૧૪ દુહામાં રચાયેલ પ્રથમ ફાગુ વસંતક્રીડા, ભોજન, વરશણગાર, વરઘોડો આદિનાં આલંકારિક ને સ્વાભાવિક વર્ણનો તથા મર્મભરેલા સંવાદ વગેરેથી વધારે રસપ્રદ બનેલ છે. આંતરયમકવાળા દુહા તથા રોળામાં રચાયેલું ને ૭ ભાસમાં વહેંચાયેલું બીજું ફાગુકાવ્ય પ્રથમ કાવ્યની સાદી ટૂંકી આવૃત્તિ જેવું છે. તેમણે આ ઉપરાંત દ્રુતવિલંબિત છંદની ૯ કડીની ‘અર્બુદાચલ-વિનતિ’ (મુ.), દ્રુતવિલંબિત છંદની ૭ કડીની ‘મહાવીર-વિનતી’ (મુ.), ‘પંચાસરા-વિનતિ’, વગેરે વિનતિ, સ્તુતિ, પ્રવાડી, ધોળ આદિ પ્રકારની ઘણી કૃતિઓ રચેલી છ.ે શ્રાવકધર્મોનું વિવરણ કરતી ‘શ્રાવકબૃહદ્અતિચાર/વૃદ્ધઅતિચાર’(મુ.), તીર્થંકર-પ્રશસ્તિના ૩ સંસ્કૃત શ્લોકોની પ્રાસબદ્ધ ગુજરાતી ગદ્યમાં ટીકા(મુ.) તથા ‘આરાધનાસાર’ એ એમની ગદ્યરચનાઓ છે. આ પંડિત કવિએ સંસ્કૃતમાં ‘પ્રબોધચિંતામણિ’ ઉપરાંત ‘ઉપદેશચિંતામણિ’ (ર.ઈ.૧૩૮૦) તથા એની અવચૂરિ, ‘ધમ્મિલ-ચરિત’ (ર.ઈ.૧૪૦૬), ‘જૈનકુમારસંભવ-મહાકાવ્ય’, ‘નલ-દમયંતી-ચંપૂ’, ૩ દ્વાત્રિંશિકાઓ ને પ્રાકૃતમાં ‘આત્માવબોધ-કુલક’ વગેરે અનેક કથાત્મક, તત્ત્વજ્ઞાનાત્મક ને સ્તુતિરૂપ કૃતિઓ રચેલી છે. કૃતિ : ૧. ત્રુભુવન દીપકપ્રબંધ, સં. લાલચંદ્ર ભગવાનદાસ, સં. ૧૯૭૭; ૨. ગુરાસાવલી; ૩. પંગુકાવ્ય(+સં.); ૪. પ્રાફાગુસંગ્રહ; ૫. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૭૬;  ૬. જૈનયુગ, એપ્રિલ ૧૯૫૮ - ‘મહાવીરવિનતિ’ સં. ભોગીલાલ સાંડેસરા. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૬૬ - ‘શ્રીપંચાસરા પાર્શ્વનાથમંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’; ૩. ગુસાઇતિહાસ: ૧; ૪. ગુસાસ્વરૂપો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. જૈગૂકવિઓ: ૧,૩(૧,૨); ૮ જૈહાપ્રોસ્ટા; ૯. મુપુગૂહસૂચી. ૧૦. લીંહસૂચિ; ૧૧. હેજૈજ્ઞાસૂચિ :૧.[શ્ર.ત્રિ.]