ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનપદ્મ સૂરિ

Revision as of 11:38, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનપદ્મ(સૂરિ) [૧૪મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૩૪૪/સં. ૧૪૦૦, વૈશાખ સુદ ૧૪] : ખરતરગચ્છના જૈન સાધુ. પંજાબના છાજહડ કે ખીમડ કુળમાં જન્મ. પિતા આંબા શાહ. માતા કીકી. ઈ.૧૩૩૩/૧૩૩૪માં સૂરિપદ. સૂરિપદ આઠમે વર્ષે અપાયું હોવાની ને તેથી જન્મ ઈ.૧૩૨૬માં હોવાની માહિતી પણ નોંધાયેલી છે, પરંતુ તે પૂરતી અધિકૃત હોવાનું જણાતું નથી. બાલ્યાવસ્થાથી જ સરસ્વતી પ્રસન્ન. તેથી પાટણસંઘે તેમને ‘બાલ-ધવલ-કૂર્ચાલ-સરસ્વતી’નું બિરુદ આપેલું. આ કવિનું દુહા-રોળાબદ્ધ ૨૭ કડી ને ૭ ભાસનું ‘સ્થૂલિભદ્ર-ફાગુ’ - (મુ.) પ્રાપ્ત ફાગુકાવ્યોમાં પ્રાચીનતાની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા ગાવા રચાયેલા આ કાવ્યમાં વર્ષાઋતુ અને કોશાના સૌંદર્યનાં આલંકારિક વર્ણનો, નાટ્યાત્મક પ્રસંગ-ભાવ-ચિત્રણ ને કવિની ભાષાપ્રૌઢી આસ્વાદ્ય છે. આ ઉપરાંત, આ કવિને નામે ૨૬ કડીનું ‘શત્રુંજય-ચતુર્વિંશતિ-સ્તવન’ નોંધાયેલું છે. કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ; ૨. પ્રાગૂકાસંચય; ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.);  ૪. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૫૪ - ‘જિનપદ્મસૂરિકૃત શ્રી સ્થૂલિભદ્રફાગુ’ સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉપક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૬૯ - ‘સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો’; ૩. ઐજૈકાસંગ્રહ; ૪. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૫. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧.[ચ.શે.]