ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનેન્દ્રસાગર

Revision as of 12:42, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનેન્દ્રસાગર [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાની પરંપરામાં જશવંતસાગરના શિષ્ય. ક્યારેક આ કવિ જૈનેન્દ્રસાગર નામથી પણ ઉલ્લેખાયા છે. એમની કૃતિઓ ઈ.૧૭૨૪ - ઈ.૧૭૩૧ વચ્ચેનાં રચનાવર્ષો દેખાડે છે. ૨૦ કડીની ‘વિજયદયાસૂરિ-સઝાય’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, ફાગણ સુદ ૩), ૪ કડીની ‘પર્યુષણની થોય’, ‘અષ્ટાપદજિન-સ્તવન’, ૩ ઢાળનું ‘મૌનએકાદશી-સ્તવન’, ‘ઢૂંઢક-પચીસી’ અને ‘નવપદ/સિદ્ધચક્ર-સ્તવનો’માંના કેટલાંક સ્તવનો - આ કવિની મુદ્રિત કૃતિઓ છે. એમનાં સ્તવનોમાં વ્રજની અસરવાળી ભાષા તથા લયમધુર બાની નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘ઋષભ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, ફાગણ સુદ ૯), ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર સુદ ૧૫), ૬૦ કડીનું ‘ત્રિભુવન શાશ્વતા-જિનચૈત્યબિંબસંખ્યા-સ્તવન’ અને આબુગઢ, નેમિનાથ, મહાવીર, સીમંધર વગેરે વિશેનાં સ્તવનો, ગીતો તથા ‘પંચમી-સ્તુતિ’ અને ૬૨ કડીની ‘વિજયક્ષમાસૂરિનોસલોકો’, ‘વિજયલક્ષ્મીસૂરિનો સલોકો’ એ કૃતિઓ પણ કવિએ રચી છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈરસંગ્રહ; ૪. નવપદની પૂજા (અર્થ સહિત) તથા શ્રી નવપદ ઓળીની વિધિ, પ્ર. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, સં. ૧૯૯૬; ૫. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પા. શ્રોફ, ઈ.૧૯૩૬; ૬. સસન્મિત્ર (ઝ); ૭. સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]