ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠીરામ

Revision as of 13:01, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જેઠીરામ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના રાવ રાયઘણજી પહેલાની પાંચમી પેઢીના સંતાન. પિતા સત્તાજી. મૂળ નામ જેઠુજી. જાડેજા રજપૂત. રાજવહીવટમાં રસ ન હોવાથી ને આધ્યાત્મિક પ્રીતિ વિશેષ હોવાથી ગામબહાર પર્ણકુટિ બાંધી રહેલા. ઈ.૧૭૬૧ (સં.૧૮૧૭)માં કચ્છમાં પડેલા દુકાળ સમયે લોકને મદદ કરેલી. ‘કચ્છના સંતો’માં આ દુકાળનું વર્ષ ભૂલથી સં.૧૮૧૭ છપાયું છે. પછી ભારતની પદયાત્રા કરી હતી. દેવાસાહેબના અવસાન બાદ, હમલાની ગાદી બધાના આગ્રહ છતાં સ્વીકારેલી નહીં. પણ દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી સંભાળેલી. તેમણે અનેક ભાવવાહી ભજનો રચ્યાં હોવાનું નોંધાયું છે. ગુજરાતીમાં તેમ જ કવચિત હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં તથા હિંદીમાં કેટલાંક ઉપદેશાત્મક ભજનો (મુ.) મળે છે તે આ જેઠીરામનો હોવાની શક્યતા છે. કૃતિ : ૧. બૃહત્ ભજન સાગર, સં. જ્યોતિર્વિભુષણ પંડિત, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભજનસાગર : ૧; ૩. ભસાસિંધુ; ૪. સોસંવાણી. સંદર્ભ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૭૬.[શ્ર.ત્રિ.]