અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/કંઈ વાત કહો
Revision as of 12:49, 22 June 2021 by HardikSoni (talk | contribs)
તમારા કિયા દેશ દરવેશ?
હો અવધૂત, દિયો દિયો કો અણસુણ્યો આદેશ
આ દુનિયાના નવે ખંડથી
દશમ ખંડશું ન્યારો?
આ જગ કેરા ખટરસથી શું
સપ્તમ રસ કો પ્યારો?
તમોએ પીધ પરમ રસ ખરો?
અરે કંઈ વાત કહો, દરવેશ!
અહીં અમારા અમલકમલથી
અધિક કમલ શું કોક?
રત્નજડિત અમ નગરચોકથી
ચડિયાતો કો ચોક?
તમોએ સગી નજરથી દીઠ?
અરે, કંઈ વાત કહો, દરવેશ!
અહીં અમારાં હિમશૃંગોથી
ઉન્નત શું કદી શૃંગ?
આ અમ રંગભવનથી મધુરો
બાજે ક્યહીં મૃદંગ?
તમોએ સુણ્યો શું કાનોકાન?
અરે, કંઈ વાત કહો, દરવેશ!
અમ ધખ ધખ આ અંતરથી શું
અધિક રહી કો આગ?
આ મૃત્યુની ભોમ અરથ કો
અમરતિયો સોહાગ?
મળ્યો કો દાતા હાથોહાથ?
અરે, કંઈ વાત કહો, દરવેશ!