ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ઓતરાતી દીવાલો

Revision as of 12:50, 22 June 2021 by MeghaBhavsar (talk | contribs)

ઓતરાતી દીવાલો


પ્રાસ્તાવિક

[સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો એટલા બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ‘ઓતરાતી દીવાલો’એ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હૃદયોમાં મને પ્રવેશ આપ્યો છે. કેટલીક વાર મેં જોયું છે કે, કોઈ નાનો છોકરો આનંદથી એ વાંચે છે અને એ આનંદ પેટમાં ન માવાથી ઘરનાં મોટેરાં આગળ એમાંથી એકાદ ફકરો વાંચી સંભળાવે છે. મોટેરાંમાંથી કોઈ એથી આકર્ષાઈને એ ચોપડી એના હાથમાંથી ખેંચી લઈ પોતે જ વાંચવા બેસે છે અને નાનીશી હોવાથી એને પૂરી કરીને જ છોડે છે. એ વખતે મારો મૂળ બાળવાચક જે મીઠી અસ્વસ્થતા અનુભવે છે તે જોવાલાયક હોય છે. પોતાના વાચનમાં ખલેલ પડી એ એને ગમતું નથી. પણ પોતે કરેલી પસંદગી સાચી નીવડી અને ખરેખર એ ભાગ વાંચવાલાયક હતો એ બિના સિદ્ધ થયેલી જોઈ એનો આત્મવિશ્વાસ વધે છે.

નાનાઓને હંમેશ થાય છે કે આપણે નાના, આપણી અભિરુચિ ‘નાની’, આપણને જે ગમે છે તે મોટેરાંઓને ક્યાંથી જ ગમે? પણ જ્યારે તેઓ જુએ છે કે એવી વસ્તુ પણ દુનિયામાં હોઈ શકે છે કે જે આપણને જેટલી ગમે છે તેટલી જ મોટેરાંઓને પણ આકર્ષે છે, ત્યારે એ સમાનતાને કારણે એ રાજી થાય છે, મોટાં થાય છે અને એમનો આત્મવિશ્વાસ વધે છે. આ નાની ચોપડીએ આ કામ કર્યું છે અને તે મેં બાળકોના મોઢા પર જોયું છે.

આનું કારણ શું હશે? કારણ એટલું જ કે આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુઃખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે, પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઇન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.

ખેલ જ્યારે ખલાસ થાય છે અને ધરાયેલાં છોકરાંઓ ઘર ભણી દોડી જાય છે ત્યારે તેઓ ખેલને ખરાબ નથી ગણતા, પણ આટલો આનંદ આપનાર ખેલ પ્રત્યે નિઃશબ્દ કૃતજ્ઞતા અનુભવે છે; તેમ જ વખત આવ્યે આ દુનિયા ખુશીથી છોડી જઈશ પણ દુનિયા પ્રત્યેનો મારો સદ્ભાવ ઓછો નહીં થાય.

દુનિયા પ્રત્યેની મારી આ લાગણી, કોણ જાણે શી રીતે, આ ‘દીવાલો’ દ્વારા વ્યક્ત થઈ છે, તેથી જ મારાં લખાણોમાં મને એ પ્રિય થઈ પડી છે. અને તે જ કારણે હું માનું છું, વાચકોને પણ એ પ્રિય થઈ પડી હશે.

कॉंग्रेसनगर, नागपुरकाकाना सप्रेम शुभाशिष
૧૧–૧૨–’૩૯

દીવાલપ્રવેશ

ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યારે દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદનાં ભૂંગળાં દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એક સવાલનો જવાબ મળ્યો. બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે!

दत्तात्रेय बालकृष्ण कालेलकर]

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિમાતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.

સન ૧૯૨૩નો ફેબ્રુઆરીનો મંગળ દિવસ હતો. જેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હું ‘યુરોપિયન વૉર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો. આ ઓરડીમાં ઊંચે બે જાળિયાં હતાં. પણ તે હવાને માટે હતાં. અજવાળું આપવાનું તેમનું કામ ન હતું. અજવાળું તો કોટડીના લગભગ મારા કાંડા જેવડા સળિયાવાળા બારણામાંથી જેટલું આવે તેટલું જ. આંગણામાં લીમડાનાં અઢાર ઝાડ ત્રણ હારમાં ગોઠવાયેલાં હતાં. પાનખરઋતુ એટલે ઘરડાં પાંદડાં સવારથી સાંજ સુધી પડ્યાં જ કરે. આઠ દિવસની અંદર લગભગ બધાં જ પાંદડાં ખરી પડ્યાં અને અઢારેઅઢાર ઝાડ ક્ષપણક જેવાં નાગાં દેખાવા લાગ્યાં. આ સ્થિતિ જોઈને મને બહુ આનંદ ન થયો. મેં કહ્યું, ‘कथं प्रथममेव क्षपणकः!’

અમારા મકાનની જમણી બાજુ પર દાબડેબાપાના વાવેલ કેટલાક છોડ હતા : બે આંબાના, બે લીમડાના ને એક જાંબુનો. એ પોતાનાં બાળકો જ ન હોય તેમ બાપા આ બધાં ઝાડની સારવાર કરતા. પ્રેમનો ઉમળકો આવે એટલે પોતાની કાનડી ભાષામાં ઝાડ સાથે વાતો પણ કરતા, અને મારી સાથે તેને લગતી વાતો કરતાં તો બિલકુલ થાકતા જ નહીં. જમી રહ્યા પછી અમે આ છોડ વચ્ચે બેસીને અમારાં વાસણ ઊટકતા. જસતનાં આ વાસણ ઊટકવાની ખાસ કળા હોય છે. મુનિ જયવિજયજીએ આ કળામાં વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હતું. ભારે ઉમંગથી અને થોડીક જબરદસ્તીથી તેમણે મને એ ઉપયુક્ત કળાની દીક્ષા દીધી. બીજે જ દિવસે તેઓ જેલ બહાર ગયા એટલે એક જ પાઠનો હું ભાગ્યશાળી થયો. જસતનાં વાસણનું તેજ એ તો જાહેર કામ કરનાર દેશસેવકની આબરૂ જેવું હોય છે. રોજ સાવધ ન રહે તો જોતજોતામાં ઝાંખું પડી જાય. એના પર જરાક ઝાંખપ આવે કે તરત સ્નેહપ્રયોગ કરવો પડે. સાથે કાંઈક ખટાશનો પણ અનુભવ કરાવીએ તો વધારે ઠીક.

સાંજના છ વાગ્યા એટલે અમે પોતપોતાની કોટડીમાં પુરાયા. ખટ ખટ અવાજ કરતાં તાળાંએ સરકારને ખાતરી આપી કે કેદી રાત્રે નાસી જાય એમ નથી. પણ નર્યાં તાળાંનો વિશ્વાસ શો? રાત્રે લગભગ અર્ધે અર્ધે કલાકે ફાનસો આવી ખાતરી કરી લેતાં કે કેદી અલોપ થયો નથી, જાગતો ન હોય તોપણ જગા પર છે. જાગતા હોઈએ તો ફાનસને અમારું ને અમને ફાનસનું દર્શન થતું. જેલ બહાર ઠીક ઉજાગરા થયેલા તેથી જેલમાં સ્થિતિ થતાંવેંત ઊંઘવાનું જ કામ મેં પ્રથમ આદર્યું. ઊંઘ ખાતે રોજના સરેરાશ ચૌદ કલાક મંડાતા. આઠ દિવસમાં ઊંઘની ઉઘરાણી પૂરી કરી નવા અનુભવ માટે તૈયાર થયા.

કેટલીક ખિસકોલીઓ સવારે, બપોરે ને સાંજે અમારી દોસ્તી કરવાના ઇરાદાથી આવતી. ખિસકોલીઓને જોઈને મારું મન ઉદાસ થયું. કૉલેજમાં ભણતો ત્યારે મેં એક ખિસકોલીનું બચ્ચું પાળ્યું હતું. એક વરસ સુધી મારી સાથે વસીને અક્ષયતૃતીયાને દિવસે તે અક્ષરધામ ગયેલું તેનું મને સ્મરણ થયું. ખીંટી પર ટાંગેલા સાઇકલના પૈડા પર ચડવાનો તે પ્રયત્ન કરતું. પૈડું ગોળ ગોળ ફરતું એટલે ઉપર ચડાતું જ ન હતું; એ જોઈ તે રોઈ પડતું. હું દૂધ પીતો હોઉં ત્યારે મારા પહોંચા પર બેસી મારી સાથે જ મારા વાટકામાંથી તે દૂધ પીતું. એ અને એવા બીજા અનેક પ્રસંગો યાદ આવ્યા.

કાગડાઓ પણ અનેક આવતા, પણ તે મારી સાથે દોસ્તી બાંધે જ શાના? મારી પડોશમાં કેટલાક સિંધી મુસલમાન રાજદ્વારી કેદીઓ રહેતા, તેમની પાસેથી આ હાડિયા મહાશયોને માંસ તેમજ હાડકાંના કકડા મળતા, એટલે તેમણે અચૂક એ જ દોસ્તી બાંધી હતી.

એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળ પાછળ હું ચાલ્યો. કેટલીક કીડીઓ વૈતરાકામ કરનાર મજૂરો હતી. કેટલીક આગળ-પાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી, અને કેટલીક તો વ્યાજ ઉપર જીવનાર શેઠિયાની પેઠે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગોપાર્કની પેઠે પોતાની મુસાફરીનાં બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી. મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પર બેએક હાથ દૂર મૂકી દીધો. અડધીક ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી, તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપોર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂર પર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂરો આવીને હાથ દે જ છે — અરે ભૂલ્યો, પગ દે છે. પણ બોજો કયે રસ્તે ખેંચવો તે વિશે તેઓ જલદી એકમત થતા નથી. તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે. આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટું વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે.

આ કીડીની હાર આવે છે ક્યાંથી એ જોવાનું મને મન થયું અને ધીમે ધીમે હું ચાલ્યો. પાછળની બાજુમાં ઓટલા નીચે એક દર હતું તેમાંથી કીડીબાઈઓની આ વિસૃષ્ટિ નીકળતી હતી. પાસે જ માટીના જેવો નાનકડો લાલ ઢગલો દેખાયો. નજીક જઈને જોયું તો તે કીડીઓનું સ્મશાન હતું. ધ્યાનપૂર્વક નિહાળવામાં થોડોક વખત ગાળ્યા પછી બે કીડીઓ દરમાંથી બહાર આવતી નજરે પડી. મડદાં સ્મશાનમાં ફેંકી દઈ તેઓ સીધી પાછી ગઈ. કંઈ નહીં તો પાંચસો-સાતસો મડદાં ત્યાં ભેગાં પડ્યાં હતાં. આ કીડીઓની સમાજરચના કેવી હશે, તેમના સુધરાઈખાતાના નિયમો કેવા હશે, શા હેતુથી આવાં સ્મશાનો તેઓ ગોઠવતી હશે એ વિશે અનેક વિચારો મનમાં આવ્યા. બીજાં કયાં કયાં પ્રાણીઓમાં સ્મશાનભૂમિની ગોઠવણ હોય છે એ જાણવાનું મન થયું. મધમાખો વખતે સ્મશાનસ્થાન નક્કી કરતી હશે. મંકોડાઓ તો અલબત્ત, કરે જ છે. શા માટે બીજાં પ્રાણીઓમાં એ બુદ્ધિ નથી એ વિશે પણ ઘણા વિચારો મનમાં આવ્યા.

પાનખરઋતુ હતી છતાં ઉનાળો બેઠો ન હતો. દાબડેબાપા ઘરડું પાન. ભારે જહેમત ચલાવીને જેલમાં તેમણે નાહવા માટે રોજ ગરમ પાણીનો હક મેળવ્યો હતો. સવારે ધૂમસ ફેલાતું. દયાળજીભાઈ અમારી સાથે રહેવા આવ્યા ત્યારે સવારે ઊઠીને ધૂમસમાં સાથે આંટા મારતાં ખૂબ મજા પડતી. કોક કોક વાર આજુબાજુની દીવાલો કે મકાનો પણ દેખાતાં ન હતાં. નાનપણમાં બેલગામથી સાવંતવાડી જતાં આંબોલીઘાટમાં કેટલીયે વાર આવા અનુભવ લીધેલા તે યાદ આવ્યા. ધૂમસ ફેલાયું હોય ત્યારે ઝપાટાબંધ ચાલવાનો ઉમંગ ખૂબ વધે છે. કપડાં પૂરતાં પહેરેલાં હોય ને માથું ઉઘાડું હોય ત્યારે તો વળી વધારે આનંદ આવે છે. ટાઢ અને ધૂમસ નાકને, આંખને, કાનને ગદબદિયાં કરે છે. ટાઢ વધારે હોય તો સખત કરડે પણ ખરી. મૂછ ઉપર ઝાકળ પડે અને ઝપાટાબંધ ચાલતાં શ્વાસ ગરમ થઈ ઝાકળનાં બિંદુ મોટાં મોટાં થઈ જાય, એ અનુભવ જેણે લીધો હોય તે જ ધૂમસમાં ચાલવાનો આનંદ ઓળખી શકે.

ધૂમસમાંથી દેખાતું આસપાસનું અસ્પષ્ટ ચિત્ર જોઈ, કેશવસુત કવિએ વર્ણવેલા કવિહૃદયની સ્થિતિ યાદ આવી :

कविच्या हृदयीं उज्ज्वलता आणिक मिळती अंधुकता।

तीच स्थिति ही भासतसे सृष्टि कवयित्रीच दीसे ॥

ધ્યાન અને તપસ્યાથી ઋષિમુનિઓ જે તત્ત્વનું સ્પષ્ટ દર્શન કરે છે તેનું સહેજ સ્પષ્ટ અને સહેજ ઝાંખું દર્શન કવિઓને સહેજે થાય છે તેથી જ કેશવસુતે ધૂમસવાળા પ્રભાત/કાળને કવિ/હૃદયની ઉપમા આપી છે.

એક દિવસ બપોરે અમે આંટા મારતા હતા, એવામાં દયાળજી-ભાઈના પગ તળે એક મંકોડો ચગદાઈ ગયો. એમનું તો ત્યાં ધ્યાન પણ ન ગયું, પણ મારા પેટમાં કંઈનું કંઈ થઈ ગયું. બિચારો મંકોડો કેમ મરી ગયો, એણે શું પાપ કર્યું હતું, વગર ગુને એને આવું મોત કેમ આવ્યું, દુનિયામાં નીતિનું સામ્રાજ્ય છે કે અકસ્માતનું, આવા આવા વિચારો એક જ ક્ષણની અંદર આવ્યા અને ગયા. ફરી નવો વિચાર આવ્યો કે આવું મોત માઠું જ શા માટે ગણવું? મંકોડાને એક ભવમાંથી આ રીતે રજા મળી તે તેના કોઈ ગુનાની સજારૂપે મળી કે કોઈ સત્કર્મને માટેના ઇનામ તરીકે મળી એનો નિવેડો કોણ આણી શકે? પ્રાણીમાત્ર મોતથી ડરે છે, મોતથી ભાગતાં ફરે છે એ યોગ્ય છે કે અયોગ્ય? મોતથી નાસી જવું એ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ યોગ્ય છે કે અજ્ઞાનમૂલક છે એ કોણ કહી શકે? ફરી વિચાર આવ્યો, મોત ગમે તે રીતે આવો પણ અજાણ્યે મોત આવે એ કેમ પાલવે? મોત આવવાનું છે એમ જાણ્યા પછી જે મોતનો સાક્ષાત્કાર થાય છે તે કીમતી અનુભવથી વંચિત થવું એ શું દુર્ભાગ્ય નથી? અને કોણ કહી શકે છે કે મોતમાં અમુક જાતની લિજ્જત નહીં જ હોય? ઊંઘનું આગમન જો મીઠું હોય તો મોતનું કેમ ન હોય? ફાંસી જનાર માણસને આઠ-દસ દિવસની નોટિસ મળે છે. એટલા દિવસમાં પરલોક માટેની કેટલી મજાની તૈયારી તે કરી શકે એમ છે!!

થોડા જ દિવસમાં ફાંસી/ખોલીમાં મારી બદલી થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની આઠ ઓરડીઓ. સાબરમતી જેલમાં આ જગા સૌથી સરસ ગણેલી હોઈ સ્વામી, વાલજીભાઈ, પ્રાણશંકર ભટ વગેરે ભાઈઓને અહીં રાખવામાં આવ્યા હતા. સ્વામી તો ગાંધીજીવાળી ઓરડીમાં જ રહેતા હતા. મને અહીં કદાચ વધુ વખત ન રાખે એ શંકાથી સ્વામીએ આગ્રહપૂર્વક ગાંધીજીવાળી ઓરડી મને રહેવા આપી. ઊંચી દીવાલની પેલી પાર ઓરતોની જગા હતી. ફાંસીમાં અહીં આવીને હું એક રીતે પસ્તાયો. દીવાલની પેલી પાર આખી બપોર બૈરાંઓ કપડાં ધુએ, તેમનાં છોકરાં રુએ, અને અધૂરામાં પૂરું દશ-પાંચ સ્ત્રીઓ ઝઘડાનો પ્રવાહ અખંડ ચલાવે. જેલની મુસીબતો વેઠવા હું તૈયાર હતો. પણ આવો કાબરકલહ સાંભળવાની તૈયારી કરી ન હતી. પણ બેચાર દિવસમાં કાન ટેવાઈ ગયા તેથી, કે પછી ‘ઓરતો’માં આવેલી નવી સ્ત્રીઓ જૂની થઈ ગઈ તેથી, ઝઘડા પ્રમાણમાં શાંત પડ્યા એમ લાગ્યું.

ફાંસી ખોલીમાં આવતાંવેંત બે બિલાડીઓની દોસ્તી થઈ. એકનું નામ ‘ફોજદાર’ હતું, બીજીનું નામ ‘હીરા’. રોજ ઇસ્પિતાલમાંથી આ બિલાડીઓને નવટાંક દૂધ મળવાની ‘ખાનગી વ્યવસ્થા’ હતી. ખાનગી વ્યવસ્થા એટલે દાક્તર કે જેલરના હુકમ વગર થયેલી અને ચાલતી આવેલી વ્યવસ્થા. જેલખાતામાં એવી ઝીણી ઝીણી ઘણી વ્યવસ્થાઓ હોય છે. કેદીઓ તેમજ તેમના ઉપરી નોકરો બધા જ માણસ હોય છે, એટલે હૃદયવિહીન નિયમોનું પાલન કરતી વેળા જેમ તેઓ તેમાં ઘણી વાર કઠોરતા ઉમેરે છે તેમ કેટલીક વાર દયાનું મિશ્રણ પણ કરે છે. સવાર-સાંજના રોટલા આવે કે તરત જ અમારે ત્યાં તેના ત્રણ-ચાર કકડા દૂધમાં પલાળી બિલાડીઓ માટે એક ખૂણામાં રાખવામાં આવતા. કોક દિવસ ભૂખ કકડીને લાગી હોય ત્યારે બિલાડીઓ વૉર્ડરના પગ સાથે નાક ઘસી ઘસીને તેને વીનવે, અને કોક દિવસ વળી ખાવાનું પાસે મૂક્યું હોય તોપણ પહોરવાર સુધી જોયાં જ કરે અને ભર્તૃહરિના હાથીની પેઠે धीरं विलोकयति चाटुशतैश्च भुंक्ते. આ બે બિલાડીમાંથી ફોજદારની પૂંછડી બરાબર મધ્યમાં લગભગ તૂટવા આવી હતી — રોગથી કે કંઈ જખમથી તે કોણ કહી શકે? દાબડેબાપા એક દિવસ ઇસ્પિતાલમાં ગયા ત્યારે ત્યાંથી મલમ લઈ આવ્યા. તે દિવસથી રોજ ફોજદારની માવજત થવા લાગી. પણ બાપા તેની પૂંછડી પકડીને મલમ લગાવે તે સ્થિતિ બિલાડીને પહેલે દિવસે સ્વમાનને બાધક જણાઈ. તેણે સૌમ્ય ને આકરા બધા નિષેધો વ્યક્ત કર્યા, પણ બીજા જ દિવસથી ફાયદો લાગવાથી તેણે ઍન્ડ્રોક્લિઝના સિંહની વૃત્તિ ધારણ કરી.

હું પાછળ કહી ગયો કે દાબડેબાપા કર્ણાટકી બ્રાહ્મણ હતા. મરચાં વિના તેમને ચાલે નહીં. જેલના ખોરાકમાં મરચાંની અછત તો હોતી જ નથી. છતાં બાપાનું તેટલાથી નભતું નહીં. તેમણે આંગણામાં મરચીના ખાસા છોડ વાવ્યા હતા. તેમાંથી તેમને રોજ દોથોએક મરચાં તાજાં તાજાં મળતાં. તેમણે મને કર્ણાટકી જાણી મરચાં ખાવાનો આગ્રહ કર્યો. મેં જ્યારે કહ્યું કે હું મરચાં ખાતો નથી ત્યારે નિરાશ થઈ બોલ્યા, ‘ત્યારે તો સાવ ગુજરાતી બની ગયા! અરે, મરચાં ન ખાય તે કર્ણાટકી શાનો?’ આ આરોપ મારે કબૂલ રાખ્યે જ છૂટકો હતો.

પછી હોળીના દિવસ આવ્યા. બપોરે પોલીસ કે મુકાદમ ઘોડી પર બેસી ઊંઘતો હોય તેવામાં દાબડેબાપા આંગણાના દરવાજામાંથી છટકી પાછળના ખેતરમાં જાય અને ત્યાંથી સુકાઈ ગયેલાં ડાળીઝાંખરાં ભેગાં કરી લાવે. થોડા જ દિવસમાં બળતણનો એક નાનોસરખો ઢગલો થયો. હોળીને દિવસે સુપરિન્ટેન્ડેન્ટ આવી ગયા બાદ આંગણામાં રીતસર હોળી પ્રગટાવી શંખનાદ સાથે તેમણે ત્રણ પ્રદક્ષિણા કરી, અને કારાવાસમાં પણ હિંદુ ધર્મને જીવતો-જાગતો રાખ્યો! હોળી સળગાવવા માટે દેવતા ક્યાંથી આણ્યો એ મેં તેમને પૂછ્યું નહીં, કેમ કે હું જાણતો હતો કે એ ‘ખાનગી વ્યવસ્થા’ હતી.

ફાંસીખોલીમાં અમને બીજા નવા દોસ્તો મળ્યા અને તે વાંદરાઓ. વાંદરાઓ જેલની અંદરના બગીચામાં ખૂબ રંજાડ કરે છે, તેથી જેલના અમલદારો તેમના તરફ ‘નફરત કી નિગાહ સે’ જુએ છે, અને તે જ કારણસર કેદીઓને વાંદરાઓ પર ખૂબ ભાવ હોય છે. અમારા ઝાડુવાળાને આનું કારણ પૂછતાં તેણે કહ્યું, ‘અમારી છાતી ફાટી જાય ત્યાં સુધી પાણી ખેંચી ખેંચીને અમે શાક ઉગાડીએ છીએ અને અમારે ભાગે તેમાંથી ફક્ત ઘરડાં પાંદડાં ને ડાંખળાં જ આવે છે. અસલી માલ તો અમલદારો ખાય છે અથવા કમિટીમાં આવનાર વિઝિટરો લઈ જાય છે. ઇતવારને દિવસે ધર્મનું ભાષણ સંભળાવવા પેલા બે જણા આવે છે તે પણ શાકભાજી માટે જ આવે છે એ શું અમે નથી જાણતા?’ મેં એને સમજાવવા પ્રયત્ન કર્યો કે એ મહાશયો બજારમાંથી પણ શાક ખરીદી શકે છે. પણ પેલો મારું માને જ શેનો? વાંદરા આવે કે કેદીઓ ખુશીમાં આવી એમના જેવી કિકિયારી કરે અને પોતાના રોટલામાંથી એકાદ ટુકડો તેને ફેંકતાં પણ અચકાય નહીં. અમારે ત્યાં વાંદરાઓ બહુ પાસે ન આવતા. દીવાલ પર બેસી લાંબી પૂંછડી એક બાજુ લટકતી રાખી, ડોક મરડી, ખભા પરથી અમારી તરફ જોતા, અને જાણે પાડ કરતા હોય તેમ સહેજ દાંત પણ બતાવતા. અમે રહેતા હતા તેની બહાર મોટી દીવાલોનો ખૂણો પડતો હતો. વાંદરાઓ એ ખૂણા પાસે જઈ કૂદીને એક દીવાલને લાત મારે ને બીજી દીવાલ પર અથડાવા જાય. ત્યાં લાત મારી પહેલી દીવાલ પર કૂદે. આમ કરતે કરતે ઠેઠ દીવાલની ટોચ સુધી પહોંચી જતા. મને થતું વાંદરાઓ જો આમ જઈ શકે તો માણસ કેમ ન જાય? બીજી જ ક્ષણે વિચાર આવ્યો, તેમ બની શકતું હોત તો ચોરોએ એ કળા ક્યારની કેળવી હોત.

જેલના નવા નવા અનુભવોમાં હું એ વાત ભૂલી જ ગયો હતો કે બાર કલાક ઓરડીમાં પુરાવાથી ચન્દ્ર કે તારાઓ અમે જોઈ શકતા જ નહોતા. અમારી ઓસરી પર તો દૂધ જેવું ચાંદરણું પડતું, પણ અમને બંધ ઓરડીમાં ચન્દ્રનું દર્શન ક્યાંથી થાય? એટલામાં સ્વામીએ એક યુક્તિ સુઝાડી (ભૂલ્યો તેમને તે દયાળજીભાઈએ સુઝાડેલી.). અમારી પાસે તે કાળે હજામતનો સામાન (અસ્ત્રા સિવાય) રાખવા દેવામાં આવતો તેમાં અરીસો હતો. તેનો કાન પકડી સળિયામાંથી અમે તેને બહાર ત્રાંસો રાખતા, એટલે બાજુથી ચન્દ્રબિંબ તેમાં આવીને પડતું અને તે જોઈને અમને મજા પડતી. થોડા જ દિવસમાં બારણામાંથી સામેના આકાશખંડમાં અગસ્ત્યને ઊગતો મેં ઓળખ્યો. અગસ્ત્ય તો મારો જૂનો દોસ્ત — દક્ષિણનો આચાર્ય. તેને જોઈને હું રાજી રાજી થઈ ગયો. પણ એ ઝાઝો વખત ત્યાં રહેતો નહીં. દક્ષિણ દિશામાં જ ડાબી બાજુએ ઊગે અને જમણી બાજુ ડૂબકી મારે.

આઝાનને અંગે મુસલમાન ભાઈઓ જોડેના મારા ચાર દિવસના ઉપવાસ પછી મને નબળાઈ રહી ત્યાં સુધી ખુલ્લામાં સૂવાની રજા મળી હતી. સ્વામીને પણ મારી માવજત માટે બહાર સૂવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે લગભગ દસ વાગ્યા સુધી અમે આંગણામાં આંટા મારતા અથવા કંબલ પર પડ્યા પડ્યા તારાઓ જોતા. આંગણામાં પીપળાનું એક નાનું રૂપાળું ઝાડ હતું. બીજું એક મોટું લીમડાનું ઝાડ હતું. તેનાં પાંદડાંની આરપાર તારાઓ જોવાની ખૂબ મજા આવતી. આવો આનંદ માણતો હતો એટલામાં ઉપવાસ કર્યાની સજા મને સુનાવવામાં આવી અને કેદીઓ જેને જેલનું પૉર્ટ બ્લેર (કાળાપાણી) કહે છે તે છોટા ચક્કર નં. ૪માં મારી બદલી થઈ. ખુલ્લી હવા, તારાઓનું દર્શન અને સ્વામીનો સહવાસ આ ત્રણ ટૉનિકથી ત્રણ જ દિવસની અંદર હું એટલો સાજો થયો હતો કે મેં દાક્તરને લખેલું કે, ‘હવે હું સજા ભોગવવાલાયક થયો છું; મારી સજાને ઠેકાણે મને લઈ જવામાં ખોટી થવાનું કારણ નથી.’ સાચે જ ખુલ્લી હવા કેદીઓને ટટાર કરનાર અમૃતસંજીવની છે.

છોટા ચક્કર નં. ૪માં મારી સજા શરૂ થઈ. મારી પાસેથી મારી ચોપડીઓ, લખવાના કાગળો, ખડિયોકલમ, પેન્સિલ બધું છીનવી લેવામાં આવ્યું. ફક્ત એક ધાર્મિક ગ્રંથ મારી પાસે રહેવા દીધો હતો. આ ચોપડીમાં નિશાની કરવા સારુ મેં મારી પેન્સિલ માગી. પણ તે શેની મળે? અનેક રીતે મને પજવવાની, મારું અપમાન કરવાની યુક્તિઓ યોજાઈ હતી. પણ જેમના હાથમાં મારું માન મેં સોંપ્યું ન હતું તેમને હાથે મારું અપમાન પણ શું?

પણ આ બધી સજાઓ અને પજવણીઓને લીધે મારું ધ્યાન કુદરત તરફ વધારે જવા લાગ્યું. બીજા કોઈ કેદી સાથે હું વાતચીત ન કરી શકું એટલા માટે મને છેક છેડા પરની એક કોટડી આપવામાં આવી હતી. આ ઓરડીનું બારણું લગભગ ઓતરાતું હતું. ઓરડીની ડાબી બાજુની દીવાલમાં ખૂબ ઊંચે એક જાળી હતી તેમાંથી અજવાળું સરસ આવતું અને રાત્રે ચન્દ્ર જ્યારે પશ્ચિમમાં હોય ત્યારે તે આ જાળીમાંથી દર્શન દેતો. ચન્દ્રનું પ્રત્યક્ષ દર્શન ન થતું ત્યારે મારો અરીસો દીવાલ પર પડેલા ચાંદરણામાં ઊંચો કરી તેમાંથી હું ચન્દ્રદર્શન કરી લેતો. રાતે એ જાળીમાંથી બેચાર તારા દેખાતા. તે કયા તારા છે એ નક્કી કરવું બહુ મુશ્કેલ પડતું, છતાં તે નક્કી કરવામાં જ એક જાતનો આનંદ મળતો. આખું આકાશ દૃષ્ટિ આગળ હોય ત્યાં તો દિશાનું ભાન બરાબર થાય છે અને આસપાસના તારાઓ અને તેમનો ક્રમ જોઈ અમુક તારો કયો એ નક્કી કરવું સહેલું પડે છે. પણ જાળીમાંથી તો એક-બે તારા જ દેખાય. છતાં તારાગણ સાથે મારે જૂની ઓળખાણ તેથી પહેલી જ રાતે મેં પુનર્વસુના બે તારા ઓળખી કાઢ્યા અને આખી રાત બારીમાં એક પછી એક આવનારા તારા જોવા લાગ્યો.

પણ તારાવિહાર એ કંઈ મારા આખી રાતના જાગરણનું કારણ ન હતું. છોટા ચક્કર નં. ૪માં કોટડીઓની ભોંય માટીના લીંપણવાળી કાચી હતી. તે ભોંયમાં તેમજ ભીંતોમાં માકણની મોટી ફોજ થાણું નાખી ક્યારની પડેલી હતી. પોતાની કોટડીમાં રોજના કષ્ટ અને શ્રમથી લોથપોથ દેહ નાખતા કેદીઓને બદલે મારા જેવો સુકલકડી કેદી જોઈને માકણો સારી પેઠે ચિડાયા, અને તેમણે લોભ સાથે રીસ ભેળવી મારા પર કટક ચડાવી હુમલો કર્યો. પણ આ સ્વાદાનંદ ચાખનાર એકલા માકણો જ ન હતા. તેમના હરીફ વંદાઓનું ટોળું પણ નાનુંસૂનું ન હતું. છાપરામાંથી તેઓ ટપ દઈને નીચે અવતરતા અને મારા પર ધસી આવતા. આ ભાઈઓને મારા માથાના વાળ બહુ સ્વાદિષ્ટ લાગતા હોય એમ જણાયું, કેમ કે જરાક ઊંઘ આવવાની થાય કે માથામાં જ તેઓ બચકું ભરતા.

સ્વાગત જો ત્રિવિધ ન હોય તો તેમાં કાવ્ય શું રહ્યું? એટલે ગરોળીનાં બચ્ચાંએ પોતાનો ભાગ ભજવ્યો. તેઓ મને મારી પથારીમાં એકલો સૂવા દેતા નહીં. અસ્પૃશ્યતા-નિવારણમાં હું ગમે તેટલો માનતો હોઉં છતાં આ ઢેડગરોળીનાં બચ્ચાંના સહવાસને હું પસંદ કરું એમ ન હતું અને આ બચ્ચાં તો મારી સાથે વધારે પડતો પરિચય કરવા આતુર જણાતાં હતાં. આટલી તૈયારી જોઈ મેં નિશ્ચય કર્યો કે સમરાંગણમાં સૂતા રહેવું આપણને છાજે નહીં. હું ઊઠીને બેઠો થયો અને અંધારામાં મારા સમોવડિયાઓ સામે મેં અહિંસક યુદ્ધ ચલાવ્યું.

સવારે મેં સુપરિન્ટેન્ડેન્ટ આગળ રીતસર ફરિયાદ કરી. તેમણે કહ્યું, ‘આ કોટડી પસંદ ન પડતી હોય તો પડખેની બીજી લો.’ હું જાણતો હતો કે પાસેની ઓરડી એ આ ઓરડીની મોટી બહેન. આકારમાં સરખી પણ અગવડમાં મોટી. તેમાં ઉપરની જાળી ન મળે, એટલે ચન્દ્ર અને પુનર્વસુનું દર્શન રાતે ક્યાંથી થાય? મેં કહ્યું, ‘સામે એક આખી બરાક ખુલ્લી છે, તેમાં મને સૂવા દો’; એટલે રોંચા જેવો એક ગોરો ડેપ્યુટી જેલર હતો તેણે વચમાં જ કહ્યું, ‘એ નહીં બને, ત્યાં તમે સૂઓ તો તમને અમારા નિયમ કરતાં વધારે હવા મળે. અને વળી તમે રાત્રે એમાં આંટા પણ મારી શકો. સજા ભોગવતા કેદીને આટલી સગવડ ન અપાય.’

મેં તરત જ મારું સમયપત્રક ફેરવી નાખ્યું. આખી રાત જાગવું ને બપોરે ઓટલા પર ચાર કલાક ઊંઘી લેવું. એક દિવસ દાક્તર તબિયત પૂછવા આવ્યા. મેં કહ્યું, ‘રાત્રે ઊંઘ આવતી નથી તેથી બપોરે ઊંઘું છું.’ તેઓ બિચારા શું કરે? તેમણે મને ઊંઘની દવા આપી; બ્રોમાઇડ ઑફ પોટૅશિયમ અને બીજી કેટલીક દવાઓ. બ્રોમાઇડની અસર હું જાણતો હતો, છતાં લાચાર થઈને વીસેક દિવસ સુધી મેં તે દવા લીધી. પછી એક દિવસ મેં પાવડાકોદાળી માટે અરજી કરી. મારી ઇચ્છા હતી કે મારી ઓરડીની જમીન ખોદી ટીપીને તૈયાર કરું અને દીવાલો પણ ફિનાઇલ વડે ધોઈ કાઢું. પણ પાવડોકોદાળી તો મહાન શસ્ત્રાસ્ત્રો! તે મારા જેવા ‘બદમાશ’ના હાથમાં કેમ અપાય? એટલે અમારા પર દેખરેખ રાખનાર એક ‘અશરાફ’ બલૂચી મુકાદમને તે આપવામાં આવ્યાં. આ અમારો મુકાદમ ભરૂચ જિલ્લામાં ધાડ પાડવાના ગુના સારુ આઠ-નવ વરસ મેળવીને આવ્યો હતો. તેણે બેચાર કેદીઓને બોલાવી મારી જમીન ટીપી આપી અને મેં ડામર માગી લઈ તેનાથી જમીન લીંપી કાઢી. ડામર સુકાય ત્યાં સુધી શું કરવું એ સવાલ હતો, એટલે પાછળની એક ઓરડીમાં જવાનું મેં પસંદ કર્યું. જેલના અમલદારોએ મારો એ વિચાર તરત જ વધાવી લીધો; કારણ, એમ કરવાથી બીજા રાજદ્વારી કેદીઓથી હું સાવ વિખૂટો પડતો હતો. પરંતુ મને તો આ પાછળની નવી કોટડી એવી ગમી ગઈ કે મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

આ ઓરડી સામે એક અરીઠાનું ઝાડ હતું. તે પણ દાબડેબાપાની પ્રજા. ઝાડ લગભગ આઠ ફૂટ ઊંચું પણ સાવ સુકાઈ ગયેલું હતું. માત્ર ત્રણચાર પાંદડાં રહ્યાં હતાં. અને તે પણ સુકાઈ ગયેલાં. મારી લંગોટી સૂકવવા એની પાસે ગયો કે એ પાંદડાં પણ ખરી પડ્યાં. મનમાં વિચાર આવ્યો કે આ મરી ગયેલું ઝાડ ઉખેડી નાખું. પણ તેમ કર્યું હોત તો જેલનો ગુનો થાત; તેમાં વળી બાપાનું વાવેલું ઝાડ મારાથી ઉખાડાય જ કેમ? મેં આ મૃત જેવા ઝાડની જ સેવા શરૂ કરી. ખાનગી વ્યવસ્થાથી એક દાતરડું માગી આણ્યું અને ઝાડની આસપાસ ક્યારો બાંધ્યો. રોજ એને બબ્બે ડબા પાણી પાવાનું શરૂ કર્યું. મારી શ્રદ્ધા ફળી. થોડા જ દિવસમાં ડાળીએ ડાળીએ કોંટા ફૂટ્યા. ઝાડ મરી ગયેલું ન હતું પણ હિંદુ ધર્મની પેઠે તેને ઘડપણ આવ્યું હતું. જોતજોતામાં નીલમ જેવાં લીલાં અને મખમલ જેવાં સુવાળાં પાંદડાંથી અરીઠો શોભવા લાગ્યો.

એથી સહેજ આગળ એક પીપળાનું ઝાડ હતું. તેની નીચે તેના જ ક્યારામાં તુલસીનો એક ઘરડો છોડ અને એક બારમાસીનો છોડ હતા. લિંગાપ્પા કરીને જનમટીપવાળો એક કર્ણાટકી ડોસો હતો તે રોજ તુલસીને પાણી પાય અને બારમાસીનું ફૂલ તોડી તુલસીને ચડાવે. હું કાનડી ભાષા જાણું છું એવી ખબર પડતાં તેના આનંદનો પાર ન રહ્યો. ‘તુલસીનું ઝાડ તો દેવ પરમેશ્વર. સેવા તેની કરવી ઘટે. તે છોડીને તમે આ કમબખ્ત અરીઠાની સેવા શા સારુ કરો?’ મેં કહ્યું, ‘મારે મન જેટલે દરજ્જે તુસસીમાં દેવ છે તેટલે દરજ્જે અરીઠામાં પણ છે.’

મારી આ નવી ઓરડીને પડખે પાપાએ (પારસી સુપરિન્ટેન્ડેન્ટ) ઉદ્ધ્વસ્ત કરેલો દાબડેબાપાનો બગીચો હતો. બાપાને સજા કરવા ખાતર પાપાએ તેમનો ઉછેરેલો બગીચો ઉખેડી નંખાવ્યો હતો. તેમાં બારમાસીના ચાર-પાંચ છોડ બચી ગયા હતા. તેમને પણ હું પાણી પાતો. પણ જ્યારે પેલો રોંચો હૅક મને બગીચો કરવા તરફ ઉત્તેજન આપતો ત્યારે હું તેમ કરવાની સાફ ના પાડતો. એક દિવસ મેં એને ચોખ્ખું કહી દીધું, ‘હું બગીચો ઉછેરું અને બીજે દિવસે તમે એને ઉખેડી નાખો. એવો સેતાની આનંદ તમને પૂરો પાડવાને હું તૈયાર નથી.’

હવે ઉનાળો પુરજોશમાં શરૂ થયો. આસપાસનું ઘાસ બધું સુકાઈ ગયું. કાગડાઓ, કાબરો, લેલાંઓ અને ખિસકોલીઓ પાણીને માટે ટળવળવા લાગ્યાં. વાંદરાં પણ આસપાસથી આવી અમારા હોજ પર ડોકિયાં કરવા લાગ્યાં. કબૂતરો કર્મકાંડી બ્રાહ્મણની પેઠે આખો દિવસ પાણીમાં નાહવા લાગ્યાં. મારી પાસે માટીની એક કૂંડી હતી. તે ભરીને હું લીમડા તળે મૂકતો. આખો દિવસ ખિસકોલીઓ આવે, કાબરો આવે, કાગડાઓ આવે અને લે લે લે લે કરીને આકાશ ગજાવી મૂકનાર બૈરાગીવર્ણાં લેલાંઓ પણ આવે. આ બધાંમાં કાગડો બડો દૂતો. તે તો મળે ત્યાંથી રોટલીના સૂકા કકડા લઈ આવે. કૂંડીમાં ત્રણ-ચાર પલાળી રાખે, ત્રણ-ચાર વાર ચાંચ વતી દબાવી જુએ, અને પલળીને બરાબર પોચા થઈ જાય એટલે આત્મદેવને ભોગ ચડાવે. રવિવારને દિવસે એ ગૃહસ્થો અમારી કૂંડી પણ હાડકાના કકડાથી અભડાવી નાખે. એક દહાડો એક નકટો કાગડો આવ્યો. તેની ચાંચ ઉપરના ભાગમાંથી અડધોઅડધ તૂટી ગઈ હતી. તેની દીન મુદ્રા પરથી લાગતું હતું કે પોતાની ખોડનું એને પૂરેપૂરું ભાન હતું. બિચારો પાણી પીતો ત્યારે એની મુશ્કેલી જોઈ બહુ દયા આવતી. બીજા કાગડા તેને પોતાના મંડળમાં ભળવા દેતા નહીં.

એક મહિના પછી બીજો એક એકપગો કાગડો આવ્યો. કયા મહાયુદ્ધમાં એણે પોતાનો બીજો પગ ગુમાવ્યો હતો તે કંઈ તે મને કહી ન શક્યો. તે પણ બીજા કાગડા સાથે ભળી શકતો નહીં. બિચારો ઊડીને આવે, અને એક પગ પર ઊભો રહે. પણ એ કંઈ બગલાની નાત નહીં કે એમ ને એમ એક પગ પર લાંબો વખત ઊભો રહી શકે. બગલા અને કાગડાની વચ્ચે તો ધોળાકાળા જેટલું અંતર. એકાદ મિનિટ ઊભો રહે કે થાકીને પડી જાય. ફરી ઊડે, ફરી ઊભો રહે, ફરી પડે. આ તેનો ક્રમ આખો વખત ચાલતો. એ કાગડો લાગલાગટ ચાર-પાંચ દિવસ સુધી આવ્યો. પછી ક્યાં ગયો એની ખબર ન પડી.

નવો સુપરિન્ટેન્ડેન્ટ આવ્યો. તે દાક્તર પણ હતો. તેણે મારી બાટલી જોઈ પૂછ્યું, ‘શાની દવા લો છો?’ મેં હસતે હસતે કહ્યું, ‘એ તો માકણ અને વંદાનું ઓસડ છે.’ કેદીની વાત સાચી માને તો પછી સુપરિન્ટેન્ડેન્ટ શાનો? તેણે ધૂર્ત નજરે હસીને કહ્યું, ‘વંદા જ્યારે ફરી કરડે ત્યારે એકાદ પકડીને મને બતાવશો?’ મેં પણ હસતી નજરે લાગલો જ જવાબ વાળ્યો, ‘સહેજ તસ્દી લો તો આ ઘડી જ બતાવું.’ આમ કહી મેં મારી કપડાંની પેટી સહેજ ઉઘાડી તેવા જ પાંચ-સાત વંદા સુપરિન્ટેન્ડેન્ટનું સ્વાગત કરવા દોડ્યા! મેં સાહેબબહાદુરને કહ્યું, ‘આ તો આજનો શિકાર છે. ગઈ કાલે જ મેં પેટી દિવસ બધો તડકામાં મૂકી હતી.’ સાહેબબહાદુરે એકદમ હુકમ છોડ્યા, ‘અભી કે અભી ઘાસતેલ સ્ટવ કી બત્તી લે આઓ ઔર જમીન દીવાલ સબ જલા દો.’ ત્રીજે કે ચોથે દિવસે બત્તી આવી અને મત્કુણસત્ર શરૂ થયો. દીવાલના ખૂણા, ચૂનાના પોપડા તેમજ બારણામાં રહેલી ફાટો, બધે બત્તી ફરી વળી અને માકણોના લાંબા થયેલા અને ગંધાતા દેહ જમીન પર પથરાયા. એ સંહાર સાચે જ મહાન હતો. આઠ-દસ દિવસ પછી મેજરસાહેબે પૂછ્યું, ‘હવે કેમ છે?’ મેં કહ્યું, ‘એક ફોજ તો ગારદ થઈ. પણ વંદાઓ તમારી બત્તીની રેન્જની બહાર છે.’ તરત જ સુપરિન્ટેન્ડેન્ટ અને જેલરની વૉર કાઉન્સિલ બેઠી. નિર્ણય થયો કે છાપરા પર કબૂતર બેસે છે તેમની હગાર ત્યાં પડે છે તેમાંથી વંદાઓ પેદા થાય છે. તરત જ હુકમ થયો કે કબૂતરો છાપરાની અંદર ઘૂસી ન શકે એવી રીતે બધે સિમેંટ લગાડવો!

આટલે સુધી બધું ઠીક હતું, પણ ત્યાર પછી જે કાંડ શરૂ થયો તેથી અમને ભારે ક્લેશ થયો. એક દિવસ સવારે આ નવા સાહેબ પોતાની બંદૂક લઈને આવ્યા અને તેમણે કબૂતરોનો સંહાર શરૂ કર્યો. તેઓ મારી પાસે મલકાતા કહેવા લાગ્યા, ‘આ બલાનું કાસળ કાઢી નાખું છું. બહુ ગંદવાડ કરે છે.’ હું તેનો આભાર માનીશ એમ તેણે ધારેલું. મેં ઉદાસીન નજરે તેના તરફ જોયું. મારા મોઢામાંથી એક હાય નીકળી ગઈ. સાહેબબહાદુરને ભાન આવ્યું કે આ તો દયાધર્મી હિંદુ છે. કબૂતરોને ઘેર તે દિવસે હાહાકાર હતો અને સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં ઉજાણી.

અને કબૂતરો પણ કેવાં બેવકૂફ! બીજે દિવસે તેટલાં ને તેટલાં જ આવીને છાપરા પર બેઠાં. અમે તેમને ઉડાડવાની ખૂબ કોશિશ કરતા, પણ તે જાય શેનાં? તેમનામાં પણ હુબ્બેવતન હોય જ છે. એ કબૂતરોમાં એક સફેદ અથવા કાબરચીતરું કબૂતર હતું. તે એક વાર પાળેલું હતું એટલે તેણે નીચે આવી એક પોલીસનો આશ્રય શોધ્યો. પોલીસે તેનાં કેટલાંક પીંછાં કાપી નાખ્યાં એટલે તે ઊડી પણ ન શકે. આખરે અમારા ‘ભાષણવાળા’માં અલ્લાદાદ કરીને એક સિંધી હતો. તેણે તે કબૂતર પોતાના કબજામાં લીધું. ખાનગી વ્યવસ્થાથી જુવાર મંગાવી તેને તે ચારો નીરતો. નવાં પીંછાં ઊગ્યાં એટલે એક દિવસ કબૂતર ઊડી ગયું. એ કબૂતર અમારી સાથે હતું ત્યાં સુધી અમારામાંના ગમે તેના ખભા પર બેસતું અને રાજી થાય ત્યારે પોતાનો અંતસ્થ અવાજ કાઢતું.

થોડા દિવસ પછી લીમડાને નવાં પાન આવ્યાં, પછી ફૂલ આવ્યાં; અને પવન વાય ત્યારે આખો દિવસ લીમડાનાં ફૂલનો વરસાદ ચાલે. અને હું मजवरी तरु कुसुमरेणु वरुनि ढाळिती એ જૂનું પદ લલકારવા લાગતો. સવારથી સાંજ સુધી ફૂલો પડ્યાં જ કરે. જમીન પર પડ્યાં પછી પણ કરાની પેઠે ઊડ્યાં કરે. આ કડવા ઝાડનાં કડવાં ફૂલોની મહેક માત્ર મીઠી હોય છે. રોજ સવારે ઝાડુવાળાઓ સુકાઈ ગયેલાં ફૂલ વાળીને કોથળા ભરતા અને રોજ નવાં નવાં ફૂલના ગાલીચા પથરાતા. લીમડા નીચે ફરવાની બહુ મજા આવતી. અમે કહેતા, ‘સરકારને શી ખબર કે અમે આટલો આનંદ લૂંટી રહ્યા છીએ?’

આખરે આ ફૂલની ઋતુ પણ વિદાય લઈને ગઈ અને લીંબોળીઓ પોતાના આગમનની તૈયારી કરવા લાગી. આ વરસે વરસાદ રસ્તો ભૂલીને ક્યાંય આડો ચડી ગયો હશે. ઉનાળો અસહ્ય થવા લાગ્યો. રાત્રે ઓરડીમાં પુરાવું એના કરતાં બિસ્કૂટ તૈયાર કરવાની ભઠ્ઠીમાં જઈને સૂવું બહેતર એમ થઈ જતું. ‘ભાષણવાળાઓ’એ ખૂબ તકરારો કરી, પણ રાત્રે ખુલ્લામાં સૂવાની રજા પણ ન મળે. જોન્સસાહેબ એવી રજા આપતો પણ ડૉઇલસાહેબ કંઈ જોન્સસાહેબ ન હતા. આખરે જ્યારે ઝમ્મટમલ એકબે વાર રાત્રે બેભાન થયા ત્યારે પૂનાથી પરવાનગી મંગાવવામાં આવી અને અમને ખુલ્લામાં સૂવાની રજા મળી. અમે સાંજે ભેગા બેસી પ્રાર્થના કરતા, ખૂબ પાણી રેડી જમીન ઠંડી કરતા અને પાણીની વરાળ નીકળી ગયા પછી પથારી કરતા. આટલા પુરુષાર્થથી તૈયાર કરેલી મીઠી પથારી હું એકલો જ વાપરું એ કુદરતને કેમ ગમે? એક દડબા જેવો પુષ્ટ દેડકો મધરાતે મારી પથારીમાં પ્રવેશ કરતો અને મારી ડોક તળે આવી પોતાના ભીના કલેવરનો શીતળ સ્પર્શ મને કરાવતો.

મારે આવા સ્પર્શના કરતાં અખંડ નિદ્રાની દરકાર વધારે હતી. બેત્રણ દિવસ દેડકો લાગલાગટ આવવા લાગ્યો. મેં પથારીનું સ્થાન બદલ્યું. ભાઈસાહેબ ત્યાં પણ આવ્યા. એટલે મેં વિચાર કર્યો કે આને હવે સને ૧૮૧૮નો કાયદો લાગુ કરવો જોઈએ. એક રૂમાલમાં તેને પકડી દીવાલ બહાર વિદાય કર્યો અને તેના સ્પર્શ સુખમાંથી હું કાયમનો મુક્ત થયો.

એક દિવસ રાત્રે (અમે ઓરડીમાં પુરાતા તે દિવસોમાં) લગભગ દસ-અગિયાર વાગ્યે ખિસકોલીની એક કારમી ચીસ સંભળાઈ. થોડી જ વારમાં કોઈ ખાતું હોય એવો કુરરર કુરરર અવાજ કાને પડ્યો અને આખરે બિલાડીનો વિશિષ્ટ જાતનો લાક્ષણિક આનંદોદ્ગાર સંભળાયો. મેં જાણ્યું કે એક ખિસકોલી બિલાડીના પેટમાં જઈ કાયમની સૂતી. પણ એટલું જાણ્યા પછી મને ઊંઘ આવે શી રીતે? બિચારી ખિસકોલીને શું થયું હશે? સાંજે થાકીપાકી પોતાના માળામાં સૂઈ ગઈ ત્યારે શું એને સૂઝ્યું હશે કે એ એની આખરની નિદ્રા છે? પણ ભૂખી બિલાડીને કેટલો આનંદ થયો હશે! રોજ રોજ કંઈ તેને આવી ઉજાણી ઓછી જ મળતી હશે? બિલાડીએ વિધાતાને અનેક આશીર્વાદ આપ્યા હશે!

સવારે દા… કે બીજા કોઈના ઘરનાં બૈરાંછોકરાં જેલ જોવા આવ્યાં હતાં. ફૂલ જેવાં નાનાં બાળકોનું દર્શન જેલમાં કેટલું આનંદદાયક થાય છે એની કલ્પના તે અનુભવ લીધા વિના આવે નહીં. રીઢા બદમાશો પણ આવાં બાળકોને જોઈને જરા સૌમ્ય થઈ જાય છે અને હૃદયશૂન્ય પોલીસો પણ બેચાર ક્ષણ મીઠાશથી બોલતાં શીખે છે. તે જ દિવસે હૅકનું કૂતરું પણ જેલમાં આવેલું. આખા વરસમાં જેલમાં અમે બે જ કૂતરાં જોયાં.

બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુવાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિંસા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુવાન ગુનેગારનો બલિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુવાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધું, અને બધાએ મળીને પછવાડિયે બાંધેલા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જેલના ઘંટે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહેર કર્યું. તેણે કહ્યું, ‘ મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂફ ઠરાવ્યો!’ આજે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારેલું. પણ તેને કંઈ એ પહેલો જ પ્રસંગ ન હતો.

એક દિવસ સવારે પો ફાટતાં પહેલાં જ મારી પથારીમાં કંઈ કાળું હાલે છે એમ મને દેખાયું. આંખોમાં ઊંઘનો અમલ હતો જ, તેથી મેં ધાર્યું કે અમસ્તો વહેમ છે. જરાક અજવાળું થયું અને જોયું તો એક મોટો કાનખજૂરો પથારીની બાજુ પર થઈને દીવાલ તરફ દોડતો હતો. અર્ધા કલાક પછી તાળું ખખડ્યું અને બારણું ઊઘડ્યું એટલે મેં સાવરણી આણીને કાનખજૂરાને ઓરડી બહાર ફેંકી દીધો. પાંચ વરસ પહેલાં તો કાનખજૂરો નજરે પડે કે તરત જ હું મારી નાખતો. પણ ગુજરાતમાં આવીને અહિંસાનો ચેપ લાગેલો હોવાથી કાનખજૂરાને મારવાનું મન ન થયું. મેં તો એને ઓરડી બહાર ફેંકી દીધો, પણ મારો પડોશી ઇસ્માઈલ થોડો જ સખણો રહેવાનો હતો? તેણે સાવરણી ઉપાડી એક જ સપાટામાં કાનખજૂરાને એક ભવમાંથી મુક્ત કર્યો. તેણે મને કહ્યું. ‘કાકાસાહેબ, આપ જરૂર ઇસ કી શિકાયત કીજિયેગા. સપ્રીડન્ડ કો યહ બતાના ચાહિયે.’ એટલામાં ઇસ્લામ આઝાદ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, ‘કાનખજૂરા કાન મેં જાકર કાન કો ખા જાય તો સરકાર કા બાબા કા ક્યા જાતા હૈ; હમારા નુકસાન હો જાય તો ઉસકા જુમ્મેદાર કૌન હૈ?’ જોતજોતામાં કાઉન્સિલ ભેગી થઈ અને કાનખજૂરામાંથી શું પ્રકરણ ઊભું કરી શકાય એની ચર્ચા ચાલી.

મેં કહ્યું, ‘પણ મારી એવું કશું કરવાની ઇચ્છા નથી.’ મહાત્માજીનો શિષ્ય આવો જ મોળો હોય એવો સિદ્ધાન્ત બાંધી નારાજ થયેલા કાઉન્સિલરો પોતપોતાની કોટડી તરફ ચાલ્યા ગયા. કાનખજૂરો ત્યાં જ પડ્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટ આવ્યો. તેણે કાનખજૂરાને પડેલો જોયો. હું કંઈ પણ ફરિયાદ કરવાનો હોઈશ એવી અપેક્ષાથી તેણે મારી તરફ જોયું. હું કશું બોલ્યો નહીં. એ જ ક્ષણે એક કાગડો આવી કાનખજૂરાને ઉપાડી લઈ ગયો, અને અહીં કાનખજૂરા-પુરાણ સમાપ્ત થયું. જેલમાં આંગણું સાફ રાખવામાં આવે છે, દીવાલો વરસોવરસ ધોળવામાં આવે છે, જમીન દર પંદર દિવસે લીંપવામાં આવે છે; પણ ઉપરનાં નળિયાંમાં જમાનાનો કચરો અને કેદીઓએ છુપાવી રાખેલી વસ્તુઓ પડેલી હોય છે, એટલે ત્યાંથી જ એવા કાનખજૂરા આવી પડે છે. ભાઈ શ્વેબ કુરેશીને એક વાર રોટલામાંથી કાનખજૂરો જડ્યો હતો એમ મેં સાંભળ્યું છે. સહેજ વાતોમાં મેં સુપરિન્ટેન્ડેન્ટને રોટલામાંથી કાનખજૂરો જડ્યાની એ વાત કરેલી ત્યારે તે કહે, ‘એમ તો બને જ નહીં. વીશી (જેલરસોડું)ના વ્યવસ્થાપક ઉપર ખાર રાખનાર કોઈ કેદીએ જાણીજોઈને કાનખજૂરો રોટલામાં મૂકી દીધો હશે.’ મેં કહ્યું, ‘હાસ્તો, જેલની વ્યવસ્થામાં ખામી હોવી અસંભવિત છે. કુદરતના કાનૂન અને જેલની વ્યવસ્થા બંને નિર્દોષ જ હોવાનાં!’

હવે કાગડાઓના માળા બાંધવાના દિવસ આવ્યા. કાગડાઓ દૂર દૂરથી ડાંખળીઓ લઈ આવતા અને ઝાડ પર ગોઠવતા. ડાંખળી જરા મોટી હોય અથવા જોઈએ તેવી ન હોય ત્યારે કાગડાઓ એ લાવીને મારી કૂંડીમાં નાખતા. પંદરેક મિનિટમાં બરાબર પલળે એટલે લઈ જતા. એક દિવસ એક કાગડાને લોઢાના તારનો જાડો કકડો જડ્યો. ઘાસની ગાંસડી બાંધવા માટે આવા તારનો ઉપયોગ થાય છે. આ તાર વતી વીસમી સદીના આ મયાસુરે એક લોહપ્રાસાદ બાંધવાની ખૂબ મથામણ કરી, પણ તાર અક્કડ જ રહ્યો. આખરે એને સૂઝ્યું કે ચાલો આપણે એને પાણીમાં નાખીને પલાળીએ. બરાબર બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી એણે એ પ્રયત્ન ચલાવ્યો. પહેલાં એક છેડો પાણીમાં બોળ્યો, પછી બીજો, પછી વચલો ભાગ. બે કલાકની અફળ મહેનત પછી કાગડાભાઈ એટલું પદાર્થવિજ્ઞાન શીખ્યા કે લાકડાના ગુણધર્મ અને લોઢાના ગુણધર્મ સરખા નથી હોતા. પણ આખરે એણે પોતાના માળામાં એ તારનો ઉપયોગ તો કર્યો જ.

બીજે એક દિવસે બીજો એક કાગડો છત્રીનો તાર લઈ આવ્યો. તે બહુ જ સીધો હોવાથી તેની સ્થાપત્ય કળામાં તેને સ્થાન ન હતું. એક કેદીએ એ લઈને એના બે કકડા કર્યા અને એક ઠેકાણે સંતાડી રાખ્યા. મેં પૂછ્યું, ‘આનું શું કરશો ભાઈ?’ તો કહે, ‘મારે મોજાં બનાવવાં છે.’ મેં કહ્યું, ‘શું જેલમાં તું મોજાં પહેરવાનો હતો?’ જવાબ મળ્યો, ‘ના રે, હું મોજાં બનાવી પેલા પઠાણ પોલીસને આપીશ એટલે મને બીડીની જરાક રાહત મળશે.’ ‘અને સૂતર ક્યાંથી લાવીશ?’ ‘સ્ટોરમાંથી. ત્યાં કોણ હિસાબ રાખે છે? અંગ્રેજી રાજ્યમાં ઉપરનો ડોળ જોઈએ તેટલો. અંદર કી બાત ખુદા જાને.’ મેં ઉમેર્યું, ‘ઔર તુમ્હારે જૈસે જાને!’

એક દિવસ અલ્લાદાદ દોડતો દોડતો આવીને કહે, ‘કાકાજી કાકાજી, જરા ઇધર આઇએ તો સહી. હમને એક કાંગડા પકડા હૈ.’ જઈને જોઉં છું તો સાચે જ ચતુર કાગડો પણ ઠગાયો હતો. કાગડો ઓરડીમાં પકડાયો હતો. એને પગે એક લાંબી દોરી બાંધેલી હતી. (કેદી પાસે દોરી ક્યાંથી આવી? ખાનગી વ્યવસ્થા જ.) કાગડાએ દુનિયાના તમામ કાકાઓને વહારે ધાવા બૂમ પાડી. પણ હું એકલો જ ત્યાં હાજર હતો. મેં અલ્લાદાદને આજીજી કરી અને કાગડાભાઈ છૂટી ગયા. મારી ખાતરી છે કે એ કાગડે ફરી વાર જેલનું મોં પણ નહીં જોયું હોય. પગ બંધાયો એનું કંઈ નહીં, મરી જાત એનુંયે કંઈ નહીં, પણ કાગડો ઠગાયો એ શરમ એની આખી નાતને અસહ્ય થઈ હશે.

કાગડાની પેઠે ખિસકોલીઓનું પણ અહીં સામ્રાજ્ય હતું. આખો દિવસ આંગણામાં ને ઝાડ પર દોડમદોડા કરે. સાંજરે છાપરા પર ફરે, બપોરે જમવા વેળાએ આસપાસ આવી, ‘મને નહીં?’ એમ પૂછે. ઢગરાં પર બેસી, આપણે ફેંકેલો કકડો બે હાથમાં પકડી અણીદાર દાંત વતી કોતરીને ખાય અને કૂંડીનું પાણી પીએ. સાંજ પડ્યે ઘણીખરી ખિસકોલીઓ છાપરાના ચારે છેડા પર આવી ખૂબ ક્રંદન કરતી. તેમનો એ આનંદોદ્ગાર હતો કે દુઃખોદ્ગાર એ આપણે કેમ જાણીએ? પણ મારા કાનને તો તે કરુણ ક્રંદન દમયંતીવિલાપ જેવું જ લાગતું. રોજ સાંજે પાંચ વાગ્યે આ વિધિ નિયમિત ચાલતો. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. ક્રંદન પાર વગરનું ચાલ્યું. પણ બીજા દિવસથી તે બંધ થયું.

અમે અમારા સૂવાના કામળા રોજ તડકામાં મૂકતા. ત્યાં આ ખિસકોલીઓ આવી દાંત વતી ઊન ખેંચીખેંચીને બહાર કાઢતી. આગલા પગ અને મોઢાની મદદથી એ ઊન ગોળ ગોળ ફેરવી એનો ડૂચો બનાવતી અને તે નળિયાંમાં લઈ જઈ પોતાનો માળો બનાવવામાં વાપરતી. ઘણા કામળાને આવી રીતે તેમણે કાણાં પાડ્યાં અને ઠેકઠેકાણે માળા તૈયાર થયા. મારી ઓરડીના બારણા ઉપર જ એવો એક માળો દેખાતો હતો. થોડા દિવસ પછી ત્યાં ત્રણ બચ્ચાં દેખાવા લાગ્યાં. તેમની મા અમારી પાસેથી રોટલાના કકડા લઈ જતી અને બચ્ચાંને ખવડાવતી. બેશક, બચ્ચાં ધાવણ પૂરું થયા પછી જ અનાજ ખાવા લાગ્યાં. એક દહાડો એક બચ્ચું ઉપરથી નીચે પડ્યું. સામેના લીમડા પર બેઠેલા કાગડાના મોંમાં પાણી છૂટ્યું. પણ બચ્ચું મારી ઓરડીમાં જ પેસી ગયું. મેં અંદર જઈને સહેજ પ્રયાસથી બચ્ચાને પકડી લીધું. પણ તેને તેના ઊંચા માળામાં કેવી રીતે મૂકવું? મેં બૂમ પાડીને શામળ/ભાઈને બોલાવ્યા. તેઓ મારા બારણા આગળ બેસી ગયા. હું તેમના ખભા પર એક હાથમાં બચ્ચું લઈ, બીજે હાથે બારણાના સળિયા પકડી ઊભો થયો. પછી શામળભાઈ ધીમે ધીમે ઊભા થયા. આ રીતે મારો હાથ માળા સુધી પહોંચી ગયો અને બીકથી ધ્રૂજતું બચ્ચું હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયું. બચ્ચાની માને શી ખબર કે હું એનો વહાલેશરી છું? તેણે પોતાની તિર્યગ્ભાષામાં મને અનેક ગાળો દીધી. શાપ દીધા; અને જ્યારે એનું બચ્ચું એના માળામાં ખેમકુશળ પહોંચી ગયું ત્યારે પણ મને લાગે છે કે પોતાની ભૂલ જોવાને બદલે માને એમ જ થયું હશે કે પાડ પરમેશ્વરનો કે મારું વહાલું બચ્ચું આ દુષ્ટ માણસના હાથમાંથી છટકી શક્યું. પણ પેલાં બેવકૂફ બચ્ચાં પર તો બીજી જ જાતની અસર થઈ, કેમ કે હવે બેદરકાર થઈ તેઓ બેત્રણ વાર ઉપરથી નીચે પડ્યાં અને દરેક વખતે શામળભાઈને અને મારે સરકસની કસરત કરવી પડી. પણ ભૂયોદર્શન થવાથી ખિસકોલી-માની ખાતરી થઈ કે આ લોકો વાલ્મીકિના શાપને લાયક નિષાદો નથી પણ હરિણશાવકનું પાલન કરનાર જડભરત જેવા જ કોઈક છે.

આ જ અરસામાં લીમડા પર કાગડાનાં બચ્ચાં પણ ઈંડાંમાંથી બહાર નીકળ્યાં. પશુપક્ષીઓમાં અપત્યરક્ષણની વૃત્તિ સૌથી પ્રબળ હોય છે. અત્યાર સુધી ઘણા કેદી રોજ સવારે કે સાંજે દાતણને અર્થે લીમડા પર ચડતા. કેટલાક તો જેલ બહારની દુનિયાનું દર્શન કરવા ખાતર પણ લીમડા પર ચડતા. ‘એ તમારો આશ્રમ દેખાય! ત્રણ મજલાનું એક બીજું મકાન દેખાય છે!’ એમ મને સંભળાવતા અને મને પણ ઉપર આવવા નોતરતા. ઝાડ પર ચડવું એ તો જેલના નિયમ પ્રમાણે નવ દિવસની માફી કપાય એવો ગુનો છે. એક જ વરસને માટે હું જેલમાં આવેલો હોવાથી ગુનો કરીને પણ બહારની દુનિયા જોવાનું મને મન થાય એમ ન હતું.

પણ જ્યારે લીમડા પર કાગડાનાં બચ્ચાંનો વાસો થયો ત્યારે લીમડા પર ચડવાની કોઈ કેદીની મગદૂર ન રહી. કાગડાઓ ઝપ દેતા આવીને ચાંચ મારતા અથવા માથા પરની ટોપી ઉપાડી જતા, અને કેદી ટોપી ખોઈ બેસે તો સાથે નવ દિવસની માફી પણ ખોઈ બેસે. એક કાગડીએ લીમડા પર ચડનાર શામળભાઈ અને બીજા બે કેદીઓ ઉપર મનમાં ખાસ ખાર રાખ્યો. એમને જુએ કે ચાંચ માર્યા વગર રહે જ નહીં. અમારો ઝાડુવાળો ડોસો પીળી ટોપી પહેરતો. તેના પ્રત્યે કાગડીનો સવિશેષ રોષ હતો. અને તેથી કોઈ પણ પીળી ટોપીવાળો કેદી લીમડા પાસે થઈને નીકળે કે તેને પણ કાગડીની ચાંચનો પ્રસાદ મળ્યા વગર રહેતો નહીં; ગમે ત્યાંથી આવીને માથા પર, ખભા પર અથવા લમણા પર ચાંચ મારી કાગડી નાસી જતી. દિવસે દિવસે આ કેર એટલો બધો વધ્યો કે અંતે નૂરમહમદે માથા પર ચાદર વીંટાળી લીમડા પર ચડી કાગડાનો માળો નીચે ઉતાર્યો. તેમાં પીંછાં વગરનાં, ઊંટ જેવાં દેખાતાં કાગડાનાં ત્રણ બચ્ચાં હતાં. મોં વકાસીને તેઓ પડ્યાં હતાં. મોઢાં અંદરથી રૂપાળાં લાલચોળ દેખાતાં.

નૂરમહમદની આ ક્રૂરતા અબદુલ્લાથી સહન ન થઈ. ભાઈ અબદુલ્લા સિંધ તરફના એક સંસ્કારી કુટુંબના જુવાન હતા. તેમણે ચિડાઈને કહ્યું, ‘ખિલાફતને અર્થે ફાંસી પર પણ ચડવાને તમે બહાદુર તૈયાર છો; અને પોતાનાં બચ્ચાંની રક્ષા ખાતર ચાંચ મારનાર કાગડીના પ્રહારથી તમે કાયર બન્યા અને બચ્ચાંનો માળો તોડ્યો! ખુદા તમારા પર કેટલો નારાજ થશે!’ બિચારો નૂરમહમદ ભોંઠો પડ્યો. અને શામળભાઈને આશ્ચર્ય થયું કે માંસાહારી મુસલમાનમાં પણ આટલી દયા? આખરે નૂરમહમદે પઠાણની રજા લઈ અમારા આંગણા બહારના બીજા લીમડા પર તે માળો મૂકી દીધો. પણ ત્યાં તે ટકી ન શક્યો, એટલે ફરી પહેલાંને ઠેકાણે તેને માળો ગોઠવી દેવો પડ્યો.

કાગડીને હવે પોતાનાં બચ્ચાંના ચારાનો સવાલ ઊભો થયો હતો, એટલે તેણે પોતાની કાકદૃષ્ટિ વધારે તીવ્ર કરી આહાર શોધવાનું શરૂ કર્યું. એટલામાં ખિસકોલીનાં બચ્ચાં પણ સહેજ મોટાં થઈ આમતેમ ફરતાં થયાં હતાં. કાગડીએ તેમાંનું એક બચ્ચું મારી પોતાના દીકરાને માંસનો પહેલવહેલો સ્વાદ ચખાડ્યો. તે દિવસથી ખિસકોલીઓ અને કાગડાઓ વચ્ચે મહાવેર જામ્યું. કાગડા છાપરા પર બેઠા હોય કે લીમડા પર, એકાદ મોટી ખિસકોલી પોતાની પૂંછડી ફુલાવીને કાગડા પર ધસી જતી અને કાગડો ભયભીત થઈને ઝડપથી ઊડી જાય તેટલામાં તેને પોતાના નખ અને દાંતનો કંઈક પ્રતાપ બતાવતી. કાગડા ખિસકોલીથી બીએ છે એ તો મેં અહીં જ પહેલવહેલું જોયું. પણ કાગડો હવામાં ઊડી શકે છે અને ખિસકોલી નથી ઊડી શકતી, એટલે અંગ્રેજો અને આરબ વચ્ચેના યુદ્ધ જેવું આ યુદ્ધ થઈ જતું. આરબો પાસે હવાઈ જહાજ (ઍરોપ્લેન) હોત અને ખિસકોલીને પાંખો હોત તો તે મહાયુદ્ધો બીજું જ સ્વરૂપ પકડત.

એક દિવસ એક કાગડો ક્યાંકથી ખિસકોલીનું બચ્ચું મારી લાવીને મારી કૂંડીમાં પલાળવા લઈ આવ્યો હતો. ચિડાઈને મેં પાણી ઢોળી નાખી કૂંડી ઊંધી મૂકી દીધી. ફરી વિચાર કર્યો, દયાધર્મમાં વળી ઇન્સાફ કેવો? ઇન્સાફ તો એક ખુદા જ કરી શકે. તે રહીમ (કેર વર્તાવનાર) પણ છે ને કહાર પણ છે. મારું કામ તો તરસ્યાંને પાણી પાવાનું છે. કાગડો પોતાનો આહાર શોધી લે છે તેમાં હું તેને શાને સજા કરું? મારા દેખતાં તે ખિસકોલીને મારતો હોય તો ખિસકોલીનો જીવ બચાવવાનો હું જરૂર પ્રયત્ન કરું. તેમ ન કરું તો મારી દયાવૃત્તિ દુભાય. પણ મારે કાગડા ઉપર રીસ રાખવી ન જ ઘટે. કાગડો જ્યારે ખિસકોલીને મારતો હોય ત્યારે તેના મનમાં ખિસકોલી પ્રત્યે દ્વેષ કે વેર હોય છે કે પોતાનાં ભૂખ્યાં બચ્ચાંની વાત્સલ્યભરી ચિંતા હોય છે એ કોણ નક્કી કરે? મારી મા ઝાડ પરની કેરી તોડી મને ખાવા આપતી ત્યારે તેના જે વિચારો હશે તેથી શું આ કાગડીના વિચારો જુદા હશે? પરદુઃખનો વિચાર કરવો એ માણસનો જ અધિકાર છે; અન્ય પ્રાણીઓ તો જવલ્લે જ એ વૃત્તિ કેળવી શકે છે. પશુપક્ષીઓનું જીવન નીતિબાહ્ય હોઈ તેમાં નીતિ-અનીતિ સંભવતી જ નથી. માણસ પણ હજુ મોટે ભાગે પશુ જ છે, તેથી જ પરદુઃખથી તેનું હૃદય પીગળતું નથી. એમ કહેવાય છે કે માણસોમાં પણ સ્ત્રીઓ પોતાનાં બાળબચ્ચાં ને સગાંવહાલાં પ્રત્યે પ્રેમવૃત્તિનો અસાધારણ ઉત્કર્ષ બતાવતી છતાં અન્યનાં દુઃખ પ્રત્યે ઉદાસીન જ હોય છે. અને સ્ત્રી સ્ત્રીનું દુઃખ જોઈને કેટલીક વાર રાજી પણ થાય છે. આ વાત કેટલે દરજ્જે સાચી છે અને કેટલે દરજ્જે તહોમત છે એ તો સ્ત્રીઓ જ કહી શકે. એટલું ખરું કે મનુષ્યેતર સૃષ્ટિમાં નર કરતાં માદાનો જુસ્સો અને ઝનૂન વધારે હોય છે. જંગલી અસંસ્કારી લોકોમાં પણ એમ જ હોય છે.

એક રાત્રે મોટો પવન ચાલ્યો. કાગડાનો માળો ઢળી પડ્યો અને એક બચ્ચું મરી ગયું. નૂરમહમદે માળો અને બચી ગયેલું બચ્ચું લીમડા પર ગોઠવી દીધાં. પણ એકબે દિવસમાં તેનો પણ અંત આવ્યો. ઝાડુવાળાએ બચ્ચું દીવાલ બહાર ફેંકી દીધું. ત્યાં કાગડાઓની ન્યાત ભેગી થઈ ને કાણ કાઢી. કેટલાક ઘરડા કાગડાઓએ રાજિયા ગાયા. મા કાગડી તો અવાચક થઈને બેસી જ ગઈ હતી. આખરે જ્યારે મોટો વરસાદ આવ્યો ત્યારે ન્યાત લાચાર થઈને ઊડી ગઈ. પણ ત્રણ-ચાર કાગડાઓના દુઃખનો આવેગ એટલો બધો હતો કે વરસાદમાં ઊડી જવાનું પણ તેમને ન સૂઝ્યું. કાગડાઓનું નસંતાન વળેલું જોઈ ખિસકોલીઓ રાજી થઈ કે કેમ એ આપણે કેમ કહી શકીએ? અદેખાઈ, મત્સર અને પારકાનું દુઃખ જોઈ થતો આનંદ એ વૃત્તિઓ વખતે સુધરેલાં પ્રાણીઓના જ દુર્ગુણ હશે. બચ્ચાં મરી ગયા પછી કાગડા પણ જરા મોળા પડ્યા. અમને સાલે એવો કાગડાનો છેલ્લો શિકાર તો અમારા જાજરૂ પર રહેતી એક દેવચકલીનાં બચ્ચાંનો હતો.

રવિવારનો દિવસ હતો. પોલીસોને જલદી ઘેર જવું હતું એટલે તેમણે અમારી આજીજી કરી અમને પાંચ વાગ્યે જ કોટડીઓમાં પૂરી દીધા હતા. હું ‘નાથભાગવત’નો એક અધ્યાય પૂરો કરી ઓરડીમાં નિરાંતે બેઠો હતો. રાતપાળીના પોલીસો તેમજ મુકાદમો તાળાં બરાબર બંધ છે કે નહીં તે તપાસી બીડી પીવા ક્યાંક ખૂણે જઈ ભરાયા હતા. એટલામાં એક મોટો ઘોઘર બિલાડો ધરાઈને ખાધા પછી મૂછ ચાટતો ચાટતો અને હાથીની પેઠે ડોલતો ડોલતો આવી મારા બારણા આગળ અટક્યો અને ધ્યાનપૂર્વક મને નિહાળતો ઊભો. તેણે માથું ઊંચું કર્યું, નીચું કર્યું, બારણાના એક છેડા તરફથી જોયું, બીજા છેડા તરફથી જોયું, ને ‘ગુર્‌ર્‌ર્’ ‘મ્યાઉં’ કરીને પોતાનો સંતોષ જાહેર કર્યો! નાનપણથી અનેક અજાયબઘરો (મ્યૂઝિયમો) હું જોતો આવ્યો છું. પાંજરાંની માંહ્ય પશુપક્ષીઓ, વાઘબિલાડીઓ પૂરેલાં મેં બહારથી જોયાં છે, તપાસ્યાં છે, તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ વ્યક્ત કર્યો છે; પણ કોઈ કાળે મેં એમ સ્વપ્નેય ધારેલું નહીં કે હું બંધ બારણે પુરાયો હોઈશ અને એક નફટ બિલાડો બહારથી મને જોઈતપાસી પોતાનો સંતોષ જાહેર કરશે! બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત.

હું પાછળ કહી ગયો કે જેલમાં વાંદરાઓ પુષ્કળ આવતા, નીચે ઊતરીને હોજમાંથી પાણી પણ પીતા. અમારી સાથેના પ્રોફેસર ઝમ્મટમલને આ વાંદરાઓ ઉપર ભારે ભાવ. સિંધી ભાષામાં વાંદરાને ‘ભોલુ’ કહે છે. ભોલુઓને જુએ કે ઝમ્મટમલ રાજી રાજી થઈ જાય. ઘણી વાર અમે સાંજે ચાર વાગ્યે સાથે નાહવા બેસીએ અને આ ભોલુઓ પડખેની ભીંત પર થઈને પસાર થાય. અહિંસક માણસ તરીકેની મારી છાપ આ ભોલુઓ પર સારી હતી, એટલે હું નાહતો હોઉં તોપણ તેઓ ભીંત પરથી વગર બીકે નિરાંતે ચાલ્યા જાય. પણ ઉનાળાના બફારાથી સારી પેઠે શેકાયેલા ઝમ્મટમલનો સમભાવ મારા કરતાં વિશેષ. તેથી તેમને થતું : આ ભોલુઓને નવડાવીએ તો કેવું! એટલે તે પોતાનો જસતનો ચંબુ ભરીને ગુપચુપ તૈયાર રહેતા અને ભોલુ દીવાલ પરથી પસાર થાય કે ‘હાઉઉ’ કરતા તેના પર ચંબુમાંનું પાણી ઉરાડતા. અરસિક ભોલુઓને આમાં મજા પડતી નહીં, એટલે પોતાની લાંબી પૂંછડી ઊંચી કરી તેઓ દોટ મૂકતા અને દૂર જઈ પાછા વળી દાંતિયાં કરી પોતાનો રોષ જાહેર કરતા. અલ્લાદાદ ત્યાં હોય ત્યારે તે જરૂર વાંદરાઓને ખાતરી આપતો કે માણસોને પણ દાંત હોય છે. આમ ઘણા દિવસ સુધી ચાલ્યું. વાંદરાઓ છોટા ચક્કર નં. ૪નો ત્યાગ કરવાનો વિચાર કરત, પણ ઝમ્મટમલ તો મધમાખ જેવા; મધમાખ પાસે ડંખ પણ હોય ને મધ પણ હોય. તેઓ રોજ સાંજે મળી શકે તેટલા રોટલાના કકડા ભેગા કરી આ ભોલુઓને ખવડાવતા, એટલે પછી ભોલુઓ જવાનું મન શેના કરે? રોજ નવા નવા ઇષ્ટમિત્રોને તેઓ લઈ આવતા. આગળ જતાં તો તેઓ એટલા ધીટ બન્યા કે અમારા હાથમાંથી પણ રોટલાના કકડા લઈ જાય! એમાંનો એક ઘરડો હતો. તેના દાંત પડી ગયા હતા. તેને રવિવાર શુક્રવારે અમે ઘઉંની રોટલી આપતા.

પણ થોડા જ દિવસમાં આ ભાઈબંધોના ઉધમાત બહુ વધી પડ્યા. એક દિવસ સાંજે સાડાછએક વાગ્યા હશે. અમે કોટડીઓમાં પુરાયા હતા. એટલામાં દસ-બાર ભોલુઓની ફોજ આવી ને તેમણે હોજ પાસેના પીપળા પર એકાએક હુમલો કર્યો. બિચારા પીપળાને થોડું થયાં જ નવાં પાન આવ્યાં હતાં. તડકામાં તે ખૂબ ચળકતો. ભોલુઓએ તેની અનેક નાનીમોટી ડાળીઓ તોડી નાખી; નીચેથી ઉપર, ને ઉપરથી નીચે તેઓ કૂદ્યા અને પોતાની ચળ શમાવી અંધારું થતાં ઘેર ગયા. ઘેર એટલે ક્યાં?

બીજે દિવસે મારા સાથીઓને મેં કહ્યું કે, ‘વાંદરાઓને આપણે વધારે હેળવશું તેમ તેઓ વધારે આવવાના, લંકાલીલા કરવાના, અને પછી કબૂતરહત્યાની પેઠે વાનરહત્યા થવાની. તેનું પાપ આપણે માથે ચોંટવાનું.’ મારી દલીલ સૌએ કબૂલ રાખી, પણ કોઈના આચરણમાં ફેર ન પડ્યો. એક દિવસ ખેરલ નામના એક સિંધી ભાઈએ એક ભોલુને લલચાવી સામેની ખાલી બરાકમાં પૂરી દીધો અને પછી બહારથી ભાઈસાહેબ માટીનાં ઢેફાં તેના પર ફેંકવા લાગ્યા. ભોલુએ બુમરાણ મચાવ્યું. બહારથી પાંચ-પચીસ ભોલુઓ ભેગા થયા. ચીસો-કિકિયારીઓનો પાર ન રહ્યો. એક ભાઈ આવીને મને આ કહી ગયો. પેલો ભોલુ બિચારો બરાકમાં કૂદાકૂદ કરી અંતે છાપરાની કેંચી પર ચડી બેઠો હતો. મેં ખેરલને કહ્યું, ‘છોડ દો બિચારે કો. ગરીબ કો ક્યોં સતાતે હો?’ ખેરલ કહે, ‘યે તો હમારે દુશ્મન હૈં. ઉનકો મારના ચાહિયે.’ મેં પૂછ્યું, ‘બિચારે ભોલુ તુમારે દુશ્મન કહાં સે બન ગયે?’ આનો મને જે જવાબ મળ્યો તેમાં તો માણસજાતની તર્કશક્તિની સીમા જ હતી. ખેરલે કહ્યું, ‘અંગ્રેજ હમારે દુશ્મન હૈં, હમ અંગ્રેજો કો બંદર કહતે હૈં, ઇસલિયે બંદર હમારે દુશ્મન હૈં! [Q.E.D.] ઉનકો જરૂર મારના ચાહિયે!’ ફર્ગ્યુસન કૉલેજમાં હું દેશી વિલાયતી બેઉ તર્કશાસ્ત્ર ભણ્યો છું. આપણા મહાવિદ્યાલયમાં પણ ભીડને પ્રસંગે તર્કશાસ્ત્ર મેં ભણાવ્યું છે. પણ આ તર્કશાસ્ત્ર આગળ તો હું આભો જ બની ગયો. મેં એને કહ્યું, ‘તુમ અંગ્રેજ કો બંદર કહતે હો ઇસમેં બંદરોં કા ગુનાહ ક્યા હૈ? ક્યા વે તુમારે પર રાજ કરતે હૈં? ક્યા બંદરોં ને ખિલાફત સે દુશ્મની કી હૈ? ક્યા બંદર ઇસ દેશ કો લૂટ રહે હૈં?’ ખેરલ કહે, ‘લેકિન યે બંદર તો હૈં ના? બસ ઇસી લિયે યે હમારે દુશ્મન હૈં, જૈસે અંગ્રેજ વૈસે યે!’

આખરે બધાના દબાણથી ભોલુનો માંડ છુટકારો થયો અને તે બધા રાતને માટે સૂવા ચાલ્યા ગયા.

વરસાદના દિવસ આવી પહોંચ્યા. રાહ જોઈ જોઈને થાકેલાં ને લગભગ નિરાશ થયેલાં પ્રાણીઓને આનંદ થયો. જમીન મહેકવા લાગી. સંધ્યાસમયનાં વાદળાંઓ મધ્યે શ્યામ અને સોનેરી કિનારવાળાં વધારે પ્રિય દેખાવા લાગ્યાં. કોઈ દિવસ અમદાવાદની દિશામાં તો કોઈ દિવસ વીરમગામની દિશામાં સજલ ઘન ઊતરતા દેખાવા લાગ્યા. પહેલે દિવસે સાંજે અમે ભેગા બેસીને પ્રાર્થના કરી અને મેઘની પેઠે આર્દ્ર હૃદયે આ કૃપા માટે પરમાત્માનું ગાયન કર્યું. સુકાયેલી જમીનમાંથી બાલ-તૃણાંકુર ઊગી નીકળ્યા. પણ પોતાનાં કાન ને પૂંછડીઓ હલાવતાં હલાવતાં તે તૃણાંકુરો પર ઉજાણી કરનાર વાછરડાં કે ઘેટાંબકરાંનાં બચ્ચાં અહીં હતાં નહીં. ભૂમિદેવીનું માતૃહૃદય સફળ થયું. પણ તેને ધાવનાર કોઈ ન મળે. બિચારો હોંકેરઆપ્પા અહીં રહ્યો કર્ણાટકના હમ્પી તરફનાં પોતાનાં ખેતરો નિહાળવા લાગ્યો. નિર્દોષ વાળંદ પોચાભાઈ ઘરનાં ઢોરની વાતો કરવા લાગ્યો. અર્જુન અને રાવજી એ ભીલોની વૃદ્ધ જોડી બાળકની પેઠે નૃત્ય કરવા લાગી. નૃત્ય સાથે ગાયન પણ હતું. પણ શિષ્ટજનોને માટે તે શ્રાવ્ય ન હતું. રાવજી કદાવર નહોતો પણ મજબૂત હતો. જેલમાં બીજી વાર આવ્યો હતો. હવે તેના મોઢાના દાંત બહુ ઓછા રહ્યા હતા. આવો ઘરડો માણસ વરસાદની ઠંડક લાગતાં-વેંત એકદમ જુવાન થયો ને કહેવા લાગ્યો, ‘કોણ જાણે ઘેર જઈશ ત્યારે મારી ઘરવાળી જીવતી હશે કે નહીં? મરી ગઈ હશે તો હું ફરી વાર પરણવાનો. મને રાંધીને મૂકનાર કોઈ જોઈએ કની!’

પછી બહારથી નવા આવનાર કાચા કેદીઓની સંખ્યા વધે એટલે તેમાંના કેટલાક કેદીઓને અમારા પૉર્ટ બ્લેરમાં પૂરતા. તેમની પાસેથી અમે બહારના વરસાદના સમાચાર મેળવતા. પોલીસો જ્યારે ખુશમિજાજામાં હોય ત્યારે અમારી પાસે બેસી સાબરમતીમાં દસ ફૂટ પાણી છે, વીસ ફૂટ પાણી છે એવી પણ ખબરો આપતા. અમારો એક દોસ્ત નિયમસર લીમડા પર ચડી દૂર સુધી જોતો, પણ કહેતો કે, ‘ખેતરોમાંના મોલ કેવાક છે એ અહીંથી બરાબર કહી શકાતું નથી.’ બહાર દુકાળ હોય કે સુકાળ, આ કેદીઓને તેની શી પડી છે? તેમને તો આઠ આઠ- દસ દસ વરસ અહીં જ ગાળવાં છે. કેટલાક નિસાસા નાખીને કહેતા, ‘અમારો ખાડો જેલમાં જ છે.’ આ લોકોને દુકાળની શી પડી હતી? બહાર અનાજ પાકે તોયે એમને ઘીદૂધ તો શું, છાશનું પણ ટીપું સરખું મળવાનું નથી. અને બહાર સખતમાં સખત દુકાળ પડે તોયે તે કારણસર તેમની ૧૩ ઔંસની રોટલીના ૧૧ ઔંસ થવાના નથી. આમ છતાં તેમને વરસાદની દરકાર રહે છે તે શા માટે? એટલા જ કારણસર કે તેઓ કેદી થયા એટલે કંઈ માણસ મટ્યા નથી. કેટલાક ગુના તેમણે કર્યા હશે, પણ તેઓ કંઈ દુનિયાનું બૂરું ચાહનારા નથી. માણસજાત વિશેના આ અકારણ અને અકૃત્રિમ પ્રેમની બાબતમાં જેલના અમલદારો કરતાં જેલના કેદીઓ ચડિયાતા છે એમાં શક નથી.

લીમડાની લીંબોળીઓ હવે બરાબર પાકી અને ટપ ટપ ટપ નીચે પડવા લાગી. કેદીઓને આ ખાવાની છૂટ હતી. માંદા પડીને ઇસ્પિતાલ જવાની અને ત્યાં એકાદ દિવસ સાબુચોખાની કાંજી પીવાની શક્તિ કે યુક્તિ જેમનામાં ન હોય તેવાઓને આખા વરસમાં આટલો જ ગળ્યો મેવો મળે, એટલે તેઓ ધરાઈને આ લીંબોળીઓ ખાય. હા, મુકાદમ અનુકૂળ હોય ત્યારે ઇસ્પિતાલમાં જઈ સ્પિરિટ ક્લૉરોફૉર્મનો એકાદ ડોઝ પી શકાય ખરો.

ખિસકોલીઓનું કરુણ ક્રંદન હવે બંધ થઈ ગયું હતું. હવે તેઓ મૂંગે મોઢે ઝાડ પર અને નીચે આંગણામાં શરતો રમવા લાગી. અત્યાર સુધીમાં ઘણી ખિસકોલીઓએ અમારી સાથે દોસ્તી બાંધી હતી. અમારી પાસે આવે અને મોઢું હલાવી હલાવીને રોટલાના કકડા માગે. અમને મળતા જુવારના રોટલા સામે કેદીઓની ફરિયાદ તો રહેતી જ, પણ કાગડા, સમડી અને ખિસકોલીઓ સુધ્ધાં જુવારના રોટલાને દિવસે રોટલાના કકડા લેવાને બહુ ઇંતેજાર રહેતાં નહીં. કેટલાક કેદીઓ કહેતા, ‘આ તે જુવાર છે? પેટમાં નાખી શકાય એવી માટી!’ મેં જોયું છે કે ઘણી વાર કેદીઓ જુવાર કરતાં ખોરી ખોરી પણ બાજરી પસંદ કરતા. ઘઉંની રોટલી હોય તે દિવસે ખિસકોલી અમારી સામે બેસી અમારા હાથમાંથી કકડો લઈ જાય ને ઓરડીની અંદર આવીને ખાય. એક દિવસ તો બે ખિસકોલીઓની શરત ચાલતી હતી. તેમાંની એક પાછળથી દોડતી આવી મારા ખભા પર ચડી બેઠી. અમે ખિસકોલીઓને સવારે ગરમાગરમ કાંજી આપતા. જે દિવસે સવારે કાંજી મોડી આવી હોય તે દિવસ અધીરા બાળકની પેઠે આ ખિસકોલીઓ અમને પજવતી પણ ખરી.

એક દિવસ સુપરિન્ટેન્ડેન્ટ આવી અમને કહે, ‘મેં સાંભળ્યું છે કે તમે ખિસકોલીઓને ખવડાવો છો?’ મેં હા પાડી. તેણે કહ્યું, ‘હા, આને લીધે જ ખિસકોલીઓ બહુ આવે છે ને તડકે નાખેલા કામળા કાતરી ખાય છે. “રિટ્રેન્ચમેન્ટ”ના આ દિવસોમાં આટલું નુકસાન કેમ ખમાય? તમારે આજથી ખિસકોલીઓને ખવડાવવાનું બંધ કરવું જોઈએ, નહીં તો મારે પાંજરાં લાવીને ખિસકોલીઓ પકડવી પડશે ને મારવી પડશે.’ હિંદુને જેર કરવાનો અકસીર ઇલાજ ભાઈસાહેબના હાથમાં આવી ગયો છે એમ હું સમજી ગયો. સાચે જ બીજે દિવસથી મેં ખિસકોલીઓને ખવડાવવાનું બંધ કર્યું! બિચારીઓ આવી આવીને મારી તરફ જુએ. આજે હું તેમને કેમ નથી ખવડાવતો તેનું કારણ તેઓ ક્યાંથી સમજે અને હું સમજાવી પણ કઈ રીતે શકું? મારી આંખ ભરાઈ આવી. યુરોપમાં મહાયુદ્ધ થયું, ઇંગ્લન્ડનું લોહી સુકાયું, માટે હિંદુસ્તાનને અઢળક ખરચમાં ઊતરવું પડ્યું, તેથી બધાં સરકારી ખાતાંનાં ખર્ચ કમી કરવાનું નક્કી થયું અને તેથી એક ગરીબડી ખિસકોલીને રોજ મળતો રોટલીનો કકડો બંધ થયો! શી કારણપરંપરા!

વરસાદ આવ્યો અને અમારું બહાર સૂવાનું બંધ થઈ ગયું. અમે પાછા સાંજે કોટડીઓમાં પુરાતા થયા. એ જ અરસામાં મારી ઓરડીમાં મંકોડાનો રાફડો ફાટ્યો. હવે કેમ સુવાય? ‘ભાષણવાળાઓ’ની ઓરડીઓ છેક છેડા પરની, એટલે વાછટથી વધારે પલળવાની, અને તેમાં મંકોડા પણ જરૂર થવાના. દહાડે ઓટલા પર સૂતા હોઈએ ત્યાં પણ મંકોડા આવે. રાત્રે ઓરડીઓમાં આવે. અને આવે ત્યારે દસ-પાંચ કે સો-પચાસ નહીં, પણ આખી ઓરડી છવાઈ જાય એવડી કાળી ફોજ ત્યાં ખડી થાય. બીજે જ દિવસે એક ‘ભાષણવાળા’એ અહિંસક હોવા છતાં ફિનાઇલ મંગાવી દરેક દર પર અભિષેક શરૂ કર્યા. આવા જર્મન ઇલાજ સામે મંકોડાની ફોજ ટકી ન શકી. અધૂરામાં પૂરું મંકોડાઓનો બીજો એક શત્રુ જાગ્યો. મંકોડાઓ ઓટલા પર ફરવા માંડે એટલે અમારી પૂર્વપરિચિત કાબરો મંજુલ શબ્દ કરતી અને પોતાની પાંખોનાં પડમાં છુપાવેલો શ્વેતવર્ણ પ્રગટ કરતી, છોકરાં કિસમિસ ખાય એમ, મંકોડા ખાઈ જતી!

પતંગિયાંની પેઠે મંકોડા પણ મૃત્યુ વિશે બેદરકાર દેખાય છે. મેં નાનપણમાં જોયું હતું કે, રાત્રે દીવી પ્રગટાવીએ એટલે કેટલાય મંકોડા એની આસપાસ ભક્તિભાવથી પ્રદક્ષિણા કરવા લાગે છે; કલાકો સુધી ફર્યા જ કરે છે, અને અંતે મરી પણ જાય છે. જેલના મંકોડા હોજમાં પાણી પીવા કે નાહવા જતા. ચાલતા ચાલતા હોજના કિનારા સુધી આવે ત્યાં પગ લપસી જાય એટલે ટપ દઈને અંદર પડે. હું નાહતો હોઉં ત્યારે જેટલા પર ધ્યાન પહોંચે તેટલાને ઉપાડીને બહાર દૂર મૂકતો. પણ એ હઠીલા મંકોડા જમીન પર પગ મૂકે કે તરત જ ફરી હોજ તરફ હડી કાઢે અને ફરી પાણીમાં પડી જાય. મને તેમની બેવકૂફી પર ખૂબ ચીડ ચડી. મેં મનમાં કહ્યું, ‘આ કમબખ્ત પહેલી વાર પાણીમાં પડ્યા તે તો અજાણે પડ્યા, પણ પાણીમાં પડ્યા પછી તરફડિયાં મારતા અધમૂઆ થયેલા મેં એમને બહાર કાઢ્યા તે એમનો અનુભવ ક્યાં ગયો? હોજમાં બીજા કેટલાયે મરેલા મંકોડા પણ તેમણે જોયા છે છતાંયે ડહાપણ ન આવે?’ કેટલાકને તો મેં ચીવટપૂર્વક ત્રણ ત્રણ વાર બહાર કાઢ્યા. છતાં અનુભવથી શીખે એવી એ જાત જ નહીં. મેં નક્કી કર્યું કે કબૂતરોની પેઠે આ મંકોડા પણ બેવકૂફ પ્રાણી છે. પણ વળી વિચાર આવ્યો, ‘માણસજાત પણ કેવી બેવકૂફ છે! વિષયમાં પડીને ક્ષીણ થાય છે, મરી જાય છે, છતાં વિષય છોડતી નથી; અનાદિકાળથી ભવચક્રમાં ભમે છે પણ રામનામ લેતી નથી. માણસ પરણે છે ને પસ્તાય છે, પરણે છે ને પસ્તાય છે; છતાં પરણ્યા વગર રહેતો નથી. અને આપણે હિંદુસ્તાનના લોકો પારકાની મદદ પર આધાર રાખીએ છીએ અને તેના જુલમને વશ થઈએ છીએ. ઇતિહાસકાળમાં અનેક વાર આ અનુભવ આપણે લીધો છે, છતાં એની એ જ વાત ફરી ફરી કરતા આવ્યા છીએ. ત્યારે મંકોડાની જ આ આત્મહત્યા જોઈ એ જાત બેવકૂફ છે એમ મારે શા સારુ માનવું?’

ઇન્દ્રગોપ એ નામ બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે; પણ ઇન્દ્રગોપ જોયો જ ન હોય એવો માણસ ભાગ્યે જ મળે. ચોમાસાની શરૂઆતમાં દાડમના દાણા જેવાં લાલ ને મખમલ જેવાં સુંવાળાં નાનાં જીવડાં જમીનમાંથી બહાર આવે છે ને ફર્યા કરે છે. આઠ-દસ દિવસ સુધી જ તે દેખા દે છે અને વરસમાં આઠ દિવસની જિંદગી ભોગવી અલોપ થઈ જાય છે. આ આઠ દિવસની અંદર આ પ્રાણીઓ પોતાનું બાળપણ, યૌવન અને ઘડપણ ભોગવી લે છે, અને ભૂમિમાતાને પોતાનાં ઈંડાં શ્રદ્ધાપૂર્વક સોંપી દઈ આ દુનિયામાંથી વિદાય લે છે. આપણી પરંપરા કેમ ચાલશે એની શંકા એમના મનમાં રહેતી નથી. આપણી જાતિનો નાશ થશે તો દુનિયાને કેટલું નુકસાન થશે, એવી ભીતિ તેમના મનમાં વસતી નથી. નવે વર્ષે (વર્ષનો મૂળ અર્થ વર્ષાકાળ છે.) પોતાનાં બાળબચ્ચાંની સંભાળ કોણ લેશે એવી મનોવ્યથા તેમને પીડતી નથી. વિશ્વંભરા પ્રકૃતિમાતા પર વિશ્વાસ રાખી તેઓ નિરાંતે પોતાનું જીવતર પૂરું કરે છે. માણસને જ કેમ પોતાના વંશ ને વારસાની આટલી ચિંતા રહેતી હશે? પ્રજાતંતુ અવ્યવચ્છિન્ન રહે એટલી જ ઇંતેજારી રાખીને પણ માણસ અટકતો નથી. પણ છોકરાંનાં છોકરાં ખાય તોયે ખૂટે નહીં એટલો સંગ્રહ પાછળ મેલ્યા વગર માણસને સુખે મરણ આવતું નથી. ઇન્દ્રગોપનું રક્ષણ ઇન્દ્ર કરે છે. શું માણસનું રક્ષણ કરનાર કોઈ જ નથી? અથવા એમ પણ માની લઈએ કે માણસે જોયું હશે કે ઈશ્વરને માથે સૌની ચિંતા છે તેથી બિચારો થાકી જતો હશે, એટલે ચાલો કાંઈ નહીં તો આપણો ભાર તો આપણે પોતે ઉપાડી તેનો તેટલો ભાર હલકો કરીએ. स्ववीर्यगुप्ता हि मनोः प्रसूति। માણસના આવા ઉદ્ગાર સાંભળીને આદ્ય મનુને કેટલી ધન્યતા લાગતી હશે!

તે જ દિવસે મૌલાનાસાહેબ જોડે ચાલતી ચર્ચામાં એમના મોઢામાંથી એક વચન નીકળ્યું : માણસ પાસેથી આપણે કંઈક માગીએ ત્યારે તે નારાજ થાય છે. કોઈ પાસે કશું માગવું નહીં એમાં ડહાપણ રહેલું છે, મોટાઈ રહેલી છે. એથી ઊલટું, ઈશ્વર પાસે માગવાથી જ તે રાજી રહે છે. આપણે ઈશ્વર પાસે કશું ન માગીએ એના જેવો બીજો ગુનો નથી. તે બાદશાહના બાદશાહની સ્તુતિ કરીએ અને બધું તેની પાસે માગીએ એમાં જ આપણી મોટાઈ રહેલી છે. ઈશ્વર પાસેથી બધું માગીએ, ને તે જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનીએ અને તેની બંદગી કરીએ, એ જ માણસનો ધર્મ છે.

વહાણું વાય એટલે પક્ષીઓ વહેલાં ઊઠી કિલબિલ કિલબિલ કિલબિલ અવાજ કરતાં. સાંજે પાછાં આવે ત્યારે પણ જંપે તે પહેલાં તેવો જ શ્રવણરુચિર અવાજ કરે. દ્વિજગણનું આ સૂર્યોપસ્થાન મને મારી પ્રાર્થનાની યાદ દેવડાવતું. એક વર્ષની જેલ દરમિયાન એક જ દિવસ મારી પ્રાર્થના પડવા પામી હતી. ઉનાળામાં પક્ષીઓ બહુ વહેલાં ઊઠે છે. જે પહેલવહેલું ઊઠ્યું હોય તે પોતાના કલધ્વનિથી શરૂઆત કરે. તરત જ બીજાં પાંચસાત પક્ષીઓ જુદાં જુદાં ઝાડ પરથી તેનું પ્રતિ/શ્રવણ કરે, અને પછી આખો સંઘ પોતાની અમૃતવાણીનો ધોધ ચલાવે. પક્ષીઓના આ સંમિશ્ર ગાયનમાં નથી હોતો સ્વરનો મેળ કે નથી હોતી કોઈ જાતની તાલબદ્ધતા. છતાં આ વિશૃંખલ સ્વરસંમેલનમાં કેવું અનુપમ માધુર્ય હોય છે! ઉષા અને સંધ્યા ગમે તેટલા સમૃદ્ધ રંગોથી સજાયેલી હોય, તોપણ આવા નિસર્ગ/સંગીતના સાથ વગર તે સૂની સૂની જ લાગવાની.

એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. બધે પાણી પાણી થઈ રહ્યું. ખાળો અને નીકો એટલી બધી ભરાઈ ગઈ કે તે ક્યાં છે એની જ ખબર ન પડે. એ પાણી પર જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ઊછળીને જાણે ઉપરના વરસાદનું સ્વાગત કરતું હોય એવું દેખાય છે. નાનપણમાં એને અમે ‘ ચવલીપાવલીનો વરસાદ’ કહેતા. આકાશમાંથી ચાંદીની ચળકતી બેઆની ચારઆનીઓ જમીન ઉપર પડીને ઊછળતી ને ચળકતી હોય તેવો આ દેખાવ હોય છે. અને તે ઉપરથી જ અમને એ નામ સૂઝેલું. વરસાદ સહેજ થાકે એટલે જેને જીવનની ઉપમા શોભે એવા પરપોટા તૈયાર થતા અને પાણી ઉપર કશા ઉદ્દેશ વગર આમતેમ ફરતા રહી એક પછી એક ફૂટી જતા, પણ તેમને માટે કોઈ વિલાપ કરતું નહીં. માણસ અને પરપોટા વચ્ચે આટલો ભેદ તો ખરો જ.

મેઘરાજાએ ઘણા દિવસ સુધી પોતાની મહેર વરસતાં અટકાવી. પાણી સુકાવા લાગ્યું, ખાબોચિયાંને તળિયે લીલ બાઝી ગઈ, અને એ લીલ ઉપર ઝીણા મોતી જેવા પરપોટા જામવા લાગ્યા. ઝમ્મટમલ અને મારી વચ્ચે વિવાદ શરૂ થયો. પાણીમાં રહેલી હવાને ખોરાક તરીકે ખેંચીને આ લીલે આ પરપોટા બનાવ્યા છે અને સંગ્રહ કર્યો છે, કે લીલના શ્વાસોચ્છ્વાસમાંથી નીકળેલી હવામાંથી આ બનેલા છે? એટલું ખરું કે પરપોટા એટલા નાના હતા કે ખાબોચિયાનું તળિયું છોડી પાણી કાપી તે ઉપર આવી શકતા ન હતા. તળે ને તળે જ બેસી જતા. આખરે જ્યારે ખાબોચિયું આખું સુકાઈ ગયું ત્યારે આ પરપોટાની અંદર વસતું પરપોટાકાશ મહદાકાશ સાથે એકરૂપ થઈ ગયું અને તે બે વચ્ચેના ભેદની નિશાની સરખી રહી નહીં.

लिखितमपि ललाटे प्रोज्झितुं कः समर्थः? લલાટે લખેલા લેખ કોણ ટાળી શકે? આંગણામાં ઊગેલા ઘાસને ખાઈ જનાર ઢોરબકરાં જેલમાં ન હતાં, પણ તેથી કંઈ અંદરનું ઘાસ સલામત ન હતું. એક દહાડો દાતરડાં લઈને કેદીઓનું એક ટોળું આવ્યું અને તેમણે એક જ કલાકમાં આખું ખેતર નક્ષત્રું કરી નાખ્યું! જમીન ઉઘાડી પડી એટલે કેદીઓએ સંતાડી રાખેલાં ડુંગળી, લસણ, મૂળા, અને થોડીક બીડીઓ પ્રગટ થયાં. દાતરડાં પર દેખરેખ રાખનાર પોલીસે પ્રથમ તો તે બધાં જપ્ત કર્યાં, પણ તરત જ તેને દયાધર્મ(?) સૂઝ્યો અને તેણે કેદીઓ વચ્ચે તેની ખેરાત કરી નાખી. પછી આવ્યું ધારિયાંધારી કેદીઓનું ટોળું. પરશુરામે જેમ કાર્તવીર્યના સહસ્ર બાહુ વાઢી નાખ્યા તેમ તેમણે તમામ લીમડાની અનેકાનેક શાખાઓ કલમ કરી. અમારે માટે દાતણોની ઉજાણી થઈ અને ખિસકોલીઓને માટે રમવા/કૂદવાનું તેટલું ક્ષેત્ર ઓછું થયું. મારા અરીઠા પર લીમડાની એક મોટી ડાળ ફેલાયેલી હતી. જોહુકમી તળે જેમ માણસનો વિકાસ થતો નથી તેમ લીમડાની છાયા નીચે મારો અરીઠો ઠીંગરાઈ ગયો હતો. આ સુંદર તક જોઈ મારા અરીઠાનો મેં પુરસ્કાર કર્યો ને તેના હિતની ખાતર લીમડાની જાડી ડાળ કપાવી નાખી. સાચે જ ખુલ્લા વાતાવરણની સ્વતંત્રતા મળતાંવેંત અરીઠો જોતજોતામાં વધવા લાગ્યો. સ્વતંત્રતા વગર વિકાસ નથી એ સાર્વભૌમ નિયમ છે.

મારી ઓરડીમાં ખૂબ ઊંચે એક બાકું હતું. એક ચકલીની દૃષ્ટિ તેના પર પડી. તરત જ તેણે ત્યાં પોતાનો માળો ઘાલ્યો. ખિસકોલીઓએ મારા ઉદેપુરી ઊનના આસનના કકડા તો કરી નાખ્યા જ હતા. તેમાંના મનપસંદ કકડા ઉપાડી ઉપાડી ચકલીએ પોતાનો મહેલ સજી નાખ્યો. આ રીતે છ વાગ્યે ઓરડીમાં પુરાયા પછી પણ સહવાસને માટે મને ગોઠિયો મળ્યો. ચકલી એ હંમેશાં પ્રસન્ન રહેનાર પ્રાણી છે. આખો દિવસ વાતો કરતાં તે થાકે જ નહીં, અને બૈરાંઓની પેઠે એની એ જ વાત ફરીફરીને કહેતાં કંટાળે નહીં. મારી ઓરડીમાં એમને માટે રોટલાના કકડા રાખેલા હોય જ, એટલે અન્ન અને આશ્રયની તેને પૂરેપૂરી સગવડ મળી. અને પરિન્દાની જાત એટલે વસ્ત્ર તો માગે જ નહીં. યથાકાળે માળામાં નાનાં નાનાં બચ્ચાં ચિવ્ ચિવ્ કરવા લાગ્યાં. ચકલી રોટલાની કરચો જમીન પરથી વીણી લે, ચાંચમાં દબાવીદબાવીને તેને પોચી કરે ને ઉપર જઈ બચ્ચાંને ખવડાવે. મારી ઓરડીમાં રહેતી ખિસકોલીથી આ ચકલીનો સહવાસ સહન થયો નહીં. પણ કરે શું? ભીંતના બાકા સુધી પહોંચી જવાય એમ ન હતું. નહીં તો ખિસકોલીએ ચકલીનાં ઈંડાંને જ હોઈયાં કરી નાખ્યાં હોત. જોકે ખિસકોલીઓ ઈંડાં ખાય છે એ વાત છોટા ચક્કર નં. ૪ છોડ્યા પછી જ મારા જાણવામાં આવી.

જેલની અશુદ્ધ હવા, ઘી-દૂધ વગરનો ખોરાક અને કાચી રસોઈ, આ ત્રણેના સંયોગને લીધે હું ક્ષીણ થવા લાગ્યો, નેતરની ખુરશીઓ બનાવવાનું મેં છોડી દીધું અને દરજીકામ માગી લીધું. મારું વજન ખૂબ ઘટી ગયું. ક્ષયરોગની આ પૂર્વતૈયારી જોઈ જેલના દાક્તરે મારું સ્થાનાન્તર કરવાની જરૂર જોઈ. યુરોપિયન વૉર્ડમાં મને ફરી મોકલવાનું નક્કી થઈ ચૂક્યું, એટલે મેં મારા પાંચ મહિનાના માનવી તેમજ તિર્યક સ્નેહીઓની દુઃખિત હૃદયે વિદાય લીધી.

યુરોપિયન વૉર્ડનાં અનેક નામો છે. આ જેલમાં ભાગ્યે જ યુરોપિયનોને રાખે છે. એટલે આ વૉર્ડનું ઉપરનું સરકારી નામ નામનું જ છે. નવા આવેલા બધા કેદીઓ અહીં રખાય છે એટલા માટે એને ક્વોરૅન્ટીન કહે છે. આમાં સાત કોટડીઓ હારોહાર છે તેથી એને ‘સાતખોલી’ પણ કહે છે. અહીંની ઓરડીઓ જેલની બીજી કોટડીઓના પ્રમાણમાં મોટી છે, અને જમીન તેમજ આગળપાછળના ઓટલા છોબંધ છે, એટલે સ્વચ્છતા સારી રીતે જળવાય છે. આ સ્થાનમાં શરૂઆતમાં હું રહી ગયેલો એટલે અહીં નવા જેવું કશું હતું નહીં. છેલ્લા પાંચ માસ દરમિયાન ભાઈશ્રી ઇન્દુલાલ અને દયાળજી પણ અહીં રહી ગયેલા. અને હું આવ્યો ત્યારે રૂપાલ સ્ટેટના ઠાકોર તખ્તસિંહજી કરીને એક ઉમદા રજપૂત ગરાસિયા અહીં રહેતા હતા. આ ભાઈને જેલમાં બીડી પીવાની રજા હતી અને તેનાં ઠૂંઠાં આમતેમ ફેંકી દેવાની ટેવ હતી! આખી જેલમાં આ કારણથી તેમની પ્રતિષ્ઠા સૌથી વધારે હતી.

મને ખુલ્લી હવામાં સૂવાની હવે રજા મળી. મારી સાથે શામળભાઈ આવ્યા. તેમને પણ મારી સાથે જ ખુલ્લામાં રાખ્યા, કેમ કે તેમની મદદ વગર મારું ચાલે એમ ન હતું. સાતખોલીમાં પહેલી સગવડ એ થઈ કે, દિવસરાત જેલનો મોટો ઘંટ બરાબર સંભળાતો એટલે વખતનો કંઈક ખ્યાલ આવતો. સહેજ કંટાળો આવે એટલે ઘંટ વાગવાની રાહ જોઈએ. બીજો ફરક તે રેલવે ટ્રેનનો અવાજ. પહેલી વાર હું સાતખોલીમાં રહ્યો હતો ત્યારે ટ્રેનની સિસોટી તરફ ધ્યાન ગયું ન હતું, પણ છ મહિનાના વિવાસનથી રેલવેની સિસોટી પણ આકર્ષક થઈ પડી.

હિમાલયની ૨૩૦૦ માઈલની પગ-મુસાફરી પછી જ્યારે ફરી પહેલવહેલો રેલવેનાદ સાંભળ્યો ત્યારે તે અત્યંત નીરસ અને કાવ્યહીન લાગ્યો હતો, પણ આજે તો રેલના પાવામાં કંઈ અપૂર્વ કાવ્ય જડી આવ્યું. ટ્રેન જાણે જીવતી હોય અને દૂરદૂરની મુસાફરી કરવાને નોતરતી હોય એમ જ મનમાં થતું. સાબરમતી સ્ટેશનના એંજિનવાળાઓ પણ રસિક હોવા જોઈએ. એંજિનમાંથી એવા તો લાંબા લાંબા અને વિષાદમય આરોહ-અવરોહવાળા સૂર કાઢતા કે બેઠેલે ઠેકાણે ચિત્ત અવસ્વસ્થ થતું. હાલના કવિઓ બળદગાડી અથવા ઊંટની મુસાફરીને રોમૅન્ટિક (romantic) કહે છે અને રેલવેની મુસાફરીને શુષ્ક ગદ્ય જેવી કહે છે. રેલવેની મુસાફરી જ્યારે નવી હતી ત્યારે તેમાં કુતૂહલનું કાવ્ય હતું. હવે પછી સુધારાના જમાનામાં જ્યારે તે જૂની થઈ જશે ત્યારે પણ કવિઓને તેમાં પુરાતનતાનું કાવ્ય જડશે.

જેલ બહાર જેલના પોલીસે હમણાં હમણાં જ મહાદેવનું એક દેરું બાંધ્યું છે. જેલમાંથી તેનું ચળકતું શિખર સહેજસાજ દેખાય છે. આ મંદિરમાં રાતની વેળા ઘણીક વાર ભજન ચાલતું. જેલના શુષ્ક અને અનાત્મવાદી વાતાવરણમાં મીઠું સંગીત પણ અજુગતા અજુગતા જેવું લાગતું. જ્યાં સંગીત હોય ત્યાં જેલજીવન અસત્ય જેવું ભાસવાનું જ. કેદીઓને પકડનાર પોલીસો, તેમને જેલમાં મોકલનાર ન્યાયાધીશો, તેમને માટે કાયદાઓ ઘડનાર ધારાશાસ્ત્રીઓ, તેમની ચોકી કરનાર જેલ અમલદારો ને વૉર્ડરો, બધાનો વિચાર કરીએ તો ક્યાંયે સંગીત જડે નહીં; બધે જ નરી કર્કશતા!

એક દિવસ કેટલાક છોકરાઓ કે છોકરીઓ મંદિરમાં રાતના બારેક વાગ્યા સુધી ગાતા હશે. અવાજ કુમળો છતાં તીણો હતો, એટલે જ્યારે પવનની લહેર અમારી દિશામાં આવતી અને એકાદ મધુર મધુર આલાપ સંભળાતો, ત્યારે ગંધર્વગાયન સંભળાતું હોય એવો આનંદ થતો અને ઔત્સુક્ય વધતું. પણ ગાયન કરતાં નરઘાંની ઠેકમાં જ ઉન્માદકારી શક્તિ વધારે હોય છે. તાલ જામે એટલે ચિત્તવૃત્તિનો એક જાતનો લય થાય છે, બાહ્ય સૃષ્ટિનું ભાન ભુલાય છે, નરઘાંના ધબકારા સાથે હૃદયના ધબકારા ચાલવા માંડે છે, અને મન એક જાતનું નૃત્ય શરૂ કરે છે. કોક કોક વાર રાત્રે સ્ટેશન તરફથી ડાકલાના તાલ સાથે ધૂણવાનો અવાજ સંભળાતો, પણ તે બિલકુલ આકર્ષક લાગતો નહીં. ધૂણવું એ તો ગાંડાઈની જ નિશાની છે. ધૂણનારને પોતાને જ તેમાં રસ ન પડે, પછી સાંભળનારને ક્યાંથી પડે?

ઘણી વાર રસ્તા પરથી જતી ને બરાડા પાડતી મોટરગાડીઓ સંભળાતી, સાઇકલની કિંકિણી કાને પડતી, અને બાહ્ય દુનિયા નાહક કેટલી દોડે છે એનો ખ્યાલ આપતી. આ બાજુ અમે અંદર નિરર્થક કાળ વ્યતીત કરતા હતા. બહારની પ્રયોજન વગરની ગતિ અને અંદરની અર્થ વિનાની સ્થિતિ બંને હાલના જમાનાની નિરર્થકતા સૂચવતાં હતાં.

પાછલા આંગણાની દીવાલ પર દયાજનક હોલાઓનું જોડું ઘણી વાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ તુ’ ‘પ્રભુ તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’ કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે, એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર્’ ‘કુટુર્ર્’ ‘કુટુર્ર્’ ‘કુટુર્ર્’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંનાં ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે : કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો. સ્ત્રીએ ડાંગર ખાંડી એમ ને એમ પતિ આગળ ધરી દીધી. હેતાળ બહેને ડાંગર ખાંડી સોઈ-ઝાટકી કુશકા જુદા કરી ચોખા બરાબર વીણી ભાઈ માટે પૌંઆ તૈયાર કર્યા. ભાઈએ જોઈ લીધું કે સ્ત્રીના પૌંઆ શેરેશેર છે અને બહેનના તો બહુ જ ઓછા છે. તેણે મન સાથે નક્કી કર્યું કે બહેન પાકી આપસ્વાર્થી ને પેટૂડી છે. સ્ત્રી તો આખરે સ્ત્રી. એને ધણીનું લાગે એટલું બીજાને ક્યાંથી લાગે? ભાઈ ક્રોધે ભરાયો અને શેરિયો ઉપાડી એણે બહેનના કપાળમાં માર્યો. બહેન બિચારી ત્યાં ને ત્યાં જ તરફડીને મરી ગઈ! થોડી વારે ભાઈ સ્ત્રીએ તૈયાર કરેલા પૌંઆ ખાવા બેઠા. સ્ત્રીએ તૈયાર કરેલા પૌંઆ મોઢામાં તો નાખ્યા, પણ કુશકાસોતા પૌંઆ ખાધા કેમ જાય? થૂ થૂ કરીને બધા કાઢી નાખ્યા. પછી પેલા બહેનના પૌંઆ ખાવા લાગ્યો. અહા, શી એની મીઠાશ! દુનિયામાં બહેનના હેતની તોલે આવે એવી કઈ વસ્તુ છે? ભાઈએ એક જ કોળિયો ખાધો અને પશ્ચાત્તાપથી બહેનના શબ પાસે પડી પ્રાણ છોડ્યા. ત્યારથી એને હોલાનો જન્મ મળ્યો છે અને હજી તેની પશ્ચાત્તાપ વાણી ચાલ્યા કરે છે : उठ सिते कवंडा पोर पोर। पोहे गोड गोड ॥ ‘સીતે, (ક્ષમા કરને) ઊઠ. કવડાએ તો છોકરવાદી કરી. તારા જ પૌંઆ મીઠા હતા, મીઠા હતા.’

કેટલું કરુણ કાવ્ય! અને કેવો જનસહજ બોધ! સાંજે પ્રાર્થના પછી શામળભાઈએ હોલાનું જ ગીત ગાયું. મેં તેમને ઉપલી વાત કહી અને હોલાની જ વાતો કરતા અમે સૂઈ ગયા. નઝીરના પેલા કાવ્યનું અનેક વાર સ્મરણ થયું. પણ આખું યાદ ન હતું.

સાંજ સબેરે ચિડિયાં મિલ કર ચૂં ચૂં ચૂં ચૂં કરતી હૈ. ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ક્યા સબ બેચૂં બેચૂં કહતી હૈ.

પશુપક્ષીઓ અને કુદરત પાસેથી અધ્યાત્મનો પાઠ શોધવાના અને શીખવાના પ્રકાર બધા જ કવિઓમાં હોય છે.

સાતખોલીની પડખે જ નવું કારખાનું હતું. ત્યાં પણ લીમડાનાં ને બીજાં ઝાડ બહુ મોટાં મોટાં હતાં. તેના પર સવાર-સાંજ પક્ષીઓની જમાત આવીને બેસતી અને વખત થયે વગર આળસે નમાજ પઢતી. છોટા ચક્કર કરતાં અહીં પક્ષીઓ વધારે હતાં, અને મને લાગે છે અહીંનાં પક્ષીઓ સવારે કંઈક વહેલાં પણ ઊઠતાં. આખો દહાડો ખિસકોલી, કાગડા, સમડી, હોલા, કાબરો વગેરે અનેક જાતનાં પક્ષીઓ ભેગાં થતાં અને કોલાહલ મચાવતાં. એક દિવસ એક કાગડાએ એક નાનકડા કોશિયાનો કંઈક ગુનો કર્યો હશે. કોશિયો એવો તો ચિડાયો કે કેમે કર્યો કાગડાની પૂંઠ છોડે જ નહીં. કાગડો એક ઝાડથી બીજે ઝાડ કરતો કરતો ઘણી જગાએ ઊડ્યો, પણ કોશિયે તો જાપાની સિપાઈઓની પેઠે તેનો કેડો મૂક્યો જ નહીં. પેલા કાગડાની મદદમાં બીજો કાગડો ન આવ્યો હોત તો તેના શા હાલ થાત તે કહેવું મુશ્કેલ છે.

કાગડાનો અને સમડીનો સંગ્રામ તો જગજૂનો છે. સમડી સ્પૅનિશ આર્મેડાની પેઠે અથવા મોગલ ફોજની પેઠે ધીમે ધીમે ચાલે. ઝટ દિશા ફેરવતાં તેને આવડે જ નહીં; જ્યારે કાગડો તો મરાઠા બારગીરોની પેઠે સ્વૈરગતિએ દોડી શકે અને ગમે તે સ્થિતિમાં પોતાનો બચાવ કરી શકે. પણ કાગડો કોઈ કાળે એકલો સમડી પર હુમલો કરે નહીં. બે કાગડા હોય ત્યારે જ એક બાજુથી એક ને બીજી બાજુથી બીજો સમડીની પૂંઠ પકડે છે. સમડી એકને મારવા જાય એટલે બીજો તરાપ મારી સમડીને ચાંચ મારે. સમડી તેની તરફ વળે એટલે પેલી તરફવાળો તરાપ મારી ચાંચ મારે. આમાંથી બચવાનો એક જ ઉપાય સમડી પાસે હોય છે. તે ગોળ ગોળ ફરતી આકાશમાં ઊંચે ઊંચે ચડે છે અને પછી કાગડા ત્યાં સુધી જવાની હિંમત નથી કરતા.

વાત એમ બની કે એક વખતે સ્ટેશન તરફ માંસના લોચા અથવા કોઈ સડેલું જાનવર પડ્યું હશે, એટલે વીસ-પચીસ સમડીઓ અને સો-બસો કાગડા ત્યાં ભેગાં થયાં, અને જોતજોતામાં ટ્રોજન-યુદ્ધ જેવું મહાયુદ્ધ આકાશમાં જામ્યું. આ યુદ્ધમાં એકિલીસનો ભાગ કોણે ભજવ્યો, પૅરિસ કોણ થયો, નેસ્ટર જેવું ડહાપણ કોણે ડહોળ્યું અને યુલિસિસ કોણ બન્યો એ બધું હું જાણત તો જરૂર એક મહાકાવ્ય લખવા જેવો તે પ્રસંગ હતો. ચાંચ અને નહોર ઉપરાંત કાગડાઓ પાસે એક વધારાનું શસ્ત્ર હતું. સમડી પાસે તે નહીં હોવાથી સમડીનો પક્ષ ન્યૂન દેખાતો. એ શસ્ત્ર તે મહાન કોલાહલ સમડીઓ મૂંગે મોઢે ફર ફર ફર કર્યા કરે. આમ જુએ ને તેમ જુએ, નીચે જુએ, ને ઉપર જુએ પણ કાગડા તો બધા મળીને સિવિલ સર્વિસના નોકરોની પેઠે એકસામટા કાવ્ કાવ્ કાવ્ કરી મૂકે અને પોતાના બુમરાણ આગળ બીજું કશું કાને પડવા જ દે નહીં. આ મહાયુદ્ધમાં અમે જોયું કે, સમડીઓમાં પણ સંપ હોય છે અને તેમની ધીરજ સહેજે ખૂટી જાય એવી નથી હોતી. એક સમડીને ઝાઝા કાગડા પજવે એટલે ચાર-પાંચ સમડીઓ મોટી ક્રૂઝર કે ડ્રેડનૉટની પેઠે તાબડતોબ તેની વહારે ધાય અને પછી એકે કાગડો ત્યાં ટકી ન શકે. યુદ્ધ ચાલતું હોય ત્યારે સમડીઓની ગતિ પ્રમાણબદ્ધ વર્તુલાકારમાં ચાલ્યા કરે તેથી તે ખૂબ જ શોભે. અમારી ખાતરી થઈ ગઈ કે ગમે તેનો પક્ષ સાચો હોય છતાં યુદ્ધમાં સમડીઓ આર્યોની પેઠે લડે છે અને કાગડા તો છેક અનાર્ય. ગમે તેમ ફરે, ગમે ત્યારે પાછી પાની પણ કરે. તેમને ચડતાં પણ વાર નહીં અને ઊતરતાં પણ વાર નહીં. લગભગ બે કલાક સુધી આ આકાશયુદ્ધ ચાલ્યું. અમને ઉત્કંઠા થઈ કે દિવસનો અંત પહેલો આવશે કે આ યુદ્ધનો? જોકે આવી ચિંતાનું કારણ ન હતું. આ યુદ્ધમાં કોઈ અર્જુન અને જયદ્રથ થોડા જ હતા? આખરે સમડીઓએ છેલ્લી નીતિ આદરી. ગોળ ગોળ ફરતાં તેમણે પોતાની ‘ઉન્નતિ’ એટલી તો સાધી કે ક્ષુદ્ર કાગડાઓ ત્યાં સુધી પહોંચી ન શકે. કાગડાઓએ રણ/ગીતનો સૂર ફેરવી વિજય/ગીત શરૂ કર્યું; ‘અમે જીત્યા’, ‘અમે જીત્યા’. જોકે સમડીઓના મનમાં ખાતરી હતી કે નૈતિક વિજય તો પોતાનો જ થયો હતો.

આપણે બધા જાણીએ છીએ કે મહાયુદ્ધ પૂરું થાય તોપણ થોડા દિવસ સુધી તો પાછળ તેના ભણકારા આવ્યા જ કરે છે. બીજે દિવસે બેચાર સમડીઓ કંઈક ખાવાનું લઈને જેલની દીવાલ પર બેઠી હતી. કાગડાઓને તેની ખબર પડી. તેમણે બબ્બે ત્રણ-ત્રણ જણ વચ્ચે એક એક સમડી વહેંચી લીધી. એક કાગડો જમણી તરફ બેસે, બીજો ડાબી તરફ, અને ત્રીજો હોય તે સહજ પાછળની બાજુએ સમડીના માથા પર ફર્યા કરે. સમડી બેઠી બેઠી ત્રણેને ધમકાવી છેટે રાખતી જાય અને પગમાં પકડેલો ખાદ્યનો કકડો ખાતી જાય. એક સમડી સરતચૂકથી અથવા ક્રોધના સંમોહમાં ભાન ભૂલી જઈ એક કાગડા પર ધસવા સહેજ ઊડી કે તરત જ બીજી બાજુ ટાંપી રહેલા કાગડાએ તેના પગમાંનો કકડો ઝૂંટવી લીધો ને લાગલો જ એ ત્યાંથી નાઠો. યુદ્ધમાં આવી રીતે કમાયેલી લૂંટ ત્રણે યુદ્ધમાન કાગડાઓ માંહોમાંહે વહેંચી લે છે કે કેમ તે જોવા હું આતુર હતો, પણ કાગડા જેલની દીવાલની પેલે પાર આવેલા ઝાડ પર ઊતર્યા તેથી મારું આ મહત્ત્વનું સંશોધન ત્યાં જ અટકી ગયું. બીજી સમડી વધારે યોગયુક્ત હતી. તેનું સમગ્ર ધ્યાન કાગડાઓને સજા કરવા કરતાં પોતાનો કકડો બચાવવા તરફ હતું. એ એ જ નીતિને વળગી રહી. કાગડાઓ મથ્યા કરે અને અપ્રમત્ત સમડી પોતાના લોચામાંથી એક પછી એક નવાલો લેતી જાય. અંતે જ્યારે કશું બાકી રહ્યું નહીં ત્યારે કાગડાઓને ધર્મબુદ્ધિ સૂઝી અને ‘કાચો પારો ખાવો અંન, તેવું છે પરાયું ધંન’ એમ કહેતા કહેતા સાધુ સમી મુદ્રા ધારણ કરી ત્યાંથી ચાલ્યા ગયા.

હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. શાકુન્તલ માં જ્યારે વાંચ્યું ‘अन्यैर्द्विजैः परभृतः खलु पोषयन्ति’ ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં-ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝઘડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ એટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, ‘બોલ કા… કા… કા.’ પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, ‘કુઊ…. કુઊ… કુઊ.’ કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, ‘કા… કા… કા.’ પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું ‘કુઊ… કુઊ’ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર — અથવા સાચું કહીએ તો પાંખભર — થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः।

એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, ‘આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત.’

ચોમાસામાં વરસાદ બહુ ઓછો પડવાથી તાપ સખત પડતો હતો. તે હવે ઓછો થવા લાગ્યો. દશેરાદિવાળીના દિવસો આવ્યા. જેલમાં દશેરાદિવાળીનો કંઈ અર્થ જ નથી. આખું વરસ એક જ જાતનો ખોરાક મળવાનો, અને રજા ફક્ત રવિવારની, તે પણ નામની જ. નાતાલને દિવસે સુપરિન્ટેન્ડેન્ટ યુરોપિયન હોય તો કેદીઓને શાક ઉપરાંત અથાણું મળે. રજાને દિવસે પણ કેદીઓ પાસેથી કામ તો લેવાય જ છે; પણ તે ઉપરાંતની નવી અગવડ એ કે પોલીસો પોતાને છુટ્ટીનો લાભ મળે એટલા સારુ કેદીઓને બપોરે જ પૂરી દઈ જેલ રાતપહેરાવાળાઓને સુપરત કરી ચાલતા થાય. બિચારા કેદીઓને છુટ્ટીને દહાડે આમ ઊલટી વધારાની સજા થાય ને સંધ્યાકાળનાં લાલપીળાં સોનેરી વાદળાં જોવાનો જે આનંદ આડે દહાડે હમેશાં મળે છે તે તહેવારને દિવસે મળતો નથી.

બિચારા કેદીઓ ઓરડીના એકાંતવાસથી ડરે છે, મૂંઝાઈ જાય છે. કેટલાકને તો મોટેથી રોતા પણ મેં જોયા છે. મને જે એકાંત અત્યંત પ્રિય લાગતું તે તેમને ભારે સજારૂપ લાગતું, પણ આ બાબતમાં મારા જેવાની સંખ્યા તો દુનિયામાં હમેશાં ઓછી જ રહેવાની. માણસની વૃત્તિ અંતર્મુખ હોય તો જ તેને એકાંત સદે છે. છતાં જેલમાં એક જ પરિસ્થિતિમાં, એની એ જ દીવાલો વચ્ચે લાંબા વખત સુધી રહેવું પડે એની મારા જેવાના મન પર પણ અસર થાય છે એમ મેં જોયું. કેદીઓને જેલની અંદર જ એકાદ કલાક વારાફરતી ખૂબ ફરવાની સગવડ હોય તો તેની નૈતિક અસર ખૂબ સારી હોય.

દશેરાને દિવસે એક નીલકંઠ (ચાસ પક્ષી) ઊડતો ઊડતો અમારે ત્યાં આવ્યો. નાનપણથી નીલકંઠ વિશેનું કાવ્ય ખૂબ સાંભળેલું. નીલકંઠ એટલે અત્યંત કલ્યાણકારી પક્ષી; જ્યાં તે જાય ત્યાં શુભ જ થવાનું. નીલકંઠનું દર્શન થાય એટલે તે દિવસે સારું સારું ખાવાનું મળવાનું, એ બધી માન્યતાઓ તેનાં દર્શન સાથે મનમાં તાજી થાય છે. મને સારું સારું ખાવાની ઇચ્છા પણ ન હતી ને આશા પણ ન હતી. મેં સ્વાદ જીત્યો છે એમ તો કેમ કહું, પણ તે વિશે ખૂબ બેદરકાર છું ખરો. નીલકંઠને જોઈને આખો દિવસ ખૂબ પ્રસન્નતા અનુભવી અને નીલકંઠ પણ કોઈ રાજદૂતની પેઠે પોતાના પોશાકના મહત્ત્વનું પોતાને બરાબર ભાન હોય તેમ દબાયેલા અભિમાનથી આમતેમ ઊડતો હતો. ઘણી વાર અમારા તરફ નજર નાખતો, પણ તે એટલી બેદરકારીથી કે જાણે કહેવા માગતો હોય કે, તમારા જેવા પાંખ વગરના ક્ષુદ્ર માનવી મારી એક નિગાહને પણ લાયક નથી. થોડોક વખત આમતેમ ફરી ભાઈસાહેબ જાણે કંઈ ભારે કામ ભૂલી ગયાનું સ્મરણ થયું હોય તેમ એકાએક ઉતાવળા ઉતાવળા ઊડી ગયા. આપણા બેસતા વરસે સુપરિન્ટેન્ડેન્ટે એ જ નીલકંઠ જોયો, એટલે મને આવીને કહે, ‘મિ. કાલેલકર, આજે મેં નીલકંઠ જોયો. એનું માહાત્મ્ય શું છે?’ મેં કહ્યું, ‘તમારું આખું વરસ મજામાં જશે. માત્ર નીલકંઠનો શિકાર નહીં કરતા.’ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું, ‘આખું વરસ કેવું જશે કોણ જાણે, પણ આજે તો સવારે ઊઠીને નવા કારખાનામાં કેદીઓ ને મુકાદમ લડી પડ્યા એ ભારે અપશુકન થયા ખરા!’

હું માંદો હતો તે દરમિયાન મને દૂધ મળતું. અને જ્યાં દૂધ હોય ત્યાં બિલાડી તો હોય જ એ સનાતન સિદ્ધાંત, એટલે હીરાએ મારી સાથે ભાઈબંધી કરી. ગમે ત્યાંથી આવે અને પગે નાક ઘસે, પૂંછડી ઊંચી કરીને ‘મિયાઉં’ એવો પ્રતિષ્ઠિત અને સજ્જન અવાજ કરે. નાનપણમાં વૈશ્વદેવ કરી પછી જ જમવા બેસવાનો અમારો રિવાજ, એટલે બિલાડીને દૂધ પાયા વગર જાતે દૂધ પીવાનું મન થતું નહીં. પણ બિલાડી માટે વાસણ ક્યાંથી લાવવું? સદ્ભાગ્યે અમારા ઓટલાની કોર પરના એક પોરબંદરી પથરામાં નાનકડી તાવડી જેવો એક ખાડો હતો, તેમાં રોજ એને હું દૂધ પાતો. કોક દિવસ હું ‘A Tale of Two Cities’ વાંચવામાં ગુલતાન હોઉં અને બિલાડીને વેળાસર દૂધ ન મળે એટલે ધીમે ધીમે એક એક પગલું ભરી બિલાડી સ્લેટથી ઢાંકેલા મારા ચંબુ તરફ જાય, દૂરથી ચંબુ સૂંઘે, અને પોતે ભારે ગુનો કરવા ચાલ્યાં છીએ એવું એકાએક ભાન થયું હોય તેમ ઝટ પાછે પગલે પાછી હઠી જાય. બિલાડી જો સંસ્કૃત જાણતી હોત તો બોલી ઊઠત : ‘अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम्।’ પણ એ તો બિલાડી રહી. એનું બધું સંસ્કૃત ‘મિયાઉં’ એ એક જ ઉદ્ગારમાં પરિસમાપ્ત થતું. પાછી બેસીને ‘મિયાઉં’ બોલી મારા તરફ સહેજ જુએ ને ઠાવકું મોઢું રાખીને ધીરજ કેળવે. પણ પાછું રહેવાય નહીં એટલે ફરી આગળ જાય, દૂધ સૂંઘે, ને અચકાઈને ફરી પાછી હઠે. આ રીતે એણે મારા પર સારી છાપ પાડી. હું એને નિયમસર દૂધ પાતો. કોક વાર એને રોજ કરતાં બમણું દૂધ આપતો. પણ આખરે બિલાડી તે બિલાડી. એક દિવસ ક્યાંકથી એક દોસ્તદારને લઈ આવી. હીરાને તો અમારી બીક હતી જ નહીં એટલે તે સીધી આવીને મારી પથારી પાસે બેઠી અને એનો દોસ્તદાર અમારી નજર ચૂકવીને આગળ ધસ્યો અને એણે ચંબુ ઉથલાવી પાડ્યો. એની ઉજાણી શરૂ થાય તે પહેલાં જ શામળભાઈનું ધ્યાન તે તરફ ગયું ને તેમણે તેને હાંકી કાઢ્યો. હીરાની મુદ્રા પણ ચોર જેવી થઈ હતી. તે પણ વગર હાંક્યે ત્યાંથી પોબારા ગણી ગઈ. બેત્રણ દિવસ લાગલાગટ આ બંનેએ ઉત્પાત મચાવ્યો. ભીંતના નીચલા કાણામાંથી હીરા પહેલાં એકલી આવતી અને પરિસ્થિતિ નિહાળી અનુકૂળતા જણાયે બહાર જઈ દોસ્તદારને લઈ આવતી. પોતે પ્રત્યક્ષ ચોરીમાં ભાગ ન લે એ ખરું; પણ તેમાં એનો સમભાવ પૂરેપૂરો. હીરાના ગુનાની ખાતરી થયા પછી બે દિવસ મેં એનું દૂધ બંધ કર્યું. દૂધ ઉપર સખત પહેરો રાખ્યો. એટલે હીરા સમજી ગઈ. તેણે પેલા દોસ્તદારની દોસ્તી છોડી અને તે અડધો અડધો કલાક અમારી પાસે બેસી પસ્તાવો જાહેર કરવા લાગી. એનું દૂધ ફરી શરૂ થયું તે છેક હું બહાર આવ્યો ત્યાં સુધી ચાલુ રહ્યું. કોક દિવસ — અને ખાસ કરીને જેલમાં મટનનો દિવસ હોય ત્યારે સરસ ઉજાણી મળવાથી હીરા દૂધને માટે આવતી જ નહીં. પણ હું એનો ભાગ બીજા દહાડા સુધી સાચવી રાખતો. એક દહાડો શામળભાઈ પોતાના કાગડાઓને રોટલીના કકડા ખવડાવતા હતા ત્યાં હીરા ક્યાંકથી આવી ચડી. કાગડાઓને આ અણધાર્યા મહેમાનનું આવવું ગમ્યું નહીં. તેઓ બધા જમીન પર હારબંધ બેઠા, અને તે હાર પણ દીવાલનો છાંયો જ્યાં પૂરો થઈને તડકો શરૂ થતો હતો ત્યાં છાંયાના છેડા પર બનાવી. તેમણે વિવિધ અવાજે પણ એકમને ‘કા’ ‘કા’ની લાળી શરૂ કરી. બિલાડીએ પહેલાં તો આ કાગારોળ તરફ આંખ આડા કાન કર્યા, પણ થોડા જ વખતમાં તે અકળાઈને દોટ મૂકી દીવાલના કાણામાં થઈ આંગણા બહાર ચાલી ગઈ. કાગડા ટાઢા પડ્યા ને પછી સુખેથી તડકામાં બેસી નિર્વિઘ્ને રોટલીના કકડા આરોગવા લાગ્યા!

૩૦મી ઑક્ટોબરનો દિવસ હતો. આકાશ વાદળાંથી ઘનઘોર ઘેરાયું હતું. આકાશમાં એક સુંદર ઇન્દ્રધનુષ તણાયું. એમ તો ઇન્દ્રધનુષ બધાં જ સુંદર હોય છે, સૂર્યની બરાબર સામી બાજુએ તણાતાં હોવાથી તેને દિશાની અનુકૂળતા આપોઆપ મળી જાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળનાર માણસ જોઈ શકે છે કે આકાશમાં હમેશાં બે ઇન્દ્રધનુષો દેખાય છે, એક મુખ્ય અને બીજું એની જ પાસે એ જ મધ્યબિંદુ સાચવીને પણ બહુ જ આછા રંગનું. આ આછા ઇન્દ્રધનુષની બીજી ખૂબી એ પણ હોય છે કે મુખ્ય ઇન્દ્રધનુષનો રંગ જે ક્રમમાં દેખાય છે એથી બરાબર ઊલટા ક્રમમાં આછા ધનુષના રંગ હોય છે. નાટકમાં જેમ નાયિકા સાથે ઉપનાયિકા હોય તો જ નાટક ભરચક ગણાય છે તેમ આ આછા ઇન્દ્રધનુષને લીધે જ મૂળ ઇન્દ્રધનુષની શોભા યક્ષના પ્રાસાદ જેવી થાય છે. પણ ઇન્દ્રધનુષની ખાસ શોભા તેની આસપાસના મેઘની શ્યામલતા ઉપર જ દીપે છે. આજે વાદળાંની શોભા અસાધારણ હતી. વાદળાંનો રંગ બહુ ઘાડો ન હતો છતાં તે વખતના પ્રકાશ સાથે તેની વિલક્ષણતા બરાબર જામી હતી, અને તેથી બંને ખીલી ઊઠ્યાં હતાં. ૩૦મી ઑક્ટોબરે આટલાથીયે સંતોષ ન માન્યો. પાસેની એક મિલમાંથી કાળો સીપિયા રંગનો ધુમાડો નીકળતો હતો, અને હવાના દબાણને લીધે એ ધુમાડાના ગોટા બહુ ફેલાવાને બદલે મોજાંની પેઠે અંદર ને અંધર ઘૂમરી ખાતા ઇન્દ્રધનુષને છેદીને આગળ વધતા હતા! આવો મેળાપ ભારે પ્રતિભાવાળા ચિત્રકારને પણ સહેજે ન સૂઝે.

સાચે જ કબૂતર એ બેવકૂફ પ્રાણી છે. અમારી ઓસરીના છાપરામાં મોભ અને મોભિયાંને વચગાળે અને વળી વચ્ચેના ખૂણામાં પોતાનો માળો બાંધવાનો કબૂતરના એક જોડાએ વિચાર કર્યો. ત્યાં માળો ટકે એમ હતું જ નહીં. અને તેમાં વળી સુપરિન્ટેન્ડેન્ટ રોજ આવીને છાપરું અંદરથી સારું છે કે નહીં એ તપાસે. કબૂતરો સવારથી સાંજ સુધીમાં લીમડાની કેટલીક સૂકી સળીઓ ભેગી કરીને ગોઠવતાં. પણ જેટલી ગોઠવવા જાય તેટલી નીચે પડે ને નીચે કચરો પડે. મને થયું કે આ ધણીધણિયાણીને આ મિથ્યા પ્રયત્નમાંથી હું બચાવું. મેં એમને બેત્રણ દિવસ સુધી આખો દિવસ ઉડાડવાનો ધંધો કર્યો. એમને ત્યાં આવવા જ ન દઉં. પણ એ પઢતમૂર્ખ કબૂતરોએ ઉત્તમ-જનનું લક્ષણ મોઢે કર્યું હતું :

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमजना न परित्यजन्ति।

એમણે પુરુષાર્થ (અથવા દંપત્યર્થ) જારી જ રાખ્યો. મેં હાર ખાધી અને એમની દૃષ્ટિએ એમનું કામ નિર્વિઘ્ન થયું. પછી જ્યારે જ્યારે હું સવારે એમના માળા નીચેથી આંટા મારતો ત્યારે પોતાની કુદરતી લાલ આંખોથી તેઓ મારી તરફ તાકીને જોતાં, અને હું ધારું છું કેટલાયે શાપ આપતાં. પણ એમની આંખની લાલાશમાં કંઈ તપસ્યાનો અગ્નિ ન હતો કે હું બળી જાઉં. એમના ભારથી જ એમનો માળો ઘણી વાર પડી જતો. આખરે માળો અડધો તૈયાર થાય તેના પહેલાં જ માદાએ એ માળામાં ઈંડું મૂક્યું, અને બંને તેને વારાફરતી સેવવા લાગ્યાં. એક દિવસ નર ઊડવા ગયો અને એના ભારથી આખો માળો ઢળી પડ્યો અને ઈંડું ફૂટી ગયું. આમ છતાં એ શેઠ-શેઠાણીને ડહાપણ ન આવ્યું. ફરી ત્યાં જ બીજો માળો શરૂ કર્યો. આ વેળા કંઈક સારો થયો હતો. પણ તે પૂરો થાય તે પહેલાં જ માદાએ બીજું ઈંડું મૂક્યું. તે પણ ગબડી પડ્યું, પણ આ વખતે સીધું ભોંય પર ન પડવાથી તેના કકડા ન થતાં માત્ર કોચલામાં તડો પડી. મેં એ માળો ફરી ઉપર ગોઠવ્યો અને ઈંડું અંદર મૂકી દીધું. આ ઈંડામાંથી બચ્ચું નીકળે એમ તો હવે હતું જ નહીં, પણ મને થયું કે આ ઘેલા જોડાને આસાએશ તો મળશે. એક દિવસ એ લોકોએ ઈંડું સેવ્યું, પણ તેમના પ્રાક્તનમાં દુઃખ જ લખેલું હતું તે કેમ ટળે? એક ખિસકોલીને આ ફૂટેલા ઈંડાની ભાળ લાગી અને કબૂતર નથી એવો લાગ જોઈ તેણે ઈંડું ફોડી ખાધું. તેના દાંતનો અવાજ સાંભળી હું પાસે ગયો. ખિસકોલી ફળાહારી પ્રાણી છે એમ અત્યાર સુધી હું માનતો. તેને આવી રીતે ઈંડું ખાતી જોઈ મને આશ્ચર્ય થયું અને ખિસકોલી વિશે મારા મનમાં જે કાવ્યમય પ્રેમ નાનપણથી બંધાયો હતો તે પણ એકદમ ઓછો થયો. કબૂતર અને ખિસકોલી બંને નિરપરાધ અથવા કાવ્યની દૃષ્ટિએ નિષ્પાપ પ્રાણી છે એમ હું માનતો. તેમાં વળી ખિસકોલીને પોતાના બચ્ચાના રક્ષણ સારુ કાગડા પર ધસારો કરતી જોઈ ત્યારથી કબૂતર કરતાં પણ મેં એને ઊંચું સ્થાન આપ્યું હતું. કબૂતર બીજાને ઈજા કરે નહીં એ ખરું, પણ સાથે સાથે પોતાનું રક્ષણ કરવા જેટલાં પણ ડહાપણ કે હિંમત તેની પાસે ન મળે. ખિસકોલી હિંસામાં અસમર્થ પણ સ્વ-સંરક્ષણમાં સમર્થ એવું આદર્શ પ્રાણી છે એમ મેં માન્યું હતું. પણ એક કમબખ્ત ખિસકોલીએ પેલા ઈંડાની સાથે મારું કાવ્ય પણ તોડી નાખ્યું.

ફરી પાછી પાનખર ઋતુ આવી. ઉડાઉ માણસના વૈભવની પેઠે ઝાડવાંનાં પાંદડાં ઝપાટાબંધ ખરી પડવા લાગ્યાં. કેદીઓ આંગણું વાળી વાળીને થાકી જતા. સવારે સુપરિન્ટેન્ડેન્ટ આવે તે વખતે એક પણ પાંદડું જમીન પર ન જોઈએ. સુપરિન્ટેન્ડેન્ટનો વખત નક્કી ન હોય. કોઈ વાર સાત વાગ્યે આવે અને કોઈ વાર નવ વાગ્યા સુધીયે ન આવે. કોઈ વાર વળી હું માંદો એટલે મને જોવા બધું કામ પરવારી બાર સાડા બાર વાગ્યે આવે! ત્યાં સુધી આંગણું સાફ રહેવું જોઈએ, પછી ભલે ગમે તે થાય. ઝાડ જેલનાં ખરાં, પણ એ કાંઈ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ માને? આખો દિવસ પાંદડાં વરસાવ્યાં જ કરે. અને પવન કશા પક્ષપાત વગર આંગણામાં તે બધાં પાંદડાં સરખી રીતે વેરી દે. બિચારા કેદીઓને આંગણું ફરીફરીને વાળવું પડતું. જેલમાં ‘તાર’ની ખાનગી વ્યવસ્થા ન હોત તો કેદીઓ મરી જ જાત. પણ બલિહારી ‘તાર’ની! સવારની ‘રોન’માં તપાસ કરવા સુપરિન્ટેન્ડેન્ટ ઊપડે કે અરધી જ મિનિટમાં આખી જેલમાં ‘તાર’ દ્વારા ખબર પહોંચી જાય અને પછી કેદીઓ ઝપાટાબંધ આંગણાં સાફ કરી રાખે.

એક દિવસે એક પીળું પગંતિયું અમારા આંગણામાં આવ્યું. સાધારણ રીતે પીળાં પતંગિયાં મને બહુ ગમે છે એમ નથી, પણ જેલમાં તો એવાં પતંગિયાંનાં દર્શન પણ દોહ્યલાં. અને પતંગિયું પણ આખો દિવસ હવામાં તરતું હતું. અમારા આંગણામાં મેં વાવેલા કેટલાક ગલગોટાના છોડ ઉપરાંત એકે ફૂલઝાડ હતું નહીં, અને ગલગોટામાં પતંગિયાને કે ભમરાને આકર્ષક કશું ન મળે. છતાં પતંગિયું એક દિવસ મહેમાન કેમ રહ્યું એ સમજાયું નહીં. એની સરકારે કંઈ એને ૧૨૪(અ) કે ૧૫૩મી કલમની રૂએ અહીં મોકલ્યું નહીં હોય. આવા ગુનાઓ તો માનવીને જ કરવા પડે છે.

પાનખર ઋતુ જામતી ગઈ તેમ પક્ષીઓ પણ મૂંગાં થયાં. સવારસાંજના કલ્લોલ બંધ થતાં બહુ જ સૂનું સૂનું લાગતું. શહેરના રહેવાસીઓ કુદરતથી એટલા અળગા થયેલા હોય છે કે આજે કઈ ઋતુ ચાલે છે એનું પણ તેમને ભાન નથી હોતું. આજના આપણા કેળવાયેલા મૂછ વગરના કે મૂછ કઢાવેલા છોકરાઓને પૂછો કે કયા મહિનામાં કયાં ફૂલ ઊગે છે, જાંબુ કયા મહિનામાં થાય છે, ઇન્દ્રધનુષ કયા કયા મહિનામાં દેખા દે છે, આકાશમાંથી કરા કયા મહિનામાં પડે છે? શહેરના છોકરાઓને એટલી જ ખબર હોય છે કે આઇસક્રીમની ઋતુ પછી છત્રી ઓઢવાની ઋતુ આવે છે અને ત્યાર પછી ગળે મફલર બાંધીને ફરવાની ઋતુ આવે છે! ગામડાના લોકોનું જીવન ઋતુઓ સાથે પૂરેપૂરું સંકળાયેલું હોય છે. ધાર્મિક તહેવારો ઋતુ અનુસાર ગોઠવેલા હોય છે. અને પક્ષીઓનું તો જીવન અને મરણ ઋતુઓની રાજી-નારાજી પર નિર્ભર રહે છે. શિયાળો જામ્યો એટલે પક્ષીઓ ગુનેગારની પેઠે ચૂપ થઈ ગયાં. હિંમતથી આમતેમ ફરે ખરાં, પણ વસમા દહાડા આવ્યાનું ભાન હોય એમ તેમનાં છાતી અને માથાં પરથી જણાતું હતું.

હવે બે નવાં પ્રાણી અમારું રંજન કરવા આવવા લાગ્યાં. મોટાં મોટાં સારસનું એક જોડું રોજ સાંજે સૂર્યાસ્ત પછી બહુ મોડું સાબરમતીના પટ તરફથી રાણીપ કે કાળીની દિશામાં નિયમસર જતું. લાંબા લાંબા પગ ખેંચીને પેટની અડોઅડ રાખેલા અને વચમાં જ થોડી થોડી વારે ‘ચકર્ર ચકર્ર’ એવો શબ્દ કરતું આ જોડું દરિયામાં મોટું જહાજ જાય તેમ અમારા માથા પર થઈને પસાર થતું. કોક કોક વાર એમને એટલું અસૂર થતું કે તેમનો શબ્દ સંભળાય પણ આકાશમાં તેઓ દેખાય નહીં. મને લાગે છે ‘ચકર્ર ચકર્ર’ અવાજ ઉપરથી જ આપણા પૂર્વજોએ તેમનું નામ ‘ચકર્રવાક્’ રાખ્યું હશે અને પછી સંસ્કૃત લોકોએ તેનું ‘ચક્રવાક’ એ સંસ્કારી નામ કર્યું હશે. બહુ મોડું થાય એટલે તેમના અવાજમાં ગભરાટ જણાય, પણ બીજે દિવસે વહેલાં ઘેર જવાનો એમણે નિશ્ચય કર્યો હોય એમ લાગે નહીં. વાંદરાઓ રોજ રાત્રે નિશ્ચય કરે છે કે આવતી કાલે સવારે ઊઠીને સૌથી પહેલું ટાઢ સામે ઘર બાંધીશું ને પછી જ ખાવાનો વિચાર કરીશું. પણ વાંદરાઓએ હજી ઘર બાંધ્યાં નથી ને સારસો સવેળા ઘેર પહોંચ્યાં નથી. જેનો જે સ્વભાવ પડ્યો તે કંઈ તે છોડી શકે? ગીતાજીમાં અમસ્તું નથી લખ્યું ‘प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति?’

શામળભાઈ પાસેથી રોટલાના કકડા ખાઈ ખાઈને કાગડાઓ સારી પેઠે માત્યા હતા. મને થયું, ચાલો કાગડાઓને જરા કસરત કરાવું. હું રોટલાના કકડા આકાશમાં ખૂબ ઊંચે ઉછાળું. ધારણા એવી કે કાગડા ઊડીને આકાશમાં ને આકાશમાં કકડા અધ્ધરથી ઝીલી લે. પણ એ બાઘાઓ માથું ઊંચું કરીને કકડો ક્યાં ઊડે છે ને કયાં પડે છે તે ઠંડે પેટે જોઈ લેતા અને કકડો નીચે પડે એટલે એને માટે પડાપડી કરતા. મેં શામળભાઈને કહ્યું, ‘તમારા ગુજરાતના કાગડા સાવ નાલાયક છે. અમારે ત્યાં નાનપણમાં હું ચેવડામાંથી કાજુ વીણી વીણીને આકાશમાં ઉડાડતો ત્યારે કાગડાઓ એકેએક અધ્ધર જ ઝીલી લેતા. પણ આ બાઘાઓ તો ડોળા ફોડીને જોઈ રહે છે!’ શામળભાઈમાં કાંઈ પ્રાંતીય અભિમાન ઓછું હતું? તેમણે કહ્યું, ‘અમારે ત્યાંના કાગડા ઓછા જ ભૂખડીબારશ હોય છે?’

પણ આ કાગડાઓને હું જે શીખવી ન શક્યો તે સમડીએ શીખવ્યું. પાંચપચાસ કાગડાઓ વચ્ચે રોટલાના કકડાના ફુવારા ઊડતા જોઈ એક સમડીએ લાગ સાધ્યો અને ઝડપ દઈને આવી અને એક મોટો કકડો લઈ ગઈ. કાગડા ચેતે તે પહેલાં તો બીજી સમડી આવી ને બીજો કકડો લઈ ગઈ! પોતાના નિત્યવૈરીની આ જીત જોઈને કાગડાઓ ખૂબ ચિડાયા. તેમનાથી આ અપમાન સહ્યું જાય એમ ન હતું. તેમણે એ નવીન કળા હસ્તગત કરવાની — બલ્કે, ચંચુગત કરવાની — પ્રતિજ્ઞા લીધી, અને કાર્થેજના લોકો સામે જેમ રોમન લોકો અને ઈરાનના લશ્કર સામે ગ્રીક લોકો નૌકા/યુદ્ધમાં ફાવ્યા તેમ કાગડા પણ અંતે સમડી સામે આ કળામાં ફાવ્યા. કાગડા રોટલાના કકડા ઝીલતાં શીખ્યા, એટલું જ નહીં પણ સમડી સામે ચોકી પણ કરતાં શીખ્યા. કાગડાઓ તરફનું મારું ધ્યાન જોઈ શામળભાઈના મનમાં અદેખાઈ ઊપજી. પણ એમને કંઈ ઇલાજ સૂઝ્યો નહીં, એટલે મને કહ્યું, ‘આજથી કાગડા તમારા અને ખિસકોલી મારી.’ મેં કહ્યું, ‘મારી ના નથી.’ પણ ખિસકોલીનો અનુનય કરવાની કળા એમની પાસે ક્યાં હતી? એમની કળા તો કાગડા સુધી જ પહોંચે એમ હતી.

પણ સત્ય સંકલ્પનો ફળદાતા ભગવાન બેઠો જ છે. એક દિવસ શામળ/ભાઈ ખિસકોલીનું એક નાનકડું બચ્ચું કેદીની ટોપીમાં મારી પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા, ‘એક કાગડો આને લઈ જતો હતો. અમે બે જણાએ ચાલાકી કરી એને બચાવ્યું છે. હવે એનું શું કરીએ?’ મને કૉલેજના દિવસો યાદ આવ્યા. એક ચીંથરાની દિવેટ બનાવી દૂધમાં બોળી એ બચ્ચાને ચૂસવાને આપી. પણ એ ગભરાયેલું બચ્ચું કેમે કર્યું દૂધ ચૂસે જ નહીં. રોટલો આપ્યો, ખીચડી આપી, ભાત આપ્યો. પણ પેલું બચ્ચું તો એમાંથી કશાને અડે જ નહીં. આખરે મારા નાહવાના ડબામાં એક લૂગડું પાથરી તેમાં એને બેસાડી દીધું અને અમે સૂઈ ગયા. બીજે દિવસે તો એણે ચીસો પાડી પાડીને આખું વાતાવરણ કરુણ કરી મૂક્યું. શામળભાઈ બિચારા વ્યાકુળ થઈ ગયા. બચ્ચાનું શું કરવું એ કોઈને સૂઝે નહીં. દરેક જણ આવીને બચ્ચાને હાથમાં લે. બિચારું બચ્ચું જાન બચાવવા ખાતર હાથમાંથી કૂદી પડે. થાકી જાય, પેશાબ કરે, અને ફરી દોડે. એક વખત તો ઠાકોરસાહેબના ઓરડામાં બળતણ પડ્યું હતું તેમાં જઈને ભરાઈ બેઠું. મુશ્કેલીથી અમે તેને બહાર કાઢ્યું. કાગડા અને બિલાડી બંનેનાં મોંથી તેનું રક્ષણ કરવું એ સહેલી વાત નહોતી. બીજો દિવસ પણ પૂરો થવા આવ્યો. બે દિવસ થયાં બિચારાને કડાકા હતા. ભૂખે મરતું એને તે કેમ બચાવાય અને કાગડા-બિલાડાનાં મોંથી પણ એને કેમ બચાવાય એ અમને બેવડી ચિંતા થઈ પડી હતી. અંતે બપોરના ચાર વાગ્યે મેં જોયું કે એક ખિસકોલી ઝાડે ઝાડે ને ઓરડીએ ઓરડીએ વ્યાકુળ થઈને ફરે છે; એ જ આ બચ્ચાની મા હોવી જોઈએ. જે ઓરડીમાં મેં ડબો રાખ્યો હતો એ ઓરડી તરફ તે જાય એટલા માટે મેં એને એક-બે ઠેકાણેથી હાંકી. કઈ ભાષામાં હું એને સમજાવું કે તારું બચ્ચું મારી ઓરડીમાં છે ને એની સલામતી ખાતર જ એને અંદર રાખ્યું છે? બિચારી માને થયું હશે કે દુઃખિયારી હું બચ્ચાની શોધમાં રખડું છું ત્યાં આ જમદૂત મારી કેડે પડ્યો છે, જંપવા પણ નથી દેતો. આખરે ઠાકોરસાહેબ, શામળભાઈ, એકબે પોલીસો, ઠાકોરસાહેબનો કેદી રસોઇયો અને હું સૌએ મળીને એક કાઉન્સિલ બેસાડી અને હામ ભીડીને એક યોજના ઘડી કાઢી. ક્રિકેટની રમતમાં જેમ ઠેકઠેકાણે ક્ષેત્રપાલો ઊભા રહે છે તેમ બધા દૂર દૂર ઊભા રહ્યા. મેં બચ્ચાવાળો ડબો ઓરડીમાંથી બહાર આણ્યો અને જે ઝાડ ઉપર પેલી મા ખિસકોલી ફરતી હતી તેની નીચે આડો મૂકી દીધો. બેત્રણ કાગડાઓએ આ જોયું. પછી કંઈ એ મહાશયો ત્યાંથી ખસે? લોભી આંખે તેઓ એકીટશે જોવા લાગ્યા. પણ અમારા ક્ષેત્રપાલો પૂરેપૂરા સાવધાન હતા. બચ્ચું ડબામાંથી બહાર નીકળ્યું અને એણે કિલકિલ કિલકિલ કરી કારમી ચીસ પાડી. મારું ધ્યાન મા ખિસકોલી તરફ હતું. તે વખતની એની મુદ્રા જોવા જેવી હતી. એનો જીવ કાન અને આંખમાં આવી રહ્યો હતો. બચ્ચાનું દર્શન થયું એટલે બાકીની બધી સૃષ્ટિ એને માટે શૂન્ય થઈ ગઈ. ખિસકોલીની દોટથી એ ઉપરથી દોડતી નીચે આવી. સ્ટેશન નજીક આવતાં રેલગાડી જેમ સિસોટી વગાડે તેમ અવાજ કરતી એ આવી. બચ્ચું પણ મા તરફ દોડ્યું. બંનેનો ભેટો થયો. તરત જ મા ચોમેર નજર નાખવા લાગી. અમારે એ માને બીક ન લાગે એટલે દૂર, પણ કાગડા ફાવી ન શકે એટલે નજીક, ઊભા રહેવું જરૂરી હતું.

હવે એક ભારે દૃશ્ય જોવાનું મળ્યું. માને થતું હતું કે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ બચ્ચાને માળામાં લઈ જાઉં તો જગ જીતી. બચ્ચાને એનો ખ્યાલ ક્યાંથી આવે? તે તો બે દિવસનું ભૂખ્યું હતું. માને જોઈ કે તરત જ તેને ધાવવાને દોડ્યું. મા એને મોઢામાં પકડીને ઊંચકવા જાય અને બચ્ચું તેમાંથી છટકી ધાવવા જાય! મિનિટ-દોઢ મિનિટ સુધી આ છોડવળગ ચાલી. આખરે બચ્ચાનો વિજય થયો. માએ જોઈ લીધું કે બચ્ચું સમજે એમ નથી, એટલે જીવને જોખમે તે ત્યાં જ થોભી ગઈ. બચ્ચાને ધાવવા દીધું. ભૂખ્યા સિપાઈઓ રણાંગણ પર શિરને સાટે પણ ભોજન કરે છે. એના જેવો આ પ્રસંગ હતો. બચ્ચાની ભૂખ જરા ભાંગી એટલે માએ દૃઢતાથી બચ્ચાને એના પેટની ચામડી વતી ઝાલ્યું. બચ્ચાએ તરત જ પોતાના ચારે પગ અને પૂંછડી માને ગળે વીંટાળી દીધાં. માના ગળાની આસપાસ આ એના હૃદયનું ધન અમૂલ્ય હારની પેઠે વીંટળાઈ રહ્યું. તેને સાચવી માથું ઊંચું કરીને મા આંગણું વટાવી ઓટલા પર આવી. અમે કૂંડાળું નાનું કર્યું. ઓટલાની કોર આગળ જ્યાં દીવાલનો ખૂણો બહાર આવ્યો હતો તેની ધાર ઉપરથી ખિસકોલી ટગુમગુ કરતી ચડવા લાગી. શી એની સંભાળ! શી એની એકાગ્રતા! ઉપર લગભગ છાજ સુધી પહોંચી ગઈ. ત્યાંથી કૂદકો મારીને જ લાકડાના પેડિયા સુધી પહોંચાય એમ હતું. કૂદકો મારશે કે નહીં? કૂદકો મારવાની હિંમત કરી મા આખા શરીરનો સંકોચ કરે, પણ કૂદતાં પહેલાં જ હિંમત હારી જાય! નિરાશ થઈ નિસાસો મૂકે. ફરી બીજી રીતે પ્રયત્ન કરે. દસેક વાર તો જમણી બાજુથી ડાબી બાજુ ને ડાબી બાજુથી જમણી બાજુ ગઈ હશે. ઉપરથી પડી જાય તો બચ્ચું જીવતું ન રહે. જેટલા જેટલા નિષ્ફળ પ્રયત્ન થાય તેટલી શક્તિ ઓછી થાય અને પ્રયત્ન સફળ થવાની આશા પણ ઓછી થાય. બિચારીએ એક વાર હતાશ થઈને ચીસ પાડી. કયો ભક્ત આથી વધારે વ્યાકુળ પ્રાર્થના કરી શકે? અમે આટલા જણ આસપાસ ઊભા હતા. પણ એની શી સેવા કરીએ? માણસજાતે આજ સુધીમાં ક્યાં ખિસકોલીનો વિશ્વાસ સંપાદન કર્યો છે કે આજે એ તેમને પાસે આવવા દે? મને એક વિચાર સૂઝ્યો. દોડતો જઈને હું મારો ખેસ લઈ આવ્યો. બે છેડા મારા હાથમાં ને બે શામળભાઈના હાથમાં એમ કરી જમીનથી એકબે હાથ ઊંચે અમે ખેસ પહોળો કરી પકડી રાખ્યો. ઉદ્દેશ એ કે ખિસકોલી કે એનું બચ્ચું પડે તો તેમનો છૂંદો ન થઈ જાય. આખરે ઈશ્વરે ખિસકોલીની ધા સાંભળી. એના શરીરમાં અસાધારણ બળ આવ્યું. સાસ રોકી એણે વિશ્વાસપૂર્વક એક કૂદકો માર્યો અને એક પળમાં તે મુકામે પહોંચી ગઈ! બે છાપરાંની સાંધમાં મોભનાં નળિયાં નીચે ખિસકોલીનું નિવાસસ્થાન હતું. તે રાત્રે મા અને બચ્ચાએ કેવી મીઠી ઊંઘ લીધી હશે! સાચે જ માને થયું હશે કે જગ જીતી! ત્યાર પછી કેટલાયે દિવસ એ માને અને એ બચ્ચાને અમે જોતા અને ઓળખતા.

થોડા જ દિવસમાં ઇન્સ્પેક્ટર-જનરલ આવવાનો હતો, એટલે એના આવવાની તૈયારીઓ ચાલી. મકાનો ધોળાયાં, ચૂના-સિમેન્ટનું કામ કરવા જેવું હતું તે થયું, છાપરાં ચળાયાં, અને થાંભલાઓ તેલપાણીમાં નાહ્યા. કેદીઓની કવાયત કઈ રીતે ચાલતી વગેરે વિગતો રમૂજી છે ખરી, પણ તે આ પ્રકરણના ઉદ્દેશ બહારની વાત છે. પણ એ અરસામાં રાત આખી અમને દીવાનું દર્શન થતું હતું એ વાત લખ્યા વગર નહીં ચાલે. અમે રહેતા હતા ત્યાંથી પુષ્કળ દૂર જેલનો મુખ્ય દરવાજો આવેલો છે. આ દરવાજા પર ઉપલે માળે સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસ છે. અમારી પરસાળમાંથી આ ઑફિસ બરાબર દેખાતી. ૩૫-૪૦ રૂપિયામાં મહિનો આખો વૈતરું કરી રાજી રાજી રહેનાર જેલનો કારકુન સામાન્ય રીતે રાતના દસ વાગ્યા સુધી આ ઑફિસમાં બેસી કામ કરે છે. મને લાગે છે એનો હેડક્લાર્ક પણ તેટલું જ બેસે છે. પણ હવે તો ઇન્સ્પેક્ટર જનરલ આવવાનો, એટલે ઑફિસનો દીવો રાતના બે વાગ્યા સુધી બળ્યા કરતો હોય. કોક કોક વાર તો પરોઢિયાના ચાર સુધી કામ ચાલે! ઑફિસની ઓરડી આટલી દૂર અને આટલી ઊંચી, છતાં ત્યાંથી અમારા ઓટલા સુધી સ્વચ્છ પ્રકાશ આવતો. ચોપડી વંચાય એટલો તો નહીં, પણ જરાતરા દેખી શકાય એટલો ખરો. જેલમાં રાતે આટલું અજવાળું મળે એ કંઈ નાનીસૂની સગવડ ન કહેવાય. એટલે અમે એક તરફ ઉજાસ મળ્યાનો આનંદ અનુભવતા, અને બીજી તરફ આઠે પહોર વૈતરું કરનાર, દિવસરાત ઉપરીના ઠપકાના ભય હેઠળ જીવનાર, અબળા કરતાં પણ વધારે પરાધીન એવા પેલા કારકુનોની દયા ખાતા.

કાળને મૃત્યુના ઘાનું ઓસડ કહી કોઈ લોકકવિએ ‘દંન ગણંતાં માસ થયા વરસે આંતરિયાં’વાળો દુહો કહ્યો છે. પણ જેલવાસ તો મુદતબંધી સામાજિક મૃત્યુ છે એટલે ત્યાંનો ક્રમ ‘માસ ગણંતાં દંન રહ્યા’ એવો ઊલટો હોય છે. આમ હવે વિદાયનો દિવસ પાસે આવવા લાગ્યો. સો દિવસના પચાસ રહ્યા. પચાસના પચીસ થયા. પછી તો આઠ જ દિવસ રહ્યા. શામળભાઈની ધીરજ ખૂટી. તેમણે દિવસની ગણતરી છોડી દીધી અને કલાકો ગણવા લાગ્યા : હવે સવાસો કલાક રહ્યા, હવે પોણોસો રહ્યા. આંગણામાં ઊછરતા આંબાના ને જાંબુડાના વિરહની કલ્પના મનમાં આવવા લાગી. જાંબુડાને જીવાત લાગી હતી. જીવાત ઝાડનાં પાંદડાં ખાઈ ખાઈ તેનો જીવ લેવા મથતી હતી. ખવાયેલાં પાંદડાં મેં જતનપૂર્વક કાઢી નાખ્યાં હતાં. સહેજસાજ બગડેલાં પાંદડાં અને ઝાડનું થડ રોજ આયોડિનના પાણીથી હું ધોતો. આમ કરી કરીને જાંબુડાને મેં બચાવ્યો હતો. પછી એને નવાં પાંદડાં ફૂટ્યાં હતાં અને એવો તો પ્રસન્ન દેખાતો હતો કે જાણે વસંતની વનશ્રી! આંબો પણ આવી જ રીતે બચાવેલો હતો. ઠાકોરસાહેબના રસોઇયાએ આંબાને રાખ અને એઠવાડનું એટલું બધું ખાતર આપ્યું હતું કે બિચારો લગભગ ગૂંગળાઈ ગયો હતો. એને પણ સરસ ક્યારો બનાવી સુખી કર્યો હતો. મારા ગયા પછી આ બંનેનું શું થશે એ ખ્યાલ મનમાં આવ્યા વિના કેમ રહે? ગલગોટાનું ઝાડ તો ક્યારનું સુકાઈ ગયું હતું. એની આશા છૂટી ગયા પછી એના ગોટા તોડી તોડીને હું છડીઓ બનાવતો. જેલના રુક્ષ વાતાવરણમાં ગલગોટાની છડી પણ મજાની લાગતી.

આખરે ફેબ્રુઆરીની પહેલી તારીખ ઊગી. સવારે ચાર વાગ્યે ઊઠી મેં નાહી લીધું. જેલના ભ્રષ્ટ ખોરાકની અસર ધોઈ કાઢવા સારુ આગલે દિવસે મેં ઉપવાસ કર્યો હતો. નાહીને શરીર સ્વચ્છ કર્યું. મારો લગભગ બધો સામાન આગલે દિવસે મેં ઘેર મોકલી દીધો હતો. એટલે તૈયારી કરવાપણું કંઈ હતું જ નહીં. આંબાને તેમજ જાંબુડાને છેલવેલું પાણી પાયું. હીરાને મળવાનું મન હતું, પણ આટલી વહેલી તે ક્યાંથી આવેલી હોય? જેલની ચારે દીવાલથી ઘેરાયેલા આકાશમાં તારાઓનું છેલ્લું દર્શન કરી લીધું. એટલામાં ઠાકોરસાહેબ ઊઠ્યા. શામળભાઈ પણ નાહીને આવ્યા. અમે ત્રણે જણાએ, જેલના નિયમ વિરુદ્ધ એકઠા બેસીને પ્રાર્થના કરી. શામળભાઈએ

રામ ભજ તું પ્રાણિયા, તારા દેહનું સારથ થશે, તારી કંચનની કાયા થશે, રામ ભજ તું પ્રાણિયા.

—વાળું પરભાતિયું ગાયું.

પરભાતિયું પૂરું થતાં પો ફાટ્યો. પણ બહાર લઈ જવાને કોઈ આવ્યું નહીં. શામળભાઈએ કહ્યું, ‘હોજ આગળના તુલસીના છોડને તો તમે ભૂલી જ ગયા!’ હું શરમાયો. દોડતો જઈ તુલસીને ખાસો એક ડબો પાણી પાયું. એટલામાં એક વૉર્ડર આવ્યો અને એણે મને દરવાજે ચાલવા કહ્યું. સુપરિન્ટેન્ડેન્ટ સાથે વિદાયના બે શબ્દ બોલીને હું જેલ બહાર પડ્યો. નીકળતાંવેંત મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો:

क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।