ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનાચાર્ય

Revision as of 05:26, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા’  (લે. ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ બિલ્હણના શશિકલા સાથેના વિલાસોના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતી ને બિલ્હણની જ રચના મનાતી સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’નું અને એમાં કથાભાગ ઉમેરીને થયેલા સંસ્કૃત ‘બિલ્હણકાવ્ય’નું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાન ખેંચે છે. ૪૦ દુહા-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી ‘શશિકલા-પંચાશિકા’  (મુ.) ઉપર્યુક્ત કાવ્યની પૂર્તિ રૂપે કવિ ભૂવેરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર.ઈ.૧૫૪૫)નો મુક્ત અનુવાદ છે ને તેમાં શશિકલાનો ઉદ્ગારો રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪;  ૨. સાહિત્ય, જુલાઈ ૧૯૩૨ - ‘બિલ્હણકાવ્ય (ગુજરાતી પદ્યાનુવાદ)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; ૪. મસાપ્રવાહ;  ૫. ગુજરાતી, દીપોત્સવી અંક ઈ.૧૯૧૫ - ‘બિલ્હણ પંચાશિકા’ ચી. ડા. દલાલ; ૬. ગુજરાતી દીપોત્સવી અંક ઈ.૧૯૩૦ - ‘શશિકલાકાવ્ય,’ ‘વનમાળી;  ૭. ગૂહાયાદી; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧)[ભો.સાં.]