અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/જઠરાગ્નિ
Revision as of 13:40, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા! મઢો સ્ફટિક...")
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદનવાટિકાઓ,
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
વીસાપુર જેલ, એપ્રિલ ૧૯૩૨