ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજપાલ-૧

Revision as of 07:29, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તેજપાલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - અવ. ઈ.૧૬૩૩] : કડવાગચ્છના જૈન સંવરી શ્રાવક. શા. જિણદાસના પટ્ટધર. ખંભાતના વીસાશ્રીમાળી સોની વસ્તુપાલના પુત્ર. માતા કીકી. ઈ.૧૫૯૯માં ૧૪ વર્ષે શા. મહાવજીના ઉપદેશથી સંવરી બન્યા. બ્રાહ્મણ પંડિત પાસે વ્યાકરણ, નામમાલા, પંચકાવ્ય અને ન્યાયનો અભ્યાસ કર્યો. પટ્ટસ્થાપના ઈ.૧૬૧૫. આ પ્રભાવશાળી વિદ્વાને અનેક શાસ્ત્રાર્થોમાં વિજય મેળવ્યો અને તીર્થયાત્રાઓ તથા મૂર્તિપ્રતિષ્ઠાનાં કાર્યોની પ્રેરણા આપી. અવસાન ખંભાતમાં. આ કવિએ ૪૩ ઢાળની ‘સીમંધર-શોભાતરંગ’ (ર.ઈ.૧૬૨૬; *મુ.) ઉપરાંત ‘વરણાગ નલુઆની સઝાય’ (ર.ઈ.૧૬૧૦), મહાવીરસ્વામીનાં ૫ સ્તવનો (ર.ઈ.૧૬૨૧), ‘ભગવતી સાધુ વંદના’ (ર.ઈ.૧૬૨૧) અને અન્ય સ્તવન-સઝાયાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. ‘સેવક’ નામછાપને કારણે ‘સીમંધરશોભાતરંગ’ ભૂલથી ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે ‘જૈન ગૂર્જર કવિઓ’માં નોંધાયેલ છે. ‘સેવક’ એ નામથી મળતી ‘ચોવીસતીર્થકર-ભાસ’ તથા ‘સુદર્શનભાસ’ આ કવિની જ રચનાઓ હોવાનું અનુમાન થયું છે. કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે.ઈ.૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે. કવિએ સંસ્કૃતમાં પણ ‘દીપોત્સવકલ્પ’ અવચૂરિ સાથે (ર.ઈ.૧૬૧૫), ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૫), ‘અજિતનાથસ્તુતિ’ અવચૂરિ સાથે, ‘જિનતરંગ’, ‘વીરતરંગ’, સ્નાત્રવિધિ’, તેમ જ અન્ય સ્તુતિસ્તોત્રાદિ રચેલ છે. કવિની ‘દશપદી’ (ર.ઈ.૧૬૧૧), ‘પદ્યટીકા પંચદશી’, સપ્તપ્રશ્ની’ (ર.ઈ.૧૬૧૯), ‘શતપ્રશ્ની’ (ર.ઈ.૧૬૨૨/ઈ.૧૬૨૩) તથા ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’નો સ્તબક આદિ કેટલીક રચનાઓ સંસ્કૃતમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ થતું નથી. કવિનો કૃતિસમૂહ કુલ ૧૦,૦૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોધાયું છે. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૬૨૮; ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૭૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં’ ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસુરિજી; ૫. એજન, જૂન ૧૯૫૨ - ‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ’, અગરચન્દ નાહટા; ૬. એજન, જૂન ૧૯૫૩ - ‘કડુઆમતપટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચન્દ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ર.સો.]