ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/દૂરના એ સૂર
દૂરના એ સૂર
બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝાપટે, ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે.
મને યાદ આવે છે એ રાતો! આખો દિવસ ધૂળ અને ગરમીમાં આળોટ્યા પછી, અગાશીમાં ખૂબ પાણી છાંટીને પાથરેલી પથારીઓમાં પડવાની એવી તો મજા આવે. ચાંદની જેવી ચોખ્ખી એ ચાદરો ઉપર ઠંડકનાં તો ખાબોચિયાં છલકાતાં હોય! એમાં છબછબિયાં કરતાં અમારા એ વિશાળ કુટુંબનાં અમે છોકરાંઓ સૂઈ રહીએ.
અમારામાંનું કોઈ કોઈ વળી પથારીમાં ક્યાંય સુધી જાગતું પડ્યું રહે. કોઈ વાર અમે ઉપર ખેંચાતા તારાભર્યા આકાશ સામે ફાટી આંખે જોઈ રહીએ, તો કોઈ વાર બંધ આંખે, બાજુમાં પથરાઈ પડેલા વડીલોની વાતોમાં કાન માંડીએ. હું આમાંનો એક.
લગ્નોની ન્યાતમાંથી જમીને આવ્યો હોઉં. મોંમાં પાનની ફોરમ હજુ શમી ન હોય, કપાળ પર સુખડના ખરેટા સુકાયા ન હોય, ટૂંચા પરથી અત્તરનો મઘમઘાટ ઊઠતો હોય, પીતામ્બરની તરતની વાળેલી કલ્લી તાર પર ફરકતી હોય…
…અને પથારીમાં પડ્યે પડ્યે સાંભળું તો દૂર દૂર બૅન્ડવાજાંના સૂરો ઊઠતા હોય. હજુ પણ એ સૂરો મને ઘણી વાર ઘેરી લે છે, જોકે અમારું એ ઉત્તર ગુજરાતનું ગામ છોડ્યા પછી સાચુકલા તો એ ક્યારેય સંભળાતા નથી.
મનના જાગતા રહેલા છેલ્લામાં છેલ્લા પટ સુધી તે દૂરના બૅન્ડના સૂરો મારી સાથે આવે. પછી શરૂ થાય પેલી તંદ્રામાં સાન્ધ્ય-twilight પ્રદેશો. ધીમે ધીમે ઊંઘના ઘેરા, ઘાટા, મખમલી પડદા ખેંચાતા આવે, અવનવા સ્વરો અને શમણાંમાં એ સૂરો વીંટળાઈ જાય, પવનની લહેર પર એ બૅન્ડના સૂરો પાછા સળવળે, વળી શમે. વળી ઊપસે…
થોડી વાર રહીને આંખ ઉઘાડું તો સવાર પડી ગયું હોય. ઉપરના ચોકઠામાંથી ઝૂકેલો આકાશનો નાજુક સોનેરી પટ ધીમે ધીમે ખૂલતો રૂપેરી બને, પછી ખુલ્લો ધોળો અને પછી ઊંડો ભૂરો…
દિવસનાં અજવાળાંમાં રાતવાળા વરઘોડાના એ સૂરો ક્યાં ખોવાઈ જતા હશે? પેલા ફ્રેન્ચ કવિએ પૂછ્યું છે ને કે Where the snows of yester year? — ત્યારે આ વર્ષે પડતો આ નવો હિમ ‘નવો’ હશે જ નહિ? એનો એ જ હશે? કે પછી એવું તો નહિ હોય કે આ નવી સાલ પોતે જ નવી ન હોય, એની એ જ હોય, વર્ષ બદલાતું જ ન હોય! કવિતાની હૂંફમાં સમય ઓગળી જાય છે, પેલા હિમની માફક.
સવાર પડતાં એવું થાય છે કે સાચું શું? અને શમણું શું? રાતના એ વરઘોડાના સૂરો સાચા કે સવારનાં આ આંજી નાખતાં અજવાળાં?
વરઘોડાના બૅન્ડના સૂરોની સાથે જ તરી આવે છે વરઘોડાના આકારો.
સાજન-મહાજન વચ્ચે ઠૂમકતો, નાચતો, નજાકતભર્યો, ચાંદીના સામાનથી ચકચક થતો, કાળો, કસાયેલો પેલો લીંબુમિયાંનો ઘોડો. કાકાસાહેબને હિમાલયને જોઈ એમ થયું કે આ ‘આ હિમાલયે શું શું નહીં જોયું હોય?’ લગ્નના ઘોડાને જોઈને પણ આપણને એમ જ થાય. આ ઘોડાથી શું અજાણ્યું હશે? એની પીઠ પર કેવા કેવા અરમાન, કેટકેટલી આશાઓ સવાર થઈ ચૂક્યાં હશે અને કેટલીક નિરાશા અને આત્મવંચનાના બોજા તેણે એ જ ઠમકતી ચાલે વહ્યા હશે. ધન્ય છે એની તટસ્થતાને! એની પીઠ પર ગમે તેવી તવારીખ લદાઈ હોય પણ એની તો તેની તે જ ગતિ રહે … એ જ તાલબદ્ધ તરવરાટ.
અને સાથે રમતી આવે પેલી પેટ્રોમૅક્સની પ્રતિમાઓ. તેમના કાંઠલા ઘેરા લીલા રંગ્યા હોય અને તેમના બિમ્બમાંથી સિસકારા કરતો, આંખ આંજી નાખતો, લાલ-પીળો-ભૂરો પ્રકાશ રેલાય. વરરાજાની એક બાજુ ત્રણ બત્તીઓ, બીજી બાજુ ત્રણ. આ ત્રણ-ત્રણની હારમાળાની રચનામાં વળી હંમેશાં કાંઈક કમનીય અનિયમ નિર્માયો જ હોય. શી ખબર કેમ પણ કદીય એકસરખી જોયાનું યાદ નથી — આકર્ષક રીતે, પણ આડીઅવળી.
એ બત્તીઓ ઉપાડવાનો કસબ અમારા ગામની ઘાંચી કોમની પેલી સ્ત્રીઓ જ જાણે. એ એમના જ લોહીમાં હોય. એટલે સુધી કે ગામના ઊંચામાં ઊંચા વર્ણની સ્ત્રીઓ એ ઉપાડે તોપણ, મને લાગે ચે, વરઘોડાની એટલી વાહવાહ ન બોલાય. ધોળે દિવસે વરરાજા આ પેટ્રોમૅક્સ ઉપાડનાર સ્ત્રીઓને ઓળખે પણ નહીં, પણ વરઘોડાની રાતે એ સ્ત્રીઓ પ્રકાશ પાથરે નહીં ત્યાં સુધી વરરાજાને રસ્તો પણ ન સૂઝે… અને એમની વિનમ્રતા કેવી? વરરાજાને તોરણે મૂકી આવી એ એવી તો એમના એકાંતમાં ખોવાઈ જાય કે શોધી ન જડે… હવે તો એ કોમ ઓછી થતી જાય છે અને એવા વરઘોડા પણ.
શરૂઆતમાં આવે બૅન્ડ અને બૅન્ડની પણ આગળ મહાલતું આવે પેલું બાલસાજન. બૅન્ડવાળાના ચટાપટાવાળા ગણવેશો વચ્ચે રંગબેરંગી ઝભલાં-ચડ્ડી ચમકતાં જ હોય. બૅન્ડમાસ્તરના ફૂલેલા, પરપોટા જેવા, બે ગાલ પર એક-બે કાળી આંખો તો જડાયેલી જ રહે. બૅન્ડમાસ્તર બાળકોને મન વરઘોડાની વધુમાં વધુ મહત્ત્વની વ્યક્તિ ગણાય. એ તો ખરું જ ને? એની આંખને ઇશારે આખો વરઘોડો ચાલે, એના સ્વરોને સનકારે તો ગામ ગાજતું થઈ જાય. એ બૅન્ડમાસ્તર તો અનેક છોકરાંનો છૂપો આદર્શ! એની તીરછી ટોપી, એનું પાન-ટપકતું મોં, એની ઉજાગરાથી લાલ આંખ, એનો કાળો કોટ… એની આગળ, આ જાહોજલાલી આગળ, રાજ્યનો મુગટ કે ડૉક્ટરેટનો ઝભ્ભો તો તુચ્છ ગણાય… અને બીજે દિવસે એ જ મહોદયને ગામના કોઈ ગમનાક ખૂણે બેસી બીડીઓ વાળતો જોતાં છોકરાંઓમાં ભ્રાન્તિભંગનો એવો આંચકો લાગે! ગઈ કાલ રાતના આ સાર્વભૌમ સત્તાધીશની દિવસે આ દશા? અને આમ અમે છોકરાંઓ એ ગામની શેરીઓમાંથી જ જિંદગીના મોટા ભ્રાન્તિભંગો માટે ઘણું શીખતા આવીએ, પળોટાતા જઈએ… શહેરનું એ સુખ છે કે ત્યાં ભ્રાન્તિઓ સુરક્ષિત રહે છે. કદાચ એથી જ ગામડાં ભાંગતાં જતાં હશે.
અને સાજન… એ તો જેવી કોમ. કડકડતા — ધોળા લાંબા કોટમાં સજ્જ થયેલા, ભરાવદાર, ભદ્ર, ગર્ભશ્રીમંત, ગંભીર, સ્વસ્થ —કાંઈક સ્થૂલ — એવા વાણિયાઓ…તો વળી કફની-ખમીસ-કોટ એવા કાબરચીતરા પહેરવેશોવાળા, ગોળ ચહેરા — ગોળ ચાંલ્લા — ગોળ પેટ — એમ આખાય વ્યક્તિત્વમાં, અરે! આખાય જીવનદર્શનમાં, ગોળ લાડુનાં ગોળગોળ સૂચનો લઈ ચાલ્યા આવતા બ્રાહ્મણો… તો વળી કાનમાં કડીઓ, ઘટ્ટ લાલ-લીલાં ખમીસ ઉપર ચાંદીનાં બટ્ટણ, બીડીના ધૂંવાડા, કાશ્મીરી ટોપી, નવાં ફાળિયાં, અને ક્યાંક વળી સોનેરી ટોપી — આવા બધા વૈભવથી શોભતા આજુબાજુના કોઈ ગામડિયાઓની જાન…
ડિઝરાયલીની જીવનકથામાં આન્દ્રે મોર્વા એક સુંદર પ્રસંગ નોંધે છે: એક મિજબાનીમાં ડિઝરાયલી તેની બેઠકમાં ઊંડો ઊતરી જઈ પડ્યો હતો, હવા બંધાઈ હતી અને જીવનનો આદર્શ કેવો હોવો જોઈએ એ ચર્ચા ચાલતી હતી. વાતનું બીડું ફરતું ફરતું ડિઝરાયલી પાસે આવ્યું. આદર્શ જીવન કેવું હોવું જોઈએ? ‘પારણેથી માંડીને તે કબર સુધી… વૈભવશાળી વરઘોડા જેવી!’ જિંદગીના આવા ચાહકોને પહેલેથી તે છેલ્લે સુધી એવી જ ધામધૂમ જોઈએ, એ જ ઝાકઝમાળ. સ્પિનોઝા જેવા દ્રષ્ટાઓએ બનાવેલું જિંદગીનું માળખું એમને સૂકું લાગે, એમને એ ન ખપે — પછી ભલે ને આ માળખું છેક જ ઈશ્વરમઢ્યું હોય!
આપણા વરરાજાઓને પણ એમની સફરના એકાદ હપતામાં તો એમ જ થતું હશે કે આવા વરઘોડા કદી ઊતરે જ નહીં, આમ ને આમ ચાલ્યા જ કરે, તો કેવું સારું! એમનો વાંક નથી. ક્ષણભરના ગુલાબને ચૂંટવામાં એ પેલે છેડે રાહ જોતી રાતવાણીને ભૂલી જાય તો ક્ષમ્ય ન ગણાય? એને કહીએ કે ‘ફૂલ વીણ, સખે!’… પછી આખી ને આખી વરમાળા તો છે જ.
મનોવિજ્ઞાનનું કહેવું છે કે પ્રત્યેક વ્યક્તિ એના અંગત ભૂતકાળ ઉપરાંત એની આખી સંસ્કૃતિનો ભૂતકાળ પણ તેના સુષુપ્ત મનાં સંઘરીને ચાલતી હોય છે. વરઘોડો જોતાં આવી વારસાગત સ્મૃતિમાંના એક-બે પ્રસંગો તાજા થાય છે.
એક તો પુરાણોએ પરિચિત કરેલો અને તુલસીએ અક્ષર કરેલો શિવવિવાહ-ભૂતભૂતાવળ, બાવા-જતિઓની જામેલી એ શિવજીની જાન અફાટ હિમાલયના ઉત્તુંગ સૌંદર્યથી સજ્યો એ વિરાટનો વરઘોડો. ગ્રીસના પુરાતન અશેષ પર આંકેલા યુગલને જોઈ કીટ્સથી ઉચ્ચારાઈ ગયું: For ever will thou love, and she be fair. આ શિવસ્મૃતિ સાથે આપણા મનમાં પણ એવાં જ આશીર્વચન આવે…
બીજો પ્રસંગ નેમિનાથનો. હૅમ્લેટ વિનાનું ‘હૅમ્લેટ’ જેવું નિષ્પ્રાણ લાગે, તેવો વર વિનાનો વરઘોડો. નેમિકુમારે એવી જ પરિસ્થિતિ સર્જી. રાજુલની વરમાળા કુંવારી રહી. લગ્નમંડપનાં તોરણ સુકાઈ ગયાં. સ્વજનોનાં મોં મૂરઝાઈ ગયાં. નેમિનાથે મહાભિનિષ્ક્રમણ કર્યું. ફરી એક વાર વિચારે વ્યવહારને હચમચાવી નાખ્યો.
શિવ અને નેમિ — માનવમનની બે વિશિષ્ટ ગતિઓનાં અમર પ્રતીકો.
તીવ્ર વૈરાગ્યથી સંસારને તરછોડતા શિવ, શક્તિની મોહિનીને શરણે થઈ પૃથ્વીના પમરાટભર્યા ખોળા ઉપર ઊતરી આવે છે — સ્થૂલનો સહજ સ્વીકાર કરે છે… એ છે એક ગતિ.
બીજી ગતિનું પ્રતીક છે — નેમિ. ભોગવિલાસ અને જડ ઉપભોગોથી ઊભરાતા જગત વચ્ચે રહેતા નેમિને એક જ દૃશ્યનું મીઠું નશ્તર હંમેશ માટે આ જગતથી, સંસારથી પરાઙ્મુખ કરી મૂકે છે. સાથે રાજુલને પણ… નેમિ અને રાજુલ સ્થૂલ ઉપર સૂક્ષ્મનો, ક્ષણિક ઉપર શાશ્વતનો વિજય સૂચવે છે.
સતી અને રાજુલ — એક જ શક્તિનાં બે મુખ. સતીનું મોં સંસાર તરફ ફરેલું છે — તે પરની મુદ્રા છે મૃદુ, સહિષ્ણુ, કરુણામય. જ્યારે રાજુલે સંસારના થાળ પરથી આંખ ઉઠાવી લઈ, ઊંચે મીટ માંડી છે. તેના મુખ ઉપર એ છટાઓ કઠોર તપની, અનંત શ્રમની, તીવ્ર સાધનાની… અને અંતે તો બન્ને મુદ્રાઓ એકબીજાની પૂરક છે, એક જ સ્ત્રીનાં બે સ્વરૂપો છે.
આપણાં પુરાણોના ગ્લાઇડરે બેસી ઊંચે ચઢેલો હું નીચે ઊતરું છું તો આજુબાજુ કેવાં વિચિત્ર દૃશ્યો દેખાય છે? ખાસ કરીને પશ્ચિમ બાજુથી ચઢતા પેલા વિલક્ષણ વરઘોડા? ટી. એસ. એલિયટે સાઠી પછી કાઢેલો! બર્ટ્રાન્ડ રસેલે એંશીએ! અને એમાં કાંઈ નવું નથી. સત્તરમી-અઢારમી સદીના પેલા મોજીલા નાટકકાર વિશરલીએ, કહે છે, બરાબર મરણપથારી પર, પાકી ઉંમરે, વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું. એની ‘કૉમિક’ કારકિર્દી પર તે વિના કળશ કેમ ચડે?
અને શબ્દોના અર્થોને કાંઈ સીમા હોય છે? હંમેશાં કુંવારા રહેતા એક મિત્રને અમે રોજ પૂછીએ છીએ. ‘આ વરઘોડો ક્યાં સુધી ચાલુ રાખવો છે?’ એટલે સાચો વરઘોડો તો નહીં પરણનારનો જ…
પેલા બૅન્ડના દૂરથી સંભળાતા સૂરો ક્યાં ને ક્યાં લઈ જાય છે!…