ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસમુદ્ર વાચક

Revision as of 13:08, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મસમુદ્ર(વાચક) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરસૂરિની પરંપરામાં વિવેકસિંહના શિષ્ય. એમણે મહાકવિ કાલિદાસકૃત ‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકના કથાવસ્તુને આધારે દુહા તથા વસ્તુછંદ તેમ જ વિવિધ દેશીઓની ૯ ઢાળ અને ૧૦૪ કડીમાં ‘શકુન્તલા-રાસ’ (મુ.)ની રચના કરી છે. જૈન ધર્મના કર્મ અને અહિંસાના સિદ્ધાંત વણી લેવાથી તેમ જ અન્ય રીતે મૂળ કથાથી કેટલાક નાનકડા ફેરફાર આ કૃતિ દર્શાવે છે. જેમ કે શકુન્તલાએ દુર્વાસાને નહીં ઓળખ્યાથી જ એની અવગણના કરીને શાપ વહોર્યો એવી ઘટના અહીં દુષ્યંતના આગમન પહેલાં જ બની ગયેલી વર્ણવાઈ છે. સામાન્ય રીતે ઝડપથી કથાપ્રસંગ કહી જતી આ કૃતિમાં દુષ્યંતના દરબારમાં શકુન્તલા રજૂ થાય છે તે પ્રસંગ થોડીક નિરાંતથી આલેખાયો છે અને દુષ્યંત-શકુન્તલાના મનોભાવોને ઘૂંટીને વાચા આપવાનો પ્રયત્ન થયો છે. વિવિધ ઢાળો પરત્વે ઝાબટા, સામેરી, સોરઠી, જયમાલા, સિંધુઆ, ધુરિલી વગેરે રાગોનો ઉલ્લેખ મળે છે એ નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિએ ૩૩૭/૪૩૮ કડીની ‘સુમિત્રકુમાર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૧), ૫૩૦ કડીની ‘પ્રભાકર ગુણાકાર-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૭), ૧૪૩ કડીની ‘કુલધ્વજકુમારરાસ, (ર.ઈ.૧૫૨૮), ૩૩ કડીની ‘અવંતિસુકુમાલ-રાસ/સઝાય આશરે ૨૬૧ કડીની ‘જયસેન-ચોપાઈ/રાસ/રાત્રિભોજન-રાસ’, ૨૦૨ કડીની ‘ધર્મદત્ત-ચોપાઈ’, ૧૦૭ કડીની ‘સુદર્શન-ચોપાઈ’ તથા ૫ કડીની ‘હરિયાળી’ (મુ.) એ રચનાઓ પણ કરી છે. કૃતિ : ૧. જૈનયુગ, કરતક-માગશર ૧૯૮૩-‘હરિયાલી’; ૨. જૈન સાહિત્ય સંશોધક, અશ્વિન, સં. ૧૯૮૪-‘ધર્મસમુદ્રકૃત શકુન્તલારાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈમગૂકરચનાએં : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]