ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નળદમયંતી-રાસ’-૧

Revision as of 06:36, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નળદમયંતી-રાસ’-૧'''</span> [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘નળદમયંતી-રાસ’-૧ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો છે. ‘નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન પરંપરાની રાસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુસરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ’માંથી કદ્રુવનિતાનું દૃષ્ટાંત વગેરે કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામો અને સંબંધો પણ ફેરવ્યાં છે. પરિસંખ્યા અને શ્લેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગાવસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને ધ્રુવાઓવાળાં કેટલાંક સુંદર ગીતોમાં રજૂ થયો છે. દૃષ્ટાંતની સહાયથી પ્રસંગેપ્રસંગે અપાયેલો બોધ અને સ્થળેસ્થળે પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે. ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાકથન અને ક્યારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિવ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે.[કા.શા.]