ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર દાસ-૧

Revision as of 11:45, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર(દાસ)-૧'''</span> [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. વીકાના પુત્ર. જ્ઞાતિએ દશાવાળ વણિક. વડોદરાના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવર્ષો બતાવે છે તેથી એમનો કવનકાળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાકર(દાસ)-૧ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. વીકાના પુત્ર. જ્ઞાતિએ દશાવાળ વણિક. વડોદરાના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવર્ષો બતાવે છે તેથી એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પૌરાણિક કથાઓનું જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી લોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ, શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીર્ઘ સમાસયુક્ત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. કવિની કૃતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો પૂજ્યભાવ અને એમનું નમ્ર, વિવેકી અને નિસ્પૃહી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. કવિ કૃષ્ણભક્ત વૈષ્ણવ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યુ છે. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના ‘અશ્વમેઘ’નાં ૫ આખ્યાનો ઉતાર્યાં છે. મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોને સંક્ષિપ્તરૂપે સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક પેટાપર્વો છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે છે, ક્યાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ મળતી નથી. પરંતુ આનુષંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ તે ‘વિરાટપર્વ’છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું ‘આરણ્યકપર્વ’(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વર્ણનો અને કવિના વાગ્વૈભવથી રમણીય બનેલું છે. ૧૦ કડવાં અને ૨૨૬ કડીના ‘શલ્ય-પર્વ’(મુ.)માં યુધિષ્ઠિરને સાંગ મયદાનવ પાસેથી મળેલી તે પ્રસંગનું વર્ણન થયું છે તથા કર્ણ જગડુશા રૂપે અવતરશે એવો ઉલ્લેખ થયો છે તે નાકરનાં ઉમેરણો છે. ૯ કડવાં અને ૨૩૪ કડીનાં ‘સૌપ્તિક-પર્વ’(મુ.)માં પાંડુપુત્રોના સંહારની વાત સાંભળી ‘તમે કેમ એમને માર્યા ? એમના મૂકેલા પિંડ અમે પામત’ એમ નિશ્વાસ મૂકી કહેતા દુર્યોધનનું ચિત્ર એના ઉદાત્ત મનોભાવથી આકર્ષક બની રહે છે. ૯ કડવાં અને ૧૯૦ કડીએ અપૂર્ણ પ્રાપ્ત થતા ‘સ્ત્રી-પર્વ’, ૩૭ કડવાંનું ‘ગદા-પર્વ’ અને ૪૩ કડવાંનું ‘ભીષ્મ-પર્વ’ બહુધા મૂલાનુસારી છે. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે રચાયેલાં આખ્યાનો ભક્તિમહિમાનાં સ્તોત્ર જેવાં છે. ૨૩ કડવાંના ‘લવકુશ-આખ્યાન’(મુ.)માં ૧૭ કડવાં સુધી તો સીતાપરિત્યાગનું અને લવકુશજન્મ સુધીનું વૃત્તાંત ચાલે છે. લવકુશ યુદ્ધવર્ણન તો માત્ર ૬ કડવાંમાં છે. કેટલાંક સુંદર ભાવચિત્રો ધરાવતી આ કૃતિમાં કૌશલ્યા, સીતા વગેરેમાં પ્રાકૃત જનસ્વભાવનું આરોપણ થયેલું છે. ૨૬ કડવાંનું ‘મોરધ્વજ-આખ્યાન’ (મુ.) સંવાદપ્રધાન છે ને કથાને લોકગમ્ય કરવાનો કવિનો પ્રયાસ ધ્યાન ખેંચે છે. ૨૯ કડવાં અને ૭૫૦ કડીના ‘સુધન્વા-આખ્યાન’માં પણ કથાપ્રવાહને રસિક બનાવવા કવિએ કરેલા પ્રયત્નો દેખાઈ આવે છે. ૧૩ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’માં કવિએ વીરવર્માને વીર કરતાં વિશેષપણે ભક્ત તરીકે રજૂ કરેલ છે. કોઈ જાતના મંગલાચરણ વિના સીધું વીરવર્માની કથાના અનુસંધાનમાં શરૂ થતું ૩૩ કડવાંનું ‘ચંદ્રહાસ-આખ્યાન’(મુ.) ચંદ્રહાસના મધુર બાલભાવો, તત્કાલીન શિક્ષણપ્રથા, ચંદ્રહાસ પાસે જતી અને ‘વિષ’નું ‘વિષયા’ કરતી વિષયા વગેરે કેટલાંક ધ્યાનાર્હ ચિત્રો આપે છે. છેલ્લા ચિત્રનો પ્રેમાનંદે સરસ લાભ ઉઠાવ્યો છે. નાકરનાં અન્ય આખ્યાનોમાં ૬ કાંડ અને ૧૨૫ જેટલાં કડવામાં વિસ્તરેલું ‘રામાયણ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, આસો સુદ ૧૦, ગુરુવાર) સવિશેષ નોંધપાત્ર છે, જો કે છેલ્લા ઉત્તરકાંડનું નાકરનું કર્તૃત્વ ચર્ચાસ્પદ છે. હનુમાન એની માતા અંજનીને રામકથા કહી સંભળાવે છે એવી વિશિષ્ટ માંડણી ધરાવતી આ કૃતિમાં કેટલાક પ્રસંગોને તેમના મૂળ સાહજિક ક્રમમાં મૂકી સરળતા સાધવામાં આવી છે. તે ઉપરાંત કુંભકર્ણ અને ખાસ તો રાવણના પાત્રની ઉદાત્તતાના ચિત્રણમાં, લક્ષ્મણની મૂર્છાવેળાના રામના વિલાપનિરૂપણમાં, હનુમાનના કોમળ ભક્તિપ્રેમના આલેખનમાં કિષ્કિંધાકાંડના કવિત્વમય વર્ણનોમાં તેમ જ વિવિધ મનોહર દેશીઓના ઉપયોગમાં નાકરનો શક્તિવિશેષ પ્રગટ થાય છે. ૧૨ કડવાંનું ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, માગશર-૭) ભાલણ અને પ્રેમાનંદની આ વિષયની કૃતિઓ વચ્ચે મહત્ત્વની કડી સમાન છે. દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર અને તેને અનુષંગે ઉપસ્થિત થતો મત્સ્યસંજીવનીનો પ્રસંગ પહેલી વાર નાકરમાં જોવા મળે છે. દમયંતી પર હારચોરીનું આળ આવે છે તે પ્રસંગ પણ આ કૃતિની ૧ હસ્તપ્રતમાં હોવાનું નોધાયું છે. તો એ પણ નાકરમાં પહેલીવાર આવ્યો છે એમ કહેવાય. હસ્તપ્રતોમાં અનેક બીજાં પદોનાં ઉમેરણોને લીધે ૨૯ કડવાંથી ૫૮ કડવાં સુધી વિસ્તરેલું પ્રાપ્ત થતું ને ૪૫ કડવાં રૂપે સંપાદિત થયેલું ‘ઓખાહરણ’(મુ.) મુખ્યત્વે ભાગવત-હરિવંશ-આધારિત કૃતિ છે, પણ એમાં ગણેશપુરાણ-આધારિત અલૂણાવ્રતનું નિરૂપણ થયેલું છે. વાંઝિયા બાણાસુરથી ચાંડાલણી મોં સંતાડે છે એ પ્રસંગ પણ પહેલવહેલો નાકરમાં જોવા મળે છે ને ઉષાને જોઈને શિવ કામવ્યાકુળ થાય છે એવું નિરૂપણ પણ નાકર જ કરે છે. આ કૃતિના કેટલાક રચનાસંવત નોંધાયેલા છે, પણ એ આધારભૂત જણતા નથી. ૨૭ કડવાંનાં ‘અભિમન્યુ-આખ્યાન’માં પણ સુભદ્રાનું માતૃહૃદય, કુંતાની રક્ષા અને કૃષ્ણના તદ્વિષયક પ્રત્યાઘાતો, ઉત્તરાનું આણું તથા સાસરવાસો, અર્જુનને કૃષ્ણનો ગીતાબોધ વગેરેનાં આલેખનો નાકરની વિશિષ્ટતા છે. ૨૨ કડવાં અને આશરે ૩૦૦ કડીનું ‘કર્ણ-આખ્યાન’ કર્ણના દાનેશ્વરીપણાને કેન્દ્રમાં રાખીને થયેલી રચના છે, તો ‘સગાળપુરી’ નામની ૨ રચનાઓ (મુ.) અન્નદાન વિના દેવલોકમાં અન્ન મળતું નથી એનો અનુભવ કરનાર કર્ણ મનુષ્યજન્મ માગી પૃથ્વી પર સગાળશા રૂપે અવતરે છે તેની કથા કહે છે. અહીં કસોટી કરનાર દેવ શિવ નથી એમાં તથા અન્ય રીતે નાકરની વૈષ્ણવતા સૂચવાય છે. ૭ કડવાં અને ૮૪/૧૧૨ કડીની ‘સગાળપુરી’માં વેગભર્યું પ્રસંગનિરૂપણ છે, ત્યારે ૧૦ કડવાં ને ૧૬૪ કડીની ‘સગાળપુરી’ થોડા વધુ પ્રસંગો સમાવે છે ને વિસ્તારથી આલેખન કરે છે. ૩૧ કડવાંનું ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ (ર.ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, ભાદરવા બુદ્ધાષ્ટમી; મુ.) નાકરની રચનાવર્ષનો નિર્દેશ ધરાવતી સૌથી પહેલી કૃતિ છે ને સરળ કથાકથનથી ચાલે છે. ૧૩ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.) અને ૧૪ કડવાંનું ‘શિવવિવાહ’ (મુ.) સંપૂર્ણ મૂલાનુસારી નિરૂપણ, રચનાસંવતના એકસરખા ગરબડિયા ઉલ્લેખ, ‘કડવાં’ને સ્થાને ‘મીઠાં’ શબ્દનો પ્રયોગ, બીજે ક્યાંય જોવા નથી મળતો તેવો અનેક કડવાંઓમાં ‘નાકર’ નામછાપનો ઉપયોગ, હસ્તપ્રતનો અભાવ અને ભાષાભિવ્યક્તિની અર્વાચીનતા વગેરે કારણોથી નાકરની કૃતિઓ હોવાનો સંભવ જણાતો નથી. નાકરની લઘુકૃતિઓમાં શિવરાત્રિનો મહિમા ગાતો ‘વ્યાધ-મૃગલી-સંવાદ’ (મુ.) પાર્વતી, ઇશ્વર, વ્યાધ અને મૃગીના સંવાદ રૂપે રચાયેલ છે. ૩૧ કડીનો ‘સોગઠા’નો ગરબો’ પણ ચોપાટ ખેલતા રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદનો આશ્રય લે છે અને ઉત્કટ પ્રેમોર્મિનું રમણીય આલેખન કરે છે. ‘ગરબો’ શબ્દનો આ કદાચ પહેલો પ્રયોગ છે. મહાભારતના ઉદ્યોગપર્વ આધારિત અને પ્રસંગઉમેરણ થવા છતાં સંક્ષિપ્ત ‘કૃષ્ણવિષ્ટિ’ ઓવીના લયની છંદોરચનાથી ધ્યાન ખેંચે છે, તો ૧૦ પદોએ અધૂરી ‘ભ્રમર-ગીતા’ એના ભાવમાધુર્યથી આકર્ષી રહે છે. ૫૦ પંક્તિની ‘ભીલડીના દ્વાદશમાસ’(મુ.) તથા ૨૬ કડીની ‘વિદુરની વિનતિ’(મુ.) એ કૃતિઓની હસ્તપ્રતો પ્રાપ્ય ન હોઈ એમાં નાકરના કર્તૃત્વ વિશે શંકા રહે છે. કૃતિ : ૧. ઓખાહરણ (પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં), સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૩૮ (+સં.); ૨. પ્રાકામાળા : ૧૧ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકસુધા : ૪; ૫. બૃકાદોહન : ૬, ૭, ૮ (+સં.); ૬. મહાભારત : ૨ (+સં.), ૩(+સં.), ૫; ૭. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.);  ૮. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૯૨; ૯. બુદ્ધિપ્રકાશ, મેથી ડિસેમ્બર, ૧૯૨૨-‘નાકરકૃત ઓખાહરણ’; ૧૦. સાહિત્ય, ડિસે. ૧૯૨૩થી જુલાઈ ૧૯૨૪ ‘નાકરકૃત મોરધ્વજાખ્યાન’, સં. ભાનુસુખરામ નિ. મહેતા (+સં.) સંદર્ભ : ૧. કવિ નાકર એક અધ્યયન, ચિમનલાલ શિ. ત્રિવેદી ઈ.૧૯૬૬;  ૨. કવિચરિત : ૧-૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેટલૉગભાવિ, ૭. ફૉહનામાવલિ. [ચિ.ત્રિ.]