ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ હ. પટેલ/તોરણમાળ

Revision as of 10:16, 23 June 2021 by MeghaBhavsar (talk | contribs)

તોરણમાળ


મન અજંપ હતું ને –

રસ્તાઓ ઘર-દરવાજે દસ્તક દેતા ને વાટ જોતા ઊભેલા તે અમે તો નીકળી જ પડ્યા… જીવ અમારો જિપ્સી. ઘર-દીવાલો ગમે નહિ. જીવ અમારાને વાટની માયા… ક્યારેક તો ‘મન પંછી બન ઊડ જાતા હૈ…’ વર્ષાના દિવસોમાં તો વનો-પહાડો, ઝરણાં-ધોધ બોલાવતાં જ હોય પણ પેલાં શ્યામવાદળી શૃંગો, ત્યાં વિહરતાં વાદળો, ઊંડેરી ખીણોનું ધુમ્મસ ને ભૂખંડો પર પથરાતો હરિતપીત તડકો, ખીણો પછીની ટેકરીઓ પર છૂટાં-છવાયાં ઘર-ઝૂંપડાંને પર્વત ઢોળાવે વસેલાં ગામ જીવને જંપવા નથી દેતાં… ને આમ જ આરંભાય છે અમારી યાત્રાઓ… ન ઝાઝો સામાન કે ન નાસ્તાના ડબ્બા… અરે સ્થળ પણ અજાણ્યું ને અબોટ લઈએ… ઉતારો પણ ખબર ન હોય કે મળશે કે નહિ? બસ, પ્રવાસી અને રસ્તાઓ ચાલ્યા કરે છે. થોડો ભય, થોડી અસલામતી, થોડી ફડક હોય ત્યારે પ્રવાસની ‘થ્રીલ’ મજા લાવે છે.

શ્રાવણ છે, લોકો તહેવારે વ્યસ્ત છે. ઓછા-ઓછા વરસાદ છતાં પ્રકૃતિ મસ્ત છે.

જીવનનો ચહેરો ઊજળો છે ને ઋતુઓ લય અનેક છટાઓ સાથે વિહરતો, વાતાવરણને નીખારતો પ્રતીત થાય છે. અમે ત્રણે મિત્રો ગાડીમાં બેઠા – પ્રા. બાબુભાઈ પટેલ (બોટની), પ્રા. ગિરીશ ચૌધરી (ગુજરાતી-લોકસાહિત્યવિદ) મને પૂછે છે ‘કઈ બાજુ જઈશું?’ વિજયનગરનાં પહાડીવનો કે પછી…’ ‘તોરણમાળ જઈએ…’ અને પછી અમારી ગાડી તો ચાલી… નર્મદા… ડભોઈ ચાણોદ – ઓળંગીને રાજપીપળાની પેલી ડુંગરમાળાને વીંધતી – કરજણ ડૅમને પાદરેથી દેડિયાપાડા – સાગબારા – અક્કલકુવા – તળોદા – શહાદા થઈને તોરણમાળની ઘાટીઓ ચઢવા લાગી છે. કપાસ, કેળ, શેરડી મકાઈ, ડાંગર, અડદ, બાજરીનાં ખેતરો જોતાં ને ગામડાં તથા સીમની રુખ પૂછતા – પરખતા અમે બપોર ઢળતાં તો વનોમાં, પહાડી વળાંકો વીંધતા, રળિયામણા ભૂખંડો જોતાં વિહરીએ છીએ આ અલ્પખ્યાત પ્રવાસનસ્થળે… મુગ્ધ ને મસ્ત વિચરતા-વિચારતા…!!

તોરણમાળની ગિરિમાળા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વનવિસ્તારમાં પથરાયેલી છે. એની ઉત્તર-પશ્ચિમે વહી આવતી નર્મદા મહારાષ્ટ્રમાં પ્રવેશે છે ત્યારે આ ગિરિમાળાનાં નિર્ઝર – નદીઓ એને જળસમૃદ્ધ કરે છે. પછી નર્મદા શૂલપાણેશ્વરનાં જંગલોમાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે. કહે છે કે તોરણમાળની પહાડી શૃંખલા પૂર્વોત્તરે છેક પંચમઢી-સાતપુડાને મળે છે ને વળી પશ્ચિમોત્તરે વિન્ધ્યને અડીને અરાવલીની ટેકરીઓને દૂરથી જ સલામ કરીને દક્ષિણ તરફ સહ્યાદ્રિની પર્વતમાળામાં બદલાઈ જાય છે. મધ્યભારતનો આ રમણીય ભૂભાગ સેંકડો માઈલોમાં પથરાયેલો છે. હિમાલયની સાવ નોખી શોભા ધરાવતાં આ પહાડીવનો તરુવર – વેલ, ઔષધિ તથા નિર્ઝર નદીઓને લીધે અનોખાં અને જીવન પોષક છે. આ પહાડો બારેમાસ સૌન્દર્યની લ્હાણી કરતા રહ્યા છે. પ્રજાની રસદૃષ્ટિનું રંજન કરતી આ રમ્ય ગિરિમાળાઓ પ્રજાના ખમીરને ઘડે છે ને નૂતનની સામે તળના અસલ જીવનનો આસ્વાદ કરાવનારી વિશિષ્ટ જીવનદૃષ્ટિનો પરિચય કરાવે છે. પહાડી કંદરાઓની વચ્ચે ટેકરીઓમાં જીવતી આદિવાસી પ્રજાનું સખત જીવન જોતાં ઘણા વિચારો મનને ચકરાવે ચઢાવી દે છે.

આ કાચી વયનાં કૂણાં ને નિર્દોષ કિશોર-કિશોરીઓને પણ ચરાવતાં જોઈને – ખાસ તો એમની બેફિકરાઈભરી અદોષ પ્રસન્નતા ભાળીને આનંદ થાય છે કે એની પાસે જે મોજમસ્તી છે તે આપણી નવી પેઢીઓ પાસે નથી… ને જે અદ્યતન સગવડોમાં નગરયુવાનો રાચે છે તે ખરું જીવન નથી. વરસાદે ઊજળાં કરેલાં આ વનો છટાઓથી ‘ગંભીર’ ને ‘ગભીર’ (ઊંડાં) પણ છે. ઉપરથી કાળી ઘટાઓ ઊતરીને તરુદિશાઓને રહસ્યમંડિત રમણીયતા બક્ષે છે. વનોની નૂતન ઘાસભરી જળસિક્ત ભૂમિને ભમી વળતાં આ તરુણો વૃક્ષોનેય વહાલ કરે છે. આ તરુવરો જ એમનાં માઈબાપ અને આ કશીક પુંસકતાથી ઓપતાં સાગવનો એમનું ઘર છે. ગામ છે. વરસાદ વરસી રહે પછી વૃક્ષો વરસે છે ને પછી વરસે છે તડકાઓ…! નાના ડબ્બાઓ કે કુલડીમાં છાણાં-દેવતા ભરીને દોરીથી બાંધી જોડે રાખીને ધુમાડો પ્રસરાવતાં ફરે છે આ કિશોરો. મચ્છરો દૂર રહે ને હૂંફ મળે. એમની એ ધુમાડિયા ‘ધાવડી’ સીમવગડે પણ બધાં પાસે જોવા મળી… દેવતા તો સાથે ને સાથે જ હોય ને!! કહેવાતી સુવિધાઓથી દૂરનું આ વનવાસી જીવન એની અનેકાનેક સહજતા – સરળતા – રૂઢિ – માન્યતાદિથી નોખું ને નકરું છે. પહાડો ચઢવા-ઊતરવાનું ને ખીણોમાં વિચરવાનું તથા ત્યાં જ વસી જવાનું ને જીવી લેવાનું મોજથી જેમને માટે સ્વાભાવિક હતું એ આદિવાસીઓની પેઢી હવે બદલાઈ જવામાં છે. આ છેક અંતરિયાળ વનો – પહાડો – ખીણોમાં પણ પ્રકૃતિ ભલે એ જ છે પણ જીવતર પડખું બદલી રહ્યું છે. આ ધણગોવાળિયાં હવે મોટરોને અને એનાં મ્હાલનારાંને નિર્ભયપણે જોતાં-જાણતાં ને કૈંક અનુસરવા મથતાં દેખાય છે. વનો બચાવવાં હોય તો વનવાસી પશુપંખીમનેખ સમેતને બચાવવાં ઘટે… પણ ‘આરણ્યક’ હવે નાગરિકોને ઓળખતો થયો છે. પ્રકૃતિ પર સંસ્કૃતિનું આક્રમણ હવે ખાળીટાળી શકાય એમ નથી. આધુનિકતા પહાડોનાં શિખરો આંબતી અને છેક ખીણોમાં ઊતરીને બધું વટલાવતી ભળાય –  સંભળાય છે. ત્યારે તોરણમાળની ગિરિકંદરાઓમાં ફરવાનું કશોક જુદો જ સંમિશ્ર અનુભવ કરાવે છે. પ્રકૃતિનો નિત્ય નૂતન જાદુ છે, તો સામે કઠોર કપરા જીવનનો ચહેરો પણ છે અમે એ બંનેની ચર્ચાઓ સાથે અનુભૂતિ પણ કરી રહ્યા છીએ. જુઓ આ ખીણોમાં વાદળો ઊતર્યાં છે, તો ત્યાં ઊંચે શૃંગો પર વીંટળાતી સડક મોટરોને લઈ જાય છે વાદળોમાં!!

પહાડી વળાંકે વળાંકે ઊભા રહીને અમે ભૂદૃશ્યોને તાજ્જુબ થૈને તાકી રહીએ છીએ. ભૂ-તળ અને વાદળદળ વચ્ચે અમે પ્રાકૃતિક પરિસરને પ્ર-માણતા મૌન ઊભા છીએ. મોટાં ને કરકરાં પાનથી શોભતાં આ સાગવનો ઘડીક લીલી છત્રીઓ ઓઢીને છુપાતાં લાગે છે. પણ તડકો પ્રગટે છે ને સાગવનો ખુલ્લાશથી હસી પડે છે જાણે! બધાં જ ઝાડ જાણે એકસાથે શિસ્તમાં ઊછર્યાં ન હોય! વરસાદની ફુહારો ઝીલતાં પાંદડાં છમછમતું ગાન સંભળાવે છે. ઊંડી ખીણોમાં દડતાં ઝરણાં ને ધોધના ખળખળતા ઓછા ને કલકલતા વધુ એવા સ્વરો પણ કાનને પ્રસન્ન કરે છે. હવા ઉન્મુક્ત બને છે ને વન-પરિસર જરાક ઊંચકાય છે. કંદરાઓ ઘટાઓ ઘેરી હોવાથી વધુ રહસ્યમય લાગે છે. રોમાંચ અને ભય બંનેનો અનુભવ કરાવતાં ચઢાણો – વળાંકો વટાવતા અમે જાણે તનથી ને મનથી પણ ઊર્ધ્વારોહણ કરતા હતા. અંદર-બહાર કોઈ અપૂર્વ સ્વરે મંદ મંદ ગાય છે ને અમે એમાં લયલીન છીએ.

એક પછી બીજું એમ, તોરણ ઉપર તોરણ, એવાં અગિયાર તોરણો ઝૂલાવતું આ ‘તોરણમાળ’ છે. ગિરિશૃંગો – ગિરિમાળાની પણ ગિરિશૃંખલાઓ એટલે ‘તોરણમાળ’ એવો શબ્દાર્થ અમે આ પ્રદેશને માટે પસંદ કર્યો, પણ આ પ્રદેશ શબ્દોમાં સમાય એવો નથી. ઊંચાં શૃંગોને તો ‘ગિરિવર તણા શૃંગ ગરવાં’ કહી દઈએ, પણ આ આશ્ચર્યોથી મંત્રમુગ્ધ કરતી, રમણીયતાથી રોમાંચિત કરતી અને જાદુઈ જગતને સંગોપી ભય પમાડતી આ ગિરિકંદરાઓ માટે તો શબ્દો નથી જ નથી… પચાસ માઈલ પહોળી પથરાયેલી અને સવાસો માઈલથી વધુ લંબાઈને વિસ્તરેલી આ ગિરિમાળા ધડગાંવ અને મુલગી થૈને છેક અક્કલકૂવાને દૂરથી પ્રણામ કરીને અટકે છે. શૃંગોની શોભા જોઈએ કે કંદરાઓનો સૌન્દર્યલોક?! સાચ્ચે જ અમને અવાક કરતી હતી આ અજાણી ને વણખેડી ગિરિયાત્રા!!

અર્બુદગિરિ તો અનેક વાર ગયા હોઈએ, પંચમઢીમાં પડાવ નાખી નીરવ પહાડો સાથે વેળાઓ વિતાવી હોય, કોડાઈ કેનાલની ભીનીછમ ગિરિકંદરાઓ વળોટતાં ધુમ્મસલોકમાં પહોંચીને પ્રસન્ન થયા હોઈએ, પણ ના! મધ્ય ચોમાસે તોરણમાળની યાત્રા તો પેલાં ત્રણે-ત્રણ સ્થળોના અનુભવોની યાદો અપાવીને એ બધાંથી અદકેરી છટાઓ દર્શાવતી ઊંચી ને આઘેથી પુરવાર થાય છે. કેટલાંક શિખરો વાદળોના ઘૂંઘટ ઓઢી રાખે છે ને વળી કેટલીય ખીણો ધુમ્મસની આગોશમાં નર્યા અવકાશનો પર્યાય બની રહે છે. આપણેય એ વાદળ-વણજારમાં ભૂંસાતા ને ભળાતા, ખોવાતા ને એકબીજાને જડી આવતા હોઈએ… ‘હવે કશું જ કરવાનું નથી’ – એવા ભાવથી વિહરતાં વિહરતાં વળી વળીને શૃંગો – ખીણો – વાદળ – વાયુ – ધુમ્મસ ઘેરી વળે છે ને મનમાં થાય છે કે : કોણ છીએ આપણે? કેમ છીએ? ક્યાંથી આવ્યા છીએ? બધું જ ભૂલી જઈએ ને રહી જઈએ આ પ્રકૃતિની કુંવારી દુનિયામાં… સૌંદર્ય પાગલ શા કરીને કલાકાર કે પ્રેમી બનાવી દે અથવા સંન્યાસી સાધુ! આ ગિરિપ્રદેશ વળી વળીને વિતરાગ માટે પ્રેરતો હતો જાણે!!

મરાઠીમાં લખેલાં બોર્ડ… સડકની ધારે ધારે… ચોતરફ… સાવધાન! એક પછી એક… એકને માથે બીજો એવા સાત વળાંક ચઢવાના આવે ત્યારે જરાક વાર ધ્રૂજી જવાય… પણ ગિરીશ ચૌધરી અલ્ટો – જાણે લાકડાની ગાડી ફેરવતા હોય એમ – કહો કે કલાત્મક રીતે ચલાવીને પાર કરાવીને ભવ્ય સ્થળે ગાડી રોકે પછી તો ખીણો ને ભૂખંડો… જોયાં જ કરો… બોટનીમાં સંશોધક રહેલા બાબુલાલ પટેલ અમને આટલી ઊંચાઈએ અને ખીણોની ઊંડાઈએ જાતભાતનાં વૃક્ષોનાં કુળ-લક્ષણો અને વેલીઓ-ઘાસ છોડના ગૌત્રમૂળની ખાસિયતો સમજાવે! અચરજ થાય કે જુદી જાતનાં ઘાસ, છોડ, વેલી અને વૃક્ષ એક કુળનાં હોય છે!! જંગલી કેળના થડનો ગરભાગ કાઢીને ગિરીશ ચૌધરી એની મીઠાશ ચખાડે! વાંદરા ખાય તે માણસ પણ ખાય જ વળી! બહુ ગમ્મત આવે છે. ઝરણાં અને ધોધનાં પાણી ઠંડક ઉપરાંત નોખા સ્વાદથી પણ પ્રસન્ન કરતાં રહે છે… ને ઝરણાં-ધોધની તો વણઝારો છે અહીં… પહાડોમાંથી કોઈ ચાંદી ને રૂપું, ચાંદની અને તેજ ઢોળ્યા જ કરે છે જાણે!

આ દૂધે ધોયા ડુંગરા, કોઈ ઝીલો જી! પેલી ઝરણાંની વણઝાર હો, કોઈ ઝીલો જી…! આ જતી સતીનાં તપ રેલે, કોઈ ઝીલો જી! પેલાં શિવલોચના અંબાર હો, કોઈ ઝીલો જી!

— બાલમુકુન્દ દવે

કવિતાને વર્ણવવા કવિતાની મદદ લેવા છતાં કશુંક શબ્દાતીત છે જે ભીતરને ભરતું રહે છે, ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’! આ ગિરિમાળા તો રાતદિન ગાતી જ રહે છે – સાંભળવા કાન જોઈએ!

સાંકડી ને ચઢતી-ઊતરતી સડકની બંને બાજુ અગાધ – ઊંડી ખીણો જોઈએ તો કારમાંય પરસેવો વળી જાય! સભાનપણે એ પાર કરીએ ને હૈયાની ધબક જરીક મટે ન મટે ને વળી સીધાં ચઢાણ આવે! પણ પહાડોમાં જીવ સ્વસ્થ હોય તો પ્રકૃતિ આપણી સુરક્ષા પણ કરે જ છે. તોરણમાળમાં પહાડો તથા સડક વિના કશું જ નથી જાણે! એક પંચાયત ઘર છે. – મરાઠીમાં લખ્યું છે : ‘ગ્રામ સચિવાલય તોરણમાળ’… એક આરોગ્ય કેન્દ્ર. એકબે કરિયાણા વગેરેની દુકાનો. થોડીક ઝૂંપડીઓ-હાટડીઓ અને લારી કે ગલ્લા પણ નહિવત્! ગામ-ઘર પણ છૂટાંછવાયાં છે. હા, પ્રવાસીઓને રહેવાજોગ થોડી રૂમો-ખાનગી ને જંગલખાતાની મળી રહે છે. પીવા-ખાવાની પણ સગવડ છે… ગુજરાતીઓ જ મળ્યા ત્યાંય અમને… પ્રવાસસ્થળની અમથી ગંધ આવી નથી કે ગુજરાતીઓ નીકળ્યા નથી. આ અવિકસિત સ્થળ પ્રાકૃતિક અને સ્વચ્છ રમ્ય હોવાથી આનંદ વધ્યો છે. આ અણબોટ જગ્યા પર બપોર ઢળતાં ને ધુમ્મસ વેરાતાં અમે પુન: નીકળી પડ્યા પ્રકૃતિને બારણે બારણે મીટ માંડવા ને પારણે પારણે ઝૂલવા… કાગડા બોલે છે… હોલા ને કાબરો છે. પણ વનોમાં ગાય છે એ પંખીઓ તો ઝટ દેખાતાં નથી! જોકે કાગડા કાબર જોતાં જ ગુજરાતમાં ને છેક ઘેર હોવાની ખાતરી મળે છે.

માઉન્ટ આબુના નખી લેક કરતાં પણ મોટું, આ તોરણમાળનું યશવંત સરોવર… પહાડો વચ્ચે જાણે આકાશ ઊતર્યું ને રોકાઈ ગયું છે. નથી આરા કે નથી બાંધેલા ઓવારા. નેચરલ એટલે પહાડોમાંથી ઉતરીને મળતાં ઝરણાંય ચોખ્ખાં ને સામે જ ખળખળતાં મળે છે. તળાવને, તળાવ ફરતે વૃક્ષાચ્છાદિત સડક છે. ઢોળાવો પર વનરાજી. આ કલકલિયો મત્સ્યલોભે બેઠો છે… જાણે તલ્લીન ભક્તજન! આ રાખોડી પાંખોવાળો ચિલોત્રો અમને ભાળીને ઊડ્યો ને વર્ષાભીનાં તરુવરોમાં ખોવાઈ ગયો. ક્યાંક ઘર, ઘર ફરતે ખેતર, ખેતરમાં મકાઈ અને અડદના છોડ જામ્યા છે. રોકાઈ જવાનું ગમે એવું આ કોનું ઘર હશે? એ કદાચ પોતાને સદ્ભાગી નહિ ગણતો હોય? આ ક્યારીમાં ડાંગર કરતાં ઉગાવો – નિંદામણ ઝાઝાં છે. બધે જ સદ્ ઉપર અસદ્‌નું આક્રમણ કેમ દેખાય છે? આ ઘરધણીને માટી સાથે લગાવ નહિ હોય? ના રે ના… આ વનવાસીઓ તો ધરતીને ખોળે જ રાજી રાજી પમાય છે. કઠોર પરિસ્થિતિઓ વચ્ચે જ એમની જીવનકેડીઓ ગાતી ગાતી દડી જતી દેખું છું – ઊંડે પણ!

ગિરિમાળા વચ્ચેની ઊંડી ખીણોમાંય ટેકરીઓ – નાની ડુંગરમાળાઓ છે. એની રાતી માટીનાં ખેતરો રમણીય લાગે છે. વાઘબારી અને ખડકીના પોઇન્ટથી જોઈએ છીએ ગિરિકંદરાઓ વચ્ચે વસેલું ખડકી ગામ. ટેકરીએ ટેકરીએ એક જ ઘર… ઘર ફરતે કે પાસે ઢાળે-ઢોળાવે ખેતર-ખેતી… પોપટી રંગની હરિયાળી વચ્ચે રાતાં નળિયાંવાળાં નાનકડાં ઘર. ઘર પાસે ઝરણું દડતું હોય ને બીજી ખીણમાં ઊતરી તળમાં જૈ નદીને મળતું હોય. આ ઝરણાં દ્રવે છે ને પેલી વ્હેતી નદીનાં ડહોળાં – રાતાં – માટીવાળાં પાણી ચળકે છે, જ્યાં ઊતરવું દોહ્યલું છે ત્યાં વનવાસીઓ રોજેરોજનું જીવન સહજ પસાર કરે છે. અમે પૂછ્યું આ માનસિંગને… ખભે લોટ ને થોડું જરૂરી કરિયાણું લઈને એ રમતી-ભમતી કેડીઓ ઊતરી પડે છે રોજેરોજ. ન શાળા, ન દુકાન, ન દવાખાનાં! માઈલો સુધી ટેકરીઓ ને ખીણો-વાદળ-ધુમ્મસની વચ્ચે તડકાનો ધોધ ધરાને અજવાળતો દેખાય છે ગિરીશ ચૌધરી કહે છે : ‘સૂરજ ટોર્ચ લઈને ટેકરીઓને તપાસે છે – ખબર પૂછે છે!’ આ કંદરાઓ મૂંગી નથી. ધરા – ભૂખંડો – નિર્ઝરો – વાદળ – શૃંગો – ધુમ્મસ – તરુવરો ને તડકો બધાં નીરવ નીરવ સંવાદ કર્યાં કરે છે. સમય અંધારું બનીને ઊતરે છે ને તડકો બનીને પ્રસરે છે, દળવાદળ બનીને જળસંદેશા મોકલતું આકાશ અહીં આર્દ્ર અને માયાળુ છે.

ધુમ્મસ ખૂલે ત્યારે આ કમળ-તળાવની શોભા આપણને ત્યાંથી ખસવા દેતી નથી. આ તળાવ પણ બારમાસી અને વિશાળ તથા પ્રાકૃતિક શોભાથી મંડિત છે. પંચમઢીની ‘હાંડીખોહ’ (હાંડી આકારની અમાપ ઊંડી ખીણ)ની યાદ અપાવતી આ ‘સીતાખાઈ’ વી-આકારની છે. સીતાને ધરતીમાતાએ સમાવી લીધાં હોય એની કે એવી આ અતળ ઊંડી ખીણ વનરાજીથી પણ રળિયાત છે. માણેક – ગુફા અકળ અંધકારનો અને સનસેટ પોઇન્ટ દળવાદળનો તથા અતિ ઠંડા પવનોનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે. અહીંથી હઠવાનું મન થતું નથી… ‘હું તો બસ ફરવા આવ્યો છું…’ એ અહીં સાર્થક લાગે છે.

‘અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં’ – તે પતંગિયાં હવે જંપી ગયાં છે ને તમરાંનું કુળ અંધારે ઘેરું બન્યું છે. અમે ‘શીતલાવાસ’માં છીએ. પહાડોમાં વરસાદ છે ને વૃક્ષોમાં ભીના વાયરા સૂસવે છે… નીરવ રાતમાં ટપકતાં તરુવરો મધરાતે સંભળાય છે. દિવસનો થાક પણ રાતે વોડકાના કેફ જેવો જ અનુભવાય છે. સ્વપ્નમાં પહાડો ઓગળીને વહી જતા લાગેલા તે હવે સવારે સાચ્ચું પડ્યું છે… વાદળ-વર્ષા-ધુમ્મસ-વાયુમાં ન ધરતી દેખાય છે ન શૃંગો! સ્વર્ગલોક તે આ જ હશે જ્યાં આપણે પણ આપણામાં નથી હોતા, બલકે કાયા જ નિર્ભાર થઈને વાયુલહરી બની જતી અનુભવાય છે.

આકાશ તો હતું નહિ એટલે અમે સૂરજને શોધવા નીચે ધરતી ભણી ઊતરવા માંડ્યું. ખીણોમાંથી વાદળ ખસ્યાં, ઝરણાંને રાતના વરસાદે ધોધમાં બદલી નાખેલાં તે વળાંકે વળાંકે અમેય વહેતા ને ધોધની જેમ વેરાઈ જતાં નીચે જંપલાવતા હતા. અડધે આવ્યા ને સાગવનોમાં સૂરજ સામે આવ્યો. એની કિરણઅંગુલીએ અમને શહાદાને બદલે ધડગાંવ-મોગલી-અક્કલકૂવાનો માર્ગ લેવરાવ્યો. આ માર્ગ પહાડીઓ – ઘાટીઓથી ભરેલો છે. પહાડો વૃક્ષો વગરનાંય આવે ને ઢોળાવે ઘર-ખેતર પાસેનાં આંબા-મહુડાનાં વૃક્ષો એવાં તો ગોળાકાર અને ઘટાદાર છે કે માટીની એ અકાળ લીલાને મનોમન વંદી રહીએ છીએ. ધડગાંવની ખીણો તથા ટેકરીઓ ત્યાંનું જીવન માણ્યા જ કરીએ એવાં છે. મોગલીની આ ઘાટીઓ બ્રહ્માએ ખાસ વખત લઈને ઘડી હોય એવી છે. સાઠથી વધારે ધોધવાળી આ ખરવડ ઘાટી ગાંડા કરી દે. બીયો – બ્હેડો – મંદાર – મહુડો – ટીમરું – કદમ્બ : આ તરુવરો સડકની ધારે રહીને જાણે પ્રવાસને ગરિમાપૂર્ણ સલામ કરીને નવાજતાં હતાં… તા. ૧૩-૮-૨૦૧૨થી ૧૯-૮-૨૦૧૨