ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નારીનિરાસ-ફાગુ’

Revision as of 12:36, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘નારીનિરાસ-ફાગુ’ : તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકૃત ૫૩ કડીનું ફાગુકાવ્ય(મુ.) ‘વસંતવિલાસ’ની રચનારીતિનું અનુકરણ કરતી આ કૃતિ કથયિત્વ પરત્વે ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ જેવી છે. ‘વસંતવિલાસ’માં શૃંગારરસનું મનોહર નિરૂપણ થયું છે, જ્યારે અહીં નારીનાં લલિત અંગો પ્રત્યેના કામભાવનું નિરસન થાય એ રીતે કવિએ નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં ‘વસંત વિલાસ’ની માફક પ્રાચીન ગુજરાતીની પ્રત્યેક કડીની સાથે તેનો સમાનાર્થી સંસ્કૃત શ્લોક છે, પરંતુ અહીં કવિએ એ શ્લોકો બીજે ક્યાંયથી સંકલિત ન કરતાં જાતે બિંબ-પ્રતિબિંબ ભાવે રચ્યા છે. અલબત્ત સંસ્કૃત શ્લોકોની ભાષા સર્વત્ર શુદ્ધ નથી.[ર.ર.દ.]