ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ નરસિંહ

Revision as of 06:31, 29 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ(નરસિંહ)'''</span> : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો પાયો નાખનાર નરસિંહનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, પરંતુ જેમાં કંઈક કથાતંતુ હોય એવી પદોની માળા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ(નરસિંહ) : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો પાયો નાખનાર નરસિંહનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, પરંતુ જેમાં કંઈક કથાતંતુ હોય એવી પદોની માળા રૂપે રચાયેલી આખ્યાનકલ્પ કૃતિઓને લક્ષમાં ન લઈએ તો પણ એ સિવાય એમને નામે ૧૨૦૦ જેટલાં પદો હસ્તપ્રતો અને મૌખિક પરંપરામાંથી મુદ્રિત રૂપે ઉપલબ્ધ થાય છે. મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ આ પદોમાં ઠીક ઠીક મુશ્કેલી અનુભવાય છે. જેમ કે, આ પદોને જે શીર્ષકો નીચે સંપાદકોએ વર્ગીકૃત કર્યા છે, ‘તેને હસ્તપ્રતોનો હંમેશ આધાર નથી. એટલે એક પદને એક સંપાદકે એક શીર્ષક નીચે મૂક્યું હોય તો બીજા સંપાદકે બીજા શીર્ષક નીચે મૂક્યું હોય ઉપલબ્ધ પદોમાં ખરેખર કવિના કર્તૃત્વવાળાં કેટલાં અને કવિને નામે ચડી ગયેલાં કેટલાં એ પણ તપાસનો મુદ્દો છે. કૃષ્ણને ગોપીભાવે ભજતા આ પ્રેમલક્ષણા ભક્તિનાં કવિનાં પદોનો આમ તો એક જ વિષય છે, કૃષ્ણપ્રીતિ. પરંતુ એ પ્રીતિ વિવિધ સ્વરૂપે આ પદોમાં પ્રગટ થઈ છે. ગોપીહૃદયમાં રહેલી કૃષ્ણપ્રીતિનાં મુખ્ય ૨ રૂપ છે, શૃંગારપ્રતીતિ અને વાત્સલ્યપ્રીતિ. એમાં શૃંગારપ્રીતિનાં પદોની સંખ્યા ઘણી મોટી છે. એ સિવાય ભક્તિ-જ્ઞાનનાં પણ કેટલાંક પદ કવિ પાસેથી મળે છે. ‘રાસસહસ્ત્રપદી’, ‘શૃંગારમાળા’, ‘વસંતનાં પદ’ અને ‘હિંડોળાનાં પદ’ શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં વિવિધ અવસ્થાઓમાં વિભિન્નરૂપે ગોપીનો કૃષ્ણપ્રત્યેનો પ્રણયભાવ વ્યક્ત થાય છે. શીર્ષકમાં સૂચવાય છે તેમ હજાર નહીં, પણ જેમાં ૧૮૯ પદ છે તે ‘રાસસહસ્રપદી’નાં પદોમાં શરદ ઋતુમાં વૃન્દાવનમાં કૃષ્ણગોપી વચ્ચે રમાતા રાસનું આલેખન મુખ્ય વિષય છે. ભાગવતના ‘રાસ-પંચાધ્યાયી’ની અસર આ પદો પર છે. એટલે ‘રાસપંચાધ્યાયી’ના કેટલાક પ્રસંગો જેવા કે, કૃષ્ણના વેણુવાદનથી ગોપીઓનું ઘર છોડી વનમાં દોડી આવવું, કૃષ્ણના અંતર્ધાન થવાથી વ્યાકુળ બનવું કોઈક પદોમાં આલેખાય છે. પરંતુ ‘રાસપંચાધ્યાયી’માં પ્રસંગઆલેખનમાંથી જે કથાતંતુ વણાય છે તે અહીં નથી વણાતો. અહીં તો વિશેષ આલેખાય છે-ચંપાવરણી ચોળી, નાકમાં નિર્મળ મોતી, નેણમાં કાજળ ને માથે ઘૂંઘટવાળી, ઝાંઝર ઝમકાવતી ને કટિમેખલા રણઝણાવતી અભિસારિકા ગોપી અને તેની કૃષ્ણ સાથેની શૃંગારકેલિ તથા નુપૂરના ઝંકાર, કટિની કીંકણી, તાલમૃદંગના સંગીત વચ્ચે પરસ્પરના કંઠમાં બાહુઓ ભેરવી કૃષ્ણગોપી વચ્ચે રમાતો રાસ. ‘રાસસહસ્રપદી’નાં પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે તો ‘શૃંગારમાળા’નાં પદ મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે રચાયેલાં છે. રતિભાવ સાથે સંકળાયેલા ગોપીહૃદયના વિવિધ ભાવ અહીં આલેખાય છે. કૃષ્ણનો અન્ય ગોપી સાથેનો સંબંધ જોઈ જન્મતો ઈર્ષ્યાભાવ, કૃષ્ણની વિમુખતાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને રતિક્રીડા માટે ઇજન, કૃષ્ણઆગમનથી મનમાં પ્રગટતો આનંદ, કૃષ્ણની સમીપ જતાં જન્મતી લજ્જા, કૃષ્ણ સાથે આખી રાત રતિસુખ માણ્યા પછીની તૃપ્તિ, પ્રભાતે કૃષ્ણ શય્યામાંથી વહેલા ન જાગતાં મનમાં જન્મતો સંકોચ-એમ ક્વચિત્ સ્થૂળ ને પ્રગલ્ભ બનીને કૃષ્ણ-ગોપીની સંભોગક્રીડાને જયદેવની અસર ઝીલી કવિએ આલેખી છે. ‘વસંતનાં પદ’માં વસંતની માદકતા, કૃષ્ણ-ગોપીનું હોળીખેલન, વસંતવૈભવ જોઈ ગોપીચિત્તમાં ઊલટતો આનંદ ઇત્યાદિ લેખાય છે. ‘હિંડોળાનાં પદ’માં વર્ષાઋતુમાં હિંડોળે હીંચકતાં કૃષ્ણ-ગોપીની ક્રીડાનું આલેખન છે. ‘દ્વાદશમહિના/રાધાકૃષ્ણની બારમાસી’(મુ.) જેવી કોઈક કૃતિમાં વિરહભાવ છે, પરંતુ વિરહ અને તલસાટ કરતાં સંભોગનાં આનંદ અને તૃપ્તિ કવિનાં પદોમાં વિશેષ છે. પણ આ શૃંગારની કોઈ કુંઠા કવિના ચિત્તમાં નથી. ભક્ત માટે તો ગોપી એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને કૃષ્ણગોપીનો વિરહ તે ભક્તની બધી વૃત્તિઓનો પરમાત્મા સાથેનો યોગ છે. જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્યભાવને આલેખતાં પદોમાં કેટલાંક પદો કૃષ્ણજન્મવધામણીનાં છે. કૃષ્ણજન્મથી આનંદઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘેર ટોળે વળવું, ગોપીઓનાં મંગળગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને હીંચોળવા ઇત્યાદિ વીગતોથી કવિએ કૃષ્ણજન્મથી સૌના મનમાં જન્મેલી આનંદ અને ધન્યતાની લાગણીને વ્યક્ત કરી છે. બાળલીલાનાં ચાળીસેક પદોમાં કૃષ્ણે જશોદા ને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળલીલાનું રૂપ જોતાં, એને જમાડતાં જસોદાના હૃદયમાં ઊલટતો આનંદ વિશેષ આલેખાય છે. ગોકુળમાં કૃષ્ણે કરેલા પરાક્રમને આલેખતું એક જ પણ ખૂબ લોકપ્રિય પદ ‘ઝળકમળ છાંડી જાને બાળા’ કવિ પાસેથી મળે છે. દાણલીલાનાં કેટલાંક પદ કવિને નામે મળે છે, પરંતુ એ અન્ય કોઈ કવિનાં હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. કવિનાં પાછલાં વર્ષોમાં રચાયાં હોવાનું જેમને વિશે અનુમાન છે અને એમાંનાં કેટલાંકને કવિની પરિણતપ્રજ્ઞાનાં ફળ રૂપ ગણવામાં આવે છે તેવાં કેટલાંક ભક્તિજ્ઞાનનાં પદ કવિ પાસેથી મળે છે. ઝૂલણા બંધમાં રચાયેલાં અને પ્રભાતિયાં તરીકે જનસમાજમાં ખૂબ લોકપ્રિય આ પદોમાં કવિએ ભક્તિ અને ભક્તનો મહિમા ગાયો છે, એટલે એમાં બોધનું તત્ત્વ પ્રધાન છે. એમાં ક્યાંક કવિ ઈશ્વરને ભક્તની વહારે ચડવા વીનવે છે, ક્યાંક સંસારીજનને ઈશ્વર તરફ અભિમુખ થવાનું કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર ઘરમાં પારણું બાંધનાર મનુષ્ય કહીને તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે, ક્યાંક ઈશ્વરસ્મરણ ન કરતા મનુષ્યને ‘સૂતકી નર’ કહે છે તો ક્યાંક ભક્તની હાંસી ઉડાવતા સંસારીજનને ભક્તિ જ સર્વસ્વ છે એવો ખુમારીભેર જવાબ આપે છે. પરંતુ આ પદોમાં પણ “નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો” “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” ને “જાગીને જોઉં તો જગત દિસે નહીં” એ પદો ઇન્દ્રિયાતીત, અકળ, અવિનાશી, પરમ પ્રકાશરૂપ, દેહમાં દેવ, તેજમાં તત્ત્વ ને શૂન્યમાં શબ્દ એમ સમસ્ત સૃષ્ટિમાં ચૈતન્યમય તત્ત્વરૂપે વિલસી રહેલા ઉપનિષદકથિત બ્રહ્મતત્ત્વને ભવ્યતાનો સ્પર્શ કરાવતી જે પ્રાસાદિક વાણીમાં પ્રત્યક્ષ કરે છે તેને કારણે ગુજરાતી કવિતામાં ઊંચા સ્થાનનાં અધિકારી બન્યાં છે. જીવ, જગત એ ઈશ્વરના એકત્વને પ્રબોધતી કવિની દૃષ્ટિ પણ સગુણબ્રહ્મ પરથી ખસી નિર્ગુણબ્રહ્મ પર સ્થિર થયેલી દેખાય છે. પણ એ નિર્ગુણબ્રહ્મને પામવા માટે શ્રેષ્ઠ સાધન તો ભક્તિ જ છે એમ કવિ માને છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં અને કેદાર, વસંત, મલ્હાર ઇત્યાદિ રાગમાં ગાઈ શકાય એવાં આ પદોમાં રાગ-ઢાળ, ભાવ, પરિસ્થિતિ એમ ઘણું પરંપરામાંથી કવિને મળ્યું હોવાની પૂરી સંભાવના છે. એમાંનાં બધાં પદ એકસરખા કાવ્યગુણવાળાં નથી. ઉપાડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી જતું હોય, એકના એક ભાવનું સતત પુનરાવર્તન થતું હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય એવું ઘણાં પદોમાં જોવા મળે છે. અને તો પણ કવિની પ્રતિભાનો સ્પર્શ પણ એમને એટલો જ મળ્યો છે. વિવિધ ભાવસ્થિતિઓને મૂર્ત કરતી કર્ણગોચર ને શ્રુતિગોચર લયવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ; “ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો”, “કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી”, કે “ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે” જેવી કલ્પનાસભર ચિત્રાત્મક અનેક પંક્તિઓ; ૨-૨ પંક્તિએ કે આખા પદમાં દરેક પંક્તિમાં એક જ પ્રાસ મેળવાયો હોય એવી પ્રાસયોજના, ઘણી જગ્યાએ ૨-૨ પંક્તિએ કે દરેક પંક્તિએ આવતાં તાનપૂરક ‘રે’, રવાનુકારી ને વર્ણપ્રાસયુક્ત શબ્દોનો બંધ ઇત્યાદિથી અનુભવાતું પદમાધુર્ય; આ સૌ તત્ત્વોને લીધે આ પદોમાંથી ઘણાં ગુજરાતના લોકજીવનની સાંસ્કૃતિક સંપત્તિ બની ચૂક્યાં છે, એમાંનાં આ કાવ્યબળથી ને એમાંના ભક્તિના ઉદ્રેકથી. [જ.ગા.]