ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રેમપચીસી’

Revision as of 06:47, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘પ્રેમપચીસી’ : દરેક પદના પ્રારંભમાં ૨ દુહા મૂકી તે દ્વારા પૂર્વાપર પદોને વિચારથી સંકલિત કરતી, વિશ્વનાથ જાનીની વિવિધ રાગના નિર્દેશવાળાં ૨૫ પદની આ પદમાળા(મુ.) જાણીતા ભાગવત-દશમસ્કન્ધના ઉદ્ધવસંદેશ પ્રસંગ પર આધારિત છે. જ્ઞાન કરતાં ભક્તિનો મહિમા બતાવતાં અન્ય ઉદ્ધવસંદેશનાં કાવ્યોમાં સામાન્ય રીતે ગોપીવિરહ મુખ્ય હોય છે. આ કાવ્યમાં કૃષ્ણ ને નંદ-જસોદાનો પરસ્પર માટેનો પ્રેમ કેન્દ્રસ્થાને છે. વ્રજભાષામાં રચાયેલું ઉદ્ધવનું જ્ઞાનબોધનું પદ અને એના પ્રત્યુત્તર રૂપે ગોપીઓએ કૃષ્ણને આપેલા ઉપાલંભ કૃતિનો કેટલોક ભાગ રોકે છે, પરંતુ કવિનું લક્ષ તો છે વત્સલભાવના નિરૂપણ તરફ. એટલે પ્રારંભમાં વસુદેવ, દેવકી અને કૃષ્ણના સંવાદ રૂપે મૂકાયેલાં ૮ પદમાં આલેખાયેલી મથુરામાં રહેતા કૃષ્ણની ઉદાસીનતા, ગોકુળ આવેલા ઉદ્ધવ પાસે નંદજસોદાની કૃષ્ણદર્શનની આતુરતાની મર્મવેધક અભિવ્યક્તિ અને નંદના વિલાપ-સંબોધનથી આવતો કાવ્યનો અંત એને વત્સલભાવમાંથી જન્મતા કરુણનું હૃદયંગમ કાવ્ય બનાવે છે.[જ.ગા.]