ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/‘બિલ્હણ-પંચાશિકા’

Revision as of 06:37, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘બિલ્હણ-પંચાશિકા’'''</span> : દુહા-ચોપાઈની ૧૫૨ કડીની જ્ઞાનાચાર્યની આ કૃતિ (મુ.) સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ને આધારે રચાયેલી હોવાથી આ નામ પામી છે ને હસ્તપ્રતમાં મૂળ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘બિલ્હણ-પંચાશિકા’ : દુહા-ચોપાઈની ૧૫૨ કડીની જ્ઞાનાચાર્યની આ કૃતિ (મુ.) સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’ને આધારે રચાયેલી હોવાથી આ નામ પામી છે ને હસ્તપ્રતમાં મૂળ સંસ્કૃત કૃતિની સાથે ૨૦૫ જેટલી કડીઓ રૂપે મળે છે. ‘ચૌર-પંચાશિકા’ને નામે પણ ઓળખાતી, વસંતતિલકા છંદમાં રચાયેલી મૂળ સંસ્કૃત કૃતિ બિલ્હણના આત્મકથન રૂપે છે ને એ કાશ્મીરી કવિની રચના હોય એમ મનાયું છે. આ ઉપરાંત, આ પ્રસંગને લગતી પૂર્વકથાની પણ સંસ્કૃતમાં ‘બિલ્હણ-કાવ્ય’ નાની એક પરંપરા છે (જેનો લાભ જ્ઞાનાચાર્યે લીધો હોવાનો સંભવ છે). એ પરંપરાની સૌથી વધુ પ્રચલિત વાચનામાં અણહિલપુર પાટણના રાજા વૈરસિંહ સાથેનો બિલ્હણનો પ્રસંગ આલેખાયો છે, ત્યારે જ્ઞાનાચાર્યની ગુજરાતી કૃતિમાં પાટણના રાજા પૃથ્વીચંદ્રનો પ્રસંગ છે. એ પોતાની પુત્રી શશિકલાને પંડિત બિલ્હણ પાસે ભણવા મૂકે છે ત્યારે શશિકલા આંધળી છે ને પંડિત કોઢિયો છે એમ કહી બંને વચ્ચે પડદો રખાવે છે. પરંતુ એક વખત આ ભંડો ફૂટી જતાં આ ગુરશિષ્યા પડદો હટાવી એકબીજાને જુએ છે અને પ્રેમમાં પડે છે. બિલ્હણ સાથેની કંદર્પક્રીડાથી શશિકલાના રૂપમાં પરિવર્તન થતાં રાજાને બનેલી હકીકતની જાણ થાય છે ને એ બિલ્હણને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે. પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં બિલ્હણ શશિકલાને જ પોતાની ઇષ્ટદેવતા ગણાવે છે અને એની સાથેની રતિક્રીડાનું સ્મરણ કરે છે. વધસ્થાને લઈ જવાતો બિલ્હણ શશિકલાની નજરે પડતાં, બિલ્હણ મરતાં પોતે મરી જશે એમ કહે છે તેથી અંતે રાજા શશિકલાને બિલ્હણની સાથે પરણાવે છે. ગણેશ-સરસ્વતીની નહીં પણ મકરધ્વજ મહીપતિની વંદનાથી આરંભાતા આ કાવ્યમાં કવિની નેમ પ્રેમનો-કામનો મહિમા સ્થાપિત કરવાનો હોય એમ લાગે છે. કાવ્યનો સૌથી આકર્ષક ભાગ બિલ્હણ પોતાની ઇષ્ટદેવતા શશિકલાનું પચાસેક કડીમાં સ્મરણ કરે છે-જે એના ‘પંચાશિકા’ એ નામને સાર્થક કરે છે - તે છે. તેમાં શશિકલાના સૌંદર્યનું, એના અનેક શૃંગારવિભ્રમોનું ને એની સાથેની રતિક્રીડાનું જે વીગતભર્યુ ઉન્મત્ત પ્રગલ્ભ ચિત્રણ કરે છે તે ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. રાવણે સીતાને માટે ૧૦ માથાં આપ્યાં તો હું ૧ માથું આપું એમાં શું ? એમ કહેતા બિલ્હણની ખુમારી પણ સ્પર્શી જાય એવી છે. [ભો.સાં.]