અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણલાલ શ્રીધરાણી/આજ મારો અપરાધ છે, રાજા!

Revision as of 16:53, 23 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર; જાણું હું મારા દિલમાં તોય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર;
જાણું હું મારા દિલમાં તોયે આંખ પસારું ચોમેર.
પાંદડે પાંદડે પગલાં સુણું; વાદળે તારી છાંય;
નિભૃત આંબલે કોકિલકંઠમાં વાંસળી તારી વાય.
આવશે ના! નહિ આવશે! એની ઉરમાં જાણ અમાપ;
કેમ કરી તોય રોકવા મારે કૂદતા દાહ-વિલાપ?

રાત હતી, હતાં વાદળ-વારિ, વીજળીનો ચમકાર;
નેવલાં મારાં ખાળતાં ન્હોતાં અશ્રુ સર્યાં ચોધાર.
આગલે દિવસે પ્રેમી પથિકને સેવતાં ક્લાંત શરીર;
પાઠવતાં એને અર્ધ નિશા તક ખેરવ્યાં અશ્રુનીર.

રથ તારો મુજ બારણે આવ્યો જાણું ન ક્યારે? કેમ?
ક્યારે તેં આંગળે હાથ પરોવ્યા? ક્યારે તેં પૂછ્યા ખેમ?
હોઠને તારક ટીલડી ક્યારે? ક્યારે તેં લીધ નિશ્વાસ?
કાંઈ ન જાણું કેટલી વેળા સૂંઘતો મારા શ્વાસ?

પાંપણે ઘેનના ડુંગરા બેઠા, ઇચ્છ્યા ન ઊભા થાય;
અંતરમાં પડછંદ પડ્યા તોય ત્રાટક ના સંધાય.
ક્યારે ઊઠ્યો તું? રથમાં બેઠો? મારતે ઘોડે દૂર?
જાણું નહિ! પણ જાગતાં અંગમાં મ્હેકતું તારું કપૂર!

આજ મારો અપરાધ છે, રાજા! તું નહિ આવે ઘેર;
આજ મારો અપરાધ છે, જાણું કાલનો કાળો કેર.
આવજે એવું માગવું ના, પર એક હું માગું વેણ;
એકદા તારે બારણે આવીશ પાઠવ્યા વિના ક્‌હેણ :
જાગતો ના હામ હોય હૈયામાં! જોઉં તો તારું જોર!
ચેતજે રાજા! મનમાળામાં પેસતાં કોઈ ચકોર!

(કોડિયાં, પૃ. ૩૪-૩૫)