ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભૂમાનંદ

Revision as of 11:41, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભૂમાનંદ [જ.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, વૈશાખ સુદ ૭, રવિવાર-અવ.ઈ.૧૮૬૮/સં. ૧૯૨૪, મહા સુદ ૭, રવિવાર] સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જામનગરના કેશિયા ગામે જન્મ. જ્ઞાતિએ કડિયા. પિતા રામજીભાઈ.માતા કુંવરબાઈ.મૂળનામ રૂપજીભાઈ.૧૪ વર્ષની નાની ઉંમરે માતા-પિતાના અવસાનથી નોકરીની શરૂઆત. નોકરીમાં થયેલી પ્રામાણિકતાની કસોટી. તેથી મનમાં રહેલો વૈરાગ્યભાવ વધુ દૃઢ બન્યો. ગઢડામાં દીક્ષા લઈ પહેલાં ભૂધરાનંદ અને પછી ભૂમાનંદ સ્વામી તરીકે ઓળખયા. હિન્દીનું પ્રશસ્ય જ્ઞાન. કવિએ ૪૦૦ જેટલાં પદો રચ્યાં હોવાનું અનુમાન છે, જેમાંના કેટલાંક મુદ્રિતરૂપે મળે છે. પ્રેમલક્ષણાભક્તિની કવિતાની સાથે અનુસંધાન ધરાવતાં ગુજરાતી-હિંદીમાં મળતાં પદોમાં કૃષ્ણરૂપવર્ણન, કૃષ્ણલીલા, ગોપીવિરહ વગેરે છે. કેટલાંક પદોમાં સહજાનંદચરિત્ર તથા ભક્તિવૈરાગ્ય છે. મધુર ભાવભરી પ્રાસાદિક વાણી અને એમાં રહેલા ગેયત્વથી પદો ધ્યાનાર્હ બન્યાં છે. તેમનાં હોરીઓ અને કુંડળિયામાં જ્ઞાનબોધ છે. થાળમાં ભોજનની વાનગીઓની માત્ર યાદીને બદલે ભાવવાહિતા છે. ૪૨ કડીનો કક્કો(મુ.) તથા બારમાસ એ રચનાઓ પણ એમની પાસેથી મળી છે. પૂર્વાર્ધના ૧૧૦ તરંગ (અધ્યાય કે પ્રકરણ)માં સહજાનંદ સ્વામીનું બાલચરિત્ર આલેખતી અને ઉત્તરાર્ધના ૧૦૧ તરંગમાં સહજાનંદ સ્વામીની ધર્મપ્રચરણ યાત્રાને અયોધ્યાપ્રસાદ અને રામશરણજીના સંવાદ રૂપે આલેખતી, દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી ‘શ્રી ઘનશ્યામલીલામૃત-સાગર’ (મુ.) કવિની લાંબી કૃતિ છે. એ સિવાય ‘વિદુરનીતિ’ નામની કૃતિ પણ એમણે રચી હોવાનું કહેવાય છે. ‘દશમસ્કંધ’, ‘પંચમસ્કંધ’ અને ‘વાસુદેવ-મહાત્મ્ય’ એમની વ્રજમાં રચાયેલી કૃતિઓ છે. કૃતિ : ૧. ઘનશ્યામલીલામૃતસાગર, સં. નંદકિશોરદાસ પુરાણી, ઈ.૧૯૩૦ (+સં.); ૨. છપૈયાપુરે શ્રીહરિબાલચરિત્ર, પ્ર. પાર્ષદ માધવ ભગત, ઈ.૧૯૬૮; ૩. ભૂમાનંદ સ્વામીનાં કીર્તન,-;  ૪. કચ્છની લીલાનાં પદો, પ્ર. વ્રજલાલ જી. કોઠારી, ઈ.૧૯૪૨; ૫. કીર્તનસારસંગ્રહ : ૨, સં. હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાપઅહેવાલ : ૫; ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૪ (બીજી. આ.);  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગભાવિ; ૬. ફૉહનામાવલિ.[ચ.મ.; શ્ર.ત્રિ.]