ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોરાર સાહેબ
મોરાર(સાહેબ) [જ. ઈ.૧૭૫૮-અવ. ઈ.૧૮૪૯/સં. ૧૯૦૫, ચૈત્ર સુદ ૨] : રવિભાણ સંપ્રદાયના કવિ. રાજસ્થાનના થરાદમાં જન્મ. પૂર્વાશ્રમમાં થરાદના રાજપુત્ર માનસિંહજી. અવટંકે વાઘેલા. રવિ(સાહેબ)ની વાણીથી પ્રભાવિત થઈ શેરખી અથવા જામનગરમાં ભેખ લઈ ઈ.૧૭૭૯માં તેમના શિષ્ય બન્યા. જામનગર પાસેના ખંભાળિયામાં કે ધ્રોળ પાસેના ખંભાળીયામાં જીવત્સમાધિ. પ્રેમલક્ષણા ભક્તિ, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ, કૃષ્ણ, રામ ને શિવનો મહિમા આદિ વિવિધ વિષયો પરનાં માર્મિક ને ઊર્મિરસિત ૧૬૫ ઉપરાંત પદો(મુ.) આ કવિનું મહત્ત્વનું સર્જન છે. વિવિધ અલંકારો ને પ્રચલિત દૃષ્ટાંતોનો વિનિયોગ કરતાં તથા જુદા જુદા રાગોને પ્રયોજતાં આ સુગેય પદોનું સોરઠી-ગુજરાતી, હિન્દી અને અરબી-ફારસી શબ્દોવાળું ભાષાપોત પણ નોંધપાત્ર છે. તેમનાં ઘણાં પદો લોકપ્રિય થયેલાં છે. પદો ઉપરાંત આ કવિની, જ્ઞાનબોધ ને ભક્તિપ્રેમની અન્ય રચનાઓ પણ મળે છે. એમાં ગરબી પ્રકારના ઢાળમાં રચાયેલી પ્રેમલક્ષણા ભક્તિની કૃતિ ‘બારમાસી’(મુ.) સિવાયની કૃતિઓ મહદંશે હિંદીની કહી શકાય એવી છે. ચોપાઈ ને ભુજંગીમાં રચાયેલી ૨૪ કડીની ‘ગુરુમહિમા’, દશાશ્વરી છંદમાં રચાયેલી ૪૩ કડીની જ્ઞાનચર્ચાની કૃતિ ‘ચિંતામણિ’ (મુ.) અને જ્ઞાનબોધના ૮ કુંડળિયા(મુ.) આવી ગુજરાતીમિશ્ર હિંદી કૃતિઓ છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. દુર્લભ ભજનસંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. ભાણલીલામૃત (+સં.); ૪. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ; ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૫. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી, સં. નાનાલાલ પ્રા. વ્યાસ, ઈ.૧૯૫૦; ૬. રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯; ૭. સોસંવાણી(+સં.). સંદર્ભ : ૧. આગુસંતો; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગુહિદેન.[ર.સો.]