ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૨

Revision as of 16:12, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માધવદાસ-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખંભાતના પુષ્ટિમાર્ગીય વણિક વૈષ્ણવ કવિ. અવટંક દલાલ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬) સાથે અડેલમાં પ્રથમ મેળાપ તથા સંભવત: ઈ.૧૫૨૪માં જન્મ અને ઈ.૧૬૦૪માં મૃત્યુ એ એમનાં જીવન વિશે નોંધાયેલાં વર્ષ પરથી તેમનો આયુષ્યકાળ ઈ.૧૬મી સદી અને ૧૭મી સદી પૂર્વાર્ધ વચ્ચે અનુમાની શકાય. સંપ્રદાયમાં મોટા માધવદાસ તરીકે ઓળખાતા ને કોમળ વાણીમાં રસીલાં પદોના રચિયતા તરીકે જાણીતા થયેલા આ કવિએ ગુજરાતી અને વ્રજમાં કૃષ્ણલીલાનાં અને વિઠ્ઠલનાથજી ને ગોકુલનાથજીની સ્તુતિ કરતાં ૧૫ કડીના “વ્હાલો ભલે આવ્યા રે” (મુ.), ૧૮ કડીના ‘કૃષ્ણસ્વરૂપ’(મુ.) કે ૯ કડીના ‘રુક્મિણી-વિવાહ’(મુ.) જેવાં ઘણાં પદોની રચના કરી છે. કૃતિ : ૧. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, સં. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૫. શ્રી રુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યાબ્રધર્સ, -;  ૬. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.[ર.સો.]