અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/સંગમાં રાજી રાજી

Revision as of 09:03, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}સંગમાં રાજી રાજી {{space}}આપણ {{space}}એકબીજાના સંગમાં રાજી રાજી, બોલવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

         સંગમાં રાજી રાજી
         આપણ
         એકબીજાના સંગમાં રાજી રાજી,
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
                           નેણ તો રહે લાજી,
                  આપણ એકબીજાના સંગમાં રાજી રાજી,
         લેવાને જાય ત્યાં જીવન
                           આખુંય તે ઠલવાય!
         દેવાને જાય, છલોછલ
                           ભરિયું શું છલકાય!

એવી એ
આપલેને અવસરિયે પાગલ
                           કોણ રે’ કહે પાજી?
         આપણ એકબીજાના સંગમાં રાજી રાજી
         વીતેલી વેળની કોઈ
                           આવતી ઘેરી યાદ,
         ભાવિનાં સોણલાંનોયે
                           રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
                  ઝરતાં રે જાય ગાજી!
                           આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.