ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજકીર્તિમિશ્ર

Revision as of 09:44, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજકીર્તિમિશ્ર'''</span> [ઈ.૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’ (ર.ઈ.૧૩૯૩; અંશત: મુ.)ના બાલાવબોધના કર્તા. પાટણમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાજકીર્તિમિશ્ર [ઈ.૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’ (ર.ઈ.૧૩૯૩; અંશત: મુ.)ના બાલાવબોધના કર્તા. પાટણમાં રહેતા મોઢ જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય અથવા સોલંકીયુગના સિક્કાઓના પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને અભિલેખોમાંથી મળ્યા છે; પણ એ સિક્કાઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં કોષ્ટક આપ્યા છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા ચલણનું મૂલ્ય પણ જાણી શકાય છે. ‘ગણિતસાર’ના આ બાલાવબોધની રચના ચૌલુક્યવંશના પતન પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી’, ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ ચીમનલાલ ડાહ્યાભાઈ.[ભો.સાં.]