અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /કેટલો વખત

Revision as of 10:30, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત? વહેવારના ઉચાટ હવે કેટલો વખત? કાનાએ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત?

જ્યારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડવાની છે ઘડી;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?

(બંદગી, પૃ. ૫૭-૫૮)