અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અમૃત `ઘાયલ'/મને ગમે છે

Revision as of 10:52, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું કારણ મને ગમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલા પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ :ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડ્હાપણ મને ગમે છે.

આવી ગયાં છો, આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.