કવિની ચોકી/7

Revision as of 07:12, 14 September 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરિશિષ્ટો
પરિશિષ્ટ-1
માનપત્ર
પરમ માનનીય કવિવર ડૉ. રવીન્દ્રનાથ ટાગોર.

છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને વિશિષ્ટ પ્રસંગે આપ અમારું આમંત્રણ સ્વીકારી અત્રે પધાર્યા છો તે કૃપા માટે અમે ગુર્જરગિરાના નમ્ર સેવકો કૃતજ્ઞ છીએ, અને આપને અંત:કરણપૂર્વક સ્વાગત દઈ સવિનય અભિનંદન કરીએ છીએ. સરસ્વતી દેવીના ઉપાસનમાં આપે અમર કીર્તિ સંપાદન કરી છે અને આપનું પ્રત્યક્ષ સંનિધાન એ દેવીની સેવા કરવામાં અમને વિશેષ પ્રોત્સાહક થશે એવી અમને પ્રતીતિ છે. આ અમદાવાદ શહેર ગુર્જરભૂમિનું પાટનગર છે અને ઐતિહાસિક ખ્યાતિથી પૂર્ણ છે. અમારું શહેર વેપાર- ઉદ્યોગમાં મશગૂલ છે અને લક્ષ્મીના ઉપાર્જનમાં ઘણો કાળ કાઢે છે, તે છતાં સુભાગ્યે તે સરસ્વતીથી વિમુખ નથી. સાહિત્યના પ્રયાસ માટે કેન્દ્રસ્થાન ઉત્પન્ન કરવાનું કાર્ય આ શહેરે ઘણાં વર્ષથી ઉપાડી લીધું છે અને તે ચાલુ રાખ્યું છે. બંગાળાના સાહિત્યનો પરિચય ભાષાંતરો દ્વારા ગુજરાતને કરાવવાનું સ્વ. નારાયણ હેમચન્દ્રે શરૂ કર્યું ત્યાર પછી તે પ્રણાલી ચાલુ રહી છે, અને આપના પૂજ્ય પિતાશ્રી મહર્ષિ દેવેન્દ્રનાથ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંકિમચંદ્ર, રમેશચંદ્ર દત્ત, દેવીપ્રસન્ન રાય ચોધરી, દામોદર મુખોપાધ્યાય ઇત્યાદિની બંગાળી વાણીનો પ્રસાદ ગુજરાતી વાંચનારને સુલભ થયો છે. આપની અનુપમ ગીતાંજલિનો સુધાસ્રોત પ્રગટ્યો ત્યારથી તેની ઉત્કટ પિપાસા ગુજરાતમાં ઉત્પન્ન થઈ છે અને ए आमार शरीरेर शिराय शिराय जे प्राण-तरंगमाला रात्रिदिन घाय सेइ प्राण छुटियाछे विश्व-दिग्बिजये सेइ प्राण अपरूप छन्दे ताले लये नाचि छे भुबने —  એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રાણતરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે. બંગાળી અને ગુજરાતી ભાષાઓ વચ્ચે ઘણું સામ્ય અને સામીપ્ય છે. બંગાળી સાહિત્ય તરફ ગુજરાતમાં ઘણી અભિરુચિ છે. મહર્ષિ દેવેન્દ્રનાથે એક વાર અમદાવાદની મુલાકાત લઈ અહીંના પ્રાર્થનાસમાજ મંદિરમાં ઉપદેશ કરેલો. આપના વડીલ ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર લાંબો વખત અમદાવાદ રહેલા અને તેઓ એ મંદિરમાં ગુજરાતી ભાષામાં ઘણી વાર ભાષણો કરતા. આપ પણ એમને ત્યાં સાબરમતીને કિનારે શાહીબાગના એકાંત બંગલામાં રહેલા છો અને ત્યાંનાં કબૂતરો અને મધમાખીઓનાં આપનાં સંસ્મરણો હજી તાજાં છે. આ સર્વ નિકટ સંબંધને લીધે આપનું અહીં આવવું વિશેષ પ્રિયકર થયું છે. અને આ પ્રસંગનો લાભ લઈ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી આ માનપત્ર દ્વારા આપને ધન્યવાદ દઈએ છીએ. આપને ‘નોબેલ પ્રાઇઝ’ મળ્યું તે વખતે ભારતવર્ષની સમસ્ત પ્રજા પેઠે અમે પણ બહુ હર્ષ પામ્યા હતા અને આપના મહાન કવિત્વની કીર્તિ સર્વ દેશોમાં વ્યાપી એ જોઈ અમે અમારું અત્યંત ગૌરવ માન્યું હતું. આપે પૃથ્વીપર્યટણ કરી ભારતમાતાની કીર્તિ વધારી અને સંસારતાપથી શેકાતા યુરોપ અને અમેરિકાનાં બન્ધુઓને અને બહેનોને આપે શાન્તિ અને અમરત્વ પામવાનો આપણા પુરાણ આર્યાવર્તનો સનાતન સંદેશો પહોંચાડ્યો એ મોટું કાર્ય કદી વિસરાય એવું નથી. દેશપરદેશના રસાભિલાષીજનો આપના સમાગમનો લાભ મેળવે અને અમે આપના બંધુઓ અને પાડોશીઓ છતાં આપના દર્શનથી પણ વિહીન રહીએ એ ઊણપ અસહ્ય થઈ પડી તેથી અમે આ પ્રસંગે આપને તસ્દી આપી છે. મહાન આદર્શો જીવનમાં કેમ ઉતારવા તેનું અનુપમ દૃષ્ટાંત આપે શાંતિનિકેતન સ્થાપીને પ્રત્યક્ષ કર્યું છે. આપની ગંભીર તત્વદૃષ્ટિ, ઊભરાઈ જતી પ્રભુભક્તિ, નીડરતા, સત્યનિષ્ઠા, સ્વદેશપ્રેમ અને સકલજનતા માટેનો બન્ધુભાવ જોઈ અમે મુગ્ધ થયા છીએ. આપનું ૠષિસમ પવિત્ર, શુદ્ધ, ભાવનાપરાયણ અને પરોપકારી જીવન અને આપની અવિચલ સાહિત્યભક્તિ પ્રત્યે અમારો પરમ આદર છે. હિન્દ માતાની કૂખે કંઈ કંઈ સંત મહંત જનો જન્મ્યા છે તેમની સંખ્યામાં આપના એક વ્યક્તિત્વથી અનેકશ: ઉમેરો થયો છે. પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાયુ થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવાં અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ. અમદાવાદ, 2 એપ્રિલ, 1920 આપના સદાના અનુરાગી સાહિત્યભક્તો

પરિશિષ્ટ-2
નિર્માણ વિરુદ્ધ સર્જન

નિર્માણમાં પ્રયોજન હોય છે, એ આપણી જરૂરિયાતોને વ્યક્ત કરે છે. પણ સર્જન સર્જનને ખાતર હોય છે, એ આપણા સમગ્ર વ્યક્તિત્વને વ્યક્ત કરે છે. આપણે ઘડો બનાવીએ છીએ, કારણ કે આપણને પાણી જોઈએ છે. એમાં આપણે ઘડો શા માટે બનાવીએ છીએ એવો પ્રશ્ન પૂછવો અને એનો ઉત્તર આપવો અનિવાર્ય છે. પણ જ્યારે આપણે ઘડાને સુંદર આકાર આપવા માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ ત્યારે એનું કારણ આપવું પડતું નથી. એમાં એક પ્રકારની અંતિમતા છે. એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે. આપણા જીવનનાં કર્મોમાં આપણી જરૂરિયાતોનો પ્રભાવ અને પ્રયોજનોની માત્રા વધી જાય અને જો સાથે સાથે એમાં આપણી સમગ્ર માનવતાનો એકાદ અંશ પણ વ્યક્ત ન થાય તો એ કર્મો વિરૂપ અને પાર્થિવ બની જાય છે. પ્રેમમાં અને સદગુણમાં મનુષ્ય સ્વયં પ્રગટ થાય છે. એમાં એની જરૂરિયાત વ્યક્ત થતી નથી. એમાં એના પોતાનામાંથી પ્રસરતી એની પ્રકૃતિની પૂર્ણતાનું દર્શન થાય છે. એથી એ બંને સર્જનાત્મક છે, એમાં અંતિમતા હોય છે – એથી મનુષ્યની સંસ્કૃતિ અંગેના આપણા નિર્ણયમાં એ આપણને પૂર્ણતાનો સાચો માપદંડ પૂરો પાડે છે. સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વ્યક્તવ્યનું દ્વૈત હોય છે. આ યુગ્મમાંથી વસ્તુએ નેપથ્યમાં રહેવું જોઈએ અને વ્યક્તવ્ય પ્રત્યેની નિષ્ઠામાં એણે સતત આત્મસમર્પણ કરવું જોઈએ. આ સૌ સંદર્ભોમાં સાચું છે – આપણા વ્યક્તિગત જીવનના અને આપણા સમગ્ર સમાજના સંદર્ભમાં. વસ્તુ જ્યારે આક્રમક બની જાય છે અને અર્થહીન રીતે વ્યાપક પ્રમાણમાં આવેશપૂર્વક વિસ્તરે છે ત્યારે સર્જન નંદવાય છે અને સત્ય ઝંખવાય છે. દીવો જ્યારે તેલનો મહિમા કરવામાં વિકૃત એવું અભિમાન પ્રગટ કરે છે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય છે. વસ્તુ સ્વયં સંપૂર્ણ નથી. એણે મનુષ્યોને એમની સર્જનાત્મક પ્રવૃત્તિઓથી વિખૂટા પડી જાય એમ એમને પોતાના પ્રભાવ નીચે લાવવા લલચાવવા ન જોઈએ. કાવ્યના સર્જન માટે વ્યાકરણના નિયમો જરૂરી છે. પણ વાચકોને એમની સતત જોહુકમીથી સભાન કરવા ન જોઈએ. જેમાં વ્યાકરણના બધા જ સંકુલ નિયમોનાં ઉદાહરણો આપવામાં આવ્યાં હોય એવું પ્રાચીન પ્રશિષ્ટ ભારતનું એક સંસ્કૃત કાવ્ય અસ્તિત્વમાં છે. જેઓ કલાકૃતિમાં પણ જેનો આવિષ્કાર લગભગ સ્થૂલ સ્વરૂપમાં થયો હોય એવી શક્તિનું નક્કર પ્રમાણ શોધતા હોય એવા વાચકવર્ગને આ કાવ્ય સતત આનંદના આઘાત-પ્રત્યાઘાતનો અનુભવ કરાવે છે. એથી પુરવાર થાય છે કે કોઈ વિશિષ્ટ પ્રકારનું એવું માનસ પણ પ્રગટાવી શકાય કે જે માનસ માત્ર શક્તિનું જેમાં પ્રદર્શન થતું હોય એવી વસ્તુનો જ વિચાર કરવામાં આનંદ અનુભવવાની વિચિત્ર ક્ષમતા ધરાવતું હોય છે અને એ વીસરી જાય છે કે વસ્તુ એ સત્ય નથી. આ પ્રકારના માનસની કવાયતી ટેવવાળા લોકો કલાકારોને પ્રદર્શનના મિથ્યા ગૌરવને ખાતર કલાનો અને ચાલાકીના પ્રયોગોને ખાતર સત્યની સહજતાનો ભોગ આપવાને પ્રેરે છે. જગતનું સત્ય શું છે ? વસ્તુઓનો ખાલી ખડકલો એ જગતનું સત્ય નથી. જગતનું સત્ય તો છે વસ્તુઓનો અખિલાઈભર્યો સંબંધ. જલનું બિંદુ એ માત્ર અમુક મૂળભૂત રસાયણોનો વિશિષ્ટ સંકર નથી. વાસ્તવમાં વસ્તુ તો અમૂર્તતા માત્ર છે. વિજ્ઞાન એનું રહસ્ય પ્રગટ કરે છે ત્યારે આપણે એને જાણી શકીએ છીએ. આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. આપણે ફૂલને જોઈએ છીએ, ફૂલને એક વસ્તુ તરીકે જોતા નથી. પ્રયોગશાળામાં વસ્તુનો ઉપયોગ થાય છે, વસ્તુની અભિવ્યક્તિ થતી નથી. આ અભિવ્યક્તિ એ જ સર્જન અને એ સર્જન સર્જનને ખાતર હોય છે. એ જ રીતે આપણી સંસ્કૃતિ ત્યારે જ એની પૂર્ણતાને પામે છે, જ્યારે માનવતાને પ્રગટ કરે છે, વસ્તુઓનો સંગ્રહ કરવાની એની શક્તિ પ્રગટ કરે છે ત્યારે નહિ. મેં કહ્યું કે આ જગતનું સત્ય એના સંબંધોના નિયમમાં સમાયું છે, એટલે કે તાલમાં તાલ મિલાવવાના નિયમમાં. જગત એટલે ગતિ. અને આ ગતિ એના તાલમાં ભંગ થવાને કારણે એના એકાદ અંગમાં પણ શિથિલ ન થવી જોઈએ. માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી. સૌંદર્ય અને સદગુણની સમતુલા રૂપે વિવિધ જાતિઓના સંબંધો હજુ સિદ્ધ થયા નથી. આ સમતુલા બાહ્ય નિયમનથી સાચવી ન શકાય. આ સમતુલા એ તો એક નૃત્ય છે. એનું નિયમન તો સંગીતથી જ થાય. આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે. આપણા ભારતના ઇતિહાસમાં આપણે એક ઘટના જાણીએ છીએ, જ્યારે એક મહાન વિભૂતિએ એમના જીવનમાં અને વાણીમાં માનવતાના ભવ્ય સંગીતનો પ્રધાન સૂર – જીવમાત્ર પ્રત્યે કરુણાનો સૂર –પ્રગટ કર્યો હતો. એ સંગીત સમુદ્રો, પર્વતો, રણો અને અરણ્યોની પાર પ્રસર્યું હતું અને ભિન્ન ભિન્ન પ્રદેશો, સંસ્કારો અને ભાષાઓની જાતિઓ ખાંડાના ખડખડાટ કે શોષણના સંઘર્ષ દ્વારા નહિ, પણ મૈત્રી અને શાંતિના, જીવનના સહકાર દ્વારા એકમેકમાં ભળી હતી. આનું નામ સર્જન. વિશ્વના હૃદયમાં આ મહારાગિણીનો વિરાટ લય લોલાયમાન થયો હતો. કાવ્યમાં જેમ છંદ તેમ વિશ્વહૃદયમાં આ લય. આ લય એ માત્ર વિચારોને અરાજકતામાં પરિણમતા રોકવાનું બંધન ન હતું. પણ આ લય એ વિચારો અવિભાજ્યપણે સર્જનના ઐક્યમાં સહભાગી થાય એ માટેનું એક શક્તિદાયક પરિબળ હતું. જ્યારે મનુષ્યજાતિમાં આ આત્માનું સંગીત નથી હોતું ત્યારે માનવસમાજ છિન્ન-વિચ્છિન્ન રાજકીય અને સામાજિક વર્ગીકરણની યાંત્રિક વ્યવસ્થા બની જાય છે. આવું યંત્ર એ માત્ર સર્જનની પ્રતિકૃતિ જેવું બની જાય છે. એના હાર્દમાં ઐક્ય હોતું નથી. માત્ર સગવડોના બાહ્ય માળખામાં ઐક્યને જબરદસ્તીથી બાંધતું હોય છે. એમાં જીવનના વિકાસને અને સંવેદનને ક્ષતિ થાય છે. એથી જીવન ક્યાં તો જડતાથી જકડાય છે, ક્યાં તો અવિરત ઉલ્કાપાતથી કચડાય છે. આજે મનુષ્યજાતિના ઐક્યમાં આ શક્તિદાયક સંવાદનો અભાવ છે. કારણ કે મનુષ્યજાતિના વ્યવહારોમાંથી વ્યક્તિત્વના જીવંત આદર્શનું સ્થાન કાયદાકાનૂનની ઔપચારિકતાએ ગ્રહણ કર્યું છે. અને મનુષ્યજાતિના સૌથી મહાન સર્જનાત્મક કાર્યક્ષેત્રમાં એટલે કે સંસ્કૃતિમાં ધર્મનું સ્થાન વિજ્ઞાને ગ્રહણ કર્યું છે. મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજારવ જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ. વક્તવ્ય એના વસ્તુના સ્તરથી ભિન્ન એવા સ્તર પર પ્રવૃત્ત હોય છે. આપણા શરીરમાં એની વિવિધ મહત્ત્વની જરૂરિયાતો માટે વ્યાપક વ્યવસ્થાતંત્ર હોય છે. પણ આપણા શરીરની સમગ્રતા, જ્યાં એ વક્તવ્ય હોય છે, જ્યાં એ આપણા વક્તવ્ય સાથે એકરૂપ હોય છે ત્યાં એનાં અનેકવિધ અંગો અને અર્થોના સંદર્ભમાં આપણા સ્નાયુઓ, આપણી શિરાઓ અને આપણા જ્ઞાનતંતુઓનાં તંત્રથી તદ્દન ભિન્ન હોય છે. અને એ એની આ ભિન્નતાનું ચુસ્તપણે પાલન કરે છે. આ શારીરિક તંત્રવ્યવસ્થા કાર્યક્ષમતાના અંગ તરીકે એનાં સાધનો અને એની પદ્ધતિઓ દ્વારા અત્યંત ધ્યાનપૂર્વક સપ્રમાણ રીતે પરિણામો સિદ્ધ કરે છે. પણ શરીર એ આ તંત્રવ્યવસ્થાથી કંઈક વિશેષ છે, એ દિવ્ય છે, ચેતન છે. એના કાર્યક્ષેત્રની સંપૂર્ણ યાદી પણ આપણને એનાં પરિમાણોનો ખ્યાલ આપી શકતી નથી. શરીર એક સર્જન છે, માત્ર નિર્માણ નથી. એથી એના હેતુઓ અને એની રચનાથી કંઈક વધુ ઉચ્ચ એવા સ્તરે એનું અસ્તિત્વ હોય છે. શરીર એ સૌ માપતોલથી કંઈ કેટલુંયે વિશેષ છે. એ સ્થૂલમાં સૂક્ષ્મ રૂપે રહ્યું હોય છે. સૌ કળાઓમાં શક્તિનું પ્રત્યેક પ્રદર્શન અભદ્ર હોય છે. સાચો કલાકાર એના સર્જનમાં નમ્રતા અનુભવતો હોય છે. એ એની કલાકૃતિમાં સ્થૂળતાના અભિનિવેશ પ્રત્યે અને એની પ્રક્રિયામાં વિડંબનાના પ્રદર્શન પ્રત્યે તિરસ્કાર અનુભવતો હોય છે. ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની અને એમનો ઉપયોગ કરવાની શક્તિ એ ચીજવસ્તુઓનું સર્જનાત્મક ઐક્યની પરિપૂર્ણતા માટે પરિવર્તન કરવાની શક્તિથી તદ્દન ભિન્ન પ્રકારની શક્તિ છે. પરમેશ્વર એના સર્જનમાં અત્યંત નમ્ર સ્વરૂપમાં વ્યક્ત થાય છે. એ એની શક્તિનું પ્રદર્શન કરતો નથી, કે એની ચીજવસ્તુઓના સંગ્રહ પ્રત્યે અને એમના મૂલ્યના હિસાબ-કિતાબ પ્રત્યે આપણું ધ્યાન આકર્ષણ કરતો નથી. પોતાની સત્યની સંપૂર્ણતા અને પોતાની સર્જકતા દ્વારા પરમેશ્વરના આ વર્તન સાથે પોતાના વર્તનનું સામ્ય સિદ્ધ કરવાનું મનુષ્યનું અંતિમ ધ્યેય હોય છે. ભૂખ અથવા એવી કોઈ અનિવાર્યતાને કારણે માત્ર કુદરતી કાયદાને અધીન રહીને મનુષ્ય જે કંઈ કરે છે તે પોતાના સ્વભાવની વિરુદ્ધ કરે છે એમ મનમાં અનુભવતો હોય છે. પોતાના જીવનમાં એનું અસ્તિત્વ છે એ વાતથી એ શરમ અનુભવતો હોય છે. અને પોતાના સર્જનાત્મક મનથી રચેલા આવરણથી એને ઢાંકવાનો પ્રયત્ન કરતો હોય છે. ઉદાહરણ રૂપે આહારની જરૂરિયાતની બાબતમાં મનુષ્ય અને અન્ય પ્રાણીઓ વચ્ચે કોઈ ભેદ નથી. છતાં એ આ બાબતનો સંપૂર્ણ સ્વીકાર કરવા ઇચ્છતો નથી, પરિણામે એના ભોજનમાં જે આ ભૂખનું તત્ત્વ છે તેને એવું સંતાડે છે કે એ નજરે પણ ચડતું નથી. એ ભોજનની વાનગીઓ માટેના પાત્રને સુશોભિત કરવાનો સતત પ્રયત્ન કરતો હોય છે. એથી એ સ્વરચિત નિયમો અને વિધિઓથી એ જાણે કે શારીરિક જરૂરિયાતો એ વાજબી હોય તોપણ એમને સંતોષવામાં એ વ્યસ્ત નથી એવો વિચિત્ર સ્વાંગ એ રચતો હોય છે. આ પ્રક્રિયાને પરિણામે આપણી સંસ્કૃતિમાં બિનજરૂરી બાબતોનું જરૂરી બાબતો કરતાં અનેકગણું મોટું પ્રમાણ છે. એથી જે આપણા સ્વભાવને અને આપણી સર્જનાત્મક સ્વતંત્રતાને મંજૂર નથી. એવી જડ ટેવોની જરૂરિયાતોનો બોજ આપણા પર પડવાનો ભય જન્મે છે અને માત્ર રૂઢિગ્રસ્ત એવી આ જરૂરિયાતોનો ઉકરડો જામતો જાય છે. કહેવું જોઈએ કે જીવન એ સતત વિકાસશીલ છે, એથી એની અભિવ્યક્તિમાં સંપૂર્ણતા સિદ્ધ થતી નથી. એ કારણે માત્ર શક્તિ એ જ એની વાસ્તવિક અભિવ્યક્તિ ગણાય છે. મનુષ્યના આવેગો અને આવેશોની તીવ્રતાને પરિણામે વિવિધ હૃદયગત અનુભવો અને બુદ્ધિગત સાહસો જન્મે છે. એ દ્વારા મનુષ્યને સત્તા અને ઉત્પાદનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આપણે એને જીવન કહી છીએ. આ અનુભવો અને સાહસોની શક્તિ એ, અલબત્ત, જીવનની એક મહાન મૂડી છે. પણ જીવન જો શક્તિ જ હોય તો તે પ્રાકૃતિક છે, માનવીય નથી. વરાળ અને વીજળીની જેમ એ ઉપયોગી છે, પણ એમાં પૂર્ણતાનો આદર્શ નથી. જેઓ આવા જીવનને જ પૂજે છે તેઓ વ્યક્તિવિશેષ એવા મનુષ્ય પ્રત્યેની અનુકંપા ગુમાવે છે. અને સત્તા માટેની તથા આવેગ અને આવેશો પ્રેરિત અનુભવો માટેની એમની અંધ આસક્તિને કારણે વ્યક્તિવિશેષ એવા મનુષ્યનો ભોગ લેવામાં સહેજ પણ અચકાતા નથી. હું ફરી એક વાર કહું છું કે જ્યારે જીવન એક સર્જન હોય ત્યારે જ જીવન એ જીવનને ખાતર જીવન હોય છે. કે તત્વોમાંથી ફૂલ જન્મે છે એ તત્વોનું સાધ્ય માત્ર ફૂલ જ હોય ત્યારે જ એ તત્વો ચરિતાર્થ થાય છે. જીવનમાં વિકાસ હોવો જોઈએ. પણ ચીજવસ્તુઓનો સરવાળો કરીને સંવર્ધન કરવું એવો વિકાસનો અર્થ નથી. ચીજવસ્તુઓ – જેમ કે સાધનસામગ્રીનો ક્રમશ: ઉપયોગ કરીને જે બાંધકામ થાય છે તે –માં એ બાંધકામ પૂરું ન થાય ત્યાં લગી એમનું પૂર્ણત્વ પ્રગટ થતું નથી. પણ સજીવ ચીજવસ્તુઓ તો એમના વિકાસના આરંભથી જ એમની પૂર્ણતા સાથે પ્રગટ થાય છે. જીવન એ સંવાદિતાની સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે. બાળક જન્મથી જ સંપૂર્ણ હોય છે. ગીતનો આનંદ એ ગાવાનું શરૂ થાય ત્યારથી જ પ્રાપ્ત થાય છે અને અંત લગી એ સતત પ્રાપ્ત થતો રહે છે. પણ જે મનુષ્યની શક્તિ અથવા ચીજવસ્તુઓની પ્રાપ્તિ એ જ એક માત્ર નિસબત હોય છે એ મનુષ્યના કાર્યને તો અતૂટ અપૂર્ણતાનો શાપ લાગ્યો હોય છે. જ્યારે ચીજવસ્તુઓનું મહત્વ એમના કદ અને જથ્થાના સંચય પર જ નિર્ભર હોય છે ત્યારે એમને કોઈ અર્થ પ્રાપ્ત થતો નથી.જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે, ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી. એક એવો સમય હતો કે જ્યારે સમાજમાં વ્યાપાર એક લઘુ વર્તુલમાં જ સીમિત હતો. અને એની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલો નમ્ર હતો. એની ઉપયોગિતા હતી છતાં મનુષ્યે એનો ઝાઝો આદર કર્યો ન હતો, બલકે કંઈક અનાદર કર્યો હતો. કારણ કે મનુષ્યે એની સૌ અનિવાર્ય જરૂરિયાતોથી ચુસ્ત અળગાપણું જાળવવાનો પ્રયત્ન કર્યો હતો. એણે એની સેવાઓ સ્વીકારી હતી પણ એની સ્તુતિ કરવાનું સ્વીકાર્યું ન હતું. હું માનું છું અને આશા રાખું છું કે સાહિત્ય અને કળાના સમગ્ર ઇતિહાસમાં કોઈ શ્રીમંતનું માત્ર એની શ્રીને કારણે જ ગૌરવ થયું હોય એવું એક પણ ઉદાહરણ નથી. આપણી લક્ષ્મી એ કંઈ બૅંકના જમાખાતાની દેવી નથી. એ તો જેનો સૌંદર્ય અને સદગુણ સાથે કદી વિચ્છેદ થયો નથી એવા એક આદર્શ પૂર્ણતાનું પ્રતીક છે. પણ હમણાંની સદીઓમાં ધનના સંચયની બાબતમાં આપણી મનોદશામાં હાનિકારક પરિવર્તન થયું છે. આપણે એની પાછળ પડ્યા છીએ એટલું જ નહિ પણ એને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ છીએ. એનો સાદ સૌથી મોટા અવાજે આપણને સંભળાય છે. આપણાં મંદિરોનાં ગર્ભગૃહ લગી એ પ્રવેશી ગયું છે. આપણા સમાજમાં એને પૂરતું મહત્વનું સ્થાન આપવું જોઈએ એમાં કોઈ શંકા નથી. પણ જે સ્થાનો માત્ર જે અમરત્વને પાત્ર હોય એને માટે નિયત કરવામાં આવ્યાં હોય એ સ્થાનો પર આપણને લાંચ આપીને, આપણા નૈતિક ગૌરવ સાથે ચેડાં કરીને, માનવીય આદર્શોની વિરુદ્ધ દ્રોહીઓના વિદ્રોહમાં સમાજની ઉત્તમ શક્તિને પોતાને પક્ષે અંકે કરીને, એની જન્મજાત ક્ષુદ્રતાને દોરદમામ અને ઠાઠઠઠેરાથી ઢાંકીને એ જ્યારે પ્રતિષ્ઠિત થાય ત્યારે એ હોનારત જ બની જાય છે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે વિજ્ઞાનની સહાયથી નફાખોરીની શક્યતા એકાએક અમર્યાદ બની ગઈ છે. સર્વત્ર સમગ્ર માનવસમાજ લોભવૃત્તિના પ્રચંડ ગ્રહના ગુરુત્વાકર્ષણનું બળ એના અનેક ઉપગ્રહોના કેન્દ્રગામી આભામંડળો સહિત અનુભવી રહ્યો છે. એ બળ આપણા સમાજની નૈતિક ભ્રમણરેખાને સ્પષ્ટપણે આડે માર્ગે વાળી રહ્યું છે, એની માનસિક સમતુલાનો ભંગ કરી રહ્યું છે, અને એની મહેચ્છાઓને ધૂળ ભેગી કરી રહ્યું છે. એથી આપણા ઇતિહાસમાં પૂર્વે કદી આપણી ઉમદા વૃત્તિઓ અને આપણા ઉદાત્ત પુરુષાર્થો પર અસ્થિર મનોદુર્બળતાના રોગ સમો આવો ખુલંખુલ્લા હુમલો થયો નથી. ધનનું આ અવિરત વશીકરણ અને એનો મન પર પ્રચ્છન્ન પ્રભાવ એ મનુષ્યજાતિ માટે આફતનું સ્થાયી મૂળ બની રહ્યાં છે. એ અભિપ્રાયોને ઘડે છે, એ સત્યને દબાવી દેવાના અને અતિશયોક્તિ કરવાનાં જટિલ કુટિલ સાધનો દ્વારા વર્તમાનપત્રોનું સંચાલન કરે છે, એ રાજકારણમાં વ્યાપક સૂત્રસંચાર કરે છે, એ સર્વ પ્રકારનાં મહોરા-મુખવટા નીચે સર્વ પ્રકારની પરાધીનતાને પોષે છે. ભૂતકાળમાં આ પૃથ્વી પરનાં બૌદ્ધિક અને આધ્યાત્મિક પરિબળોએ એમની સ્વતંત્રતાના ગૌરવનું સમર્થન કર્યું હતું. પણ આજે રોગની મરણતોલ અવસ્થામાં થાય છે તેમ ધનનો પ્રભાવ આપણા મનમાં વસી ગયો છે, આપણા હૃદયને ગ્રસી ગયો છે. સમાજની સમતુલાને ખંડિત કરે એવો આવેશનો આવેગ માત્ર નૈતિક ઉદાસીનતા જ જન્માવતો નથી પણ સૌંદર્ય માટેનો આપણો પૂજ્યભાવ પણ નષ્ટ કરે છે. હું જ્યારે કૉલકાતાથી જાપાનની યાત્રાએ જતો હતો ત્યારે આ સત્ય મને સ્પષ્ટ થયું હતું. ગંગા નદીના બંને તટ પર કારખાનાંઓની નિષ્ઠુર ઘૂસણખોરીના દર્શનથી મેં અંગત ઈજાની લાગણી સાથે આઘાત અનુભવ્યો હતો, એમની આ ઉદ્ધત નિર્લજ્જતાને કારણે એ અત્યંત વિરૂપ લાગે છે. આ આઘાત અનુભવ્યો એનું કારણ મારા કિશોરવયના દિવસોની મહામૂલી સ્મૃતિ. મારા જન્મસ્થાનની નિકટ આ નદીની દૃશ્યાવલિ જ એક માત્ર મહાન વસ્તુ હતી. એથી મને ઈશ્વરના સ્વહસ્તે સર્જાયેલી સૃષ્ટિનો અનુભવ થતો હતો. આપણે સૌ જાણીએ છીએ કે કૉલકાતા તો એક નવુંસવું નગર છે. એના મુખ પર કે એની રીતભાતમાં લાગણીનું કોઈ ઊંડાણ નથી. એના જન્મ વિશે કહી શકાય કે એનામાં આરંભે જ વ્યાપાર-વૃત્તિ હતી. એ બુલંદ અવાજે બોલી ઊઠી હતી, ‘ઑફિસોનો અવતાર થજો !’ અને કૉલકાતાનો જન્મ થયો હતો. એ ન’તો લાવ્યું હતું કોઈ વિશેષતાની ભેટસોગાદ કે ન’તી એનામાં કોઈ કુલીન કે રંગીન ઉદભવની ભવ્યતા. ન’તો એનામાં કોઈ મહાન ઐતિહાસિક સંદર્ભ કે ન’તી કોઈ ઉદાત્ત વેદનાની કથા કે ન’તી કોઈ વીરકર્મની સ્મૃતિ. એને કોઈ સૌંદર્યનો આશીર્વાદ હોય તો તે એક માત્ર આ નદી. એ આપણી પ્રજાની પ્રતિભાનો અવાજ આદિકાળથી સુણાવતી રહી છે; પારાવારને પામવાની એની મહેચ્છા ગાતી રહી છે. ધુમાડા ઓકતો લોખંડી રાક્ષસ એના તટ પરના જીવનને ભક્ષી જાય તે પૂર્વે મારા સદભાગ્યે મારો જન્મ થયો હતો. ત્યારે એના તટ પરના ઘાટને એના પ્રવાહની ભરતી આલિંગન કરતી હતી, મને લાગતું હતું કે જાણે અનેક ગામોના સ્નેહાળ બાહુ એને સ્પર્શી રહ્યા છે. મને ભય છે કે મારા આ શબ્દો સૌ ગંભીર પ્રકૃતિના લોકોને પહોંચશે ત્યારે મારો આક્ષેપ એમના મનમાં એક અનુકંપાપૂર્ણ રમૂજની લાગણી પેદા કરશે. એક નદીના તટ પરના સૌંદર્યના હ્રાસની નિંદા કરવી અને કંતાનના કોથળાઓના ગંજાવર જંગી ઉત્પાદનની નક્કર હકીકતની ઉપેક્ષા કરવી એ એવી તો અત્યંત અવ્યવહારુ વાત છે કે એ કોઈને ગંભીર ઈજા કરી શકે એમ નથી. એક નગરના સ્વરૂપમાં અંકિત એવા અન્ય એક યુગના અન્ય એક આદર્શ સાથે આ વાતના વિરોધાભાસના ઉદાહરણ માટે મને બનારસની મારી છેલ્લી મુલાકાતની યાદ આવે છે. હું જ્યારે ત્યાં હતો ત્યારે ગંગા નદીના માતૃ-સાદે મને અત્યંત પ્રભાવિત કર્યો હતો. એ સાદના ‘અશ્રુત સંગીત’થી સમગ્ર વાતાવરણ ભર્યું ભર્યું હતું. અને પ્રત્યેક ક્ષણે એ સમગ્ર પ્રજાને એની ગોદમાં સમાવા આકર્ષતો હતો. આ નદી માટે ભારતને પ્રેમ છે એ વાતનું મને ગૌરવ છે. એણે એના તટ પર ભારતની સંસ્કૃતિનું સંવર્ધન કર્યું છે. હિમાલયની ભવ્ય નીરવતાથી તે સમુદ્રના એકાન્તના શતકંઠ ગર્જન સુધી એનો પ્રવાહ વહે છે. આ પ્રેમની લાગણી તે આધુનિક રાષ્ટ્રપ્રેમથી મહદ્ અંશે ભિન્ન છે. એ કોઈ વિશિષ્ટ ભૂગોળ કે રાજકારણના ઇતિહાસના મર્યાદિત ક્રમ સાથે નિશ્ચિતપણે સંબંધિત નથી. એ તો સમગ્ર દેશની અને આધ્યાત્મિક મુક્તિ માટેના પુરુષાર્થના અનેક યુગોની અર્ધજાગૃત સ્મૃતિના પ્રતિનિધિ રૂપ છે. પણ આપણા કંતાનના કોથળાનું શું ? લાગણીઓ તો જાણે ઠીક પણ કંતાનના કોથળા વિના ન ચાલે. હું કબૂલ કરું છું. અને સમાજમાં એમનું સ્થાન – પણ તે નિશ્ચિતપણે મધ્યમસરના પ્રમાણમાં – આપવા માટે પણ તૈયાર છું. જો મારા પ્રતિસ્પર્ધીઓ એટલો જ સ્વીકાર કરે કે કંતાનના કોથળાઓને એમની મર્યાદા હોવી જોઈએ અને જેને નિરાંતની જરૂર છે તથા આનંદ અને સેવાપૂજા માટે સ્થળની જરૂર છે એવા મનુષ્યનો મહિમા થવો જોઈએ એટલો સ્વીકાર કરે તો પણ જો મનુષ્યજાતિને આટલી પણ છૂટ આપવાની ન હોય અથવા તો એના પર કાપ મૂકવાનો હોય અને જો નફાને અને ઉત્પાદનને છૂટો દોર આપવાનો હોય તો તેઓ સૌંદર્ય, સત્ય, ન્યાય અને આપણા માનવબંધુઓ માટેના આપણા પ્રેમની સાથે ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. મનુષ્ય સાહસિક છે, સામાજિક છે, આધ્યાત્મિક છે, અજ્ઞાતનો શોધક-સાધક છે. આ સૌમાં એની પૂર્ણતાનો અંશ છે. પણ એ કંતાનના કોથળા અને અન્ય ચીજવસ્તુઓનો ઉત્પાદક છે એમાં પૂર્ણતાનો કોઈ ખ્યાલ નથી. માટે મનુષ્યના વ્યવહારોમાં ઉપયોગિતાનું ગૌણ સ્થાન છે એ ભૂલવું ન જોઈએ, સમાજમાં એને વાજબી હોય એથી વિશેષ સ્થાન કે સામર્થ્ય પ્રાપ્ત થવું ન જોઈએ. એને જીવનની કવિતાને કલુષિત કરવાની અને આદર્શો અંગેની આપણી સંવેદનાને કુંઠિત કરવાની આપણી બર્બરતા એ આપણી વીરતાનું પ્રતીક છે એવી શેખી કરવાની, આપણી આધ્યાત્મિક પ્રકૃતિને હાંસીના કાદવથી ખરડવાની સ્વતંત્રતા હોવી ન જોઈએ. એ તો પુષ્પની જીવંત-પૂર્ણતાને છૂંદવા કે કચડવા માટે નિર્જીવ પથ્થરને સ્વતંત્રતા આપવા સમાન છે. આપણા ઘરની પછવાડેના વાડામાં આપણી ઑફિસ હોય છે. એ આપણા ઘર રૂપી ઐક્યનો ભંગ કરે છે. એથી તો આપણે બહારથી ખરીદેલી સહાય અને ઘરના કુટુંબીજનોની સેવા વચ્ચે, જરૂરિયાત અને લાગણી વચ્ચે ભેદરેખા રાખીએ છીએ. પણ જો જરૂરિયાતોનો અતિરેક થાય તો આપણા ઘરને આપણી ઑફિસો પાસે નમવું પડે છે આ કારણે તો આપણી આધુનિક સંસ્કૃતિ ઑફિસો બની ગઈ છે અને ઘર એનું ઉપાંગ બની ગયું છે. આધુનિક સંસ્કૃતિનું શૂદ્ર સ્વરૂપ પ્રગટ થયું છે. શૂદ્ર એ તો જે માત્ર ઉપયોગી છે તેનું પ્રતીક છે. એમાં જે ઉપયોગિતાથી કંઈક વિશેષ છે એવા મનુષ્યનો સ્વીકાર થતો નથી. શૂદ્ર શબ્દમાં જેનામાં માનવતાનું ગૌરવ નષ્ટ થયું છે – પછી એમનું કર્મ શ્રમિક હોય કે બૌદ્ધિક હોય  તે સૌ યંત્રોનો જેમાં સમાસ થાય એવા વર્ગના અર્થનું સૂચન છે. તેઓ હાલતાચાલતા જઠર કે મગજ જેવાં હોય છે. એમને માટે આપણે દયાની લાગણી સાથે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એ તેઓને મનુષ્ય બનાવે. મનુષ્યે જ્યારે એના આદર્શોને અપનાવ્યા ત્યારે એણે સફળતાને વિશેષ સન્માનનું સ્થાન આપ્યંા ન હતું. યુદ્ધમાં પણ એણે સફળતા કરતાં સ્વમાનના આદર્શને ઘણું ઊંચું સ્થાન આપ્યું હતું. પણ સફળતા તો શૂદ્ર છે. એનું સ્થાન ઑફિસમાં છે પણ એ અભિમાનપૂર્વક આગળ આવી ગઈ છે. અને જો આપણે એની ભ્રષ્ટતાના સતત સંપર્કથી ભૌતિક ચીજવસ્તુઓને ખાતર આપણી લાગણીઓનો ઉપહાસ કરવાની ગંદી ટેવ પાડીશું તો ગુલામીનો વંશવેલો હંમેશને માટે ફૂલતો-ફાલતો રહેશે. આજના યુગના સંઘર્ષનું આ જ મૂળ છે. મનુષ્ય કાયમને માટે શૂદ્રના સ્થાને રહેવાનો અસ્વીકાર કરે છે. સત્તા અને સંપત્તિની લાલસાએ એને બળપૂર્વક માનભ્રષ્ટ કર્યો છે એથી આપણી સંસ્કૃતિ શરમ અનુભવી રહી છે. જૂના જમાનામાં જ્યારે વ્યાપાર એ મનુષ્યના સામાન્ય જીવનનું અંગ હતું ત્યારે લક્ષ્મીની શક્તિનો પ્રભાવ હતો. ત્યારે એણે એની માનવતાના દિવ્ય સ્પર્શથી જેના પ્રયોજન અને પદ્ધતિ બંનેમાં કૃપણતા હતી એવા અનિયંત્રિત વ્યક્તિવાદની વિરૂપતાથી સંપત્તિનું રક્ષણ કર્યું હતું. વેનિસમાં જે વિકૃત અને વિસંવાદી હોય તેવું નહિવત્ હતું. સમરકંદ અને બુખારામાં મનુષ્ય સાથેનો એમનો સંસર્ગ સમૃદ્ધ હતો. દિલ્હી અને આગ્રા એમના યુગમાં કેવાં હશે તે આપણે કલ્પી શકીએ છીએ. એમણે એમના વિકાસમાં એક મહાન સામ્રાજ્યના સર્જનાત્મક માનવીય પાસાને પ્રગટ કર્યું હતું. એમની નૈતિકતા ગમે તેવી હશે પણ એમના પતનના સમયમાં પણ મનુષ્યના ગૌરવની સાચી સરજત જેવી ભવ્યતા એમણે સાચવી રાખી હતી. અને હવે કૉલકાતાનો વિચાર કરો. એક બાજુ કારકુનોની જમાત છે. એ જેમાં સૌંદર્ય અને આનંદને અવકાશ ન હોય એવા ઉપયોગિતાવાદના કૃપણ માનસે અર્પેલી ન જેવી આજીવિકાને વરી છે. બીજી બાજુ અહીં તહીં ભટકતા ધનલોલુપોનાં ટોળાંઓને આશ્રય આપતી ઇમારતોની ભભકદાર અક્કડફક્કડ હારમાળા છે. આ બંનેમાં કોઈ માનવીય સંબંધ નથી, સામાજિક સુખસગવડોની કોઈ ભાગીદારી નથી. આધુનિક વ્યાપારની આ વિભીષિકા છે. એ મનુષ્યોને ઉત્પાદનની સ્વસ્થ અને સામાન્ય પ્રવૃત્તિમાં પ્રેરતી નથી. પણ એમને સંગઠિત કરે છે અને એમના મનોમેળ દ્વારા એમનો ઉપયોગ કરે છે. મનુષ્યજીવન સાથે જેને સંબંધ છે એ સર્વ બાબતોમાં એ અભદ્ર રીતે કૃપણ છે. પણ જે બાબતો ઉત્પાદનમાં વૃદ્ધિ કરે છે એમાં એ ઉડાઉ છે. હું ક્ષણભર માટે પણ એવું સૂચવવા માગતો નથી કે મનુષ્યો એમના ઇતિહાસની કોઈ પણ એક નિશ્ચિત સમયાવધિમાં એમની નિમ્ન લાલસાઓના વિક્ષોભથી તેઓ મુક્તા હતા. એમના સંચાલન અને વ્યાપારમાં હંમેશ સ્વાર્થનો હિસ્સો હતો. છતાં આપણા સમાજનાં પરિબળોની વચ્ચે સમતુલા સાચવવાનો સંઘર્ષ હતો. અને આપણી વાસનાઓએ એમના ઉચ્છૃંખલ સામર્થ્યથી એમનાં પોતાનાં સ્થાન અને મૂલ્ય અંગે કોઈ ભ્રમ સેવ્યો ન હતો. અને આપણી નૈતિકતાની પ્રતારણા કરવા માટે કોઈ ચાલાક યુક્તિઓ શોધી ન હતી. કારણ કે એ સમયમાં આપણી બુદ્ધિને ગૃધવૃત્તિના પલ્લામાં પોતાનું વજન મૂકવા જેટલું પ્રલોભન થયું ન હતું. પણ હવે જીવનના ક્ષેત્રમાં સત્તા અને સંપત્તિ માટેની આપણી લાલસાની બરાબરી કરે એવું કશું રહ્યું નથી. માત્ર વિજ્ઞાન જ એનું સહાયક નથી, પણ ધર્મનો જેમાં કંઈક આભાસ હોય એવાં અન્ય પરિબળો પણ છે, જેવાં કે રાષ્ટ્રપ્રેમ અને સ્વાર્થનું આદર્શીકરણ. વિજ્ઞાન અસ્તિત્વના અંતિમ અને ગહન વાસ્તવ તરીકે મનુષ્ય અંગેની આપણી સમજમાં જેનો પાયો છે એવા સત્યના આધ્યાત્મિક દૃષ્ટિબિંદુને સતત નિર્બળ કરી મૂકે એવી માનસિક ટેવો પાડી રહ્યું છે. જેમ વ્યાકરણશાસ્ત્રીનો કાવ્યની વાક્યરચનાનું વિશ્લેષણ કરવાનો અધિકારપૂર્વકનો ધર્મ છે, તેમ વિજ્ઞાનને એક નિર્માણ રૂપે વિશ્વનું વિશ્લેષણ કરવાનું વાસ્તવિક કાર્યક્ષેત્ર છે. પણ વિશ્વ એક સર્જન છે, નિર્માણ નથી. એ એની વાક્યરચનાથી કંઈક વિશેષ પણ છે. એ કાવ્ય છે. પણ જ્યારે વ્યાકરણ આપણા એકાંગી ધ્યાનને કારણે આપણા સંવિતને સંપૂર્ણપણે ઘેરી લે છે ત્યારે આપણે એ ભૂલવાને પાત્ર બનીએ છીએ. ધર્મની ભાવનાની ગ્લાનિને કારણે યંત્ર અને યાંત્રિક પદ્ધતિની સત્તા દૃઢમૂલ બની છે. એની સમૃદ્ધિના મહદ્ અંશને ભોગે મનુષ્યનું સરલીકરણ થયું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એને ઘરખોયો રખડુ બનાવવામાં આવ્યો છે, એને જે સ્વતંત્રતા આપવામાં આવી છે તે નકારત્મક સ્વતંત્રતા છે, કારણ કે એ કૃત્રિમ સ્વતંત્રતા છે. એનો તીવ્ર આઘાત તો તાજેતરના વિશ્વયુદ્ધમાં સમગ્ર જગતે અનુભવ્યો હતો. મનુષ્યના બંધુત્વના સાધન સમા આધ્યાત્મિક સંબંધોની શૃંખલામાંથી મુક્ત થવાથી સમાજના ભિન્ન ભિન્ન વર્ગોનું એમનાં મૂળભૂત એવાં સ્થૂળ પરિબળોમાં સતત રૂપાંતર થયું છે. શ્રમ એ એક પરિબળ છે, મૂડી પણ એક પરિબળ છે, રાજ્ય અને પ્રજા, સ્ત્રી અને પુરુષ પણ પરિબળો છે. કહેવાય છે કે જ્યારે મુઠ્ઠીભર માટીમાં પણ જે સુષુપ્ત પરિબળો છે એમને એમની એક્તાના બંધન  જે એમના સર્જનનું પણ બંધન છે તે –માંથી મુક્ત કરવામાં આવે ત્યારે તે સેન્ટ પૉલના કેથીડ્રલને પણ પર્વતની ઊંચાઈ લગી ઊંચકી શકે. આવાં ઉચ્છૃંખલ પરિબળો જે બેજવાબદાર ચાંચિયાઓની જેમ વિચરી-વિહરી રહ્યાં છે તે કેટલાક ઉદ્દેશો માટે આપણને ઉપયોગી હશે, પણ સામાન્યપણે કહીએ તો સૅન્ટ પૉલ કેથીડ્રલ ભાંગીને ભુક્કો થાય અને અવકાશમાં ફેંકાઈ ફંગોળાઈ જાય એના કરતાં તો એ એના પાયા પર મજબૂત ઊભું રહે એ આપણે માટે વધુ સારું છે. આવાં પરિબળો પર સ્વામિત્વ સિદ્ધ કરવાનું રહસ્ય પામવું એ આપણે માટે ગર્વની વાત છે પણ મનુષ્યજાતિ માટે આત્મસંયમ અને આત્મસમર્પણનાં આંતરિક પરિબળો એ વધુ સાચા હર્ષોલ્લાસની વાત છે. આપણે માટે અરેબિયન નાઇટ્સના રાક્ષસો એક મોટું પ્રલોભન અને આકર્ષણ હશે. પણ આપણા સમાજને એના સર્જનની આધ્યાત્મિક શક્તિ અર્પણ કરવા માટે પરમેશ્વર અનંતગણો મૂલ્યવાન છે. પણ આ રાક્ષસો આજે સર્વત્ર વ્યાપ્ત છે. અને વિશ્વયુદ્ધમાં એમના મૃત્યુ-નૃત્ય પછી પણ એમને સંબોધનરૂપ મંત્રોનો મંદ જાપ જપી રહ્યા છે અને રક્તવર્ણ વસ્ત્રોમાં સજ્જ એવા એમના અનુયાયીઓ મનુષ્યજાતિને નિર્જનતાના ઉચ્ચ શૃંગ પર અચાનક ભગાડી મૂકવા માટે એની પર તરકીબો અજમાવવા પ્રવૃત્ત થયા છે. ક્રાંતિના ગરજતાં વાદળો ઊમટી રહ્યાં છે, એમની રોષપૂર્ણ દૃષ્ટ્રા ચમકાવી રહ્યાં છે અને ઘૂરકી રહ્યાં છે. એ માનવવ્યક્તિત્વને માનવીય શક્તિથી વિચ્છિન્ન કરવાની લાંબી પ્રક્રિયાની ઉપલબ્ધિ છે. એ મનુષ્યને કોઈ અમૂર્તતાનો પ્રેતાત્મા બનાવી રહ્યાં છે. આધુનિક વિજ્ઞાને બહારથી સમગ્ર મનુષ્યજાતિને એક કરી છે. પણ સ્વાર્થ અને અભિમાનના સતત સંઘર્ષથી માનવસમાજોને બચાવવા માટે સંબંધોના મહાન સત્ય અંગેની આધ્યાત્મિક સભાનતાની આ પરિસ્થિતિમાં ભારે જરૂર છે. કેવળ શક્તિરૂપ હોય, અને જેમનામાં મૂળભૂત એકતા ન હોય એવા લોકોએ એમના સર્જનાત્મક પરિવર્તન દ્વારા એમની માનવતા પુરવાર કરવી જોઈએ. આ માત્ર નિર્માણનો પ્રશ્ન નથી, એથી મુખ્યત્વે એ જેને શોધખોળો સાથે, અને નહિ કે સર્જન સાથે, સંબંધ છે એવા વિજ્ઞાનના ક્ષેત્રમાં આવતો નથી. ટેલિફોનના તાર અને રેલવેના પાટાના બાહ્ય સાંધાને મનુષ્યોને એકમેકથી વિખૂટા પાડવામાં અને અન્ન, સ્વાતંત્ર્ય અને સ્વમાની બાબતોમાં નબળા માનવબંધુઓને લૂંટવામાં વધુ કાર્યક્ષમ રીતે સહાય કરી છે. રાજદંડે નહિ પણ અસિધારાએ જ હંમેશાં શાસન કર્યા કરવું જોઈએ ? અને પૃથ્વીની ભૂગોળ પર સ્વામિત્વ સિદ્ધ કર્યા પછી રાજ્યસંચાલનમાં વિજ્ઞાને જ અગ્રેસર રહેવું જોઈએ ? ભિન્ન ભિન્ન જાતિઓના જગતમાં એ શાંતિ અને એકતા સ્થાપી શકશે ? એ પૂરતું પુરવાર નથી થયું કે એની નિષ્ઠુર કુશળતાના ભૌતિક નિયમો સત્તાના રાક્ષસોને એના પ્રતિનિધિ તરીકે માત્ર આદેશ આપી શકે પણ પરમેશ્વર અને મનુષ્ય પ્રત્યેના પ્રેમસ્વરૂપ એવા સર્જનની ચેતનાને એ આહ્વાન આપી ન શકે ? અને છતાં વિજ્ઞાન માનવતાના પક્ષે એનું આસન ત્યાગવાનું લક્ષણ પ્રગટ કરતું નથી. અથવા તો એનું કર્તવ્ય પૂરું થયું છે છતાં એ એની સત્તા પર કાપ મૂકવા તૈયાર નથી. જેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ છે, સાધનસામગ્રી છે એવી બળવાન જાતિઓએ આજના યુગની અઢળક જવાબદારી પોતાને માથે લઈ લીધી છે. એમના કાયદા અને એમના શાસન સામે આપણને ફરિયાદ નથી, એ વિજ્ઞાનના ક્ષેત્રમાં તો કાર્યક્ષમ છે. પણ એમના યંત્ર-આધિપત્યની વિનાશક નિષ્પ્રાણતા સામે આપણને ફરિયાદ છે. જગતભરની એમના શાસન નીચેની પ્રજાઓ સાથેના વ્યવહારમાં એ ભૂલી જાય છે કે કાયદો અને વિજ્ઞાન એ માનવ સાથેના પ્રત્યાયન માટેનું ઉત્તમ સાધન નથી. સજીવ કબૂતરખાનાંઓ પાસેથી ભેટસોગાદો નમ્રભાવે મેળવવી અથવા છેલ્લામાં છેલ્લી ઢબના વરાળ-યંત્રની મહેરબાની મેળવવી એ મનુષ્યો માટે કેવું અગ્નિપરીક્ષા જેવું છે એ માનવા એ તૈયાર જ નથી. આધુનિક સંસ્કૃતિના મિજાજની દાહક તીવ્રતા આપણને વિશેષ સાલે છે કારણ કે એ આપણી માનવીય સંવેદનાની સીધેસીધી વિરુદ્ધ છે. અને પૂર્વમાં વસતા એવા આપણને એ કહેવાનો હક છે કે આ મહાન તકોના મહાન યુગનું જેઓ પ્રતિનિધિત્વ કરે છે તેઓ માનવવ્યક્તિત્વના દિવ્ય આદર્શનો ત્યાગ કરીને પોતાનો ઝનૂનપૂર્વક નાશ નોતરી રહ્યા છે. કારણ કે મનુષ્ય વિશેનું અંતિમ સત્ય એની બુદ્ધિમાં કે એની ભૌતિક સંપત્તિમાં નથી, એ તો છે એની અનુકંપાની કલ્પનાશક્તિમાં, એના હૃદયના ઉજ્જ્વળ પ્રકાશમાં, એની ત્યાગ-સમર્પણની સાધનામાં, જાતિભેદ અને રંગભેદના અંતરાયોને અતિક્રમીને જગતભરમાં પ્રેમનો પ્રસાર કરવાના એના સામર્થ્યમાં, આ જગત એ યાંત્રિક શક્તિનું સંગ્રહાલય નથી પણ જેનામાં સૌંદર્યનું સનાતન સંગીત અને દિવ્યતાનો આંતરપ્રકાશ છે એવા માનવ-આત્માનું નિવાસસ્થાન છે એવા એના દર્શનમાં.

પરિશિષ્ટ-3
જનસમાજની દૃષ્ટિએ સાહિત્યનો વિચાર

જનસમાજને કાંઈ શીખવવું હોય તો કેવું લખવું જોઈએ એ આપણે જોઈએ. આજે આપણને આનું દૃષ્ટિબિંદુ કવિશ્રીએ આપ્યું છે. એમણે કૉલકાતાનો દાખલો લેવામાં ચાતુરી વાપરી છે. એઓશ્રીએ જોયું કે જેવું કૉલકાતા એવું જ અમદાવાદ છે. અને તેમણે કરેલા શબ્દપ્રહારો કેવળ આપણે માટે જ છે. સિડની સ્મિથમાં શબ્દપ્રહારની કળા બહુ હતી. તે "આપણે કહી તેના ઘા હળવા કરતો, પરંતુ આપણા કવિશ્રી તો "અમે શબ્દ વાપરે છે. આપણે તો આથી સમજી જ જવું જોઈએ કે એ આપણે માટે જ છે. કૉલકાતાને વિશે એઓશ્રીએ ચિતાર આપ્યો કે પવિત્ર ગંગા નદીને તીરે મહાન ઇમારતો વસી છે તેથી ત્યાંનો કુદરતી રળિયામણો હોવો જોઈતો દેખાવ અળખામણો થઈ પડ્યો છે. આવે સ્થળે તો આપણને કુદરતી વિચારો આવવા જોઈએ. જ્યારે તેઓ કલકત્તાનો વિચાર કરે છે ત્યારે તેમની આંખમાંથી આંસુ વહે છે. આપણું કામ પ્રભુને ઓળખવાનું છે, એ મારા જેવા મજૂરનો વિચાર. પ્રભુને ઓળખવાનું ભૂલી જઈને આપણે પૈસાની પૂજા કરતા થયા, સ્વાર્થ સાધતા થયા. સાહિત્યના રસિકોને હું પૂછું છું કે તમે તમારી કૃતિ મારફત મને પ્રભુની પાસે જલદી મૂકશો કે કેમ ? જો મને તેઓ "હામાં જવાબ આપશે તો તેઓની કૃતિમાં હું ગિરફતાર થઈ જઈશ. સાહિત્યસેવકના પુસ્તકમાં મને કંટાળો ઊપજે તો મારી જડતાનો દોષ નથી. દોષ છે તેની કળાનો. શક્તિવાન સાહિત્યસેવકે કળાને એવી તો ખીલવવી જોઈએ કે વાંચનાર તેના વાચનમાં લીન થાય. મને દિલગીરી થાય છે કે આપણા સાહિત્યમાં આવું ઓછું છે. આપણું સાહિત્ય અત્યારે એવું છે કે જનસમાજ તેમાંથી એકાદ વસ્તુ પણ લઈ શકે એમ નથી. આપણા સાહિત્યમાં એક પણ એવી વસ્તુ નથી કે જે એક અઠવાડિયાને સારુ, એક વરસને સારુ કે એક જમાનાને સારુ નભી શકે. આપણે ત્યારે જોઈશું કે અનાદિકાળથી આપણી પાસે જે પુસ્તકો છે તેમાં શું સાહિત્ય છે ? આપણાં ધર્મપુસ્તકો આપણને જેટલો રસ આપે છે તે અત્યારનું સાહિત્ય આપણને નથી આપતું. એ સાહિત્યના નમાલા તરજુમામાં જે રસ આવી શકે છે એ રસ અત્યારના સાહિત્યમાં નથી આવી શકતો. કોઈ કહેશે કે અત્યારના સાહિત્યમાં ઘણું છે. ઘણું ભલે હોય પરંતુ તે ઘણાની શોધમાં માણસ થાકી જાય છે. તુલસીદાસ જેવું, કબીર જેવું આપણને કોણે આપ્યું છે ? સુતર આવે ત્યમ તું રહે, જેમ તેમ કરીને હરિને લહે. આવું તો આપણે અત્યારે નથી જ જોઈ શકતા. અખાના જમાનામાં આપણને જે કાંઈ મળ્યું છે એ હવે ક્યાં છે ? વીસ વરસ દક્ષિણ આફ્રિકામાં રહ્યા પછી હું હિંદુસ્તાન આવ્યો અને મેં જોયું તો મને જણાયું કે આપણી દશા ભયભીત છે. પ્રજાની જ્યારે આવી દશા હોય છે ત્યારે એ પ્રજાના ઉદગારો નિર્ભયતાથી નથી નીકળી શકતા. દાબની નીચે આપણે લખવાનું હોય તો આપણા કવિત્વની ધારા પણ નહીં છૂટે, સત્ય પણ નહીં તરે. વર્તમાનપત્રોને માટે પણ આમ જ છે. જ્યાં પોતાની ઉપર પ્રેસનો ક્યદો ઝૂકી રહ્યો હોય ત્યાં સંપાદક વિચાર્યા વિના નથી લખી શકતો. સાહિત્યરસિકો ઉપર પ્રેસનો કાયદો ઝૂકી રહેલો છે ત્યાં એક લીટી પણ છૂટથી નથી લખાતી અને એથી જ જોઈએ તેવી રીતે સત્ય નથી મુકાતું. હિંદુસ્તાનમાં અત્યારે સંધ્યાનો સમય છે. કરોડો માણસોને એમ થઈ રહ્યું છે કે આપણામાં મોટા મોટા ફેરફારો થવાના છે. આપણું ભિખારીપણું મટી હવે આપણી ઉજ્જ્વળ દશા આવશે. સત્યયુગની આપણને હવે ઝાંખી થશે. આવા ઉદગારો હું સ્થળે સ્થળે સાંભળી રહ્યો છું. ઘણા અત્યારે એમ સમજી રહ્યા છે કે હિંદુસ્તાન હવે એક નવું પાનું ફેરવશે. જો હિંદુસ્તાન નવું પાનું ફેરવશે તો તેમાં કયા લેખો સમાયેલા હશે ? સુધારા આપણને જે મળ્યા હશે તે તો હાંસડી રૂપે જ થવાના છે, અને આપણે આજે જેમ બળદની માફક હંકાયા જઈએ છીએ એમ હંકાયા જઈશું. આ સમયે સાહિત્યની સેવાવાળા પાસેથી તો હું ઈશ્વરનો મેળાપ અને સત્યનું દર્શન જ માગીશ. આપણા સાહિત્યસેવકોએ બતાવી જ આપવું જોઈએ કે હિંદુસ્તાન પાપી નથી, છેતરનાર નથી. પોપે – ઇલિયડવાળો નહીં –દક્ષિણ પ્રાંતની જે સેવા કરી છે તેવી સેવા કોઈ પણ મદ્રાસીએ નથી કરી. હું રંગી રહ્યો એટલે દરેકનું હૃદય ચોરવાને ખાસ ઇચ્છું. દક્ષિણ પ્રાંતના ભાઈઓનાં હૃદય ચોરવા મારે તેની ભાષા શીખવી પડી. રેવ. પોપે જે લખાણો લખ્યાં છે તેમાંથી તો હું અત્યારે કાંઈ નથી આપી શકતો, પરંતુ એટલું તો કહું છું કે તમિળ ભાષામાં કોસ હાંકનારાઓ માટે પણ જે કાવ્યો છે, કવિત્વ છે એ અલૌકિક છે. સૂર્ય ઊગ્યો પણ ન હોય ત્યારે કોસ હંકાય છે. બાજરી, ઘઉં સર્વ પર ઝાકળનાં મોતીઓ છે. ઝાડનાં પાંદડાં પર બાઝી રહેલું પાણી મોતીના દાણા જેવું છે. આ માણસો, આ કોસ હાંકનારાઓ કાંઈ આવું આવું ગાય છે. હું જ્યારે કોચરબમાં રહેતો હતો ત્યારે કોસ હાંકનારને જોતો, સાંભળતો, પરંતુ તેના મોંમાં તો બીભત્સ શબ્દો હતા. આનું કારણ શું ? આનો જવાબ હું અહીં બેઠેલા રા. નરસિંહરાવ પાસે તેમ જ આપણા પ્રમુખસાહેબ પાસે માગું છું. સાહિત્ય પરિષદને હું કહું છું કે આપણા કોસ હાંકનાર જેવાના મોંમાંથી અપશબ્દો કઢાવો અને નહીં તો આપણી અવનતિનું પાપ તમારે શિરે રહેશે. સાહિત્યના સેવકોને હું એમ પૂછું છું કે પ્રજાનો મોટો ભાગ કેવો છે અને તેવાને માટે તમે શું લખશો ? સાહિત્ય પરિષદને હું એમ જ કહીશ કે તમારામાં જે ન્યૂનતા છે તે કાઢો, કાઢો, કાઢો. લુઈને પુસ્તક લખવાનો વિચાર થયો અને વિચાર થયા પછી તેણે પુસ્તક પોતાના છોકરાઓ માટે લખ્યું. તેના છોકરાઓએ તો એ વાંચીને લાભ લીધો અને અત્યારના આપણાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ આ વાંચી તેનો લાભ લઈ શકે છે. હું આપણા સાહિત્યસેવકો પાસે આવું સાહિત્ય માગું છું. હું બાણભટની કાદંબરી નથી માગતો પરંતુ તુલસીદાસનું રામાયણ માગું છું. કાદંબરી હંમેશાં રહેશે કે કેમ એ વિશે મને શંકા છે, પરંતુ તુલસીદાસનું આપેલું તો હંમેશને માટે રહેવાનું છે. અત્યારે તો સાહિત્યમાં આપણને રોટલી, ઘી અને દૂધ મળવા દો, પછીથી આપણે તેમાં બદામ, પિસ્તાં વગેરે મેળવીશું અને કાદંબરી જેવું કાંઈક બનાવીશું. ગુજરાતની રાંકડી પ્રજા, માધુર્યવાળી પ્રજા અને જેની સજ્જનતાનો પાર નથી, જે પ્રજા આટલી બધી ભોળી છે, જે પ્રજાને ઈશ્વરમાં અખંડ વિશ્વાસ છે એ પ્રજાને જો આગળ વધવું હોય તો સાહિત્યસેવકોએ મજૂરો, કોસ હાંકનારાઓ અને એવા બીજા માટે પોતાનાં કાવ્યો રચવાં જોઈએ, એવા માટે લખવું જોઈએ. આપણી પ્રજા સત્ય લખતી, સત્ય બોલતી અને સત્ય આચરતી થાય એ મારી અંત:કરણની પ્રાર્થના છે.

પરિશિષ્ટ-4
વસંતનો સંદેશ

જે માયાળુ શબ્દોથી તમે મને આવકાર આપ્યો છે એથી મારું અંત:કરણ અત્યારે ઊંડી લાગણીથી છવાઈ ગયું છે, કારણ કે હું જાણું છું કે તમે મને એક કવિ અથવા લેખક તરીકે પૂરેપૂરી રીતે નથી પિછાનતા. તમે મને ખરા હૃદયથી ચાહો છો, મારામાં અનહદ વિશ્વાસ મૂકો છો કારણ કે તમે એમ ધારો છો કે અન્ય દેશોમાં આપણા દેશની કીર્તિ ફેલાવવાને કાંઈક પણ કરવા હું સમર્થ થયો છું. સ્થિતિ એવી છે કે તમારામાંના ઘણાખરાને હું મારા જીવનમાં અગાઉ કદી મળ્યો પણ નથી અને ફરી એકાદ વાર મળવાનો સંભવ સરખોયે અત્યારે તો નથી આટલા માટે આ સમયે તમારી સર્વની મારા મિત્રો તરીકે ગણના કરતાં મને અત્યંત આનંદ થાય છે. જે સ્થળે મારે આવવાનો સંભવ પણ ન હોય એ સ્થળે આવી આટલો બધો સ્નેહ સંપાદન કરવો એ તો એક અણમૂલો લાભ છે. કાળના વહન સાથે મારી શક્તિનો તમને સાચો પરિચય થાય અને એક વેળા કદાચ એવું પણ જણાઈ આવે કે તમે તમારા પ્રેમભાવનું અને અતિથિસત્કારનું અપાત્રે દાન કર્યું છે. હું હવે વૃદ્ધ થયો છું એટલે માની લઉં છું કે આવો અવસર હું કદાચ જોવા નહિ પામું. નવો યુગ અત્યારે શરૂ થયેલો દીસે છે. આપણા અંતરમાં અત્યારે ઉન્નતિની ઊર્મિઓ ઊછળી રહી છે. આ ઊર્મિઓને આપણા વ્યવહારમાં પ્રત્યક્ષ જોવા આપણે અત્યારે ઇચ્છીએ છીએ અને આ ઇચ્છામાં જ આપણી અનેક આશાઓ વસી રહી છે. આપણને આપણી પોતાની જાત પ્રત્યે અવિશ્વાસ ઉત્પન્ન થાય એ ઇચ્છવા યોગ્ય નથી. અત્યારે હજુ આપણામાં આપણી શક્તિ પારખવાની ઊણપ છે અને આપણામાંના કેટલાક મહાપુરુષોની મહત્તા વિશે આપણામાં માન અને વિશ્વાસની ખામી છે. અત્યારે તમે મને જે માન આપો છો તેનો સ્વીકાર કરતાં હું નવા યુગના ભાવને ઝીલું છું અને આપણા ભવિષ્ય માટે અનેક ઉજ્જ્વળ આશાઓ સેવું છું. શિશિર ૠતુની સમાપ્તિ પછી દક્ષિણ દિશાના પવનની લહરીઓ વસંત ૠતુનો સંદેશ આપે છે ત્યારે આંબાની ડાળો અસંખ્ય મોરથી લચી રહે છે અને તેમાંનો ઘણો મોર ખરીને ધૂળમાં જ મળી જાય છે; તો પણ ખરું રહસ્ય તો એ છે કે વસંત ૠતુ આવે છે અને જીવનતત્વની રસરેલ જામે તે વખતે કુદરત આટલી ઉડાઉ તો સહેજે જ થઈ શકે છે. મારે વિશે મત બાંધવામાં અને મને માન આપવામાં તમે અવિચારી બન્યા હશો અને મારા ભાવના ઘણાખરા આવિર્ભાવ તો ભૂંસાઈ પણ જશે અને કાળ સાગરમાં ગુમ થઈ જશે પણ ખરું રહસ્ય તો એ જ છે કે આપણા પ્રજાજીવનમાં અત્યારે વસંત ૠતુનો અવતાર થયો છે અને આપણે પણ અત્યારે તેનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ.

* * *

(નોંધ : પરિશિષ્ટ1, 2, 3 ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ’ અને પરિશિષ્ટ4 ‘ગાંધીનો અક્ષરદેહ’, પૃ. 17માંથી લીધેલાં છે.)