કાવ્યમંગલા/ગરુડનો વિષાદ

Revision as of 09:54, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગરુડનો વિષાદ|}} <poem> <center>(મિશ્રોપજાતિ)</center> નથી નથી આભ વિષે જ ઉડવું, ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં, નથી હિમાળે શિખરે વિરાજવાં, ઊડી નથી ત્યાં કરવા શિકારો, દિગન્તરાળે નહિ કાય વીંઝવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગરુડનો વિષાદ
(મિશ્રોપજાતિ)


નથી નથી આભ વિષે જ ઉડવું,
ઊડી નથી ચક્કર દીર્ઘ ખાવાં,
નથી હિમાળે શિખરે વિરાજવાં,
ઊડી નથી ત્યાં કરવા શિકારો,
દિગન્તરાળે નહિ કાય વીંઝવી,
એ શૂન્ય આભે કઈ સિદ્ધિ લાધવી?

એ ચક્કર યોજન વ્યાસવાળાં
ખાતાં કયી ચીજ જ પામવાની?
આઘા પડ્યા સૂરજ, ચન્દ્ર, તારા,
પાંખે ઘસાતાં અહીં અભ્ર કાળાં,
ને ઊર્ધ્વ ઊર્ધ્વે જ્યહીં અંગ ઊંચકું,
આછો થતો જાય જ પ્રાણવાયુ;
ને વિસ્તરી ત્યાં ક્ષિતિવર્તુળો રહે,
ઝાઝો ધરાનો પટ વ્યક્ત ત્યાં બને :
અપાર એ જંતુ –મનુષ્ય –સૃષ્ટિ,
વધુ વધુ એ કુરુક્ષેત્ર પેખવું,
ને આંખનું નૂર જ વ્યર્થ ખોવું !

આઘાં જ તે સર્વ પ્રકાશધામો,
ખાલી જ આ સર્વ દિગન્તરાળો,
હ્યાં પામવો ક્ષીણ જ પ્રાણવાયુ,
આ ચક્કરો ખાઈ અનંત વ્યોમે
અંતે કયી ચીજ જ પામવાની?

ઊડી ઊડી ચક્કર ખાઈ અંતે
ધરાતણો અંક જ ખોળવાનો,
કો વૃક્ષનાં પર્ણ વિષે છુપાવું,
વા અદ્રિના કોક ઉત્તુંગ શૃંગે
વિરામવું : શી ધરતીની જંજીર
સદાની : માળે નિજ દેહ મૂકવી,
પાંખે દબાવી નિજ ઉગ્ર ડોકને,
આંખો પ્રતાપી પણ મીંચવાની,
પૃથ્વીથકી ભક્ષ્ય જ મેળવીને
મિટ્ટીતણી કાય ટકાવવાની.

નથી હવે આભ વિષે જ ઊડવું,
ન શૂન્યના સાગરમાંહિ ડૂબવું !

(૩૧ જુલાઈ, ૧૯૩૨)