અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/ઝાલાવાડી ધરતી
Revision as of 15:48, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ ઝાલાવાડી ધરતી! આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી. અહીં...")
આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચો-ફરતી.
અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! — આ.
જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથળ, ક્ષિતિજે ઢળતી! — આ.
આ તે કોઈ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ!
સંન્યાસિની તણા નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી! — આ.
(પદ્મા, પૃ. ૧૮)