અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/નોળવેલ
Revision as of 15:49, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ, છુપાયેલી મુજ હૃદયની ગુપ્...")
તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!
આંહીં મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પ :
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચૂકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુન : સૂંઘવી નોળવેલ!
જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!
ઢીલી થાતી સરપ તણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; — પીઉં પીયૂષઘूંટ!
(પદ્મા, પૃ. ૧૩૨)