ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદેવ સૂરિ-૧

Revision as of 16:37, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યદેવ(સૂરિ)-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં હયાત] : પાર્શ્વગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિ (જ.ઈ.૧૪૮૧-અવ.ઈ.૧૫૫૬)ના શિષ્ય. જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશા. માતા ચાંપલદે. પાર્શ્વચંદ્રના હસ્તે દીક્ષા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવના મિત્ર. મૂળ નામ બરદરાજ. વિજ્યનગરના રાજાએ વિજ્યદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિમંત્ર આપી ‘વિનયદેવસૂરિ’ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં. ૬૭ કડીના ‘નેમિનાથ-રાસ/શીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ’ (લે.ઈ.૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતશિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત’, ૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન’(મુ.), ૧૫ કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન’(મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ પરની જિનહિતા અને જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યદેવસૂરિએ સંશોધી હતી. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. પ્રાકારૂપરંપરા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ કાપડિયા;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૨; ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]