અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ `અનિલ'/રસ્તો

Revision as of 15:58, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો, કહીં સંસાર માંડે, ક્યાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે, ક્યાંક સાધુ થાય છે રસ્તો.

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો!

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો!

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો.

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો!

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો!

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો!

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો!

‘અનિલ’, મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો!

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યુ છે, ક્યારનો બંધાય છે રસ્તો.

(રસ્તો, ૧૯૯૭, પૃ. ૧-૨)