અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉપેન્દ્ર પંડ્યા/ઝરમર

Revision as of 16:04, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઝીણી ઝરમર વરસી! આજ હવામાં હીરાની કંઈ કણીઓ ઝગમગ વિલસી! {{space}}એવી ઝરમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઝીણી ઝરમર વરસી!
આજ હવામાં હીરાની કંઈ કણીઓ ઝગમગ વિલસી!
         એવી ઝરમર વરસી!
વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,
તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?
ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી!
         ઝીણી.

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,
મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?
કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.
         ઝીણી.

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,
તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઈ પરસી.
         ઝીણી ઝરમર વરસી!

(`ઝરમર', ૧૯૮૮, પૃ. ૯)