સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઇન્દુ પંડ્યા/સમજણ
પ્રસિદ્ધ દાર્શનિક સોક્રેટિસ ફરતા ફરતા એક શહેરમાં પહોંચ્યા ત્યાં એમને એક વૃદ્ધ વ્યકિતની મુલાકાત થઈ. બંને એકબીજા સાથે હળીમળી ગયા, નિખાલસ મનથી વાતો કરતા રહ્યા. સોક્રેટિસે પેલા વૃદ્ધને પૂછ્યું: “આપનું જીવન ખૂબ આનંદથી વીત્યું છે, પરંતુ હાલમાં આપને કોઈ મુશ્કેલી પડે છે ખરી?” પેલા વૃદ્ધ સોક્રેટિસ તરફ જોઈને હસ્યા: “મારા પરિવારની જવાબદારી પુત્રોને સોંપી દીધી પછી નચિંત છું. તેઓ જે કહે છે એ કરું છું, જે ખાવા આપે છે એ ખાઈ લઉં છું, અને પૌત્ર-પૌત્રીઓ સાથે હસું-રમું છું. સંતાનો કંઈ ભૂલ કરે ત્યારે મૌન રહું છું. એમના કામકાજમાં જરાય દખલ દેતો નથી, પરંતુ જ્યારે તેઓ કંઈ સલાહ લેવા આવે ત્યારે મારા જીવનના અનુભવો એની સમક્ષ રજૂ કરું છું અને કરેલી ભૂલોનાં દુષ્પરિણામો તરફ સાવચેત કરી દઉં છુ.ં તેઓ મારી સલાહ મુજબ વર્તે છે કે અમલ કરે છે કે નહીં એ જોવાનું કામ મારું નહીં. તેઓ મારા માર્ગદર્શન મુજબ ચાલે એવો આગ્રહ નથી. સલાહ આપ્યા બાદ પણ તેઓ ભૂલ કરે તો હું ચિંતા કરતો નથી. તેમ છતાંય તેઓ ફરીથી મારી પાસે આવે તો એમના માટે મારાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ છે. હું ફરી વાર એને સલાહ આપીને વિદાય કરું છું.”