ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુદાસ-૧

Revision as of 09:24, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિષ્ણુદાસ-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ. પોતાની જુદીજુદી કૃતિઓમાં હરિભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિષ્ણુદાસ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ. ખંભાતના નાગર બ્રાહ્મણ. પોતાની જુદીજુદી કૃતિઓમાં હરિભટ્ટ, ભૂધર વ્યાસ અને વિશ્વનાથ વ્યાસનો એમણે ગુરુઓ તરીકે ઉલ્લેખ કર્યો છે એના પરથી લાગે છે કે આ પુરાણીઓએ એમને કૃતિઓની રચનામાં સહાય કરી હોય. એમની કૃતિઓ ઈ.૧૫૭૮ થી ઈ.૧૬૧૨ સુધીનાં રચનાવર્ષ બતાવે છે, એટલે ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધ ને ઈ.૧૭મી સદીના પૂર્વાર્ધ વચ્ચે તેઓ હયાત હતા એમ કહી શકાય. નાકર અને પ્રેમાનંદ વચ્ચે કડી રૂપ આ આખ્યાનકવિએ પૌરાણિક કથાઓને વફાદારીપૂર્વક અનુસરતી અનેક કૃતિઓ રચી છે. વીર કે કરુણ રસના આલેખનમાં કે ક્યારેક પ્રસંગવર્ણનમાં એમની કવિત્વ શક્તિનો ઝબકાર વરતાય છે, પરંતુ વિશેષત: મૂળ કથાને સંક્ષેપમાં સરળ રીતે કહી જવામાં એમણે સંતોષ માન્યો છે. એમનાં વિપુલ સર્જનમાં મહાભારત અને રામાયણની મોટા-ભાગની કથાને વલણ, ઢાળ ને ઊથલાવાળા કડવાંબદ્ધ આખ્યાનસ્વરૂપમાં ઉતારવાનો એમનો પ્રયાસ સૌથી વિશેષ ધ્યાનપાત્ર છે. મહાભારતનાં ૧૫ પર્વોને તેમણે ગુજરાતીમાં ઉતાર્યા છે. કવિને નામે ૨ ‘સભાપર્વ’(મુ.) મળે છે-૨૦ કડવાંવાળું ને ૩૬ કડવાંવાંળું. તેમાં ૩૬ કડવાંવાળું ‘સભાપર્વ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, આસો વદ ૩, રવિવાર; મુ.) આંતરબાહ્ય પ્રમાણોને લક્ષમાં લેતાં કવિની અધિકૃત કૃતિ લાગે છે. ૨૦ કડવાંવાંળું ‘સભાપર્વ’કવિના સમકાલીન ને ખંભાતમાં જ રહેતા શિવદાસનું કે અન્યનું હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. ૨૫ કડવાંના ‘ઉદ્યોગપર્વ’(મુ.)માં કવિએ મૂળના વિદુરનીતિ ને સનત્સુજાતીય આખ્યાન જેવા જટિલ ચર્ચાવાળા ભાગોને કાઢી નાખી કે ઇન્દ્ર-શચિના આખ્યાનને માત્ર સૂચન રૂપે મૂકી મૂળ કથાનકનો ઠીકઠીક સંક્ષેપ કરી નાક્યો છે. ૧૪ કડવાંનું ‘ગદાપર્વ’(મુ.), ૯ કડવાંનું ‘પ્રસ્થાનપર્વ’(મુ.), ૩૮ કડવાંનું ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, જેઠ સુદ ૪, શનિવાર; મુ.), ૧૫ કડવાંનું ‘શલ્યપર્વ’(મુ.), ૨૫ કડવાંનું ‘ભીષ્મપર્વ’ (અંશત: મુ.), ૨૦ કડવાંનું ‘સ્ત્રીપર્વ’ (૨૦ મું કડવું મુ.), ૯૨ કડવાનું ‘આરણ્યકપર્વ’ (ર.ઈ.૧૫૯૧-જેમાંથી ‘નળાખ્યાન’ વાળા ભાગનાં ૭ કડવાં મુ.), ‘વિરાટપર્વ’, ‘દ્રોણપર્વ’, ‘આદિપર્વ’, ૧૫ કડવાંનું ‘સૌપ્તિકપર્વ’, ૧૦ કડવાંનું ‘મૌશલ/મૂશળપર્વ’ અને ૭ કડવાંનું ‘સ્વર્ગારોહણીપર્વ’ એ બીજા મૂળ કથાને સાર રૂપે આપતાં પર્વો છે. મહાભારતની જેમ રામાયણના પણ ૬ કાંડ કવિએ આખ્યાન રૂપે ઉતાર્યા છે-૩૮ કડવાંનો ‘અયોધ્યાકાંડ’, ૨૩ કડવાંનો ‘અરણ્યકાંડ’, ૧૧૦૦ ગ્રંથાગ્રનો ‘કિષ્કિંધાકાંડ’ (ર.ઈ.૧૫૯૮/સં.૧૬૫૪, ચૈત્ર સુદ ૧૩, રવિવાર), ‘સુંદરકાંડ’, ૪૭ કડવાંનો ‘યુદ્ધકાંડ’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ફાગણ સુદ ૧૫, રવિવાર) અને ‘ઉત્તરકાંડ’. એ સિવાય ૮૨ કડવાંના ‘રામાયણ’ની પણ પ્રત મળે છે, તેમાં અયોધ્યાકાંડથી ઉત્તરકાંડ સુધીની કથા આલેખાઈ હોવાનું નોંધાયું છે. એટલે કવિએ રચેલા જુદા જુદા કાંડ સળંગ રૂપે અહીં મળે છે. પરંતુ આ ‘રામાયણ’નાં ૮૨ કડવાં અને જુદાજુદા કાંડોમાં મળતાં કડવાંની કુલ સંખ્યા વચ્ચે મેળ બેસતો નથી. તેથી ‘રામાયણ’ના વિવિધ કાંડો અને ‘રામાયણ’ બન્ને જુદી કૃતિઓ છે કે એક જ છે એ સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ૮૨ કડવાંની ‘રામાયણ’ની મૂળ પ્રત ૮૩ કડવાંની છે અને એમાં છેલ્લું કડવું ‘રામજન કુંવર’નું છે. બાકીનાં કડવાંમાં આલેખાયેલા પ્રસંગોમાં પણ શબરી રામને પાણી આપવાની ના પાડે છે એ પ્રસંગ કે કુંભકર્ણસુતની સીતા પાસે અગ્ન્યાસ્ત્ર છોડાવી રામ હત્યા કરે છે એ પ્રસંગો મૂળ વાલ્મીકિ-રામાયણમાં નથી. વિષ્ણુદાસે એ પ્રસંગો પોતે ઉમેર્યા હોય એમ કહી શકાય, પરંતુ વિષ્ણુદાસનું વલણ એમની બધી કૃતિઓમાં મૂળ કથા પ્રસંગોને વફાદાર રહેવાનું છે એ ધ્યાનમાં લઈએ તો આ પ્રસંગો ક્ષેપક હોવાની સંભાવના વિશેષ લાગે. પહેલો પ્રસંગ ભાષાની દૃષ્ટિએ પણ કૃતિની સમગ્ર ભાષાથી જુદો પડી જાય છે, અને એ પ્રસંગ માત્ર એક જ પ્રતમાં મળે છે તે પણ સૂચક છે. વિષ્ણુદાસે જૈમિનીના ‘અશ્વમેધ’ને આધારે ૧૧ આખ્યાનોની રચના કરી છે : યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે કર્ણપુત્ર વૃષકેતુ અનુશાલ્વની હત્યા કરે છે એ પ્રસંગને આલેખતું ૧૧ કડવાંનું ‘અનુશાલ્વનું આખ્યાન’(મુ.), ઉદ્દાલક ઋષિની સ્ત્રી ચંડીના કહ્યાથી ઊલટું વર્તન કરવાના સ્વભાવને આલેખતું ૮ કડવાનું ‘ચંડી-આખ્યાન’(મુ.), અર્જુન અને બભ્રુવાહનના યુદ્ધપ્રસંગ દ્વારા બભ્રુવાહનના પરાક્રમને વર્ણવતું ૧૯ કડવાંનું ‘બભ્રુવાહન-આખ્યાન’(મુ.), સીતાત્યાગથી શરૂ કરી રામના સૈન્ય સાથે યુદ્ધ કરી લવકુશે બતાવેલા પરાક્રમ સુધીની કથાને આલેખતું ૨૮ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (મુ.), પાંડવોના પૂર્વજ યૌવનાશ્વે કરેલા અશ્વમેધ યજ્ઞના પ્રસંગને વર્ણવતું ૨૩ કડવાંનું ‘યૌવનાશ્વનું આખ્યાન/અશ્વમેધ(યુવનાશ્વ)ની કથા’, ૨ કડવાંનું ‘અશ્વપ્રયાણ’, મહિષ્મતીના રાજા નીલધ્વજને અર્જુન હરાવે છે તે પ્રસંગને વર્ણવતું ૧૧ કડવાંનું ‘નીલધ્વજનું આખ્યાન’, કૃષ્ણના અલૌકકિક માયારૂપને વર્ણવતું ૧૦ કડવાંનું ‘ભીમહાસ્યની કથા’, નર્મદાતટે આવેલા રતનપુરના રાજા મોરધ્વજ અને અર્જુન વચ્ચેના યુદ્ધપ્રસંગને આલેખતું ૨૪ કડવાંનું ‘મોરધ્વજનું આખ્યાન’, ૩૦ કડવાંનું ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૭૮) તથા ‘સુધન્વા-આખ્યાન/હંસકેતુનું આખ્યાન’. એ સિવાય ‘શુકદેવાખ્યાન’, ‘અમરિષ-આખ્યાન’, ભાગવતના દશમસ્કંધ પર આધારિત ‘લક્ષ્મણાહરણ’, રામાયણના ઉત્તરકાંડની કથા પર આધારિત ૨૭ કડવાંનું ‘હરિશ્ચંદ્રઆખ્યાન/હરિશ્ચંદ્રપુરી’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, મહા સુદ ૯, રવિવાર; મુ.), નારદિકપુરાણ પર આધારિત ૨૩ કડવાંનું ‘રુક્માંગદઆખ્યાન’(મુ.), કવિની અન્ય આખ્યાનકૃતિઓ છે. વિષ્ણુદાસને નામે મળતી ૭૨ કડવાંની ‘ઓખાહરણ’(મુ.) ૪૦ કડવાંની ‘જાલંધર-આખ્યાન’(મુ.), ‘અંગદવિષ્ટિ’, ‘દ્વારિકાવિલાસ’, ‘શિવરાત્રિની કથા’ તથા ‘સુદામાચરિત્ર’-એ કૃતિઓને કોઈ હસ્તપ્રતોનો ટેકો નથી એટલે એમની અધિકૃતતા શંકાસ્પદ છે. કવિને નામે મુદ્રિત ‘હૂંડી’ કૃષ્ણદાસની છે. ‘ધ્રુવાખ્યાન’ કૃતિની નામછાપને આધારે હરિદાસનું હોવાની સંભાવના છે. વિષ્ણુદાસને નામે મુદ્રિત ‘મોસાળું’ વ્યાપક રીતે કવિએ રચ્યું હોય એમ સ્વીકરાયું છે, પરંતુ પોતાની અન્ય કૃતિઓમાં કવિ જે રીતે કૃતિનાં કડવાં, રાગ, પદસંખ્યા વિશે કે પોતાના જીવન વિશે જે વ્યવસ્થિત માહિતી આપે છે તે પ્રકારની માહિતી કૃતિને અંતે આપેલી નથી. કવિની કૃતિઓમાં જળવાયેલો વલણ-ઢાળ-ઊથલોને જાળવતો કડવાબંધ અહીં જળવાયો નથી. પ્રેમાનંદના ‘મામેરું’ની કેટલીક બેઠી પંક્તિઓ પાછળથી કોઈએ વિષ્ણુદાસને નામે ચડાવી દીધી હોય એવી સંભાવના છે. ‘રુકિમણીહરણ’, ‘નાસિકેતાખ્યાન’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ અને ‘લૂણનાથ-આખ્યાન’-એ કૃતિઓને હસ્તપ્રતોનો ટેકો છે, પણ ‘કવિચરિત’ એમને કવિની શ્રદ્ધેય કૃતિઓ ગણતું નથી. કૃતિ : ૧. કવિ વિષ્ણુદાસકૃત સભાપર્વ, નળાખ્યાન, કુંવરબાઈનું મોસાળું, હૂંડી, સં. ભનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૧;  ૨. ઓખાહરણ : પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં, સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૪૬; ૩. જાલંધર આખ્યાન : વિષ્ણુદસ, ભાલણ અને શિવદાસકૃત, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૩૨(+સં.); ૪. કાદોહન : ૨; ૫. પ્રાકાસુધા : ૩; ૬. બૃકાદોહન : ૮ (+સં.):; ૭. મહાભારત : ૧, ૩, ૪, ૫, ૭;  ૮. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક, સપ્ટે. ૧૮૮૫થી ઑગ. ૧૮૮૬ - ‘ભીષ્મપર્વ’, ૯. પ્રાકાત્રૈમાસિક, વ. ૭, અં. ૩, ઈ.૧૮૯૧ (સં.); ૧૦. એજન, વ. ૮, અં. ૪, ઈ.૧૮૯૨-‘બભ્રુવહન-આખ્યાન’, ૧૧. બુદ્ધિપ્રકાશ, જૂન-નવે. ૧૯૦૨ - ‘રુકમાંગદ-આખ્યાન’ અને ‘શલ્યપર્વ’, ૧૨. એજન, એપ્રિલ, જૂન, ઑક્ટો. ૧૯૦૩ - ‘અનુશાલ્વનું આખ્યાન’; ૧૩ એજન, જુલાઈ-ઑગ. ૧૯૦૪-‘ચંડીનું આખ્યાન’. સંદર્ભ : ૧. વિષ્ણુદાસ, ભાનુસુખરામ નિ. મહેતા, ઈ.૧૯૨૦;  ૨. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ ઈ.૧૯૭૪; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વતો; ૬. નર્મગદ્ય, સં. મહીપતરામ રૂપરામ નીલકંઠ, ઈ.૧૮૯૧ (પાંચમી આ.); ૭. મગુઆખ્યાન;  ૮. સ્વાધ્યાય, નવે. ૧૯૮૨ - ‘વિષ્ણુદાસરચિત રામાયણ’, દેવદત્ત જોશી; ૯. એજન, ઓક્ટો. ૧૯૮૪-‘કેટલાક મદ્યકાલીન ગુજરાતી ગદ્યરામાયણો’, દેવદત્ત જોશી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. ગૂહાયાદી; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. ફાહનામાવલિ : ૧, ૨; ૧૫. ફૉહનામાવલિ.[ચ.શે.]