ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવાનંદ-૧

Revision as of 16:46, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવાનંદ-૧'''</span> [ ]: શિવભક્ત કવિ. સૂરતના વડનગરા નાગર. પિતા વામદેવ પંડ્યા. નાની વયે પિતાનું અવસાન થતાં કાકા સદાશિવ પંડ્યા પાસે રહી તેઓ મોટા થયા. પાછલી વયે તેમણે સં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિવાનંદ-૧ [ ]: શિવભક્ત કવિ. સૂરતના વડનગરા નાગર. પિતા વામદેવ પંડ્યા. નાની વયે પિતાનું અવસાન થતાં કાકા સદાશિવ પંડ્યા પાસે રહી તેઓ મોટા થયા. પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું નોંધાયું છે. કટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસાકરોને લીધે તેઓ પણ સંસ્કૃતના સારા વિદ્વાનિ બન્યા હતા. એક માન્યતા મુજબ તેઓ ઈ.૧૬૪૪ કે ઈ.૧૬૫૪ સુધી હયાત હતા અને અવસાન વખતે તેમનું આયુષ્ય ૮૫ વર્ષનું હતું. બીજી માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫૮૦થી ઈ.૧૬૪૪ દરમ્યાન થઈ ગયા. તેઓ ઈ.૧૭૫૪માં હયાત હતા એમ પણ નોંધાયું છે, પરંતુ પહેલી માન્યતા વધારે શ્રદ્ધેય જણાય છે. શિવભક્તિ એ શિવાનંદની કવિતાનો મુખ્ય વિષય છે. આરતી, ધૂન, કીર્તન, થાળ, તિથિ, વાર વગેરે સ્વરૂપે મળતાં ને વિવિધ રાગના નિર્દેશવાળાં કવિનાં આશરે ૨૨૫ જેટલાં પદો(મુ.) પ્રાપ્ત થયા છે. એમાં શિવ, પાર્વતી, ગણપતિ ને નંદી(વૃષભ)ની સ્તુતિ કરતાં પદોની સંખ્યા મોટી છે. કેટલાંક હનુમાનસ્તુતિનાં પદો છે. શિવપુરાણ અને સંસ્કૃત સાહિત્યમાં મળતાં શિવ, પાર્વતી આદિનાં સ્તોત્રો પર આધારિત આ પદોને કવિના સંગીતજ્ઞાન અને સંસ્કૃતજ્ઞતાનો ઘણો લાભ મળ્યો છે. શિવ અને પાર્વતી માટે કવિએ પ્રયોજેલા અનેક પર્યાયવાચી શબ્દો અને શબ્દાવલિમાંથી જન્મતા પદમાધુર્ય દ્વારા એ અનુભવાય છે. શિવાનંદ જનસમાજમાં વિશેષ જાણીતા છે એમની આરતીઓથી. તિથિસ્વરૂપે રચાયેલી એમની ‘જય આદ્યાશક્તિ, મા જય આદ્યાશક્તિ’ની આરતી ગુજરાતના ખૂણેખૂણે પ્રચલિત છે. કવિએ શક્તિની આરતી સિવાય શિવ, ગણપતિ, દ્વાદશલિંગ, દશાવતાર, ભૈરવ, હરિહર, હનુમાન વગેરેની પણ આરતીઓ રચી છે. કવિનાં શિવમહિમાનાં પદો પર પ્રેમલક્ષણા ભક્તિના સંસ્કારો પડ્યા છે. વસંતના હોળીખેલનનાં પદો ને હિંડોળાનાં પદોમાં જોવા મળતા શિવ જટાધારી ને તપસ્વી કરતાં પાર્વતી-વલ્લભ ને લીલા-વિલાસી પતિ કે વસંતની માદકતાને અનુભવતા શંકર વિશેષ છે. શિવસ્તુતિ કરવાનો બોધ આપતાં પણ કટેલાંક પદ કવિએ રચ્યાં છે. પદોની ભાષા પર હિંદીની અસર વરતાય છે. કૃતિ : ૧. ભણે શિવાનંદ સ્વામી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૬ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૨; ૪. બૃકાદોહન : ૩(+સં.), ૪, ૭(+સં.); ૫. ભસાસિંધુ; ૬. શ્રી શિવપદસંગ્રહ : ૧, પ્ર. અંબાલાલ શં. પાઠક તથા લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦. સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે.; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]