ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શેણી-વિજાણંદની ગીતકથા’

Revision as of 16:58, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘શેણી-વિજાણંદની ગીતકથા’'''</span> : વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા શેણી અને જંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘શેણી-વિજાણંદની ગીતકથા’ : વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા શેણી અને જંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉક્તિ રૂપે અને પછી શેણી વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહાઓમાં વિજાણંદના જંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુરાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ન ખમાતાં શેણીનું હિમાલય જઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું જંતર સાંભળતાં સાંભળતાં શેણીનું મૃત્યુ એવા કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યક્તિ સાંપડી છે. [જ.ગા.]