ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સદયવત્સવીર-પ્રબંધ’

Revision as of 13:23, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સદયવત્સવીર-પ્રબંધ’'''</span> : ભીમનો દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, છપ્પય વગેરે માત્રામેળ અને ક્યારેક અક્ષરમેળ છંદો ને ગીતના બંધવાળો ૬૭૨/૭૩૦ કડીનો સદયવત્સ/સૂદો અને સાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘સદયવત્સવીર-પ્રબંધ’ : ભીમનો દુહા, સોરઠા, ચોપાઈ, વસ્તુ, છપ્પય વગેરે માત્રામેળ અને ક્યારેક અક્ષરમેળ છંદો ને ગીતના બંધવાળો ૬૭૨/૭૩૦ કડીનો સદયવત્સ/સૂદો અને સાવલિંગા/સામલિનાં પ્રેમ અને પરાક્રમની કથાને આલેખતો આ પ્રબંધ(મુ.) ભાષા, છંદ સ્વરૂપ, ઇતિહાસ, ઇત્યાદિની દૃષ્ટિએ ઘણું મૂલ્ય ધરાવે છે. ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ કૃતિઓમાં સૌથી પહેલી આ કૃતિની જૂનામાં જૂની પ્રત ઈ.૧૪૩૨ની મળી આવી છે. એટલે આ પ્રબંધની રચના ઈ.૧૫મી સદીમાં થઈ હોવાનું અનુમાન છે. ઉજ્જયિનીનો રાજા પ્રભુવત્સનો પુત્ર સદયવત્સ કોઈ સગર્ભા સ્ત્રીને મદોન્મત્ત બનેલા જયમંગલ હાથીના પંજામાંથી બચાવવા માટે હાથીની હત્યા કરે છે. પ્રધાનની ભંભેરણીથી રાજા આ કૃત્ય બદલ સદયવત્સને દેશનિકાલ કરે છે. સાવલિંગાની સાથે ચાલી નીકળેલો સદયવત્સ વિવિધ પરાક્રમો કરી અંતે પોતાના રાજ્યને દુશ્મનના ઘેરામાંથી મુક્ત કરે છે એ આ પ્રબંધની મુખ્ય કથા કેટલીક અવાંતર કથાઓ વણી લઈને કહેવાઈ છે. લોકજીવનમાં પ્રચલિત વિક્રમકથાઓ સાથે સંબંધિત આ કથાની બે પરંપરામાં વીર, અદ્ભુત અને શૃંગારના નિરૂપણવાળી એક પરંપરા કવિની આ કૃતિમાં મળે છે. પાછળના ગુજરાતી કવિઓ સદેવંત-સાવલિંગાના પૂર્વેના આઠભવની કથાવાળી ને શૃંગારરસના પ્રાધાન્યવાળી બીજી પરંપરાને અનુસર્યા છે. તત્કાલીન સમાજનું ચિત્ર ઉપસાવતા આ પ્રબંધમાં વર્ણનો અને નિરૂપણમાં કવિની ભાષાશક્તિનું બળ અનેક જગ્યાએ અનુભવાય છે. પ્રભુવત્સના રાજકુલનું દુહામાં થયેલું વર્ણન, ગીત અને છંદના મિશ્રણથી થયેલું વરયાત્રાનું વર્ણન, ચિતામાં બળી મરવા તત્પર બનેલી સાવલિંગાની સોરઠામાં થયેલી અંતિમ પ્રાર્થના, રણમાં સદયવત્સ-સાવલિંગા વચ્ચે થતો સમસ્યામૂલક સંવાદ વગેરે એનાં દૃષ્ટાંત છે. જો કે કેટલુંક નિરૂપણ કવિએ પૂર્વપરંપરામાંથી લીધું હોવાની પૂરી સંભાવના છે. એમાં જોવા મળતું પ્રાકૃત અને અપભ્રંશના સંસ્કરવાળું ભાષા-સ્વરૂપ ભાષાના અભ્યાસીને અત્યંત ઉપયોગી નીવડે એવું છે.[જ.ગા.]