ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહદેવ-૧

Revision as of 11:59, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)


સહદેવ-૧ [ ] : ખોજાઓના પીરાણા કે મતિયાપંથના ગણાતા સહદેવ જોશી કે સતગોર સહદેવને નામે કેટલીક કૃતિઓ મળે છે. કવિનું નામ આજ હોય કે પછી એમણે આ નામે રચના કરી હોય એ બંને સંભવિતતા છે. ખોજાઓના સત્પંથમાં એક મોટા પીર સદ્દદ્દીન થઈ ગયા. એમના અપરનામ ‘સહદેવ’ અને ‘હરિશ્ચંદ્ર’ હતા. ‘ખટદર્શન’ નામે કૃતિ એમણે રચી હોવાનું નોધાયું છે. એટલે સંપ્રદાયની કોઈ વ્યક્તિએ આ નામથી રચનાઓ કરી હોય અથવા સદૃદ્દીનની કૃતિઓને ગુજરાતીમાં ઉતારી હોય. ‘મતિયાપંથ’ કૃતિ તથા મતિયાપંથ પરનાં કાવ્યો, ‘નકલંકી-ગીતા’, અરબીફારસી શબ્દોના પ્રભાવવાળી ૩૪૨ કડીની ‘ખટદર્શનની પડવી’, ૫૦૦ ગ્રંથાગ્રનું ‘આગમશાસ્ત્ર’, ‘સદ્ગુરુવાચા’, નિજિયા ધર્મનો મહિમા કરતું ૮ કડીનું ૧ ભજન(મુ.) તથા કળિયુગના આગમન અને તેના સ્વરૂપને વર્ણવતું ૭ કડીનું ‘આગમ’(મુ.) એ કૃતિઓ આ નામછાપવાળી મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૩. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુ; ઈ.૧૯૭૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છ. વિ. રાવળ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહયાદી; ૭. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]