સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/બહેનોને

Revision as of 11:52, 26 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પોતે કચરાઈ ગઈ છે અને અસહાય બની ગઈ છે, એમ બહેનોને આજે લાગે છે. સ્ત્રીની આબરૂની રક્ષાની એકમાત્રા બાંયધરી, બેઆબરૂ થવા કરતાં મરણ પસંદ કરતાં શીખવું એ જ છે. મારું બલિદાન કંઈ નહીં તો, મરણને માનભેર ભેટવાની કળા તેમને શીખવશે. એ વસ્તુ કદાચ દમન ગુજારનારાઓની આંખો પણ ખોલશે અને તેમના હૃદયને ઓગાળશે. કોઈ પણ ગાંડપણ દરમિયાન બહેનોને સૌથી વધારે સહન કરવું પડ્યું છે, એટલે તમારે માટે મારું હૃદય દ્રવે છે. પણ મને લાગે છે કે દોષમાંથી તમને સર્વથા મુક્ત કરી શકાય તેમ નથી. માતાઓ, પત્નીઓ તથા બહેનો તરીકેની તમારી પૂરી અસર તમે તમારા પુરુષો પર પાડી હોત, તો જે શરમજનક કૃત્યો બન્યાં તે અટકાવી શકાયાં હોત. એને બદલે કેટલીક બહેનોએ તો, તેમના પુરુષોએ પરકોમની બહેનો સામે કરેલા ગુનાઓને પોતાની કોમ સામે કરવામાં આવેલા ગુનાઓના યોગ્ય બદલા તરીકે સુધ્ધાં લેખ્યા છે! હું તમને ચેતવું છું કે તમારા પ્રિયજનોને ઘરની બહાર જે ‘નીતિમત્તા’ આચરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તે જ ‘નીતિમત્તા’ ઘરની અંદર પણ તેઓ આચરશે ત્યારે તેનાં માઠાં પરિણામો તમારે ભોગવવાનાં આવશે. પ્રાર્થનાસભામાં વિક્ષેપ નાખનાર બહેનો પર મને ક્રોધ નથી ચડતો; મને કેવળ દુઃખ થાય છે કે બહેનો કેટલી બધી ભોળી, કેટલી બધી અજ્ઞાન છે, કેટલી બધી સહેલાઈથી તેમને અવળે રસ્તે દોરી શકાય છે! એક જમાનામાં પરદેશી કાપડની દુકાનો તથા દારૂનાં પીઠાં આગળ પિકેટિંગ કરવા માટે પોતાનાં ઘરબાર, કુટુંબ અને બાળકો છોડીને હજારોની સંખ્યામાં હિંમતપૂર્વક બહેનો જ બહાર નીકળી પડી હતી; લાઠીમાર તથા અપમાનોનો મુકાબલો તેમણે જ કર્યો હતો; અને અત્યારની પરિસ્થિતિમાં પણ સૌથી વધુ યાતનાઓ તેઓ જ સહી રહી છે. તેમના પર હું ક્રોધ કેવી રીતે કરી શકું? ઊલટું, મારી પર ક્રોધ કરવાનો તેમને પૂરો હક છે. કેમ કે, પુરુષજાતે બહેનોને કચરી નાખી છે; મારી પોતાની પત્ની પર એક વખત જુલમ કરનાર હું, એ બરાબર જાણું છું.