સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ અં. દવે/ઝાકળબિંદુ સમાં

Revision as of 09:27, 27 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આ કવિતા છે બ્રાહ્મમુહૂર્તની. રાત્રીનો અંધકાર ચીરીને પ્રકાશ પ્રગટે અને પુષ્પ ઉપર ચળકવા માંડે તેવાં ઝાકળબિંદુઓ સમાં આ પ્રભાતિયાં છે. આ કાવ્યો ક્યારેક પ્હો ફાટીને અજવાળાં પ્રગટતાં લાગે, તો ક્યારેક મધુર લયથી પવન સાથે ડોલતાં ફૂલ લાગે, ક્યારેક માળા છોડી કલરવ કરતાં ઊડતાં પંખી લાગે. આ પ્રભાતિયાંમાં આદ્ય કવિ નરસિંહના પડઘા અને પડછાયા અવિરત ઝિલાયા છે. ક્યારેક તો એવો ભાસ થાય છે કે જાણે નરસિંહ અને તેના નાથનાં ગાન રટતાં રટતાં કવિનું માથું નરસિંહને ખોળે સહજ રીતે ઢળી પડે છે અને તે જે સમણાં જુએ તે આ પ્રભાતિયાં. આ કાવ્યોમાં ક્યાંય સર્જન-પરિશ્રમ વરતાતો નથી અને કવિ કીટ્સના શબ્દો યાદ આવે છે : “છોડ ઉપર પર્ણો ખીલે એમ કાવ્યો ન ખીલે, તો મારે કવિતાનો કશો ખપ નથી.” ટેકરીઓની વચ્ચેનું, પાનમ નદીને કાંઠેનું, હૈયામાં સમાઈ જાય એવું ખોબા જેવડું કવિનું ગામ. પણ પંદરમે વર્ષે પિતા ગુમાવ્યા, અભ્યાસ છોડયો અને અસહ્ય દારિદ્રયમાંથી મુક્ત થવા એ મુંબઈ પહોંચી ગયેલા. પ્હો ફાટે ત્યાં ધીમે ધીમે જાગતા ગામમાં ઘંટીઓના ગુંજન સાથે ગવાતાં પ્રભાતિયાંના સ્વરો કવિએ પોતાના અંતરમાં સંઘરેલા. તેથી શૈશવ અને તારુણ્યને દઝાડતી જીવનજ્વાળાઓને કવિતાનું અલૌકિક સૌંદર્ય જાણે ધોઈ નાખે છે અને વરસે છે આનંદહેલી. પ્રાચીન પ્રભાતિયાંના વિસરાતા સૂર ધ્વનિમોજાંઓની ભરતીરૂપે પ્રગટે છે. જીવનની બધી તડકી-છાંયડી કવિ વિસરી જાય છે અને જીવનસંધ્યાના ઓળાઓને અજવાળતું કાવ્ય-પરોઢ ક્યાંકથી ખીલી ઊઠે છે.