અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/યાદ

Revision as of 05:46, 26 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ, રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.

બે-ચાર પ્રસંગો છે જે હું ક્‌હેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ.

મૂંઝાઈ જઈશ હું, મને રસ્તા ન બતાવો,
રહી ગઈ છે હવે તો મને બસ, એક દિશા યાદ.

સામેલ તમે છો તો હું સુખ યાદ કરું છું,
નહિતર તો ભલા એને કરે મારી બલા યાદ.

એનાથી વિખૂટાય પડ્યા’તા અમે ત્યાંથી,
એથી જ રહી ગઈ એના મળવાની જગા યાદ.

જીવનમાં કદી સ્મિતની સામે નથી જોતાં,
છે જેમને, સંગાથમાં રડવાની મજા યાદ.

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારી કજા યાદ.

(ગઝલ-૧૦૧, સંપા. રમેશ પુરોહિત, પૃ. ૯૯)