સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/પરાકાષ્ઠા

Revision as of 11:37, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જ્યારે મેં જમના નદીને કિનારે બાલચંદ્રના ઝાંખા તેજમાં, મૂર્તિમાન સૌંદર્યસમા તાજમહાલને જોયો, ત્યારે મારા હૃદયમાં એવા અકથ્ય ભાવો ઊભરાયા હતા કે મને લાગેલું કે આથી વધારે લાગણી કદી ઉદ્ભવી જ ન શકે! પરંતુ જ્યારે હિમાલયનાં બરફથી છવાઈ ગયેલાં શિખરોની હારમાળાની વચમાંની ખીણોમાં ફેલાયેલાં કાશ્મીરનાં ફૂલખેતરો તથા ફૂલવનો મેં જોયાં, ત્યારે મારા મનમાં એવા તો અવર્ણનીય ભાવો ઉત્પન્ન થઈ આવ્યા, કે મને લાગ્યું કે લાગણીના ઊભરાની આ આખરી સીમા જ હશે. પણ જ્યારે મેં નાયગરાના ધોધનું ભવ્ય અને ગંભીર સૌંદર્ય અખૂટ પાણી સાથે વહેતું જોયું, જ્યારે મેં જાપાનમાં પરોઢનાં સ્વપ્ન જેવા ધુમ્મસથી અર્ધઢાંક્યા અને સુંદરતાની અવધિસમા ફુજિયામા પર્વતનાં દર્શન કર્યાં; ત્યારે મને સમજાયું કે સૌંદર્યનાં દર્શનથી જે લાગણીઓ હૃદયમાં ઊભરાઈ આવે છે, તેનું માપ કાઢવું મિથ્યા છે. છતાં તે લાગણીની પરાકાષ્ઠા પામવાની મને હોંશ રહી જ જતી. જ્યારે નિ:સ્વાર્થ સ્વર્ગીય પ્રેમની મૂર્તિનાં મને સાક્ષાત્ દર્શન થયાં, ત્યારે મેં સાચે જ માન્યું હતું કે જે પરાકાષ્ઠા હું શોધતી હતી, તે મને મળી રહી છે. પરંતુ, નાનકડા હાથપગ હવામાં ઉછાળતા, સોનેરી વાંકડિયા વાળવાળા, અને મોગરાના ફૂલના ઢગલા જેવા સુકોમળ મારા બાળકને જ્યારે મેં મારા ખોળામાં લીધો, ત્યારે જ મને સમજણ પડી ગઈ કે હૃદયની લાગણીની પરાકાષ્ઠા અનુભવવા જગતમાં દેશપરદેશ રખડવું વૃથા છે. નિ:સીમ આનંદની આ અણમૂલ પરાકાષ્ઠાનો અનુભવ કુદરતે કેટલો સુલભ બનાવ્યો છે! [‘વિનોદિની નીલકંઠના નિબંધો’ પુસ્તક]