સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપુલ પટેલ/નેનપુરના ગાંધી

Revision as of 07:17, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખેડા જિલ્લો એટલે આઝાદીના અનેક લડવૈયાઓની જન્મભૂમિ. એમાંય અમારું નેનપુર ગામ ગાંધીજીના એક વખતના સાથી, મજદૂરનેતા અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની કર્મભૂમિ. એવું જ અમારા નેનપુર ગામનું બીજું ગૌરવ તે ચંદુભાઈ પટેલ. ઉત્તમ શિક્ષક, આચાર્ય અને ગામલોકો જેમને ‘નેનપુરના ગાંધી’ ગણતા એવા ચંદુભાઈએ ૮મી જાન્યુઆરી(૨૦૦૫)ના મળસકે ચિરવિદાય લીધી. ચંદુદાદાએ કનીજ હાઈસ્કૂલમાં સાત વર્ષ સુધી મદદનીશ શિક્ષક તરીકે સેવાઓ આપી. સાથે આગળ અભ્યાસ ચાલુ જ હતો એટલે નેનપુરના પ્રથમ સ્નાતક થવાનું ગૌરવ એમણે પ્રાપ્ત કર્યું. ૧૯૬૨માં ગામના સદ્ગૃૃહસ્થોના સહકારથી અહીં વિનય મંદિરની સ્થાપના કરી. શાળાની સ્થાપના કરી ત્યારે આરંભે સેવકથી માંડી આચાર્ય સુધીની કામગીરી બજાવી. ગામમાં યુવકમંડળ, શ્રમયજ્ઞ, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એખલાસ, સાક્ષરતાથી માંડીને વહેમ અને અંધશ્રદ્ધાનિર્મૂલનની પ્રવૃત્તિઓ તેમજ વૃક્ષઉછેર, બાળલગ્નમરણોત્તર જમણવાર વિરોધી ઝુંબેશ વગેરે કામો શરીર ચાલ્યું ત્યાં સુધી કરતા રહ્યા. ‘ગાંધીજીનો અક્ષરદેહ’, ‘ગીતા’, ‘કુરાન’, ‘બાઇબલ’, ‘ઉપનિષદો’ તેમજ સમાજસુધારકોનાં જીવનચરિત્રોનું વિશાળ વાચન હતું. એ બધું ૧૮ જેટલી ડાયરીઓમાં કાવ્યમય બાનીમાં એમણે નોંધ્યું છે. એમના ખિસ્સામાં ચોક હોય જ, જ્યાં જગ્યા જુએ ત્યાં પ્રેરણાદાયી સૂત્રો લખે ત્યારે જ એમને જંપ વળે! નમ્રતા તો એમના રોમેરોમમાં. નાનાં બાળકને પણ ભાઈ કે બહેન કહીને બોલાવે. રોજ સવારે વહેલા રેલવે સ્ટેશને જઈને પોતાને માટે તેમજ સોસાયટીના રહીશો માટે છાપાં લઈ આવે. ૨૬મી જાન્યુઆરી હોય કે ૧૫મી ઓગસ્ટ, શાળામાં ભરવાડબહેનના હાથે ધ્વજવંદન કરાવે. જાહેર સમારંભમાં અંગકસરતના પ્રયોગો કરી બતાવે. ૭૨ વર્ષનો ‘યુવાન’ ડોસલો નવયુવાનને શરમાવે એવી સ્ફૂર્તિ દાખવે! શાળામાં ૨૨ સામયિકો આવે, એનો અભ્યાસ કરે. શિક્ષકો સાથે ચર્ચા કરે. વડા પ્રધાનપદે વાજપેયી હોય કે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો, કંઈક વિચાર આવે કે તરત એમને પત્ર લખ્યો જ હોય! જ્યારે શિક્ષકોએ સમગ્ર ગુજરાતમાં હડતાળ પાડેલી ત્યારે ચંદુદાદાએ નેનપુરમાં શિક્ષણકાર્ય ચાલુ જ રાખેલું! [‘નયા માર્ગ’ પખવાડિક: ૨૦૦૫]