સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંતબાલ/સર્વ વાદનો સરવાળો

Revision as of 10:46, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભારતની પ્રજા આજે અનેક વાદોની નાગચૂડમાં ફસાયેલી છે. એ બધા વાદોનો સરવાળો હું બે જ વાદમાં કરું છું : તકસાધુવાદ અને સમન્વયવાદ. આ બે વાદોમાં ભારતીય જનતાની જંગી બહુમતી તકસાધુવાદ તરફ છે. છાપાંથી માંડીને સંન્યાસીઓ સુધ્ધાંની ગણતરી કરશું તો એમની બહુમતી પણ આ વાદમાં જ આવશે. તકસાધુવાદને ફૂલવાફાલવા માટે આજે બહુ વિશાળ ક્ષેત્ર મળી ગયું છે. સુધારક સ્ત્રીઓની સભામાં તકસાધુ હાથ પછાડીને કહેશે : “અમે પુરુષોએ આજ સુધી શાસ્ત્ર ને ધર્મને ઓઠે તમને અગણિત અન્યાય કર્યા છે, તેનું અમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” સનાતનીઓની સભામાં પાછા એ જ ભાઈ મોટું તિલક કાઢીને જશે અને બોલશે : “આ ધર્મભ્રષ્ટ સરકારે ધર્મને રસાતાળ કાઢ્યો.” પછી આંખમાં ઝળઝળિયાં લાવીને કહેશે : “મારું ચાલે તો ધર્મને ભ્રષ્ટ કરનારા આ કાયદાઓને એક જ તડાકે ઉડાવી દઉં ને રામરાજ્ય સ્થાપી દઉં.” આપણે જરાક નજર ફેરવીને જોઈશું તો ચોમેર આ તકસાધુવાદીઓની દોડમદોડ નજરે ચઢશે. બીજો વાદ તે સમન્વયવાદ, પણ આજે તો સમન્વયવાદી એકલો અટૂલો પડી જશે. એને નહીં માને સરકારી તંત્ર, નહીં માને ખેડૂતો, નહીં માને કારખાનાંના મજૂરો. સમન્વયવાદી પોતાના સિદ્ધાંતની રક્ષા કરતો કરતો અતિનિકટના સાથીઓનો સંગાથ છોડીને આગેકદમ ભરતો હશે, તો તકસાધુવાદી બીજાઓને ખુશ કરીને ખિસ્સાં ભરવાની જ વેતરણમાં ભમતો હશે. એ તકસાધુવાદીને જરાક જ ચકાસીએ તો તે ઉઘાડો પડી જાય. પણ નાનાંમોટાં સહુ તકવાદી હોય, ત્યાં કોણ કોને કહે? [‘વિશ્વવાત્સલ્ય’ પખવાડિક : ૧૯૫૧]