સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુંદરજી બેટાઈ/નહુંઝાઝુંમાગું

Revision as of 11:47, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ન હું ઝાઝું માગું
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડ્યા,
સહું સકલ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ—ન એવું કદી બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જીવન છો ને વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને;
બસ, સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદીય એવું પણ બને:
હું જેવાની રાખે જનમભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
હૃદય ગરવે મત્ત ન બને,
મન નવ ચઢે તર્કચકવે;
બસ, મરણનું એવું બલ દે.
[‘ઇન્દ્રધનુ’ પુસ્તક]