સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/‘કલાપી’ની કવિતા

Revision as of 12:48, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)

પોતાની કવિતા અંગેની ‘કલાપી’ની કેફિયત જોઈએ : “લખાય છે તો ઘણાં [કાવ્યો], પણ તે લખાયા પછી મને સંતોષ થતો નથી. ઘણી વખત લખવાની કાંઈ જરૂર નથી એમ લાગી આવે છે. મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું, એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી; મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થાય છે જાણે મારી કવિતાને બાળી નાખું.” ‘કલાપી’ની જે કૃતિઓ સંપૂર્ણ કલામય છે તે અનાયાસે, સહજ રીતે, ‘કલાપી’ની યથેચ્છ લખવાની રીત છતાં, in ‘pite of the poet, રચાઈ ગયેલી કૃતિઓ છે. ‘કલાપી’ની અનેક ગઝલો, ઘણાં ખંડકાવ્યો, ઘણાં પ્રણયકાવ્યો સુરેખ અણીશુદ્ધ કૃતિઓ છે. બીજી એવી ઘણી કૃતિઓ છે જે થોડીક કાપકૂપથી, વધઘટથી, ક્યાંક શબ્દ સુધારી લેવાથી, ક્યાંક કલ્પનાને સંયમવાથી સહેજે સારી કૃતિઓ થઈ શકી હોત. સહેલાઈથી દૂર થઈ શકે તેવા આ દોષો ‘કલાપી’ની કૃતિઓમાં રહી જવાનાં કારણો પણ ‘કલાપી’ની કેફિયતમાંથી જ મળી આવે છે. ‘કલાપી’ને “વિચારોને સુંદર સંગીતમાં મૂકતાં શ્રમ લાગે છે.” ઘણી ખરી શિથિલ કૃતિઓ આ શ્રમ લેવાની અશક્તિને લીધે તેવી બની છે. કલાનું સર્જન એ સાહજિક છે, પણ એ સાહજિકતા સિદ્ધ થાય તે પહેલાં પ્રયત્નની-સાધનાની લાંબી તપશ્ચર્યામાંથી કળાકારે પસાર થવાનું હોય છે. કળાકારના ટાંકણામાંથી સંપૂર્ણ ઘાટ જન્મી શકે તે પહેલાં તેણે કેટલીયે મૂતિર્ઓ ઘડીને ભાંગી નાખવાની હોય છે. ‘કલાપી’ એ પ્રાથમિક સાધનામાંથી બહુ પસાર થયા નથી. ‘કલાપી’ની કૃતિઓમાં કળાની અપૂર્ણતા લાવનારાં તત્ત્વોમાં મુખ્ય છે લાગણીનો અસંયમ. “માત્ર લાગણીઓ”થી કવિતા બની જતી નથી. કવિતાનો આવેગ આવતાં ‘કલાપી’ લખવા બેસે છે, અને લખ્યે જ જાય છે. લીટીઓ ઉપર લીટીઓ લખાયે જ જાય છે. ક્યાં અટકવું, ક્યાં ટૂંકાવવું, ક્યાં નિરૂપણમાં જરા વિચાર કરવો, યથાકાલે સમાપન સાધવું, બધું તપાસી જવું અને જરૂર હોય ત્યાં સુધારી લેવું, એ ‘કલાપી’ માટે શક્ય લાગતું નથી. પરિણામે ‘કલાપી’નાં કેટલાંક કાવ્યોમાં લાગણીઓ છે, પણ રસ નથી. લાગણીનો સપ્રમાણ વિન્યાસ સાધી તેને કળાની ઘનતા આપવી જોઈએ, તે ‘કલાપી’થી થઈ શકતું નથી. આવેશની અંદર કેટલીક જોરદાર લીટીઓ લખાઈ જાય છે. પણ એ ઊંચાઈ ‘કલાપી’થી ઘણી વાર જળવાતી નથી. આ રીતે ‘કલાપી’ સંપૂર્ણ કળાકાર નથી. કળા માટે સંયમ, લાગણીનું તાટસ્થ્ય એક પ્રથમ આવશ્યકતા છે, એ વાત ‘કલાપી’ના ધ્યાન બહાર રહી ગઈ છે. ‘કલાપી’નું એવું તો ભાગ્યે જ કોઈ કાવ્ય મળી આવશે જેમાં સૌંદર્યનો-કળાની ચમત્કૃતિનો-ક્યાંક પણ સ્પર્શ ન આવ્યો હોય. પણ ‘કલાપી’ની જેટલી કળા છે તે આપોઆપ પ્રકટેલી, કવિપ્રતિભાના ભાનપૂર્વકના સંયમન વિના જે કાંઈ જન્મી શકી તે છે. ‘કલાપી’ની બાનીમાં એક જાતની સરળતા છે. પ્રવાહિતા છે, પ્રાસાદિકતા છે. એનું માધુર્ય કોઈને સ્પર્શ્યા વગર રહ્યું નથી. બોલચાલની ભાષાની મધુરતા ‘કલાપી’માં ઘણી જોવામાં આવે છે. ‘કલાપી’નાં કાવ્યો તમામ ભાવોને વાચ્ય કરીને મૂકે છે. છતાં તેની મનોરમતા નાશ પામતી નથી. ઊલટું, આ ધ્વનિની ગૂઢતાનો અભાવ એ જ ‘કલાપી’ને લોકપ્રિય બનાવવામાં મોટું કારણ છે. ‘કલાપી’નાં કાવ્યોમાં શબ્દાર્થને જેટલી સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે, તેટલી જ સહેલાઈથી એના ભાવને પણ ગ્રહણ કરી શકાય છે. ‘કલાપી’નાં કાવ્યોની બીજી એક લાક્ષણિકતા તે વચ્ચે વચ્ચે આવતી સૂત્રાત્મક ચિંતનાવલી છે. આ કારણને લીધે ગુજરાતમાં વધારેમાં વધારે અવતરણક્ષમતા કોઈની કવિતા ધરાવતી હોય તો તે ‘કલાપી’ની છે. કેવળ સાહિત્યમાં જ નહીં, પણ વ્યક્તિઓના, યુવક-યુવતીઓના અંગત પત્રોમાં પણ ‘કલાપી’ની પંક્તિઓ તેમના પ્રેમનું આલંબન બનેલી છે. ‘કલાપી’ની કૃતિઓનું સર્વોચ્ચ લક્ષણ છે તેની અનુપમ સુરેખ ચિત્રણશક્તિ. નિસર્ગનાં દૃશ્યો આલેખવામાં, માનવ પ્રસંગો રજૂ કરવામાં, મનોભાવોને શબ્દબદ્ધ કરવામાં ‘કલાપી’ બહુ કુશળતા દાખવે છે. ચિત્રકારને આખા ચિત્રની સામગ્રી પૂરી પાડે તેવાં દૃશ્યો ‘કલાપી’ એકાદબે પંક્તિમાં જ આપી દે છે :

ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી.


ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે.


ભરાયું એ જ્યારે ગિરિખડકમાં શૃંગ શશીનું.


સૂતું નીલવરણું ઘાસ, ઝાકળ મોતીડાં ચોપાસ.


આ વર્ણનોમાં યે સ્પર્શનાં મધુર વર્ણનો ખાસ ધ્યાન ખેંચે તેવાં છે :
બાલ એ વીરને મોંએ હસ્ત માતાતણો ફરે.


કૂંળી સંધ્યા છ વરસની એ બાપડી કન્યકાના
ગાલે ઓષ્ઠે શરીર ઉપરે ફેરવે હસ્ત સ્નેહે.


ઊગી તેને શિરે ચળકતી રૂપાળી શીંગડીઓ :
ઋષિની પીઠે એ કરતી ચળ ન્હાની કુમળીઓ.

‘કલાપી’એ મુખ્યત્વે પોતાનું હૃદય જ કવિતામાં ગાયું છે. અને એ ગાન પ્રણયનું છે. એ પ્રણયના સંવેદનનું ગાન, ઘણે ઠેકાણે પૂરતું કળામય નથી છતાં, ગુજરાતમાં અપૂર્વ છે. ગુજરાતી સાહિત્યમાં ‘કલાપી’નાં જે કાવ્યો વધારે વખત વંચાશે, અને જેને આપણે બાળકો ને કિશોરો આગળ વિશ્વાસપૂર્વક મૂકી શકીશું, તેમાં ખંડકાવ્યોનું પ્રમાણ મોટું રહેવાનું. આ ખંડકાવ્યોમાં ‘હમીરજી ગોહેલ’નું કાવ્ય સૌથી મહત્ત્વનું છે. એના માત્ર ચાર સર્ગ જ લખાયા છે. ‘કલાપી’ને આ કાવ્ય પૂરું કરવાનો બહુ જ ઉમંગ હતો; પણ તે ન બની શક્યું. ત્રીજો સર્ગ નબળો છે. ચોથા સર્ગમાં વચ્ચે અંદર દાખલ કરેલી બીજી બિના પણ પ્રમાણ બહારની છે. એ બધું છતાં આ કાવ્યમાં મહાકાવ્યની સમૃદ્ધિ છે, વિશાળતા પણ છે. જો ‘કલાપી’ને હાથે એ પૂરું થયું હોત, તો તે ગુજરાતનું એકમેવ મહાકાવ્ય બની શકત. પણ એ જેટલું છે એટલી સારી કૃતિ પણ હજી આપણા મહાકવિઓ આપી શક્યા નથી. [‘અવલોકના’ પુસ્તક]