સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિવલ્લભ ભાયાણી/સંસ્મરણો

Revision as of 09:49, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ત્યારે ચોમાસાના ચાર મહિના કેવા ચેતનથી ઊભરાતા હતા! કેટલા ભાતીગળ! કેટલા સભર! ઉત્સવો, વ્રતો ને પર્વણીઓ. કથાવાર્તા, ગીતજોડકણાં ને રાસગરબા. પૂજાપાઠ, હોમજાપ ને દર્શનભજન. મેળામેળાવડા ને નાચગાન. ખાણીપીણી ને સાજશણગાર. એ હતું ચોમાસું ને એ હતો ચાતુર્માસ. દેવપોઢી એકાદશીથી દેવ ઊઠી એકાદશી. ભીમઅગિયારથી લઈને દેવદિવાળી સુધી. દેવપોઢી એકાદશીએ, અષાડ સુદ અગિયારશે, બપોરે બે-અઢી વાગ્યે ડબગર શેરીમાં આવેલા ખાખી બાવાના મઠમાંથી પહેલવહેલું નગારું ધણધણે. રોજ સવારના ચારપાંચ વાગ્યાથી દિવસ શરૂ કરતાં દાદીમા બપોરે થોડાંક આડે પડખે થયાં હોય. આઘેથી નગારાનો ધણધણાટ કાને પડતાં તરત ઊઠીને બહાર જવાનો સાડલો પહેરે. ત્યાં તો જીવી ગોરાણી, કાશીકાકી કે મણિકાકીનો સાદ પડે. પાંચેક વરસના દીકરાના દીકરાને આંગળીએ વળગાડીને દાદીમા એ બેચાર આધેડ વિધવા પાડોશણોની સંગાથે ભાગવતી કથા સાંભળવા બાવાના મઠમાં પહોંચી જાય. ત્યારથી તે ઠેઠ દેવદિવાળી સુધીના ચાતુર્માસનો આ તેમનો વણતૂટ્યો નિત્યક્રમ. મઠમાં પાકટ વયના ત્રીસેક શ્રોતાજન. અડધી સ્ત્રીઓ, ચારપાંચ બાળક. વ્યાસપીઠ પર કાળિદાસ ભટ્ટ બિરાજમાન હોય. ગોરો વાન. કાંઈક સ્થૂળ કાયા. અધખુલ્લા શરીર પર જનોઈ. આડું સફેદ ઉપરણું. ભરેલું, ગોળ, તેજસ્વી પ્રસન્ન મુખ. ઊચા કપાળ પર ત્રિપુંડ ને વચ્ચે મોટો લાલ ચાંદલો. લાંબી, ઘાટી, છેડે ગાંઠવાળી શિખા. ગળામાં રૂદ્રાક્ષમાળા. જન્માષ્ટમી જેવા પર્વના દિવસે ગળામાં ગુલાબી કરેણની ફૂલમાળા, કાને ફૂલનાં કુંડળ, બાવડે ફૂલનાં કડાં. આખા ખંડને ભરી દેતા, સૂરીલા, ગંભીર કંઠે કથાના શ્લોક વાંચે. લલકારે. વિવરણ કરે. આખ્યાન કહે. દૃષ્ટાંતો કહે. સ્તોત્ર ને ગીતની પંકિતઓના મનોરમ લય એમને કંઠેથી ઝરણાંની જેમ જ્યારે વહી આવતા, ત્યારે ભાવિક શ્રોતાઓ રોમાંચિત ને ગદ્ગદિત થઈ જતા. દાદીમાને પડખે કે ખોળામાં બેઠેલા શિશુ પૌત્રનું નાનકડું, ઊઘડતું ચિત્ત અહીં રોજિંદા સંસ્કારથી સાવ અનોખા વિવિધ શ્રાવ્યદૃશ્ય સંસ્કારો ને ભાવો ઝીલે. અવારનવાર તરબોળ બને. શ્લોકનું ગૂંજન ને ગાન. કથાકથનના રાગરંગી આરોહઅવરોહ. પ્રસંગે થતી આરતી. શ્રોતાઓના ભાવુક ને ભાવિક પ્રતિભાવ. ભટ્ટમહારાજની ગરવી, શાંત પવિત્રતાનો ભાવ પ્રેરતી મુદ્રા. વચ્ચે ભટ્ટ પહોરો ખાય ત્યારે ગવાતાં ધોળના ઢાળો ને પંકિતના ટુકડા. મઠમાં ગુલાબી ને પીળી કરેણ ને મોગરા જેવાં ફૂલો ને તુળસીપાન. કથાની પૂર્ણાહુતિનું ‘અચ્યુતં કેશવં શ્રીરામનારાયણં’... મઠમાં પેસતાં ડાબી બાજુની ઊભણી પર બેઠેલો મઠનો બાવો અબોધ બાળમનમાં ડર, ધાક ને અહોભાવનો સંચાર કરતો. આગળ ધૂણી ધખતી હોય. બાજુમાં ત્રિશૂળ. શરીરે, મોઢે ને જટા પર ભભૂત. ગાંઠગૂંચવાળી, શિખર જેમ વીંટાળેલી જટા. તેના ફરતી રૂદ્રાક્ષની માળાઓ. બે સાગરીતો ને ભક્તો અડખેપડખે બેઠા હોય. અધબીડી, રતાશપડતી આંખે ચલમની ઘૂંટ લેવાતી હોય. ભાગ્યે કશી બોલચાલ. ને એ બાવાથીયે વધુ ડરામણું, મઠના આંગણાને છેવાડેનું, બાવાને સમાધિમાં બેસવાનું ભોંયરું; ઘાસછવાયું, ઓઝીસાળાવાળું, બંધિયાર, અંધારિયું. કોઈ કોઈ કથાતંતુની સાથે પણ પૌત્રનું શિશુચિત્ત સંધાતું. બાળકૃષ્ણનાં મસ્તીતોફાન, ગોપીઓનાં લાડ. ખાંડણિયો તાણતા, પૂતનાનો જીવ ચૂસતા, કાલીનાગ નાથતા, ગોવર્ધન ઊચકતા, ગોપીઓનાં લૂગડાં સંતાડતા કૃષ્ણ. પ્રહ્લાદને પહાડ પરથી પછાડતો ‘હરણાકશ’ હિરણકશ્યપ. ધગધગતા છતાં ઉપર ચાલતી કીડીહારવાળા થંભને બાથ ભીડતો બાળ પ્રહ્લાદ. હિરણ્યકશ્યપને નખે કરી ચીરી નાખતા નરસિંહ ભગવાન. એક પગે ઊભો રહી, પછી તો પવન પીને તપ કરતો નાનકડો ધ્રુવ. ત્રણ પગલાં ભરતા ને બળિરાજાને પાતાળમાં ચાંપતા વામન ભગવાન. નાગનાં નેતરાં ખેંચી દરિયો વલોવતા દેવદાનવ. દેવોને અમૃત વહેંચતી મોહિની. રાહુનું માથું ઉડાડી મૂકતા વિષ્ણુ. અંતકાળે દીકરા નારાયણને સાદ પાડતો અજામિલ. હરણના બચ્ચાને પાળતા, પાલખી ઊચકાતાં ઠેકડા મારતા જડભરત. યયાતિ, શમિર્ષ્ઠા. ધુંધુમાર... એવું એવું થોડું થોડું મન પર છવાઈ જતું. રીઢા શ્રોતાઓથી માંડીને સંવેદનશીલ, અવિકસિત બાળમાનસ સુધીની બધી રુચિઓને એ ચાતુર્માસી કથાના રસથાળમાંથી ભાવતાં ભોજન મળી રહેતાં.