સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘હરિશ્ચંદ્ર’/વર્કશોપ

Revision as of 09:53, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું એમ.બી.બી.એસ.ના પહેલા વરસમાં છું. મારો મિત્ર ઉમેશ એની પત્નીને લઈને હોસ્પિટલમાં બતાવવા આવ્યો. એને ડાબા હાથપગમાં ભારે ઝણઝણાટી અને નબળાઈ રહ્યા કરતી હતી. દોઢસો-બસોનો ધુમાડો થઈ ચૂક્યો હતો. હવે થાકીને હોસ્પિટલમાં આવેલો. હું સીધો ન્યૂરો-સર્જરીમાં લઈ ગયો. ડોક્ટરે ઘૂંટણ પર ધીમે ધીમે હથોડી ઠોકીને જોયું. ‘રીફલેક્સીસ’ અસામાન્ય હતા. આંખો જોઈ. કેટલાક સવાલ કર્યા પછી કેસ-પેપર ઉપર લખી દીધું: “રિફર્ડ ટુ ન્યુરોલોજી.” ત્યાં ઘણી ભીડ છતાં મારો સફેદ કોટ જોઈ તુરત નંબર લાગ્યો. તપાસ બાદ અભિપ્રાય મળ્યો: “ખાસ કંઈ નથી. છતાં સાઇક્યાટ્રિકમાં બતાવી જુઓ.” ભાભીએ હસીને પૂછ્યું, “અહીં આવા કેટલા વિભાગ છે?” સાઈક્યાટ્રિકમાં અનેક સવાલો પૂછવા માંડ્યા. શરૂમાં તો ભાભી સ્વાભાવિકતાથી જવાબ આપતી રહી. પછી ગૂંચવાઈ. ઉમેશ મદદે આવ્યો. આખરે ડોક્ટર બોલ્યા: “આમ તો કાંઈ નથી જણાતું. છતાં દાખલ કરી દો. એકાદ દિવસ ‘વોચ’ કરીએ.” હોસ્પિટલમાં ભરતી થવાનું નામ પડતાં બંને શિયાંવિયાં થઈ ગયાં. એમને હતું, જરા બતાવીને દવા લખાવી લઈશું. ઘેર નાનાં છોકરાં. પણ મેં સમજાવ્યાં કે, “એક વાર બધું ચેક-અપ થઈ જાય, અને હું અહીં છું જ. ઉમેશ વચ્ચે વચ્ચે આવી જશે તો ચાલશે.” બીજે દિવસે સાંજ સુધી ‘વોચ’ ચાલતી રહી. ભાભી હસતાં હસતાં કહે, “હું તો તંગ આવી ગઈ છું. સફેદ કોટ પહેરેલાં છોકરા-છોકરીનાં ટોળાં આવે છે: શી તકલીફ છે? ક્યારથી છે? ક્યાં છે?—અને મારો તો ઘૂંટણ છોલાઈ ગયો!” “ગભરાવ નહીં. કાલે તો તમને ઘર ભેળાં કરશું.” ત્રીજે દિવસે ગયો, તો ભાભીનો ચહેરો ઊતરેલો હતો. રાતથી માથામાં ભારે દુખાવો હતો. પણ ડોક્ટર કહે, “બીજાં કોઈ લક્ષણ નથી. જોઈએ તો મેડિસિનમાં રિફર કરી જુઓ.” અને મને જરા બાજુએ લઈ જઈ સમજાવ્યું: “બિલકુલ ઠીક છે. કદાચ બધાંને પરેશાન કરવા જ નાટક કરી રહી છે. લાગે છે કે ઘરમાં એની સાવ ઉપેક્ષા થતી હશે.” “સર, હું એમને સારી રીતે ઓળખું છું. સાસુ, નણંદ કોઈ નથી. દાંપત્યજીવન ખૂબ પ્રસન્ન છે.” “મિસ્ટર, તમે સમજતા નથી! ઉપર-ઉપરથી ભલે ઠીકઠાક દેખાતું હોય, છતાં મનમાં કાંઈક હોય. એને એકલી છોડી દો. મનફાવે તેમ વર્તવા દો. આપમેળે સાજી થઈ જશે. છતાં મેડિસિનમાં બતાવવું હોય તો બતાવી જુઓ.” મેડિસિનમાં સાઈક્યાટ્રિકનો રેફરન્સ જોઈ ડોક્ટર બોલ્યા, “એમને ન્યુરોસર્જરીમાં કાં નથી દેખાડતા?” “ન્યુરોસર્જરી અને ન્યુરોલોજી બેઉમાં દેખાડી ચૂક્યા.” “તો ભરતી કરી દો. લોહી-પેશાબ-ઝાડો તપાસીએ. એક્સ-રે લઈએ. પછી કાંઈક ખબર પડે.” ભાભી તો ઊકળી ઊઠી: “મારે હવે અહીં નથી રહેવું. આટઆટલા ડોક્ટરો, અને એકે પણ ઉપચાર ન કર્યો!” “પણ ભાભી, કારણ સમજાયા વિના કેવી રીતે દવા દે?” અને માંડમાંડ સમજાવીને વધુ એકાદ અઠવાડિયું રાખ્યાં. વચ્ચે એક દિવસ એક્સ-રેમાં કામ કરતો ટેક્નિશિયન મિત્ર પૂછવા લાગ્યો, “તમારાં સગાં કોઈ દાખલ થયાં છે?” મેં ભાભીની બધી વાત કરી. સાંભળીને એ હસતો હસતો બોલ્યો: “આટલી ઊઠવેઠ કરી તેના કરતાં આમાંના એકાદ ડોક્ટરને ઘેર જઈ બતાવવું હતું. વીસ રૂપિયા ફી લઈને દવા લખી દેત... અરે, આ તો એક વર્કશોપ છે. અને કોલેજના મોટા ભાગના ડોક્ટર મશીન જેવા. અમારું મશીન જેમ ‘ઇકેજી’ ન કરી શકે તેમ ‘ઇકેજી’નું મશીન એક્સ-રે ન કાઢી શકે. અહીંના ડોક્ટરે જરીક કાંઈક બીજું લક્ષણ જોયું કે દરદીને તગડી મૂકશે બીજા ડિપાર્ટમેન્ટમાં. એટલે પછી એને હાશ!” ને રાતે પહોંચ્યો ત્યારે ભાભી બેહોશ! હું ગભરાયો. નર્સને બોલાવી. એણે અસહાય નજરે જોઈ મને કહ્યું, “બાજુના ઓરડામાં જુઓને, ડોક્ટર હશે.” હું રઘવાયો-રઘવાયો બે-ત્રણ વોર્ડ ફરી આવ્યો. નર્સ તો પોતાની ખુરશીમાં શાંતિથી બેઠી હતી. “ક્યારથી આમની આવી હાલત છે? સાંજે તો ખુશખુશાલ હતી.” નર્સ ખામોશ રહી. ત્યાં વોર્ડના બીજા છેડે ડોક્ટર દેખાયા. મેં દોડીને ભાભીની બેહોશીની ખબર આપી. એ પોતાની સામાન્ય ચાલે જ ભાભીની પથારી પાસે આવ્યા. નાડી જોઈ. છાતી તપાસી. એમના ચહેરા પર કાંઈક ઉદ્વિગ્નતા દેખાઈ. ભાભીને ઢંઢોળી પછી બોલ્યા, “શી ઇઝ ઈન કોમા.” (એ બેભાન અવસ્થામાં છે.) બે ઘડી કાંઈક વિચારી, હાથેથી પાંપણ ખોલી ટોર્ચથી આંખો જોઈ. પછી એકદમ નિશ્ચિંતતાનો શ્વાસ લઈ બોલી ઊઠ્યા: “આઈ સી! શી હેઝ બ્રેઈન ટ્યૂમર—” જાણે એમના માથેથી બોજ ઊતરી ગયો! મદદનીશને સૂચના આપી એ જતા રહ્યા: “તુરત ઇમરજન્સી ઓપરેશન થિયેટરમાં ટ્રાન્સ્ફર કરી દો.” નર્સ ઇંજેક્શન તૈયાર કરી રહી હતી. જુનિયર ડોક્ટરે નાડ હાથમાં પકડી. ભાભીને જરીક ઢંઢોળી જોઈ. પછી હાથ આસ્તેથી મૂકી દઈ બોલ્યા, “હવે કાંઈ જરૂર નથી. હું દિલગીર છું. શી ઈઝ...” મને અંધારાં આવી ગયાં. હું એકદમ બરાડી ઉઠ્યો, “નહીં નહીં, ડોક્ટર! કાંઈક કરો—” એમણે લાલ ધાબળો ભાભીના માથા સુધી ખેંચી લીધો. મારી પીઠે હાથ ફેરવતાં સહાનુભૂતિના સ્વરમાં બોલ્યા: “સ્વસ્થ થઈ જાવ. તમે તો મેડિકો છો. લાગણીવશતાથી બચવું જોઈએ. આવા કેસમાં આમ જ બને છે—કોમા પછી બચવાના ચાન્સ બહુ ઓછા!” [મુહમ્મદ તાહિરની હિન્દી વારતાને આધારે: ‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૮]