સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ભાવિ

Revision as of 12:00, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



સતને મારગ જાનારાંને
યાદ આવશે ગાંધી;
પ્રેમપરબ-જળ પાનારાંને
સાથ આપશે ગાંધી.

ભર અંધારે તરનારાંને
હાથ આપશે ગાંધી;
ધખધખ વગડે ઝરનારાંને
યાદ આવશે ગાંધી.

હૃદય-હૃદયનાં ગૂંથનારાંને
યાદ આવશે ગાંધી;
ખડક ખીણ રણ ખુંદનારાંને
હામ આપશે ગાંધી.

સહજ ઈશારે ઉઠનારાંને
કામ આપશે ગાંધી;
અજાણ ફોરમ સૂંઘનારાંને
યાદ આવશે ગાંધી.

ઘરઘર મંગલ ભરનારાંને
યાદ આવશે ગાંધી;
મહેનત મનભર કરનારાંને
છાંય આપશે ગાંધી.

એકલ ઊંચે ઊડનારાંને
બાંહ્ય આપશે ગાંધી;
કોટિ કોટિ સહ ઝુમનારાંને
યાદ આવશે ગાંધી.

ફના થઈને ગાનારાંને
યાદ આવશે ગાંધી;
મશાલ જાતે થાનારાંને
સાથ આપશે ગાંધી.
[‘અભિનવ ભારતી’ માસિક : ૧૯૬૯]